રજકો

દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ–પેપિલિયો–નૉઇડીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Medicago sativa Linn. (હિં. વિલાયતી ગાવુથ, લસુન ઘાસ; મ. વિલાયતી ગાવટ; ગુ. રજકો, વિલાયતી ઘાસ; ક. વિલાયતી-હુલુ; પં. લસુન; અં. લ્યુસર્ન, આલ્ફાલ્ફા) છે. તે ટટ્ટાર, બહુશાખિત, બહુવર્ષાયુ શાકીય, 0.3 મી.થી 1.0 મી. ઊંચી વનસ્પતિ છે. પર્ણો ત્રિપર્ણી પિચ્છાકાર (pinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ પ્રતિઅંડાકાર-લંબચોરસ (obovate-oblong) અને ટોચ તરફ દંતુર (dentate) હોય છે. પુષ્પો જાંબલી રંગનાં, પતંગિયાકાર અને સઘન કક્ષીય કલગી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ થોડાક પ્રમાણમાં રોમિલ, શિમ્બી અને બેથી ત્રણ કુંતલવાળું હોય છે. પ્રત્યેક ફળમાં 6થી 8, પીળાથી માંડી બદામી રંગનાં અને વૃક્કાકાર (kidney-shaped) બીજ હોય છે. રજકાના કોષોમાં 16, 32 કે 64 રંગસૂત્રો હોય છે.

રજકો નૈર્ઋત્ય એશિયાની મૂલનિવાસી વનસ્પતિ છે; જે યુરોપ અને ઈરાન, અફઘાનિસ્તાન અને આસપાસના પહાડી પ્રદેશોમાં થતી વન્ય જાતો દ્વારા ફલિત થાય છે. કૃષિયોગ્ય સ્વરૂપનો ઉદભવ પશ્ચિમ પર્શિયામાં થયો હોવાનું મનાય છે.

રજકાના સ્વરૂપમાં ઘણી ભિન્નતાઓ જોવા મળે છે, કારણ કે તેનું પરફલન થાય છે. તેના એશિયા અને યુરોપના જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતા વિવિધ પ્રકારો સ્વરૂપ અને પરિસ્થિતિ સાથે નિશ્ચિત સંબંધ ધરાવે છે. દક્ષિણ-ઉપોષ્ણકટિબંધીય પ્રદેશો તરફથી ઉત્તર  દિશામાં સમશીતોષ્ણ પ્રદેશો તરફ જતાં અથવા સપાટ વિસ્તાર તરફથી વધારે ઊંચાઈ તરફ જતાં તે ટટ્ટાર સ્વરૂપમાંથી ક્રમશ: ભૂપ્રસારી સ્વરૂપમાં ફેરફાર પામે છે. તે જ રીતે દક્ષિણથી ઉત્તર તરફ જતાં અથવા નીચા પ્રદેશ તરફથી વધારે ઊંચા પ્રદેશ તરફ જતાં તેનો વાનસ્પતિક સમય ઘટે છે.

રજકો ઘાસચારાના પાકોમાં એક મહત્વનો કઠોળ-વર્ગનો પાક છે. તે લાંબા સમય સુધી પોષણક્ષમ લીલો ચારો આપે છે અને ગરમ કે ઠંડા ઉપોષ્ણ પ્રદેશોમાં બહોળા પ્રમાણમાં વાવવામાં આવે છે. યુ.એસ.માં લાખો એકર ભૂમિમાં તેની વાવણી થાય છે. તે ભારતમાં અને ઇજિપ્ત સિવાયના મધ્ય-પૂર્વીય દેશોમાં ઉગાડાય છે. રજકા ઉપર કપાસની કેટલીક જીવાત થતી હોવાથી ઇજિપ્તમાં રજકાનું વાવેતર ઓછું કરવામાં આવે છે.

ભારતમાં પંજાબ(13,554 એકર)માં; ઉત્તર પ્રદેશના પશ્ચિમ જિલ્લાઓમાં; મહારાષ્ટ્રના નાસિક (8,100 એકર), અહમદનગર (7,900 એકર), પુણે (1,700 એકર) અને પશ્ચિમ ખાનદેશ(700 એકર)ના જિલ્લાઓમાં; ગુજરાતના બનાસકાંઠા (2,900 એકર), અમરેલી (2,900 એકર), ઝાલાવાડ (6,352 એકર), ગોહિલવાડ (4,156 એકર) અને હાલાર(3,559 એકર)ના જિલ્લાઓમાં તેમજ ચેન્નાઈમાં ઉ. આકૉટ, સેલમ, મદુરાઈ, તિરુનેલ્વેલી અને કૉઇમ્બતુર જિલ્લાઓમાં તેની વાવણી કરવામાં આવે છે.

