રંગીતાતા નદી : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ-મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 44° 12´ દ. અ. અને 171° 30´ પૂ. રે. . આ નદી ત્યાંના દક્ષિણ આલ્પ્સ પર્વતોમાંથી નીકળતી ક્લાઇડ અને હૅવલૉક નદીઓના સંગમથી બને છે. તે રંગીતાતા કોતરમાંથી પસાર થાય છે. તે 121 કિમી.ની લંબાઈમાં અગ્નિ તરફ વહે છે અને તિમારુથી ઈશાનમાં 32 કિમી.ને અંતરે પૅસિફિકના કૅન્ટરબરીના ઉપસાગરમાં ઠલવાય છે.

આ નદી કૅન્ટરબરીના મેદાનને વીંધીને પસાર થતા ફાંટાઓમાં વહેંચાઈ જાય છે, તેથી તે જળમાર્ગ માટે ઉપયોગમાં લઈ શકાતી નથી. પૂર-સમયે એના આ ફાંટાઓ એક બની જાય છે.

રંગીતાતા કોતરના મુખ પર તેમાંથી એક નહેર કાઢવામાં આવેલી છે, જે ઈશાન તરફ રાકૈયા નદીના ઊંચાણવાળા ભાગ સુધી જાય છે. ત્યાં જળવિદ્યુત મથક સ્થાપવામાં આવેલું છે, તેમાંથી વીજળીનું ઉત્પાદન લેવામાં આવે છે તેમજ એ પાણીનો સિંચાઈ માટે પણ ઉપયોગ થાય છે.

જાહ્નવી ભટ્ટ