રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે.

‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે. તેનું સાચું નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તે દક્ષિણી નહીં પણ મરાઠી છે.

રજનીકાન્ત દક્ષિણ ભારતીય સિનેમાના એક બહુ જાણીતા અભિનેતા છે. એમણે દક્ષિણની બધી જ ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરેલો છે. એમણે હિન્દી, તામિલ ઉપરાંત તેલુગુ, મલયાળમ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કરેલો છે. સમગ્ર ભારતીય પ્રેક્ષકોમાં તેઓ એક અભિનેતા તરીકે પ્રસિદ્ધિ પામેલા છે. રજનીકાન્તે 160 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

રજનીકાન્ત

રજનીકાન્તના પિતાજી રામોજીરાવ ગાયકવાડ એક પોલીસ કૉન્સ્ટેબલ હતા. મરાઠા  રાજા શિવાજી મહારાજના નામ પરથી રાજનીકાન્તનું નામ પણ શિવાજીરાવ પાડવામાં આવેલું. તેઓ ઘરમાં મરાઠી ભાષા બોલતા પણ બૅંગાલુરુમાં રહેતા હોવાથી બહાર કન્નડ ભાષા બોલતા હતા. શિવાજીરાવ ચાર ભાઈબહેનોમાં સૌથી નાના હતા. તેઓ જ્યારે નવ વર્ષના હતા ત્યારે એમનાં માતાનું અવસાન થયેલું. રામોજીરાવ નિવૃત્ત થયા પછી બૅંગાલુરુના હનુમન્થા નગર નામના  એક પરામાં રહેતા હતા.

રજનીકાન્તે પ્રાથમિક અભ્યાસ બૅંગાલુરુની ગોવીપુરમ્ ગવર્નમેન્ટ કનડા મૉડેલ પ્રાઇમરી સ્કૂલમાં કરેલો.એક બાળક તરીકે રજનીકાન્ત બહુ હોશિયાર પણ તોફાની વિદ્યાર્થી હતા. એમને ક્રિકેટ, ફૂટબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતમાં બહુ રસ હતો. એ સમયમાં જ એમના ભાઈએ એમને રામકૃષ્ણ મઠમાં દાખલ કર્યા. જ્યાં એમણે વેદ અને ધર્મનો અભ્યાસ કર્યો. રામકૃષ્ણ મઠમાં જ મહાભારતના એક પ્રસંગ પરથી ભજવાતા નાટકમાં એકલવ્યના મિત્રનો પાઠ કરવાની તક રજનીકાન્તને મળી હતી. એની અભિનય પ્રતિભાનો લોકોને ખ્યાલ આવ્યો હતો. જાણીતા કન્નડ કવિ બી. આર. બેન્દ્રેએ પણ એમના અભિનયની પ્રશંસા કરી. પ્રાઇમરી સ્કૂલમાં છઠ્ઠા નંબરે પાસ થયા બાદ રજનીકાન્તને આચાર્ય પાઠશાળા પબ્લિક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં પ્રી યુનિવર્સિટી કોર્સ સુધીનો અભ્યાસ કર્યો. આ દરમિયાન અનેક નાટકોમાં અભિનય કરવાની તક મળી.

સ્કૂલના અભ્યાસ બાદ રજનીકાન્તે અનેક કાર્યો કર્યાં જેમાં મજૂર તરીકેના કાર્યનો પણ સમાવેશ થાય છે. એ દરમિયાન રજનીકાન્તને બૅંગાલુરુ ટ્રાન્સપૉર્ટ સર્વિસમાં બસ કન્ડક્ટર તરીકેની નોકરી મળી. આ દરમિયાન પણ એમણે નાટકોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું હતું. આમ જ કોઈ નાટકમાં રજનીકાન્તને જોઈને કન્નડ નાટ્યલેખક ટોપી મુનીઅપ્પાએ એમના એક માયથોલૉજિકલ નાટકમાં અભિનય કરવાની ઓફર કરી. એ સમયે નવી જ સ્થપાયેલ મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની એક જાહેરાત જોઈને ત્યાં અભિનયનો કોર્સ કરવા જવાનું નક્કી કર્યું. ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થવાના રજનીકાન્તના નિર્ણય સાથે એમના કુટુંબીઓ સહમત નહોતા. પણ એમના મિત્રો અને ખાસ કરીને એમને પ્રોત્સાહન આપતા સાથી કલાકાર રાજ બહાદુરે રજનીકાન્તને આર્થિક સહાય કરેલી. ઇન્સ્ટિટ્યૂટના એ દિવસોમાં તામિલ ફિલ્મદિગ્દર્શક કે. બાલાચંદરનું ધ્યાન તેમના તરફ ગયું. એમણે એક ફિલ્મમાં અભિનય કરવા માટે તેમને કરારબદ્ધ કરીને તામિલ શીખવાનું કહ્યું. રજનીકાન્તે બહુ ઝડપથી તામિલ ભાષા શીખી લીધી. તેઓ તામિલ બોલી શકે છે અને વાંચી પણ શકે છે, પણ લખી નથી શકતા. એ સમયે શિવાજી ગણેશ પણ એક અભિનેતા તરીકે બહુ પ્રસિદ્ધ હતા તેથી બાલાચંદરે ફિલ્મ ચંદ્રકાન્તમાં તેનાં પાત્રનું જે નામ ‘રજનીકાન્ત’ હોય છે તે જ પડદા માટેનું નામ રાખવાનું કહ્યું. આમ શિવાજીરાવ રજનીકાન્ત થઈ ગયા.