રજકા(Medicago sativa)ની પુષ્પો અને ફળવાળી શાખા

વિવિધ આબોહવાકીય અને મૃદાની સ્થિતિએ અનુકૂળ થઈ શકે તેવી તેની અનેક જાતો વિકસાવવામાં આવી છે. યુ.એસ.માં પુષ્પનો રંગ, ઉદભવ-બિંદુ અને શિશિર-સહિષ્ણુતાને આધારે તેની જાતોના ચાર વર્ગો પાડવામાં આવ્યા છે : સામાન્ય, તુર્કિસ્તાન, બહુવર્ણી અને અસહિષ્ણુ. ભારતમાં રજકાની ત્રણ જાતો – પર્શિયન કે અરેબિયન, કંદહાર કે ક્વેટા અને મેરઠ – વાવવામાં આવે છે. પર્શિયન જાત ખૂબ જાણીતી છે. તે ટટ્ટાર અને ખડતલ (vigorous) સ્વરૂપ ધરાવે છે. કંદહાર જાત ભૂપ્રસારી છે અને ભાગ્યે જ વવાય છે. પંજાબમાં સુધારેલી જાત નં. 7 અને નં. 9 વિકસાવવામાં આવી છે. બંને જાતો પિયત હેઠળ ઉગાડવામાં આવે છે. નં. 9 વધારે સારી છે કારણ કે તે ઝડપથી વૃદ્ધિ પામે છે અને પ્રત્યેક કાપણી પછી ફરીથી ઝડપથી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. મધ્યપ્રદેશમાં નં. 3, 5 અને 7 વધારે ઉત્પાદન આપતી જાતો છે. ગુજરાતમાં જી.એ.યુ.એચ.–1 (આણંદ–2) કે એસ.એસ.–627 વધારે ઉત્પાદન આપતી જાતો છે. આણંદ–2 જાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારી અનુકૂળ આવે છે; જ્યારે ઉત્તર ગુજરાતની હલકી રેતાળ જમીનમાં એસ.એસ.–627 સારું ઉત્પાદન આપે છે. ભારતમાં ટાઇપ-8, આઇ.જી.એફ. આર.આઇ.એ.–244, મોથા, આઇ.જી.એફ.આર.આઇ.એસ. – 54 અને એન.ડી.આર.આઇ.–1 પણ વાવવામાં આવે છે.

રજકો સહિષ્ણુ અને શુષ્કતારોધી (drought-resistant) છે. તે સપાટ મેદાનોમાં તેમજ પહાડી વિસ્તારોમાં 2,400 મી.ની ઊંચાઈ સુધી થાય છે અને 40° સે.થી 43° સે. તાપમાન અને પ્રમાણમાં નીચું તાપમાન પણ સહન કરી શકે છે. ઊંચું તાપમાન અને વધારે સાપેક્ષ ભેજ સંયુક્તપણે પાકને નુકસાન પહોંચાડે છે. રજકા માટે 50 સેમી.થી 55 સેમી. જેટલો વરસાદ ઇષ્ટતમ છે; છતાં 35 સેમી. જેટલા ઓછા અને 100 સેમી. કે તેથી વધારે વરસાદમાં પણ થાય છે.

સારા નિતારવાળી બેસર, ગોરાડુથી લઈને મધ્યમ કાળી ફળદ્રૂપ મૃદા વધારે અનુકૂળ આવે છે. મૃદાનો પી.એચ. આંક 7.5થી 8.00 સુધીનો રજકા માટે માફક ગણાય છે. ટ્રૅક્ટર કે હળથી બે ખેડ કરી કરબ ફેરવી, સમાર દઈ, પાળા બનાવી મૃદા તૈયાર કરવામાં આવે છે. પાકમાં પાણી વ્યવસ્થિત રીતે ફરી શકે તે માટે ક્યારા 6 મી.થી 8 મી. લાંબા અને 3 મી. પહોળા બનાવાય છે.

રજકાના વાવેતર માટે વરસાદ પછી 20થી 30 ગાડાં પ્રતિએકર છાણિયું ખાતર બરાબર ભળી જાય તેમ ફોળી દેવામાં આવે છે. આ પાકને ફૉસ્ફરસ, પૉટાશ, કૅલ્શિયમ અને ગંધક તત્વોની વધારે જરૂરિયાત રહે છે. તેનાં મૂળ ઉપર આવેલી મૂળગંડિકાઓ નાઇટ્રોજનનું સ્થાપન કરતી હોવાથી શરૂઆતના વિકાસ માટે નાઇટ્રોજનની જરૂર પડે છે. નાઇટ્રોજનનું સ્થાપન કરતા બૅક્ટેરિયા-રહાઇઝોબિયમના સંવર્ધન માટે ફૉસ્ફરસ અને પૉટાશ જરૂરી છે. નાઇટ્રોજન 20 કિગ્રા., ફૉસ્ફરસ 80 કિગ્રા. અને પૉટાશ 40 કિગ્રા., પ્રતિહેક્ટર આપવામાં આવે છે. જમીનમાં બૉરોનની ઊણપથી પાન પીળાં થઈ જાય છે. તેને રજકાનો પીળિયો કહે છે. તેના માટે પ્રતિ હેક્ટરે 25 કિગ્રા.થી 50 કિગ્રા. બોરૅક્સ જમીનમાં ઉમેરવામાં આવે છે. તાંબાની ઊણપ જણાય તો હેક્ટરે 5.6 કિગ્રા. મોરથૂથુ (કૉપર સલ્ફેટ) 500 લિ. પાણીમાં ઓગાળી પંપથી છંટકાવ કરવામાં આવે છે. કૅલ્શિયમની ઊણપ માટે 57 ગ્રા. સોડિયમ મૉલિબ્ડેટને 135 લિ. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો પડે છે. મૅંગેનીઝ કે જસતની ઊણપ હોય ત્યારે 10 લિ. પાણીમાં 50 ગ્રા. ઝિંક સલ્ફેટ કે મૅંગેનીઝ સલ્ફેટ અને તેમાં 25 ગ્રા. કળીચૂનો ઓગાળી મિશ્રણ કરી છંટકાવ કરવામાં આવે છે.

