રંગકો

પોતે તીવ્રપણે રંગીન હોય અને અન્ય પદાર્થોને ઓછા-વત્તા અંશે કાયમી રંગવા માટે વપરાતા હોય તેવા સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સમૂહનો એક સભ્ય. કેટલાંક કાર્બનિક રસાયણોના પાણીમાંના દ્રાવણને સાધારણ ગરમ કરી તેમાં સુતરાઉ કાપડ કે રેસાને ડુબાડી રાખવાથી તે રંગીન બનતા હોય છે. સાબુ વડે ધોવાથી આ રંગ દૂર થતો નથી તેમજ પ્રકાશની અસરથી પણ તે ઝાંખો પડતો નથી. આવાં રસાયણો રંગકો તરીકે ઓળખાય છે.

રંગકો મોટેભાગે પાણીમાં દ્રાવ્ય હોય છે. કેટલાક રંગકો વપરાશ દરમિયાન દ્રાવ્ય બને છે અને પછી અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય છે. રંગીન પરંતુ પાણીમાં અદ્રાવ્ય પદાર્થો વર્ણક (pigment) તરીકે ઓળખાય છે.

દ્રાવ્ય રંગીન પદાર્થો રેસાના આંતરિક બંધારણમાં પ્રવેશે છે અને ત્યાં સ્થાયી (fixed) થાય છે. તે રેસાઓને રંગીન બનાવે છે, જે ધોવાની કે અન્ય યાંત્રિક ક્રિયાઓનો પ્રતિરોધ કરી શકે છે. આ ક્રિયાવિધિ ભૌતિક તેમજ રાસાયણિક સંકલ્પના (concepts) દ્વારા સમજાવી શકાય. તેને એક અવશોષણ પરિઘટના (absorption phenomenon) કહી શકાય. તેને લવણ બનવાની ક્રિયા, હાઇડ્રોજન આબંધન અથવા ઈથર-જોડાણથી ઉદભવતું આભાસી રાસાયણિક જોડાણ (quasi-chemical union) પણ ગણાવી શકાય. અમુક કિસ્સાઓમાં તેને સાચી દ્રાવણ-અસર (true solution effect) પણ ગણાવી શકાય. તે પદાર્થ પ્રત્યે આકર્ષણ (affinity) અથવા સ્વત: રંજક ગુણ ધરાવે છે અને તેના પર ચોંટીને સ્થાયી બને છે.

જે રંગો પાણી, હવા, સાબુથી ધોવાની ક્રિયા, પ્રકાશ, હવા વગેરે પ્રત્યે પ્રતિરોધક હોય તથા તેમની અસર તળે આવવા છતાં કાયમ ટકી રહે, તેમને પાકા રંગ (fast colours) કહે છે. જે રંગો આવાં માધ્યમોની અસર હેઠળ સરળતાથી દૂર થતા હોય છે, તેમને કાચા રંગો (fugitive dyes) કહે છે.

પ્રાચીન સમયથી માનવી રંગોનો ઉપયોગ કરતો આવ્યો છે. ઓગણીસમી સદીના મધ્યભાગ સુધી વનસ્પતિજ અને પ્રાણિજ રંગકોનો ઉપયોગ થતો હતો. કુદરતી રંગકો મોટેભાગે છોડવાની છાલ, ફળો (berries), ફૂલો, પાંદડાં, મૂળિયાં વગેરે ભાગોમાંથી મેળવવામાં આવતા હતા. આપણા દેશમાં રંગારાઓ રંગકામ માટે હળદર, દાડમની છાલ, મેંદી (henna), મજીઠ, ગળી, લૉગવુડ વગેરેનો ઉપયોગ કરતા હતા.

મજીઠના છોડ(mudder plant)માંથી મેડર (એલિઝરિન) નામનો રંગ મળે છે. આ છોડ એશિયા અને યુરોપમાં ઊગે છે. તેમાંથી શણ (linen), રેશમ અને અન્ય રેસાઓને રંગવા માટે મજીઠનો ચમકદાર (bright) લાલ રંગ મળે છે. કેસર(saffron)નો પીળો રંગ crocus નામના છોડમાંથી મળે છે. તે રેશમ તથા ઊનના રેસાઓ રંગવા વપરાતો હતો. મુખ્યત્વે ભારતમાં જ ઊગતા ગળીના છોડ(indigo plant)માંથી ઘેરો વાદળી રંગ મળે છે, જે સુતરાઉ, ઊન અને બીજા રેસાઓ રંગવા વપરાય છે. હાલમાં તે ડેનિમ (Denim) કાપડના રંગકામમાં વપરાય છે. મેક્સિકો અને વેસ્ટ ઇન્ડિઝમાં લૉગવુડ(log- wood)ના છોડ થાય છે. તેમાંથી લૉગવુડ નામે જાણીતો ઘેરો બદામી રંગ મળે છે, જે સૂતર, રુવાંટી (fur), ઊન, રેશમ વગેરે રેસાઓને રંગવા માટે વપરાતો હતો.

મેંદી લાલાશ-પડતો નારંગી-બદામી (orange-brown) રંગક છે. તેના છોડ ઉત્તર આફ્રિકા અને મધ્યપૂર્વમાં થાય છે. તે ચામડાના રંગકામ માટે અને કેટલીક વાર માનવના વાળને રંગવા માટે વપરાતો હતો.

કોચિનીલ (cochineal) લાલ રંગ છે. તે Coccus cacti નામના જીવડામાંથી મળે છે. તે ખોરાક, દવાઓ વગેરેના રંગકામ માટે વપરાતો હતો. કાર્માઇન અને ટિરિયન પર્પલ રંગ દરિયામાંથી મળી આવતાં એક પ્રકારનાં જીવડાંમાંથી મળે છે. આ પ્રકારનાં જીવડાં મેક્સિકો તથા મધ્ય અમેરિકામાંથી મળે છે અને તેમના શુષ્ક અવશેષોમાંથી આ રંગો મેળવવામાં આવતા હતા. લાખના કીડાઓ(જીવડાં)માંથી લાખનો રંગ મેળવવામાં આવતો હતો. આ રીતે કુદરત વૈવિધ્યસભર રંગોનો અમૂલ્ય ખજાનો છે.

