રઘુનાથન્, માદાબુસી સંથનમ્

January, 2003

રઘુનાથન્, માદાબુસી સંથનમ્ (જ. 11 ઑગસ્ટ 1941 અનંતપુર; આંધ્ર પ્રદેશ) : વીસમી સદીના ભારતના એક અતિપ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ગણિતજ્ઞ. તેમના હાથે લી સમૂહો વિશે ઉત્કૃષ્ટ કોટિનું સંશોધન તો થયું જ છે, પણ તેમનો પ્રભાવ ભારતના સમગ્ર ગણિતશિક્ષણ અને સંશોધન પર પડ્યો છે.

માદાબુસી સંથનમ્ રઘુનાથનનું શિક્ષણ ચેન્નાઈની વિવેકાનંદ કૉલેજ તથા ચેન્નાઈ યુનિવર્સિટીમાં થયું. 1960માં બી.એ. થયા પછી તરત જ તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં સંશોધન માટે જોડાયા. 1966માં ત્યાંથી જ તેમને પીએચ.ડી.ની ડિગ્રી મળી અને ત્યાં જ તેઓ એસોસિયેટ પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1970માં તેઓ પ્રાધ્યાપક, 1980માં સિનિયર પ્રાધ્યાપક, 1990માં સન્માનનીય (distinguished) પ્રાધ્યાપક અને 1997માં તેઓ પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક (professor of eminence) બન્યા.

1970માં ફ્રાન્સમાં નીસ ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય ગણિત કૉંગ્રેસમાં તેમને એક 50 મિનિટના વ્યાખ્યાન માટે આમંત્રણ મળ્યું હતું. 1972માં તેમણે લખેલ પુસ્તક Discrete Subgroups of Lie Groups તે વિષયનો પ્રમાણભૂત ગ્રંથ લેખાય છે.

1987થી પ્રા. રઘુનાથન નૅશનલ બૉર્ડ ઑવ્ હાયર મૅથમૅટિક્સના અધ્યક્ષ છે. આ સંસ્થા પોતાની બહુવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતમાં ગણિતના શિક્ષણ તેમજ સંશોધનનું સ્તર સુધારવાના અને તેમાં અંતરાયરૂપ બનતાં પરિબળોને નિવારવાના ખૂબ સફળ પ્રયત્નો કરે છે.

પ્રા. રઘુનાથનને શાન્તિસ્વરૂપ ભટનાગર ઍવૉર્ડ ગણિતશાસ્ત્ર માટે મળ્યો, વળી ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમીનો રામાનુજન ચંદ્રક મળ્યો. ઇન્સા(INSA)ની પ્રતિષ્ઠાવાળી એસ. એન. બોઝ પ્રોફેસરશિપ (1991–93) મળી. તેઓ ભારતની ત્રણે વૈજ્ઞાનિક એકૅડેમીઓના ફેલો છે તથા બ્રિટનની રૉયલ સોસાયટીના પણ ફેલો છે.
ઈ. સ. 2001માં ભારત સરકારે તેમને પદ્મશ્રીના ઇલકાબથી નવાજ્યા છે.

અરુણ વૈદ્ય