રજનીકાન્તની ફિલ્મ અભિનય કારકિર્દી કે. બાલાચંદરની 1975માં સર્જાયેલી ફિલ્મ અપૂર્વ રાગનગલ(Apoorva Raaganga)થી થયેલી. આ ફિલ્મ એના વિષયને કારણે ખાસી ચર્ચાસ્પદ રહેલી. પણ સમીક્ષકોએ તેની પ્રશંસા કરેલી અને ફિલ્મને ત્રણ નૅશનલ ઍવૉર્ડ મળેલા. રજનીકાન્તનો રોલ નાનો પણ પ્રભાવક હતો. ‘ધ હિન્દુ’માં પ્રગટ થયેલ રિવ્યૂમાં ‘Newcomer Rajinikanth is dignified and impressive’ એમ લખાયું હતું. બીજી ફિલ્મ કન્નડમાં (1976) કથા સંગમ હતી. આમ એમની  ફિલ્મી કારકિર્દી દોડવા લાગી.

હિંદી ફિલ્મોમાં રજનીકાન્તનું આગમન ફિલ્મ ‘અંધા કાનૂન’ સાથે 1983માં થયું. એમણે 29 જેટલી હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો. 2011માં આવેલી ફિલ્મ ‘રા.વન’ રજનીકાન્તની કારકિર્દીની છેલ્લી હીંદી ફિલ્મ છે.

અભિનયની પ્રેરણા માટે રજનીકાન્ત હંમેશા હિંદી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનને યશ આપે છે. અમિતાભ બચ્ચનની અનેક ફિલ્મોની રીમેક એમણે તામિલમાં સર્જી છે. ખાસ ઉલ્લેખનીય તેવી ફિલ્મોમાં ‘અમર, અકબર, એન્થોની’(1977)ની એમણે કરેલી રીમેક ‘શંકર, સલીમ, સાઇમન’ (1978) અને તેલુગુમાં ‘રામ, રૉબર્ટ, રહીમ’ (1980) તથા ‘બીલ્લા’ (1980) જે ફિલ્મ ‘ડોન’(1978)ની રીમેક હતી. અમિતાભ બચ્ચનની અગિયાર જેટલી ફિલ્મની રજનીકાન્તે દક્ષિણની ભાષામાં રીમેક બનાવી છે. અમિતાભ બચ્ચન અભિનયના ક્ષેત્રે થોડો સમય બ્રેક લઈને ફરી અભિનયક્ષેત્રે કાર્યરત થયા હતા તેમ રજનીકાન્તે પણ થોડા સમયનો બ્રેક લઈને ફરી અભિનયક્ષેત્રે પદાર્પણ કરેલું. અભિનયની એક વિશિષ્ટ શૈલી એમણે સ્થાપિત કરી છે અને પ્રેક્ષકોમાં એ શૈલી (સ્ટાઈલ) બહુ લોકપ્રિય થઈ છે.

રજનીકાન્ત હાલ પણ અભિનયક્ષેત્રે કાર્યરત છે. માથે ટાલ પડી ગઈ છે અને અનેક શારીરિક બદલાવ છતાં તેમની એક સ્ક્રિન ઇમેજ છે તેને એમણે જાળવી રાખી છે. 2011માં રજનીકાન્તને ત્રણેક વખત હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. એ સમયે એવી એક ખબર ફેલાયેલી કે રજનીકાન્તની એક કિડની ફેઇલ થઈ ગઈ છે અને તે બદલાવવી પડશે. પણ એ એક અફવા હતી. એ સમયે એમને અલગ અલગ કારણોસર ત્રણેક વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પણ એવી કોઈ ગંભીર બીમારી નહોતી.

રજનીકાન્તે થોડો સમય તામિલનાડુના રાજકારણમાં પણ ભૂમિકા ભજવી હતી. 1996માં રચાયેલ ડી.એમ.કે. અને તામિલ મનીલા કૉંગ્રેસના ગઠબંધનને ટેકો આપેલો. તે ગઠબંધનને 1996 અને 1998ની ચૂંટણીમાં જ્વલંત વિજય મળેલો.

આ યાત્રામાં એમને અનેક પારિતોષિકો મળેલાં છે. જેમાં ખાસ ઉલ્લેખનીય તેવાં સાત – તામિલનાડુ સ્ટેટ ઍવૉર્ડ, નાન્દી ઍવૉર્ડ, નૅશનલ ઍવૉર્ડ, ફિલ્મફેર ઍવૉર્ડ, કલામણી ઍવૉર્ડ(1984), ભારત સરકાર દ્વારા 2000ની સાલમાં ‘પદ્મભૂષણ’ અને 2016ની સાલમાં ‘પદ્મવિભૂષણ’ અને 2019માં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’ સંમાનિત કરવામાં આવેલ છે. રજનીકાન્તને સાઉથ એશિયાના ખૂબ પ્રભાવક વ્યક્તિ તરીકે એશિયાવીક સામયિકે જાહેર કરેલા તો 2010માં ફોર્બસ ઇન્ડિયાએ પણ ભારતના સૌથી પ્રભાવક વ્યક્તિ તરીકે રજનીકાન્તને જાહેર કર્યા હતા.

તામિલ ફિલ્મોના અભિનેતા હોવા છતાં રજનીકાન્તનો પ્રભાવ સમગ્ર ભારતમાં જોવા મળે છે.

હરસુખ થાનકી

અભિજિત વ્યાસ