મોટાભાગના કુદરતી રંગો મૉર્ડન્ટ રંગક (mordant dye) હોય છે અને રંગકામ દરમિયાન સ્થાયીકારક(fixing agent)ની જરૂર પડે છે.

હાલમાં સંશ્ર્લેષિત રંગોનો વપરાશ થાય છે, જેમનો ઉદય અંગ્રેજ રસાયણવિદ ડબ્લ્યૂ. એચ. પર્કિનને હાથે થયો હતો. પર્કિને 1856માં અકસ્માતે મોવ (mauve) નામનો પ્રથમ સંશ્ર્લેષિત રંગક શોધેલો. પર્કિન એનિલિનના ઉપચયન દ્વારા ક્વિનાઇન બનાવવા વિચારતા હતા, પરંતુ ક્વિનાઇનના બદલે એનિલિનના ઉપચયનથી જાંબુડિયો રંગ મળેલો. આ રંગ એનિલિન પર્પલ એટલે કે મોવ તરીકે જાણીતો છે. પર્કિને ત્યારબાદ આ રંગ બનાવવાની ઔદ્યોગિક પદ્ધતિ શોધી અને પ્રથમ વાર ઇંગ્લૅન્ડમાં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરેલું (1857). આ રીતે પર્કિને કૃત્રિમ અથવા સંશ્ર્લેષિત રંગકોનાં નિર્માણ તેમજ સંશોધનની દિશા સૂચવેલી.

રંગકોના ઉત્પાદન માટે બેન્ઝીન, ટૉલ્યુઇન, નૅપ્થેલિન, ફીનોલ વગેરે કાર્બનિક મધ્યસ્થીઓની જરૂર પડે છે; જે ડામરમાંથી મેળવી શકાતાં હોવાથી આ રંગકો કોલટાર રંગકો તરીકે પણ જાણીતા છે.

જર્મનીમાં કૃત્રિમ રંગોના ઉત્પાદન માટે ઉત્સાહપૂર્વક ધ્યાન અપાયેલું અને તેના પરિણામે રંગોનું ઉત્પાદન એ એક જર્મન ઉદ્યોગ બની ગયો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન અન્ય દેશોમાં રંગની નિકાસ અટકી ગયેલી અને તેના પરિણામે બીજા દેશોમાં પણ રંગ-ઉદ્યોગ ઝડપથી વિકસ્યો.

પ્રયોગશાળામાં હજારોની સંખ્યામાં સંશ્ર્લેષિત કરવામાં આવેલા રંગકોમાંથી લગભગ 3,500 જેટલા રંગકો વ્યાપારી ધોરણે વપરાશમાં છે. વિવિધ રંગકોનું સંકલન (compilation) કરી તેની સૂચિ (index) બનાવવામાં આવી છે. The Society of Dyers and Colourists (England) અને The American Association of Textile Chemists and Colourists દ્વારા રંગની ઓળખ માટે દરેક રંગને વૈયક્તિક (individual) પાંચ અંકનો નંબર (સંખ્યા) આપવામાં આવેલ છે. આમ છતાં અગાઉના કેટલાક રંગો વપરાશ પ્રમાણેનાં સામાન્ય નામ ધરાવે છે.

ઉદ્યોગમાં વપરાતા વિવિધ રંગો જુદા જુદા નામથી બજારમાં વેચાતા હોય છે. દરેક રંગ-ઉત્પાદક પોતાની નામાભિધાન-પદ્ધતિ રાખે છે, જે ત્રણ કે ચાર ભાગની બનેલી હોય છે. આમાં પ્રથમ ઉત્પાદકે જે તે વર્ગ માટે પોતે પ્રયોજેલ વેપારી માર્કો ધરાવતું નામ, તે પછી વર્ણ (hue), પછી આભા (ઝાંય, shade) અને અન્ય લાક્ષણિકતાઓ વર્ણવતા શબ્દો, અક્ષરો કે અંકો અને છેલ્લે તેનું સામર્થ્ય (strength) કે ભૌતિક સ્વરૂપ દર્શાવવામાં આવે છે.

રંગોના રાસાયણિક બંધારણ અને રંગ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતા વિવિધ સિદ્ધાંતો તારવવામાં આવેલ છે, જેમાં જર્મન રસાયણશાસ્ત્રી ઓ. એન. વિટ(1876)નો સિદ્ધાંત વધુ સ્વીકાર્ય બન્યો છે. આ સિદ્ધાંત મુજબ રંગીન પદાર્થ મુખ્યત્વે વર્ણમૂલક (chromophore) અને વર્ણવર્ધક (auxochrome) જેવા સમૂહો ધરાવે છે. વર્ણમૂલક એટલે રંગ આપનાર એવો અર્થ થાય છે. વર્ણમૂલક ધરાવતા ઍરોમૅટિક વલયદેહને વર્ણજન (chromogen) કહે છે. વર્ણમૂલકો ઘણા અગત્યના છે અને તેમના આધારે રંગોનું વર્ગીકરણ કરવામાં આવે છે. રંગમૂલક અસંતૃપ્ત સમૂહો હોય છે અને રંગ માટે જવાબદાર ગણાય છે. રંગીન પદાર્થ એટલે કે વર્ણજન- (chromogen)માં રંગવર્ધક સમૂહ હોય તો તે પદાર્થને રંગવાનો ગુણધર્મ ધરાવે છે.

કેટલાક વર્ણમૂલકો અને રંગવર્ધકો નીચે દર્શાવ્યા છે :

વર્ણમૂલકો :

રંગ(વર્ણ)વર્ધક (auxochromic) સમૂહો : આવા સમૂહોને લીધે રંગ રેસાઓ ઉપર ચોંટી શકે છે અને રંગ ઘેરો બને છે. આવા સમૂહો નીચે પ્રમાણે છે : −NH2, −NHR −NR1R2, −OH, −Cl, −SO3H, −COOH વગેરે.

