રંગપુર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુકભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. . તે લીંબડીથી ઈશાનકોણમાં અને નળસરોવરથી 24 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું બન્યું છે. 1931માં લીંબડી-ધંધુકા માર્ગનું બાંધકામ હાથ ધરાતાં રંગપુર નજીકથી લઘુપાષાણ સંસ્કૃતિના, હડપ્પા સંસ્કૃતિના અને અનુહડપ્પા સંસ્કૃતિના અવશેષો 1934માં ઉપલબ્ધ થયા હતા. 1934માં માધવસ્વરૂપ વત્સે, 1936માં મુંબઈ યુનિવર્સિટીએ તથા 1937 અને 1947માં પુણે ખાતેની ડેક્કન કૉલેજની સંશોધન સમિતિએ અહીં ઉત્ખનન કર્યાં હતાં. આ ઉપરાંત ભારતના પુરાતત્વખાતા તરફથી 1953-56 દરમિયાન તેનું વધુ વિસ્તૃત ઉત્ખનન હાથ ધરાયું હતું. મોરેશ્વર દીક્ષિતના જણાવ્યા પ્રમાણે આશરે 6.5 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરાતાં જુદા જુદા ત્રણ સ્તરેથી જુદા જુદા યુગના અવશેષો મળી આવ્યા હતા. રંગપુરનો સમગ્ર વિસ્તાર ઉત્તર-દક્ષિણ 1,097 મીટર અને પૂર્વ-પશ્ચિમ 853 મીટરમાં પથરાયેલો છે, જ્યારે વસવાટવાળો ભાગ 68 ચોમી. જેટલો છે. તે વખતે સંભવત: વાસણ બનાવવાનું જ્ઞાન લોકો પાસે ન હતું. ત્યાંના ખોદકામ દરમિયાન જાસ્પર અને અકીકની વસ્તુઓ પણ મળી છે.

પ્રથમ ઉત્તરકાલીન પાષાણયુગનાં અવશેષો અને ઓજારો, બાણનાં ફળાં, ત્રિકોણો, સમાંતર દ્વિભુજ ચતુષ્કોણ અને અર્ધચંદ્રાકૃતિઓ, સપ્રમાણ પતરીઓ ઉપર બનાવેલ રંદા જેવા ભૌમિતિક અને અભૌમિતિક લઘુપાષાણયુગના માનવીઓ દ્વારા વપરાતી વસ્તુઓના અવશેષો મળ્યા હતા. આ અવશેષો નદીની ભેખડો અને પટમાંથી મળતા જાસ્પર, કૅલ્સિડોની અને અકીકમાંથી બનાવાયા હતા. આ લોકોને માટીનાં વાસણો (pottery) બનાવતાં આવડતું ન હતું. અહીંથી લઘુપાષાણયુગના બાંધકામના અવશેષો મળ્યા નથી. કદાચ તેઓ ગુફામાં રહેતા હશે ! આ કાળ ‘રંગપુર1’ તરીકે ઓળખાય છે. આ અવશેષો હડપ્પા પૂર્વેના છે.

બીજો વિભાગ II A, II B અને II C એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે. II A ચાલ્કોલિથિક યુગને સમકાલીન છે. આ સંસ્કૃતિનો સારો વિકાસ થયો હતો. વસાહતમાંથી મળેલાં માટીનાં વાસણો હડપ્પાકાલીન અને સ્થાનિક પ્રણાલી ધરાવે છે. નક્કર કાદવની ઈંટનાં ભોંયતળિયાં ધરાવતાં માટીનાં કાચાં મકાનોમાં આ યુગના માનવીઓ રહેતા હતા. રંગીન માટીની વસ્તુઓ, સ્ટીએટાઇટ અને કાર્નેલિયમના મણકાઓ, તાંબાની ધાતુની બંગડીઓ અને વીંટી જેવાં આભૂષણો તે વખતે વપરાતાં હતાં. ચર્ટની (પથ્થરની) પતરીઓનો ઉદ્યોગ પણ હતો. ખાનગી ગટર ઉપરાંત ગંદા પાણીના નિકાલ માટેની સાર્વજનિક ગટરો તથા સ્નાનગૃહો પાકી ઈંટોમાંથી બનાવાયેલાં હતાં. લાલ અને ભૂખરા રંગની માટીનાં ખરબચડાં વાસણો ઉપરાંત લાલ અને કાળા રંગનાં તેમજ અબરખિયા રંગનાં વાસણોનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. આ વાસણો હડપ્પાના લોકો આવ્યા તે અગાઉનાં હતાં. લોકો મચ્છીમારી અને શિકાર કરીને નિર્વાહ કરતા હતા. માટીમાંથી બનાવેલાં વાસણો ખરબચડાં હતાં, પરંતુ ભૌમિતિક અને સાદી આકૃતિઓ વાસણોને સુશોભિત કરતી હતી. નદીના પૂરથી અને સુકભાદરના વહેણના ફંટાવાથી ઈ. પૂ. 1900ના અરસામાં આ નગરનો નાશ થયો હતો. લોકોએ સ્થળાંતર કરીને પૂર્વ તરફ અને મધ્ય ભાગમાં વસવાટ કર્યો હતો. મકાનોનું આયોજન અગાઉ જેવું જ હતું, પરંતુ આવાસો ઝૂંપડાં જેવા હતા.