આણંદ–2 અને એસ.એસ.–627ની વાવણી હરોળમાં 25 સેમી.ના અંતરે ઑક્ટોબર માસના પ્રથમ પખવાડિયાથી નવેમ્બર માસના બીજા અઠવાડિયા સુધી કરવાથી વધારે ઉત્પાદન મળે છે. જે ખેડૂતો પશુ-સંવર્ધન સાથે સંકળાયેલા છે, તેઓ રજકાની વાવણી ઑક્ટોબરના બીજા અઠવાડિયાથી શરૂ કરી નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી થોડા થોડા વિસ્તારમાં 15 દિવસના ગાળે કરે તો તેઓ પશુઓને સતત લીલા ચારાનો પૌષ્ટિક પુરવઠો પૂરો પાડી શકે.

રજકાના પાકને ફક્ત ઘાસચારા માટે વાવવો હોય તો 10 કિગ્રા.થી 12 કિગ્રા. બિયારણની પ્રતિ હેક્ટરે જરૂર પડે છે. તેની સાથે 5 કિગ્રા. મેથીનું બીજ ભેળવી વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો બિયારણને પોંખતા હોવાથી હેક્ટરે 30 કિગ્રા.થી 50 કિગ્રા. બીજનો વપરાશ થતાં બિયારણનો ખર્ચ વધારે થાય છે. પોંખવાની પદ્ધતિમાં આંતરખેડ થઈ શકતી ન હોવાથી નીંદામણનો ખર્ચ વધે છે. નીંદામણને લીધે પાકની વૃદ્ધિ, ગુણવત્તા અને તેની પાચ્યતા ઘટે છે. રજકાના પાકની વાવણી 25 સેમી.ના અંતરે હેક્ટરે 10 કિગ્રા. બિયારણ વાવવાથી વધારે લાભ મળે છે. ખેતરમાં રજકાનું વાવેતર પ્રથમ વાર કરતા હોઈએ તો વાવણી પહેલાં રહાઇઝોબિયમના સંવર્ધન(culture)ની પ્રતિ હેક્ટરે 3થી 4 પૅકેટની જરૂરિયાત રહે છે.

શરૂઆતમાં કરબડીથી આંતરખેડ કરવામાં આવે છે અને પ્રત્યેક કાપણી પછી તરત જ નીંદામણ કરવું હિતાવહ ગણાય છે. રજકાના પાકમાં નીંદામણ અટકાવવા માટે રજકાના બીજને વાવતા પહેલાં એક લિટર બાસાલીન, ગુજકોલીન કે એગ્રોલીન (45 ઈ. સી.) પૈકી કોઈ પણ એક નીંદામણનાશક દવા 500 લિટર પાણીમાં મિશ્ર કરી જમીનમાં ભેળવવામાં આવે છે. રજકાના પાક માટે અમરવેલ (Cuscuta reflexa) પરોપજીવી નીંદામણ છે. અમરવેલને જમીનની નજીકથી કાળજીપૂર્વક કાપી તેનો બાળીને નાશ કરવામાં આવે છે. 2 % ડીનોબેસ અથવા ડાઇક્યુએટનો છંટકાવ એક કાપણી કરતા પહેલાં કરવાથી અથવા રજકાની વાવણી બાદ 10થી 12 દિવસે પેન્ડામિથાલિન 0.5 લી. દવા 10 લિ. પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી નીંદામણનું નિયંત્રણ કરી શકાય છે.