રંગવર્ધક (વર્ણવર્ધક) સમૂહો મોટેભાગે લવણ બનાવી શકે તેવા સમૂહો (દા.ત., −NH2, −OH) અને તેમનાં વ્યુત્પન્નો હોય છે. અથવા તો પદાર્થની ઓગળવાની શક્તિ વધે તેવા (−COOH અથવા −SO3H) સમૂહો હોય છે.

OH અને NH2 સમૂહો વધારે તરંગલંબાઈવાળા પ્રકાશના અધિશોષણમાં મદદ કરે છે અને રંગ વધારે ઘેરો બને છે. આવા સમૂહો વર્ણોત્કર્ષી (bathochromic groups) કહેવાય છે અને આવી અસર વર્ણોત્કર્ષી અસર કહેવાય છે. રંગક રસાયણમાં રંગ ઘેરો બનવાની અસરનો અર્થ નીચેના ફેરફારો દ્વારા દર્શાવી શકાય :

        નારંગી    →  લાલ   →     નીલલોહિત  → નીલ → લીલો    → કાળો

        (orange)   (red)            (purple)     (blue)     (green)    (black)

(મોટાભાગના કાર્બનિક પદાર્થનો રંગ પ્રકાશના દૃશ્યમાન વિભાગમાંની કોઈ એક તરંગલંબાઈ શોષાવાને લીધે હોય છે.)

કેટલાક સમૂહો વધુ તરંગલંબાઈવાળા અધિશોષણને ઓછી તરંગલંબાઈવાળા અધિશોષણ તરફ ખસેડે છે; દા.ત., OHને બદલે −OCOCH3 સમૂહ રંગમાં ઘટાડો કરે છે. આવા સમૂહો વર્ણાપકર્ષી (hypsochromic) કહેવાય છે. આ અસરને વર્ણાપકર્ષી અસર કહે છે.

રંગકોનું વર્ગીકરણ : રંગકોનું વર્ગીકરણ બે રીતે થઈ શકે છે :

(अ) રાસાયણિક બંધારણ (સંરચના) ઉપર આધારિત વર્ગીકરણ.

(आ) રેસાઓ (કાપડ) રંગવાની પદ્ધતિ અનુસારનું વર્ગીકરણ.

પ્રથમ પ્રકારનું વર્ગીકરણ રસાયણશાસ્ત્રીઓ માટે વિવિધ પ્રકારના રંગકોના અભ્યાસ અંગે અગત્યનું છે; જ્યારે બીજા પ્રકારનું વર્ગીકરણ રંગકોનો ઉપયોગ કરનારાઓ માટે અગત્યનું છે, કારણ કે રેસાઓની પ્રકૃતિ અનુસાર રંગકની પસંદગી કરવી પડે છે.

(अ) રાસાયણિક બંધારણ (સંરચના) આધારિત વર્ગીકરણ :

(1) નાઇટ્રોસો રંગકો : દા.ત., ડાઇનાઇટ્રોસો રિસૉર્સિનોલ; નૅપ્થૉલ ગ્રીન B.

(2) નાઇટ્રો રંગકો : દા.ત., પ્રિક્રિક ઍસિડ, માર્શિયસ યલો.

(3) એઝો રંગકો : (i) મોનોએઝો, (ii) બિસએઝો (iii) ટ્રિસએઝો અને (iv) પૉલિએેઝો રંગકો.

(4) ડાયફીનાઇલ મિથેન રંગકો : દા.ત., ઑરામાઇન ઓ.

(5) ટ્રાયફીનાઇલ મિથેન રંગકો : દા.ત., મેલેચાઇટ ગ્રીન, પેરારોઝાનલિન, રોઝાનિલિન વગેરે.

(6) ઝેન્થીન રંગકો : દા.ત., ફ્લુઓરેસીન (fluorescein), ર્હોડેમાઇન B.

(7) ડાયફીનાઇલ એમાઇન રંગકો :

        (i) ઇન્ડામાઇન (indamines) : દા.ત., ફિનિલિન બ્લૂ.

        (ii)     ઇન્ડોફીનોલ (indophenols) : આ વર્ગના સાદામાં સાદા સભ્યનું સૂત્ર નીચે પ્રમાણે છે :

(8) વિષમચક્રીય રંગકો (heterocyclic dyes) :

        (ક)     ઍક્રિડીન રંગકો; દા.ત., ઍક્રિફ્લેવિન.

        (ખ)    ક્વિનોલિન રંગકો; દા.ત., ક્વિનોલિન યલો.

        (ગ)    એઝાઇન રંગકો; દા.ત., સેફ્રાનિન ટી.

        (ઘ)    ઑક્સાઝિન રંગકો; દા.ત., નૅપ્થૉલ બ્લૂ અથવા મેલ્ડોલાઝ બ્લૂ.

        (ઙ) થાયાઝિન રંગકો; દા.ત., મિથિલીન બ્લૂ.

(9) ઍન્થ્રાક્વિનૉન રંગકો :

        (ક)     ઍસિડ ઍન્થ્રાક્વિનૉન રંગકો; દા.ત., ઍલિઝરીન સેફાયર SE.

        (ખ)    વર્ણબંધક ઍન્થ્રાક્વિનૉન રંગકો; દા.ત, ઍલિઝરીન.

        (ગ)    પરિક્ષિપ્ત (disperse) ઍન્થ્રાક્વિનૉન રંગકો; દા.ત., C.I. ડિસ્પર્સ રેડ 9 (અથવા 1 મિથાઇલએમાઇન  A. Q.)

        (ઘ)    વૅટ ઍન્થ્રાક્વિનૉન રંગકો : ઇન્ડાન્થ્રોન, ફ્લેવાન્થ્રોન વગેરે.

        (ડ)     દ્રાવ્ય વૅટ રંગકો (વૅટ રંગકોનાં એસ્ટર સંયોજનો છે); દા.ત., જલદ્રાવ્ય ફ્લેવાન્થ્રોન.

(10) ઇન્ડિગૉઇડ રંગકો; દા.ત., ઇન્ડિગો (ગળી), થાયોઇન્ડિગો રેડ બી, ઇન્ડિગૉસોલ ઓ (indigosol O).

(11) સલ્ફર રંગકો; દા.ત., સલ્ફર બ્લૅક.

