રજનીગંધા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1974, ભાષા : હિન્દી, રંગીન. નિર્માણ-સંસ્થા : દેવકી ચિત્ર. દિગ્દર્શન, પટકથા, સંવાદ : બાસુ ચૅટરજી. કથા : મન્નૂ ભંડારીની ટૂંકી વાર્તા ‘યહ સચ હૈ’ પર આધારિત. ગીતકાર : યોગેશ. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : વિદ્યા સિંહા, અમોલ પાલેકર, દિનેશ ઠાકુર, માસ્ટર ચીકુ, નરેશ સૂરી.

સામાન્ય મધ્યમવર્ગની સમસ્યાઓ અને હાડમારી તથા તેમની માનસિકતાનું નિરૂપણ કરતા આ ચિત્રે વ્યાવસાયિક સફળતા મેળવતાં દિગ્દર્શક બાસુ ચૅટરજી એટલું પુરવાર કરી શક્યા હતા કે ઓછા ખર્ચે પણ સારાં, સ્વચ્છ અને વ્યાવસાયિક ચિત્રો બનાવી શકાય છે. આ ચિત્રની સફળતાએ પછીથી આવાં ચિત્રો બનાવવા માટે ઘણા સર્જકોને પ્રેર્યા હતા. ખ્યાતનામ હિંદી લેખિકા મન્નૂ ભંડારીની ટૂંકી વાર્તા ‘યહ સચ હૈ’ પર આધારિત આ ચિત્રની કથાની માવજત દિગ્દર્શકે એવી સુંદર રીતે કરી છે કે ચિત્ર જરાય ભારેખમ થતું નથી. ઘરનું ગુજરાન સારી રીતે ચાલે તે માટે દીપા શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેનો પતિ સંજય બૅંકમાં કર્મચારી છે. દીપા જ્યાં નોકરી કરે છે ત્યાં તે નવીનના પરિચયમાં આવે છે. બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પતિ અને પ્રેમી વચ્ચે વહેંચાયેલી દીપાની મનોવેદના સાથે સામાન્ય મધ્યમવર્ગની વાસ્તવિકતા વ્યક્ત કરાઈ છે. ખ્યાતનામ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા અમોલ પાલેકરનું આ પ્રથમ હિંદી ચિત્ર હતું અને એ પછીનાં ઘણાં ચિત્રોમાં તેમણે મધ્યમવર્ગીય નાયકની જે છબિ ઉપસાવી હતી તેનો પ્રારંભ આ ચિત્રથી જ થયો હતો.

હરસુખ થાનકી