આ પાકનાં મૂળ જમીનમાં 60 સેમી.થી 90 સેમી. ઊંડાં જતાં હોવાથી શુષ્ક આબોહવામાં પણ લાંબા સમય સુધી ટકી શકે છે. આ પાકના બીજનું આવરણ કઠણ હોવાથી પાણીનું શોષણ ખૂબ ધીમું થાય છે અને બીજનો ઉગાવો એકસરખો થતો નથી. તેથી વાવણી પછીના ઓછા પાણીનાં બે પિયત એક અઠવાડિયાના ગાળે આપવાથી બીજનો ઉગાવો સારો થાય છે. આ પાકને વર્ષે સામાન્યત: 22થી 25 પિયતની જરૂર પડે છે. મોસમી પાકને 16થી 17 પિયતની જરૂરિયાત રહે છે. ઉનાળામાં પિયતનો ગાળો 7થી 10 દિવસનો અને શિયાળામાં 12થી 15 દિવસનો રાખવામાં આવે છે. પિયતનો આધાર જમીનના પ્રકાર અને આબોહવા ઉપર રહે છે. ક્યારા-પદ્ધતિને બદલે ફુવારા-પદ્ધતિથી પિયત આપવાથી 15 % જેટલું પાણી બચાવી શકાય છે અને 24 % જેટલી વધારે આવક પ્રતિહેક્ટરે પ્રાપ્ત કરી શકાય છે.

રજકાના રોગો : રજકામાં જીવાણુથી સુકારો, ડાળીનો સુકારો અને પાનનાં ટપકાં જેવા રોગો; જ્યારે ફૂગથી પાનનાં ટપકાં, કાળી ડાળી અને ટપકાંનો રોગ થાય છે. ફૂગથી થતા રોગોમાં તાલવ્રણ તળછારો, થડ અને મૂળનો સડો એ રોગોનો પણ સમાવેશ થાય છે. વાઇરસ અને માઇક્રોપ્લાઝમાને લીધે પણ રજકામાં રોગો ઉત્પન્ન થાય છે.

(1) રજકામાં જીવાણુથી થતા રોગો : (1.1) સુકારો : આ રોગ Corynebacterium insidiosum નામના જીવાણુના આક્રમણથી છોડ પીળા પડી બટકા રહે છે. આ વ્યાધિજન જીવાણુ છોડમાં જીવાત કે અન્ય ખેતીકામથી થતા જખમો દ્વારા દાખલ થાય છે. આવા છોડ ઉપર બંને ધારેથી વળેલાં પીળાં નાનાં પાન જોવા મળે છે. આવા છોડની કૂંપળો નમીને અને સુકાઈને મૃત્યુ પામે છે. કાપણી બાદ નવા આવતા છોડોમાં બટકા છોડોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. રોગિષ્ઠ છોડને ઉપાડવાથી મુખ્ય મૂળ ઉપર કાળાં લાલ ધાબાં થયેલ જોવા મળે છે. જ્યારે તેના અંદરના ભાગ પીળા કે ઝાંખા ભૂરા રંગના બને છે.

(1.2) ડાળીનો સુકારો : આ રોગ Pseudomonas medicaginis નામના જીવાણુથી થાય છે. આ જીવાણુનું આક્રમણ થવાથી ડાળી અને પાન ઉપર ઘેરા ભૂખરા રંગની પટ્ટીઓ જેવા જખમો પેદા થાય છે. આવા જખમોમાં જીવાણુનું ઝરણ જોઈ શકાય છે. આ રોગ મુખ્યત્વે ઠંડા પ્રદેશોમાં વધુ નુકસાન કરે છે.

(1.3) પાનનાં ટપકાં : આ રોગ Xanthomonas alfalfae નામના જીવાણુથી થાય છે. ખાસ કરીને આ રોગથી રશિયામાં અત્યંત નુકસાન થાય છે. પાન ઉપર ફૂગનું આક્રમણ થતાં પાણીપોચા જખમો પેદા થાય છે. તેમાં વધારો થતાં કાળા રંગનાં ટપકાં કદમાં 2થી 3 મિમી. ઘેરાવાવાળાં બને છે. આ જીવાણુ વડે થતું નુકસાન ઘણી વાર ડાળી ઉપર કાળાં દબાયેલાં ટપકાં સ્વરૂપે જોવા મળે છે.

નિયંત્રણનાં પગલાં : આ જીવાણુથી થતા ત્રણેય રોગો માટે રોગ-પ્રતિકારક જાતની વાવણી અને પાકની ફેરબદલી કરવી અગત્યની છે.

(2) ફૂગજન્ય રોગો : (2.1) કાળી ડાળી અને પાનનાં ટપકાં : આ રોગો ઠંડા પ્રદેશમાં Phoma meicaginis નામની ફૂગથી થાય છે. ઠંડીની શરૂઆત થતાં છોડ પર ફૂગનું આક્રમણ થવાથી અસંખ્ય નાનાં ભૂરાં કે કાળાં ટપકાં પાન અને ડાળી ઉપર જોવા મળે છે. ડાળી અને પર્ણદંડ ઉપરનાં ટપકાંમાં વધારો થઈ, એકબીજાં સાથે ભેગાં થવાથી ડાળી અને પર્ણદંડ કાળાં થઈ જાય છે. આવા છોડની કૂંપળો કરમાઈને મૃત્યુ પામે છે; પાન પીળાં થઈ ખરી પડે છે. જીવાતના જખમોને લીધે રોગની તીવ્રતા વધી જાય છે. પાકની પરિપક્વ અવસ્થામાં સિંગ અને બીજ ઉપર પણ તે આક્રમણ કરે છે.