(12) સાયનીન રંગકો; દા.ત., સાયનીન, ઇથાઇલ રેડ, ક્રિપ્ટોસાયનીન વગેરે.

(13) થેલોસાયનીન રંગકો; દા.ત., થેલોસાયનીન બ્લૂ (CI પિગમેન્ટ બ્લૂ 15).

(आ) રંગવાની રીત આધારિત વર્ગીકરણ : રંગોનો કાપડ-ઉદ્યોગમાં બહોળો વપરાશ થાય છે. રંગો રેસાઓમાં ઊંડે ઊતરવા જોઈએ તથા ધોવાથી સહેલાઈથી દૂર થવા ન જોઈએ. રંગકો રેસાઓની (કાપડની) ઉપર આયનિક બંધ, સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ, કીલેશન (chelation) કે વાન ડર વાલ્સનાં બળો દ્વારા લાગેલા રહે છે. રેસાઓની પ્રકૃતિ મુજબ રેસાઓ અને રંગકો વચ્ચે રાસાયણિક બંધન રચાય છે.

(1) ઍસિડ રંગકો : આ પ્રકારના રંગકો સલ્ફૉનિક ઍસિડ અને નાઇટ્રોફીનોલના સોડિયમ લવણના રૂપમાં હોય છે. તેમની સંરચનામાં નાઇટ્રો (−NO2), કાબૉર્ક્સિલિક (COOH), અથવા સલ્ફૉનિક ઍસિડ (−SO3H) સમૂહો હાજર હોય છે. તેઓ મુખ્યત્વે ઊન અને રેશમને રંગવા માટે વપરાય છે. સુતરાઉ કાપડ (સેલ્યુલોઝ રેસાઓ) માટે આ રંગો વાપરી શકાતા નથી. આ ઉપરાંત પૉલિએમાઇડ, પૉલિઍક્રિલિક જેવા કૃત્રિમ રેસાઓ, ચર્મ (leather) અને કાગળ રંગવા વપરાય છે. ઍસિડ રંગકોમાં એઝો, ટ્રાયફીનાઇલ મિથેન અને એન્થ્રાક્વિનૉન વર્ગના રંગોનો સમાવેશ થાય છે; દા.ત., પિક્રિક ઍસિડ, માર્શિયસ યલો, નૅપ્થૉલ યલો -S, ઑરેન્જ -II વગેરે.

(2) બેઝિક રંગકો : આ પ્રકારના રંગકોમાં એમીનો (−NH2) અથવા પ્રસ્થાપિત એમીનો સમૂહ (−NHR અથવા −NR2) હોય છે. આ રંગકો હાઇડ્રોક્લૉરિક ઍસિડ (HCl) તથા ZnCl2 સાથેનાં લવણો રૂપે હોય છે. તે ઊન અને રેશમ (પ્રાણિજ રેસાઓ) ઉપર સીધો રંગ આપે છે; દા.ત., ટ્રાયફીનાઇલમિથેન રંગકો. ઍક્રિલિક રેસાઓ પણ રંગી શકાય છે. સુતરાઉ કાપડ રંગવા માટે ટૅનિન (tannin) વર્ણબંધક(mordant)ની જરૂર પડે છે. ટ્રાયફીનાઇલ મિથેન, ઝેન્થીન જેવા વર્ગના રંગકોને બેઝિક રંગકો કહે છે. તે કાગળ રંગવા માટે વપરાય છે. બિસ્માર્ક બ્રાઉન -G અને ક્રાયસોઇડિન -G (chrysoidine G) બેઝિક એઝો રંગકો છે.

(3) પ્રત્યક્ષ (સીધા) અથવા સ્વત: રંગકો (direct or substantive dyes) : આ રંગકો ઊન, રેશમ, સૂતર, રેયૉન વગેરેના રેસાઓ ઉપર સીધો રંગ આપે છે. આથી આ વર્ગના રંગકો સીધા રંગો તરીકે ઓળખાય છે. એઝો વર્ગના ઍસિડ સમૂહ ધરાવતા રંગકો છે. મીઠું (NaCl) અને Na2SO4 જેવા ક્ષારોની હાજરીમાં તેઓ રૂ(cotton)ના રેસા માટે આકર્ષણ ધરાવે છે. આના કારણે આ રંગોને લવણ-રંગો (salt colours) પણ કહે છે. કૉન્ગો-રેડ, સ્ટિલ્બીન રંગકો (દા.ત., sun yellow) વગેરે સીધા રંગકો છે.

(4) એઝૉઇક, વિકસિત (developed) અથવા અંતર્જનિત (ingrain) રંગકો : આ વર્ગના રંગકો કાપડ ઉપર ઉત્પન્ન થાય છે. રંગકોના અણુના બે ભાગો વચ્ચેની પ્રક્રિયા કાપડ ઉપર કરવામાં આવે છે, આથી રંગક અદ્રાવ્ય પદાર્થ રૂપે કાપડ ઉપર અવક્ષિપ્ત થાય છે; દા.ત., કાપડને ફીનોલના દ્રાવણમાં બોળીને પછી તેને ડાયએઝોનિયમ લવણના દ્રાવણમાં બોળવામાં આવે ત્યારે બંને પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં કાપડ ઉપર રંગ ઉદ્ભવે છે. આ રંગો ઘણા પાકા હોય છે. ઍક્રિલિક, નાયલૉન, રેયૉન તથા સૂતરના રેસાઓ રંગવા માટે ઉપયોગી છે. પેરા-રેડ આ પ્રકારનો એઝો રંગક છે.

