રંગાસ્વામી કપ : હૉકીમાં પુરુષ-ખેલાડીઓને રાષ્ટ્રીય ચૅમ્પિયન બનવા બદલ આપવામાં આવતો કપ. આ કપની શરૂઆત 1928માં કરવામાં આવી હતી. ઇન્ડિયન હૉકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ ગ્વાલિયર મુકામે કરવામાં આવી હતી. દેશમાં પુરુષોની હૉકીમાં સર્વશ્રેષ્ઠ ટીમ કઈ છે તે જાણવા માટે તેમજ દેશમાં હૉકી-રમતનો વિકાસ થાય તે દૃષ્ટિએ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપની શરૂઆત 1928માં કોલકાતા મુકામે કરવામાં આવી હતી. પ્રથમ વાર આ કપ જીતવાનું શ્રેય ‘સંયુક્ત પ્રાંત’ની ટીમને જાય છે. 1928થી 1956 સુધી હૉકીમાં ઓલિમ્પિક્સની અંદર ભારત સતત ચૅમ્પિયન રહ્યું હતું અને તેથી રાષ્ટ્રીય ચૅમ્પિયન બનનાર ટીમના ખેલાડીઓને મોટાભાગે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની તથા સુવર્ણચંદ્રક જીતવાની તક પણ મળતી હતી. રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપનું આયોજન દર વર્ષે મોટાભાગે માર્ચ મહિનામાં કરવામાં આવે છે. આ ચૅમ્પિયનશિપનું આયોજન વારાફરતી દરેક રાજ્યમાં કરવામાં આવે છે. આમ તો દરેક રાજ્યની ટીમ રંગાસ્વામી કપ જીતવાની સંપૂર્ણ કોશિશ કરે છે, પરંતુ સ્પર્ધાનું ધોરણ ઉચ્ચ કક્ષાનું હોવાને કારણે ફક્ત શ્રેષ્ઠ ટીમ જ રંગાસ્વામી કપ મેળવવામાં સફળ બને છે. અત્યાર સુધી ઇન્ડિયન એરલાઇન્સ, પંજાબ જેવી ટીમોનો દેખાવ સારો રહ્યો છે. આ રીતે રંગાસ્વામી કપ જીતનાર ટીમ પુરુષોમાં હૉકીની અંદર સર્વશ્રેષ્ઠ ટીમ ગણાય છે અને આ વિજેતા ટીમના મોટાભાગના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી ભારત વતી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે જાય છે અને આ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની નામના મેળવે છે.

પ્રભુદયાલ શર્મા