રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા થતી ચીજવસ્તુઓની હેરફેર થઈ શકે છે.
રંગપુર (શહેર) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગના રંગપુર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 25° 45´ ઉ. અ. અને 89° 15´ પૂ. રે. . તે ઘાઘાટ (Ghaghat) નદી પર આવેલું છે. આ સ્થળ તેની ધૂરીઓ (સુતરાઉ શેતરંજીઓ), બીડીઓ અને સિગાર માટે જાણીતું છે. 1869માં રંગપુરમાં મ્યુનિસિપાલિટીની રચના થયેલી. અહીં રાજશાહી યુનિવર્સિટી-સંલગ્ન 8 જેટલી સરકારી કૉલેજો, તકનીકી સંસ્થા, કૃષિવિષયક સંસ્થા અને પ્રાથમિક શિક્ષકો માટેની તાલીમી સંસ્થાઓ તેમજ બે પુસ્તકાલયો અને બે ઉદ્યાનો પણ આવેલાં છે. રંગપુર એ એવું સ્થળ છે, જ્યાંના રાજા ભગદત્તે મહાભારતમાં મળતી નોંધ મુજબ યુદ્ધમાં ભાગ લીધેલો. 1991ની વસ્તી 2,03,931ની છે.
જાહ્નવી ભટ્ટ