આ ફૂગને લીધે પેદા થયેલ રોગિષ્ઠ ભાગો એક ઋતુથી બીજી ઋતુ સુધી જીવંત રહે છે અને બીજા છોડમાં રોગનો ફેલાવો કરે છે.

(2.2) કાલવ્રણ : આ રોગ Colletotrichum trifolii નામની ફૂગથી થાય છે. આ રોગ રજકો ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તે ખૂબ જ નુકસાન કરે છે. જમીન પાસે આવેલ ડાળી અને પાન ઉપર તેનું આક્રમણ થતાં પહોળા કાળા જખમો પેદા થાય છે, તેને લીધે ડાળી અને પાન સુકાઈને મૃત્યુ પામે છે. વળી આક્રમિત ભાગમાં કાળા રંગની (પ્રગુચ્છ) બીજધાનીઓ પેદા થાય છે. જમીન પાસે આવેલ થડના ભાગમાં ફૂગનું આક્રમણ થતાં આ ભાગ કાળો થઈ થડનો સડો પેદા કરે છે, જેથી છોડ સુકાઈને મૃત્યુ પામે છે.

નિયંત્રણનાં પગલાં : (2.2) રોગપ્રતિકારક જાતની વાવણી કરવી. (2.2b) પાકની ફેરબદલી કરવી.

(2.3) તળછારો : આ રોગ Peronospora trifoliorum નામની ફૂગથી થાય છે. આ ફૂગનું આક્રમણ ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે. રોગના આક્રમણની શરૂઆત નવી કૂંપળો અને ઉપરનાં પાન ઉપરથી થાય છે. આક્રમિત પાન ઝાંખાં લીલાં અથવા પીળાં થઈ વળી જાય છે. આ આક્રમિત પાનની નીચેના ભાગમાં ફૂગ રાખોડી અથવા ઝાંખા ભૂખરા રંગની ફેલાયેલી બીજાણુધાનીઓ સાથે જોવા મળે છે. આ આક્રમણ છોડના બધા ભાગ પર પ્રસરવાથી તે પીળો થઈ જાય છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે. બીજધાનીમાંથી પવન મારફતે બીજાણુઓ ફેલાતાં રોગ ફેલાય છે. કાપણી પછી 4થી 5 દિવસે ડાયથેન, ઝેડ-78 અથવા ડાયથેન, ઝેડ-45 હૅક્ટર દીઠ 2 કિગ્રા. (10 લિ. પાણીમાં 20 ગ્રા.) 500 લિ. થી 600 લિ. પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે છે.

(2.4) Uromyces striatus નામની ફૂગનું પાન ઉપર આક્રમણ થતાં તેના પર ગેરુ રંગનાં ટપકાં પેદા થાય છે. આ ટપકાંમાં પાનના ઉપરના આવરણ નીચે નિર્માણ થયેલ બીજધાનીઓમાં બીજાણુઓ પેદા થાય છે. આ ટપકાંની ઉપરનું આવરણ તૂટી જવાથી પવન મારફતે બીજાણુઓ ફેલાઈને દ્વિતીય ચેપ ઝડપથી ફેલાવે છે. તેનું આક્રમણ પાન ઉપર થતાં તે ચીમળાઈ જઈ અપરિપક્વ અવસ્થામાં ખરી પડે છે. પાકની કાપણી લંબાતાં, ડાળીઓ ઉપર પણ આ ફૂગ ફેલાય છે.

નિયંત્રણનું પગલું : ગેરુપ્રતિકારક જાતોની વાવણી કરવી.

(2.5) Phytophthora megasperma નામની ફૂગથી થતો આ રોગ ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે નિતાર વગર પાણી ત્યાં જ સ્થિર થતાં જમીનમાં વિશેષ નુકસાન કરે છે. આ ફૂગ કુમળા તેમજ પરિપક્વ છોડોમાં પણ આક્રમણ કરતી હોય છે. એનું આક્રમણ થવાથી શરૂઆતમાં મૂળ પીળાં પડી જાય છે અને છોડનું મૃત્યુ થાય છે. તે સમય જતાં કાળાં થાય છે અને ફરતે પીળો આભાસ જોવા મળે છે. છેવટે મૂળ કોહવાઈ જાય છે.

નિયંત્રણનું પગલું : રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી.

(2.6) Fusarium solani અને અન્ય ફિઝિયૉરમની પ્રજાતિની ફૂગના આક્રમણથી મૂળનો કોહવારો થાય છે. જમીન પાસેનાં થડ અને મૂળ કોહવાઈ જાય છે. પરિણામે આ ભાગ ભૂખરા થઈ જાય છે. વળી થડ અને મૂળની છાલની પેશીઓ છૂટી પડી જાય છે.