II B રંગપુરનો અવનતિનો કાળ હતો. તેનો અંત ઈ. પૂ. 1600માં આવ્યો. ત્યારે તાંબાની અછત હતી. તાંબાની અને મોજશોખની વસ્તુઓ, તોલાં વગેરે ભાગ્યે જ જોવા મળતાં હતાં. જલગર્ત છાપરું ઘાસનું હોવાનું સૂચન કરી જાય છે. તોળવાનાં સાધનો, સ્નાનાગારો અને ગટરનો અભાવ હતો. ભૌતિક સાધનો ઊતરતી કક્ષાનાં હતાં, વેપાર ઘટી ગયો હતો તેમજ સિંધુ સંસ્કૃતિનાં અન્ય સ્થળો સાથેનો વેપાર પણ નષ્ટ થયો હતો. વર્તુળાકાર મોઢાની કાણાવાળી બરણીઓ અને સ્ટીએટાઇટના મણકા અદૃશ્ય થયાં હતાં. ડાંગરનું વાવેતર થતું હતું. બાવળ, આંબલી વગેરે સૂકી આબોહવાનું સૂચન કરતાં હતાં. ઢોર, ભેંસ, કૂતરાં, ઘેટાં-બકરાં પાળવાની શરૂઆત થઈ હતી.

II C કાળ દરમિયાન ઈ. પૂ. 1600ના અંતમાં રંગપુરની સંસ્કૃતિ પુનર્જીવિત થઈ હતી. લોથલના નાશ પછી લોકોએ અહીં સ્થળાંતર કર્યું હતું. ચમકવાળાં લાલ ઓપવાળાં વાસણો, અકીક અને જાસ્પરના મણકા, શંખ અને તાંબાની બંગડીઓનો વપરાશ વધ્યો હતો. હડપ્પન પ્રકારનાં માટીનાં વિશિષ્ટ વાસણો, જેવાં કે બેઠકવાળાં પીવાનાં વાસણો (globets), ટેરાકોટા કેક્સ, કાંગરીવાળા બુઠ્ઠા વાડકા, લાંબી ડોકવાળી લંબગોળ ઘાટની બરણીઓ (કૂજા) વધુ વપરાશમાં આવ્યાં હતાં. સાદા ચિત્રકામને બદલે હરણ અને આખલાનાં ચિત્રોવાળી રકાબી વગેરે તથા ચકચકિત લાલ માટીનાં વાસણો વપરાતાં થયાં હતાં. આવાસોના વિશાળ કદના ઓરડા સમૃદ્ધિના સૂચક હતા. ઘરોનાં છાપરાં પરાળનાં હતાં. નવા યુગના ઉદય સાથે ધાતુનાં સાધનો તથા ચકચકિત લાલ વાસણોનો ઉપયોગ વધ્યો હતો. કુદરતી દૃશ્યો, મોર, હરણ, આખલા વગેરે જેવાં ચિત્રોનું વૈવિધ્ય પણ વધ્યું હતું. સફેદ સાથે લાલ અને કાળા રંગનાં ચિત્રો વધારે લોકપ્રિય થયાં હતાં. ફાઇયાંસ (faience)- (ચીતરેલાં કે ઓપવાળાં માટીનાં વાસણનાં ઠીકરાં)ના અને સેલખડી પથ્થર(steatite)ના મણકાનું સ્થાન માટીના મણકાએ લીધું હતું. બુઠ્ઠા દ્વિશંકુ મણકા હજી લોકપ્રિય હતા. પથ્થરના ઘન આકારનાં તોલાંનું સ્થાન ગોળાકાર તોલાંએ લીધું હતું. ચર્ટને બદલે રેતિયા અને શિસ્ટના પથ્થર તે માટે વપરાતા થયા હતા. માટીની પકવેલી બંગડીઓનું સ્થાન છીપની બંગડીઓએ લીધું હતું. સેલખડીના ચંદા ઘાટના મણકાને બદલે છીપના ઝીણા મણકા વપરાતા થયા હતા. કાળાં અને લાલ પાત્રોનો વપરાશ સૌરાષ્ટ્ર બહાર પણ ફેલાયો હતો.

એસ. આર. રાવના મત અનુસાર રંગપુરની સંસ્કૃતિની ક્રમશ: અવનતિ થઈ હતી; પણ માટીની વસ્તુઓ, રમકડાં, ઈંટો વગેરે બનાવવાની કલા જીવતી રહી હતી. ક્રમશ: થતી ગયેલી અવનતિને કારણે રંગપુરનો ઈ. પૂ. 200થી ઈ. સ. 700 સુધીના કાળનો અભ્યાસ શક્ય છે.

શિવપ્રસાદ રાજગોર