(5) વર્ણબંધક (mordant) રંગકો અથવા સ્થાપિત રંગકો : આ વર્ગના રંગકો રેસાઓ ઉપર સીધા ચઢાવી શકાતા નથી. રંગબંધકો દ્વારા સ્થાયી થતા સ્થાપિત રંગો જુદી જુદી ધાતુઓ સાથે સંયોજિત થઈ વિવિધ પ્રકારના ધાતુ-સંકીર્ણો (metal complexes) ઉત્પન્ન કરી શકે છે. આ રંગના બંધારણમાં  એક લવણજનક સમૂહ અને અનાબંધી ઇલેક્ટ્રૉન(nonbonding electrons)નું દાન કરી શકે તેવો બીજો સમૂહ હોવો જરૂરી છે. આ બે પ્રકારના સમૂહો વડે રંગ ધાતુના પરમાણુ સાથે ધાતુ-સંકીર્ણ બનાવે છે. મોટાભાગના સ્થાપિત રંગકો હાઇડ્રૉક્સિલ સમૂહ(−OH)ના લીધે જ ધાતુ-સંકીર્ણ બનાવવાનો ગુણધર્મ ધરાવે છે. કાબૉર્ક્સિલિક (COOH), નાઇટ્રોસો (−NO), એઝો (−N = −N) અથવા ઈમિનો (−NH) સમૂહ ધરાવતા રંગકોમાં આ સમૂહોના ઑર્થો સ્થાનમાં હાઇડ્રૉક્સિ સમૂહ (−OH), હોય તો તેમનાં ધાતુ-સંકીર્ણ બની શકે છે. લોહ, ક્રોમિયમ, ઍલ્યુમિનિયમનાં લવણો રંગબંધક તરીકે વપરાય છે.

મજીઠમાં રહેલા ઍલિઝરીનમાં હાઇડ્રૉક્સિલ સમૂહ (−OH) લવણજનક છે અને કાર્બોનિલ સમૂહ અનાબંધી ઇલેક્ટ્રૉનો આપી શકે તેવો સમૂહ છે. આથી તે વિવિધ રંગના ધાતુ-સંકીર્ણો બનાવી શકે છે. તેવી જ રીતે ઑર્થો ડાઇ-હાઇડ્રૉક્સિ એઝો રંગો પણ ધાતુ-સંકીર્ણ બનાવે છે.

બેઝિક સ્થાપિત રંગકો માટે ટૅનિન (ટૅનિક ઍસિડ) રંગ સ્થાપક (અથવા વર્ણબંધક) તરીકે વપરાય છે.

(6) વૅટ (vat) રંગકો : આ પ્રકારના રંગકો પાણીમાં અદ્રાવ્ય છે. તેમનું સહેલાઈથી સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટના આલ્કેલાઇન દ્રાવણ વડે અપચયન થઈ શકે છે. અપચયન પામેલ રંગ પાણીમાં દ્રાવ્ય બને છે, જે રંગવિહીન (leuco) (વૅટ) સ્વરૂપે હોય છે. આ દ્રાવણમાં કાપડ બોળીને હવામાંના ઑક્સિજન વડે ઉપચયન કરતાં અદ્રાવ્ય રંગ કાપડ ઉપર ફરીથી અવક્ષિપ્ત થાય છે. આ રંગો ઘણા પાકા હોય છે. વૅટ રંગકો મોટેભાગે સુતરાઉ કાપડ રંગવા માટે વપરાય છે. ગળી, ઍન્થ્રાક્વિનૉન વર્ગના ઇન્ડાન્થ્રિન રંગકો અગત્યના વૅટ રંગકો છે :

(7) સલ્ફર રંગકો (ગંધકયુક્ત રંગો) : આ રંગકો પાણીમાં અદ્રાવ્ય હોય છે. તેમનું જલીય સોડિયમ સલ્ફાઇડ વડે અપચયન થાય છે અને પાણીમાં ઓગળે એવા રંગવિહીન (લ્યુકો) બેઝમાં પરિવર્તન પામે છે. કાપડના રેસાને તેમાં ડુબાડીને હવામાં બહાર રાખતાં ઉપચયન થવાથી મૂળ રંગ રેસા ઉપર જોવા મળે છે.

આ રંગકો સસ્તા હોય છે અને સુતરાઉ કાપડ રંગવા માટે વપરાય છે. આ રંગોનું બંધારણ બહુ અટપટું હોય છે. સલ્ફર બ્લૅક આ વર્ગનું ઉદાહરણ છે.

(8) પરિક્ષિપ્ત રંગકો (disperse dyes) : આ રંગકો બહુ જ ઓછી માત્રામાં પાણીમાં દ્રાવ્ય થતા હોઈ રંગકામ ઊંચા ઉષ્ણતામાને કરવું પડે છે.

એસિટેટ, રેયૉન, નાયલૉન, ટેરિલિન, ઍક્રિલિક, પૉલિયેસ્ટર વગેરે સંશ્ર્લેષિત રેસાઓ માટે આ રંગો વપરાય છે.

કેટલાક એઝો અને ઍન્થ્રાક્વિનૉન વર્ગના રંગકો ‘ડિસ્પર્સ’ રંગો તરીકે વપરાય છે.

(9) ક્રિયાશીલ રંગકો (reactive dyes) : આ પ્રકારના રંગકો પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. તેઓ સૂતરના રેસા, નાઇલૉન, રેયૉન, ઊન, રેશમ વગેરેના રેસાઓમાં રહેલા ક્રિયાશીલ સમૂહો (દા.ત., −OH અથવા −NH2) સાથે મજબૂત રાસાયણિક બંધનથી જોડાય છે. આથી કાપડ ઉપર ભભકાદાર આકર્ષક રંગ ઉદ્ભવે છે.

વિવિધ વર્ગના રંગકોનો પરિચય નીચે ટૂંકમાં આપેલ છે :

(1) નાઇટ્રો રંગકો (nitro dyes) : તેમાં વર્ણમૂલક સમૂહ તરીકે નાઇટ્રો (−NO2) સમૂહ અને વર્ણવર્ધક સમૂહ તરીકે હાઇડ્રૉક્સિલ

(−OH) સમૂહ હોય છે. આ રંગો ઊન અને રેશમના રેસા રંગવા માટે વપરાય છે.

(ક) પ્રિક્રિક ઍસિડ :

સાદામાં સાદો ઍસિડ નાઇટ્રો રંગક છે. રેશમના રેસાઓ ઉપર ચમકદાર પીળો રંગ આપે છે.

(ખ) માર્શિયસ યલો અને નૅપ્થૉલ યલોS :

આ રંગો પ્રકાશની અસરથી અસ્થાયી (fugitive) બને છે. ચામડાં, પેપર વગેરે રંગવા માટે થોડા પ્રમાણમાં વપરાય છે.