(3) વાઇરસ અને માઇક્રોપ્લાઝ્માજન્ય રોગો : ડાકણનું ઝાડુ (witche’s broom) – વિષાણુજન્ય અને રજકાનો પીળિયો બે મુખ્ય રોગો છે.

(3.1) ડાકણના ઝાડુના વિષાણુનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાત અને પરોપજીવી અમરવેલથી થાય છે અને એક જ જગ્યાએથી ટૂંકી કૂંપળો નીકળે છે. પાન પીળાં અને નાનાં ઝાંખાં લીલાં થઈ જાય છે. પાકની દરેક કાપણી બાદ છોડ બટકો અને બટકો થતો જાય છે. રોગનું પ્રમાણ વધતાં છોડ પીળો પડી કરમાઈને મૃત્યુ પામે છે.

(3.2) રજકાનો પીળિયો : રજકો ઉગાડતા દરેક પ્રદેશમાં વિષાણુથી આ રોગનો ફેલાવો મોલો પ્રકારની જીવાતથી થાય છે. આ વિષાણુના શરૂઆતના આક્રમણમાં રોગનાં લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ પાકની એક-બે કાપણી બાદ પાનમાં નસોની વચ્ચેના ભાગ પીળા પડી પાન વળી જાય છે. ક્યારેક આક્રમિત ભાગના કોષો અને પેશીઓનો નાશ થાય છે. રોગિષ્ઠ છોડ બટકા રહે છે અને લાંબે ગાળે મૃત્યુ પામે છે.

નિયંત્રણનાં પગલાં : પાકની કાપણીના 15 (પંદર) દિવસ પહેલાં શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરી રોગ ફેલાવતા વાહક જંતુનો ઉપદ્રવ કાબૂમાં લઈ શકાય છે.

મોલોમશીનો ઉપદ્રવ જણાય તો પ્રથમ કાપણી પહેલાં 20 દિવસે 20 મિલી. મેલાથિયોન અથવા ડાયમિથોએટ અથવા ફૉસ્ફામિડોન અથવા મૉનોક્રોટોફૉર્સ 5 મિલી. દવા નાખી દ્રાવણ બનાવી છાંટવામાં આવે છે. આ દવાઓની ઝેરી અસર પાક ઉપર 20 દિવસ સુધી રહે છે. તેથી 20 દિવસ પછી જ તેનો ચારો પશુને ખવડાવવામાં આવે છે.

બીજી કાપણીની અવસ્થાએ પાનનાં ચૂસિયાં, રજકાની ઇયળ અને મોલો જોવા મળે છે. તેના અંકુશ માટે પ્રથમ કાપણી પછીના 15 દિવસે 20 મિલી. થાયાડોન દવા નાખી દ્રાવણ છાંટવાથી નિયંત્રણ થઈ શકે છે. થાયાડોન પરાગનયન કરતા કીટકો (મધમાખી) માટે સલામત હોવાથી બીજઉત્પાદન-પાકમાં પણ છાંટી શકાય છે. આ દવાની ઝેરી અસર પાક ઉપર સાત દિવસ સુધી જ રહે છે.

રજકાની કાપણી પુષ્પનિર્માણ પૂર્વે અથવા તે પછી તુરત જ કરવામાં આવે તે પોષણની દૃષ્ટિએ જરૂરી છે. આ પાકની પ્રથમ કાપણી પછી ક્રમિક કાપણીઓ એકથી દોઢ માસે જમીનની સપાટીથી 7 સેમી.થી 10 સેમી. ઊંચાઈએ કરવામાં આવે છે. પુષ્પનિર્માણ પછી કાપણી કરવામાં વિલંબ થાય તો છોડમાં અશુદ્ધ રેસાઓનું પ્રમાણ ઘટે છે. અનુકૂળ સંજોગોમાં પ્રતિવર્ષ 8થી 12 કાપણી કરી શકાય છે. મોસમી પાકમાં રજકાના લીલા ચારાનું ઉત્પાદન 70થી 80 મેટ્રિક ટન પ્રતિહેક્ટર, વાર્ષિક પાકમાં 100થી 110 મેટ્રિક ટન અને બહુવર્ષાયુ પાકમાં 180થી 200 મેટ્રિક ટન જેટલું મળે છે. આધુનિક કૃષિપદ્ધતિ અને યોગ્ય કૃષિપ્રબંધ દ્વારા રજકાનો પાક 15 કિગ્રા. પ્રતિહેક્ટરે વધારે મેળવી શકાય છે.

ગુજરાત રાજ્યમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં રજકાના બીજનું હેક્ટરદીઠ સરેરાશ ઉત્પાદન વધારે છે. મહેસાણા જિલ્લાનાં કુકરવાડા, માણસા અને વિજાપુરમાં ખેડૂતો 500થી 800 કિગ્રા./હેક્ટર ઉત્પાદન મેળવે છે.

