રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી.
તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા છે, જ્યારે બીજી નવલ ‘અંદાલમ્માગરુ’ (1958) હાસ્યરસિક કૃતિ છે. તેમની ત્રીજી નવલ ‘બાલિપિથમ’(1959)થી સ્ત્રી-હકની તેમની ભાવના જોર પકડે છે. આ કૃતિને 1966માં રાજ્ય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમાં આંતરજ્ઞાતીય લગ્નના વિષયની સાંગોપાંગ છણાવટ કરી છે; પણ નવલકથાના સ્વરૂપ વિશે પૂરું કૌશલ્ય હસ્તગત થયું ન હોવાથી, તે કલાકૃતિ તરીકે ઊણી ઊતરે છે. તે પછી ‘કુલિન ગોડાલુ’ (‘ધ ફૉલન વૉલ્સ’, 1962), ‘અંધાકરમ લો’ (‘ઇન ધ ડાર્કનેસ’, 1964), ‘ચડુવુકુન્ના કમલા’ (‘ધી એજ્યુકેટેડ કમલા’, 1964), ‘પ્રેમ પ્રેમાનુ જપીસ્તુન્દી’ (‘લવ વિન્સ ઓવર લવ’, 1965) જેવી શ્રેણીબંધ નવલકથાઓ તેમણે લખી. તેમના વાર્તાસંગ્રહો પણ પ્રગટ થયા છે. તેઓ ‘વસુધા’ નામના તેલુગુ સામયિકનાં સંપાદિકા છે. તેમણે માર્કસના ‘દાસ કૅપિટાલ’નો તેલુગુમાં અનુવાદ કર્યો છે. ‘રામાયણ’ વિશેના તેમના વિવેચનગ્રંથો (ત્રણ ભાગ, 1967-68) ચર્ચાસ્પદ નીવડ્યા છે; તેમનું નામ છે ‘રામાયણ વિષવૃક્ષમુ’ (‘રામાયણ, ધ ટ્રી ઑવ્ પૉઇઝન’). તેમાં રામની તથા વેદકાલીન વ્યવસ્થાની હાંસી ઉડાવી છે. તેમની છેલ્લામાં છેલ્લી નવલકથા ‘જાનકી-વિમુક્તિ’(1980)માં તેમણે એવી રજૂઆત કરી છે કે પુરુષ એ અસંસ્કૃત જુલમી વ્યક્તિ છે અને એ સમાજ-વ્યવસ્થા સામે સ્ત્રીએ બળવો કરવાનો સમય પાકી ગયો છે.
મહેશ ચોક્સી