(2) નાઇટ્રોસો રંગકો : આ વર્ગના રંગકોમાં નાઇટ્રોસો (−NO) સમૂહ વર્ણમૂલક તરીકે હોય છે. તેના ઑર્થોસ્થાનમાં વર્ણવર્ધક તરીકે −OH સમૂહ હોય છે. આવા રંગકો ધાતુ સાથે રંગીન સંકીર્ણ ક્ષાર બનાવે છે.

(ક) ફાસ્ટ ગ્રીન−O : રિસૉર્સિનોલ સાથે નાઇટ્રસ ઍસિડની પ્રક્રિયા કરતાં ડાયનાઇટ્રોસો રિસૉર્સિનોલ બને છે, જે ક્વિનૉઇડ અને બિનક્વિનૉઇડ સ્વરૂપમાં હોય છે. ક્વિનૉઇડ સ્વરૂપ (ઑક્ઝાઇમ સ્વરૂપ) Hબંધ દ્વારા સ્થાયી બને છે, જે ધાતુ સાથે (દા.ત., Fe સાથે) વર્ણક બનાવે છે. તે રંગકામ તથા પ્રિન્ટિંગ કામમાં વપરાય છે :

(ખ) ગૅમ્બાઇન−Y (Gambine−Y; 1, Nitroso−2 −Naphthol) અને નૅપ્થૉલ ગ્રીન B (Naphthol Green B)

(3) એઝો રંગકો : આ રંગકોનો વપરાશ મહત્તમ છે. તેમાં વર્ણમૂલક તરીકે એઝો સમૂહ (−N = N−) અને વર્ણવર્ધક સમૂહ તરીકે NH2, NHR1, NR2, OH વગેરે સમૂહો હોય છે. એઝો સમૂહની સંખ્યા પ્રમાણે તેમનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે :

(ક) મોનોએઝો રંગકો [જે એક −N = N− (એઝો) સમૂહ ધરાવે છે.]

(ખ) બિસએઝો રંગકો [જે બે −N = N− સમૂહ ધરાવે છે.]

(ગ) ટ્રિસએઝો રંગકો [જે ત્રણ −N = N− સમૂહ ધરાવે છે.]

(ઘ) પૉલિએઝો રંગકો (જે ચાર અથવા ચારથી વધુ −N = N− સમૂહો ધરાવે છે.)

આ રંગકોના વપરાશ પ્રમાણેના વર્ગીકરણ મુજબ કેટલાક રંગકોનો પરિચય નીચે આપ્યો છે :

(i) બેઝિક એઝો રંગકો : તેમાં વર્ણવર્ધક સમૂહ તરીકે એમીનો સમૂહ (−NH2 અથવા −NR2) હોય છે.

આ બંને રંગો ઍસિડ પ્રત્યે વધુ સંવેદનશીલ (sensitive) હોઈ રંગ તરીકે ઉપયોગી નથી.

બિસ્માર્ક બ્રાઉન G (ફીનિલીન-બ્રાઉન) (Bismarck Brown G or Phenylene Brown) : નાઇટ્રસ ઍસિડની વધારે પ્રમાણમાં લીધેલા m-ફીનિલીન ડાઇએમાઇન (m-phenylene diamine) સાથે પ્રક્રિયા કરવાથી મૉનો અને બિસએઝો વ્યુત્પન્નોનું મિશ્રણ મળે છે. આ વ્યુત્પન્નોના હાઇડ્રોક્લૉરાઇડના મિશ્રણને બિસ્માર્ક બ્રાઉન-G તરીકે ઓળખવામાં આવે છે. કાગળ અને ચામડાં રંગવા માટે વપરાય છે :

(ii) ઍસિડ એઝો રંગકો : આ રંગકો સલ્ફૉનિક સમૂહ (−SO3H) ધરાવે છે. અગત્યનાં ઉદાહરણો નીચે આપ્યાં છે :

(ક) મિથાઇલ ઑરેન્જ અથવા હિલિયાન્થિન (methyl orange or helianthin) : (તેને એનાયનિક (anionic) રંગક પણ કહી શકાય.)

તે આલ્કેલાઇન દ્રાવણ સાથે નારંગી રંગ અને ઍસિડ દ્રાવણ સાથે લાલ રંગ દર્શાવે છે; આથી સૂચક તરીકે વપરાય છે.

(ખ) ઑરેન્જII (orangeII) :

કાગળના રંગકામમાં વપરાય છે.

(ગ) નૅપ્થૉલ બ્લૂ બ્લૅક B : વધુ પ્રમાણમાં વપરાતો કાળા રંગનો ઍસિડ એઝો રંગક છે.

(iii) પ્રત્યક્ષ અથવા સીધા એઝો રંગકો : (direct or substantive azo dyes) :

આ વર્ગના રંગો સુતરાઉ કાપડ (cotton), વિસ્કૉસ રેયૉન વગેરે રંગવા માટે વપરાય છે. સુતરાઉ કાપડ ઉપર સીધો રંગ આપે છે.

(ક) કૉન્ગો રેડ (Congo red) : આ વર્ગનો તે સૌથી પ્રથમ સંશ્ર્લેષિત એઝો રંગક છે, જે સુતરાઉ કાપડ ઉપર લાલચટક રંગ આપે છે. આ રંગ ઍસિડ પ્રત્યે સંવેદનશીલ છે. અકાર્બનિક ઍસિડની હાજરીમાં લાલ રંગમાંથી વાદળી રંગમાં પરિવર્તન થાય છે. આલ્કેલાઇન દ્રાવણમાં લાલ રંગ બતાવે છે.

સ્ટિલ્બીન રંગકો (stilbene dyes) : આ રંગકો પણ સુતરાઉ કાપડને સીધેસીધું રંગે છે. આ રંગકોને બનાવવા માટે ડાયએઝોટાઇશેન અને યુગ્મીકરણ પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી. આ બાબત નીચેના રંગકની બનાવટ દ્વારા સમજી શકાશે :

(iv) એઝૉઇક, વિકસિત અથવા અંતર્જનિત રંગકો (azoic, developed or ingrain dyes) :

આ પ્રકારના રંગકો કાપડ ઉપર જ ઉદ્ભવે છે. રંગકોના અણુના બે ભાગો વચ્ચેની પ્રક્રિયા કાપડ ઉપર કરવામાં આવે છે. પરિણામે અદ્રાવ્ય પદાર્થ રૂપે રંગ કાપડ ઉપર અવક્ષિપ્ત થાય છે.