રજકાની સુકવણી ત્રણથી ચાર વાઢ લીધા પછી કરવી પડે છે. તેની પદ્ધતિ આ પ્રમાણે છે : (1) પહેલે દિવસે સવારના સમયે રજકો કાપી તેને આખો દિવસ ખેતરમાં રહેવા દેવામાં આવે છે. (2) બીજે દિવસે વહેલી સવારે તેના નાના કદના પૂળા બાંધવામાં આવે છે. (3) આ પૂળાને વૃક્ષના છાંયડામાં હવા લાગે તે રીતે ઊભા ગોઠવવામાં આવે છે. પૂળા ઊભા ગોઠવી શકાય તે માટે 30 સેમી. જેટલા ઊંચા 3.0 મી.થી 4.5 મી.ના અંતરે બે ખૂંટ રોપી 30 સેમી. ઊંચે 3.0 મી.થી 4.5 મી. લાંબો વાંસ બાંધવામાં આવે છે અને વાંસના આધારે પૂળા ઊભા કરવામાં આવે છે. આ રીતે લગભગ બેથી ત્રણ દિવસ રાખતાં ભેજ સુકાય છે. (4) સુકાયલા પૂળાને યોગ્ય જગાએ ગંજી બનાવી મૂકવામાં આવે છે.

નાના નાના ટુકડા કરી સૂકવવાની રીત આ પ્રમાણે છે : લીલા રજકાના હાથના સૂડાથી કે યાંત્રિક ચાફ કટરથી નાના ટુકડા કરી ખળામાં તાડપત્રી ઉપર સૂર્યપ્રકાશમાં પહેલે દિવસે સૂકવવામાં આવે છે. બીજા દિવસે આ ટુકડાઓને છાંયડામાં પાથરી બેથી ત્રણ દિવસ સુધી રાખવામાં આવે છે. બરાબર સુકાયા પછી તેને યોગ્ય જગાએ ઢગલો કરવામાં આવે છે અથવા કોથળામાં ભરવામાં આવે છે.

તેની ઊંચી ખાદ્યતા (palatability), વધારે પ્રોટીન અને કૅલ્શિયમને કારણે રજકો ઘોડાઓ, ગાય-ભેંસ, ઘેટાં-બકરાં અને સૂવર માટે ઊંચું પોષણમૂલ્ય આપતો ચારો ગણાય છે; પરંતુ વધુ પડતો આપવાથી તેના દ્વારા આફુલ્લન (bloating) થાય છે.

રજકામાં સેપોનિન અને ઑલસ્ટ્રૉજેન નામનાં ઝેરી તત્વો પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. તેથી એકલા રજકાનું નીરણ ન કરતાં ધાન્ય અને કઠોળ વર્ગના પાકના ઘાસનું પ્રમાણ 6 : 4 રાખી પશુને નીરવામાં આવે છે. વધારે પડતાં ઝેરી તત્વો પશુના શરીરમાં જાય તો પશુનાં આંતરડાં ઉપર દાહક સોજો આવે છે; ઝાડો થાય છે અને પ્રજોત્પાદકતામાં ખામી ઊભી થવાની શક્યતા રહે છે.

લીલા ચારાનું પંજાબના નમૂનાનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 19.90 %, લિપિડ 1.81 %, રેસો 29.51 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 34.68 %, ભસ્મ 14.10 %, કુલ (digestible) પોષકદ્રવ્યો 57.79 % અને પોષણ-ગુણોત્તર 2.6.

રજકામાં આવશ્યક ઍમિનોઍસિડોનું પ્રમાણ (ગ્રા./16 ગ્રા. નાઇટ્રોજન) આ મુજબ છે : આર્જિનિન 3.5, હિસ્ટિડિન 1.5, લાઇસિન 4.2, ટ્રિપ્ટોફેન 1.5, ફીનિલ ઍલેનિન 4.1, મીથિયોનિન 1.3, થ્રિયૉનિન 5.0, લ્યુસિન 7.9, આઇસોલ્યુસિન 4.3 અને વેલાઇન 4.9. રજકાનું જૈવિક મૂલ્ય 60.5 % અને પાચ્યતા-આંક (digestibility coefficient) 74 % છે.

રજકામાં શુષ્ક દ્રવ્યને આધારે ખનિજ ઘટકો આ પ્રમાણે છે : કૅલ્શિયમ (CaO) 2.80 %, ફૉસ્ફરસ (P2O5) 0.74 %, પોટૅશિયમ (K2O) 4.11 %, સોડિયમ (Na2O) 0.35 % અને મૅગ્નેશિયમ 0.44 %. અલ્પ તત્વોમાં બેરિયમ, ક્રોમિયમ, કૉબાલ્ટ, તાંબું, લોહ, લેડ, મૅંગેનીઝ, મૉલિબ્ડેનમ, નિકલ, ચાંદી, સ્ટ્રૉન્શિયમ, ટિન, ટિટેનિયમ, વૅનેડિયમ અને જસતનો સમાવેશ થાય છે.

