રંગાસ્વામી, શાન્તા (જ. 1954; બૅંગલોર) : કર્ણાટકનાં મહિલા ટેસ્ટ-ક્રિકેટર. તેમણે 1977ના ભારતીય મહિલા ક્રિકેટ-ટીમનાં કપ્તાન તરીકે ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-પ્રવાસમાં ડ્યુનેડીન ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ સત્તાવાર ટેસ્ટમાં 108 રન કર્યા અને તે રીતે ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર તે પ્રથમ (ભારતીય) મહિલા ટેસ્ટ ક્રિકેટર બન્યાં હતાં.
ન્યૂઝીલૅન્ડ સામેની એ ઐતિહાસિક ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવનો 177 રનનો જુમલો નોંધાયો હતો, જેમાં શાન્તા રંગાસ્વામીનો એકલાંનો જ 108 રનનો ફાળો હતો. 197677માં જ ભારતીય મહિલા ક્રિકેટ-ટીમે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો. પર્થ ખાતે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં તેમણે તેમની સૌપ્રથમ વિકેટ ઝડપી હતી.
તેમને ઘણી ઓછી ટેસ્ટમૅચોમાં રમવાની તક મળી હતી. 10 ટેસ્ટ મૅચોના 16 દાવમાં બે વાર અણનમ રહીને 1 સદી (સર્વોચ્ચ 108), બે અર્ધ સદી સાથે તેમણે કુલ 369 રન નોંધાવ્યા હતા તથા 13 વિકેટો અને 3 કૅચ ઝડપ્યાં હતાં.
તેમણે છ ટેસ્ટ મૅચોમાં કપ્તાનપદ સંભાળતાં તેમાંથી એકમાં પરાજય વહોર્યો હતો; જ્યારે પાંચ ટેસ્ટમૅચો ડ્રૉમાં પરિણમી હતી.
ભારત સરકાર દ્વારા 1976માં તેમને અર્જુન ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં.
જગદીશ બિનીવાલે