કેટલાક રંગકોનાં બંધારણીય સૂત્રો નીચે આપ્યાં છે :

વિવિધ પ્રકારના બેઇઝ અને ફીનૉલિક પદાર્થોની પસંદગી પ્રમાણે જુદા જુદા રંગો મેળવવામાં આવે છે.

(v) વર્ણબંધક એઝો રંગકો (mordant azo dyes) : આ વર્ગના રંગકો વર્ણકની હાજરીમાં રેસાઓ રંગવા માટે વપરાય છે. મુખ્યત્વે ક્રોમિયમ ધાતુના ક્ષારો વર્ણક તરીકે વપરાય છે.

ઊન ઉપર વાદળી-લાલ (bluish-red) રંગ આપે છે.

(vi) પરિક્ષિપ્ત એઝો રંગકો (disperse azo dyes) : પાણીમાં પરિક્ષેપક પદાર્થ ઉમેરી આ રંગકોનું બારીક કોલૉઇડલ સ્વરૂપમાં વિખેરણ (વિસર્જન) કરવામાં આવે છે. આ દ્રાવણમાં કાપડ ડુબાડતાં રંગકના કણો કાપડ ઉપર ચોંટે છે. સાંશ્ર્લેષિત રેસાઓના રંગકામ માટે આવા રંગકોનો મહત્તમ ઉપયોગ થાય છે. આવા કેટલાક રંગકોનાં બંધારણીય સૂત્રો નીચે આપ્યાં છે :

પૉલિઍક્રિલોનાઇટ્રાઇલ નામના સંશ્ર્લેષિત રેસાઓ(કે જે મુક્ત −COOH સમૂહ ધરાવે છે)ને બેઝિક રંગ (કેટાયનિક રંગ) અને પરિક્ષિપ્ત રંગો વડે રંગી શકાય છે; દા.ત., ઍસ્ટ્રાઝોન રેડ GTL

(vii) ક્રિયાશીલ એઝો રંગકો : આ પ્રકારના રંગકોમાં રહેલા ક્રિયાશીલ સમૂહો રેસાઓમાં રહેલા OH, અથવા NH2 સમૂહ સાથે રાસાયણિક બંધનથી જોડાય છે.

(1) પ્રૉસિઓન (procion) રંગકો : આ વર્ગના રંગકો ક્લૉરો1, 3, 5ટ્રાઇ-એઝિન પ્રણાલી ધરાવે છે. તેમાં રહેલ સક્રિય ક્લૉરીન પરમાણુ રેસાના ક્રિયાશીલ સમૂહ (દા.ત., સેલ્યુલૉઝમાં રહેલ OH સમૂહ) સાથે રાસાયણિક બંધનથી જોડાય છે અને રંગ રેસા ઉપર ચોંટે છે. આ બાબત પ્રક્રિયા દ્વારા નીચે પ્રમાણે સમજી શકાય :

આ વર્ગનાં કેટલાક રંગકોનાં બંધારણીય સૂત્રો નીચે મુજબ છે :

(2) રેમેઝોલ (remazol) રંગકો : આ પ્રકારના રંગકોમાં સક્રિય સમૂહ તરીકે વિનાઇલ સમૂહ હોય છે, જે રેસા સાથે જોડાતાં ઈથર-બંધન બને છે; દા.ત.,

આ વર્ગના કેટલાક રંગકોનાં બંધારણીય સૂત્રો નીચે પ્રમાણે છે :

(viii) ડાયએરાઇલમિથેન (diarylmethane) રંગકો : ઑરા- માઇન-O (auramine-O) આ વર્ગનો જાણીતો પીળા રંગનો રંગક છે. સુતરાઉ કાપડ, ચામડાં, કાગળ, શણ, ઊન, રેશમ વગેરેના રંગકામમાં વપરાય છે.

(ix) ટ્રાયફીનાઇલમિથેન (triphenylmethane) રંગકો : આ વર્ગના રંગકોમાં વર્ણવર્ધક સમૂહ તરીકે એમીનો સમૂહ (NH2), પ્રસ્થાપિત એમીનો સમૂહ (−NR2) અથવા −OH સમૂહ હોય છે.

કેટલાક જાણીતા સભ્યો નીચે દર્શાવ્યા છે :

(ક) મૅલેચાઇટ ગ્રીન (malachite green) :

ઊન અને રેશમ સીધેસીધાં રંગી શકાય છે. સુતરાઉ કાપડ ટૅનિન વર્ણવર્ધકની હાજરીમાં રંગી શકાય છે.

(ખ) રોઝાનિલીન અને પૅરારોઝાનિલીન :

રોઝાનિલીનનું જલીય દ્રાવણ લાલ રંગનું હોય છે. તેમાં SO2 વાયુ પસાર કરવાથી અપચયન ક્રિયાથી દ્રાવણ રંગવિહીન બને છે. આ દ્રાવણ શિફ-પ્રક્રિયક (Schiff’s reagent) તરીકે ઓળખાય છે અને આલ્ડિહાઇડ સંયોજનોની કસોટી માટે વપરાય છે.

ઉપર્યુક્ત બંને રંગો બેઝિક રંગો છે. ઊન તથા રેશમની ઉપર લાલ-જાંબલી રંગ ચઢે છે. સૂતરના રેસા ટૅનિનની હાજરીમાં રંગી શકાય છે.

(ગ) ક્રિસ્ટલ વાયૉલેટ (crystal violet; methyl violet; gentian violet) :

તેનું મંદ ઍસિડમય દ્રાવણ જાંબલી (purple) રંગનું, સાંદ્ર એસિડિક દ્રાવણ લીલા રંગનું અને વધુ પડતું સાંદ્ર એસિડિક દ્રાવણ પીળા રંગનું હોય છે. સૂચક તરીકે અને ઔષધમાં વપરાય છે.