રજકો પ્રજીવક ‘એ’ અને ‘ઈ’નો મૂલ્યવાન સ્રોત છે. તે b-કૅરોટિન 6.24 મિગ્રા., થાયેમિન 0.15 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.46 મિગ્રા., નાયેસિન 1.81 મિગ્રા. અને a-ટૉકૉફેરૉલ 15.23 મિગ્રા./100 ગ્રા. હોય છે. પૅન્ટોથૅનિક ઍસિડ, બાયોટિન, ફૉલિક ઍસિડ, કોલાઇન, ઇનોસિટોલ, પાયરિડૉક્સિન, પ્રજીવક ‘બી12’ અને પ્રજીવક ‘કે’ જેવાં પ્રજીવકો હોય છે. તાજા રજકામાં પ્રજીવક ‘સી’ પુષ્કળ (1.78 મિગ્રા./ગ્રા.) હોય છે.

રજકો અને અન્ય ભારતીય ચારાઓનું પોષણમૂલ્ય,

% શુષ્ક દ્રવ્ય

ચારાનું નામ પ્રોટીન ભસ્મ સુપાચ્ય
પ્રોટીન
કુલ સુપાચ્ય દ્રવ્યો પોષણ-ગુણોત્તર
રજકો 19.90 11.73 15.92 57.79 2.6
(CaO, 2.8)
જુવાર (તરુણ 8.91 6.48 4.20 56.07 12.4
અવસ્થા) (CaO, 0.51)
બાજરી (પુષ્પ- 16.25 10.90
નિર્માણ પહેલાં) (CaO, 1.06)
ઓટ 14.63 10.81 10.50 66.70 5.4
(CaO, 0.67)
મકાઈ 6.74 4.99 4.14 68.28 15.5
(CaO, 0.73)
સેંજી 15.46 6.10 12.61 64.04 4.1
(CaO, 2.7)

તેનાં તરુણ પર્ણો ચીન અને મધ્ય રશિયામાં શાકભાજી તરીકે વપરાય છે. ખાસ પ્રક્રિયા કરીને બનાવેલો તેનો પાઉડર યુ.એસ.માં નાનાં બાળકોના ખોરાકના એક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. રજકાના પર્ણનો પાઉડર (પ્રોટીન 32.7 %, કૅલ્શિયમ 1.84 %) ચોખાના ખોરાકના પૂરક તરીકે ઉપયોગી છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસના સ્રોત તરીકે તેની દૂધના પાઉડર સાથે તુલના થઈ શકે તેમ છે.

સૂક્ષ્મ જીવોના સંવર્ધન માટે તે ઘઉંની કુશકીનો અસરકારક પ્રતિસ્થાપક (substitute) છે. Penicillium notatumમાંથી પેનિસિલિન અને Bacillus subtilisમાંથી એમાઇલેઝ મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફળના રસોના સ્વચ્છન (clarification) માટે રજકામાંથી પૅક્ટિનેઝનું દ્રાવણ મેળવવામાં આવે છે. રજકામાંથી પ્રક્રિયા કરી શર્કરાઓ મેળવવાની અને તેમનું આલ્કોહૉલ અને એસેટિક ઍસિડમાં આથવણ કરવાની પદ્ધતિઓ આપવામાં આવી છે. રજકાના રેસાનો કાગળ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.

ભૂમિ-સંરક્ષણપાક (covercrop) તરીકે રજકાનું વાવેતર થઈ શકે છે અને તેના અનુગામી પાકોનું ઉત્પાદન વધે છે. બટાટા, જુવાર, સફરજન અને નારંગીના ખાતર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તેનો મધમાખીના ગોચર (pasturage) તરીકે ઉપયોગ થાય છે. રજકાના મધનું સરેરાશ રાસાયણિક મૂલ્ય આ પ્રમાણે છે : પાણી 16.36 %; ઇન્વર્ટ-શર્કરા 76.90 %; સુક્રોઝ 4.42 %; ડેકસ્ટ્રીન 0.34 %; પ્રોટીન 0.11 %; ઍસિડ (ફૉર્મિક) 0.08 % અને ભસ્મ 0.07 %.

રજકાના જલીય અને ઈથરીય નિષ્કર્ષો ગ્રામ ઋણાત્મક બૅક્ટેરિયા સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

રજકાના બીજનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 11.7 %, પ્રોટીન 33.2 %, લિપિડ 10.6 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 32.0 %, રેસા 8.1 % અને ખનિજદ્રવ્ય 4.4 %. બીજમાં સ્ટેચીડ્રીન અને એલ. હોમોસ્ટેચીડ્રીન નામનાં ઍલ્કેલૉઇડો હોય છે. બીજમાંથી 8.5 %થી 11.0 % શુષ્કન-તેલ પ્રાપ્ત થાય છે, જેનો રંગ અને વાર્નિશ-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. બીજમાંથી પીળો રંગ ઉત્પન્ન થાય છે. તે આર્તવોત્તેજક (emmenagogue) અને દુગ્ધજન (lactogenic) હોય છે અને તેનો દાઝ્યા ઉપર પોટીસ તરીકે ઉપયોગ થાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