(x) ઝૅન્થીન રંગકો (xanthene dyes) : આ રંગકોનું બંધારણ ઝૅન્થીન આધારિત છે. તેમાં વર્ણમૂલક તરીકે ઝૅન્થિલિયમ કેન્દ્ર (xanthylium nucleus) હોય છે અને તેનાં 3 અને 6 સ્થાનમાં −NH2 અથવા −OH સમૂહ હોય છે.

આ રંગો ચમકદાર લાલ, ગુલાબી, લીલાશ પડતી પીળી (greenish yellow) ઝાંય (shade) આપે છે તથા પ્રસ્ફુરણ (fluorescence) દર્શાવે છે.

(ક) ફ્લુઓરેસીન : ઝૅન્થીન વર્ગનો સૌથી પ્રથમ શોધાયેલ સભ્ય છે. તેનો સોડિયમ ક્ષાર યુરેનીન (uranine) તરીકે ઓળખાય છે, જે ઊન અને રેશમ ઉપર પીળો રંગ આપે છે.

(ખ) ઈઓસીન (Eosine) (ટેટ્રાબ્રોમોફ્લુઓરેસીન) :

તે લાલ રંગનો પાઉડર છે. આલ્કોહૉલ અને એસેટિક ઍસિડમાં દ્રાવ્ય છે, પરંતુ પાણીમાં અદ્રાવ્ય છે. તેનું પોટૅશિયમ અથવા સોડિયમ લવણ પાણીમાં દ્રાવ્ય છે. ઊન, રેશમ ઉપર પીળો રંગ આપે છે. લાલ શાહીની બનાવટમાં પણ વપરાય છે.

(ગ) પાયરોનીન (pyronines) : લાલ અને જાંબલી રંગકોનો નાનો સમૂહ છે. તેમાં પાયરોનીન G એ જૂનો અને જાણીતો રંગક છે.

રેશમ અને ટૅનિન વર્ણકની હાજરીમાં સૂતરના રેસા રંગવા વપરાય છે.

પાયરોનીન G એ પ્રકાશ-અસ્થિર કિરમજી-લાલ (crimson-red) રંગક છે. રેશમ તેમજ ટૅનિન વર્ણબંધક વાપરી સુતરાઉ રેસા રંગવા વપરાય છે.

(ઘ) ર્હોડામાઇન રંગકો (rhodamines) : બેઝિક, ઍસિડ અને (chromable) રંગકો ધરાવતો અગત્યનો સમૂહ છે. લાલ રંગનો બેઝિક (અથવા કેટાયનિક) રંગક છે. રેશમને સીધું રંગી શકાય છે. સૂતરના રેસા ટૅનિન વર્ણબંધકની હાજરીમાં રંગી શકાય છે. ર્હોડામાઇન B(rhodamine B)ના હાઇડ્રોક્લૉરાઇડનું સૂત્ર નીચે મુજબ છે :

(xi) પ્થેલીન (phthaleins) રંગકો : ઝૅન્થીન રંગકોનો પેટાસમૂહ છે.

ફીનૉલ્ફથેલીન (phenolphthalein) : (આ ઝૅન્થીન વ્યુત્પન્ન નથી, પરંતુ ટ્રાયફીનાઇલ મિથાઇલ વ્યુત્પન્ન ગણાય છે.) તે ફીનોલ અને પ્થેલિક એનહાઇડ્રાઇડમાંથી બનાવાતું હોઈ બનાવટ તથા ગુણધર્મોની દૃષ્ટિએ પ્થેલીન સમૂહ સાથે સંબંધ ધરાવે છે.

તે સફેદ રંગવિહીન ઘન પદાર્થ છે. પાણીમાં અદ્રાવ્ય, પરંતુ તેનું જલીય આલ્કલીવાળું દ્રાવણ ગાઢ લાલ રંગનું બને છે અને વધુ સાંદ્ર દ્રાવણમાં તેનું ક્વિનૉઇડ બંધારણ દૂર થતાં દ્રાવણ રંગવિહીન બને છે.

(xii) ઍક્રિડીન (acridine) રંગકો : આ વર્ગના રંગકો પીળાથી નારંગી અને બદામી રંગના કૅટાયનિક રંગકો છે. રેશમ, ચર્મ, સૂતરના રેસા રંગવા માટે વપરાય છે. કેટલાક રંગકો ચેપનાશક ગુણ ધરાવતા હોઈ ઔષધ તરીકે પણ વપરાય છે.

વર્ણમૂલક તરીકે ઍક્રિડીન કેન્દ્રક હોય છે અને 3 અને/અથવા 6 સ્થાનમાં વર્ણવર્ધક સમૂહ તરીકે એમીનો સમૂહ હોય છે.

આ રંગ ટ્રિપેનોસોમ (trypanosomes) જીવાણુઓનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે અને અનિદ્રા (sleeping sickness) જેવા રોગ માટે વપરાય છે.

ઍક્રિડીન યલો  G (acridine yellow-G) પણ અગત્યનો રંગક છે.

(xiii) ક્વિનોલીન સમૂહ (quinoline group) [આ રંગકો કાપડ રંગવા કરતાં ફોટોગ્રાફિક સુગ્રાહીકરો (sensitizers) તરીકે વધુ અગત્યના છે.]

(i) ક્વિનોલીન યલો (quinoline yellow) :

(xiv) સાયનીન રંગકો (cyanine dyes) : આ વર્ગના રંગકોમાં બે ક્વિનોલીન એકમો એક (= CH−) સમૂહ વડે 4, 4−સ્થાનમાં જોડાયેલા હોય છે. આ રંગો પ્રકાશની અસરથી ઝાંખા પડે છે. મોટેભાગે ફોટોગ્રાફિક સુગ્રાહીકરો તરીકે વપરાય છે.

(xv) એઝીન રંગકો (azine dyes) : આ વર્ગના વર્ણકોમાં ફિનાઝાઇન (phenazine) એકમ વર્ણમૂલક તરીકે હોય છે. વલયમાંના કોઈ એક નાઇટ્રોજન પરમાણુના પૅરા (para) સ્થાનમાં એમીનો (−NH2) અથવા −OH સમૂહ વર્ણવર્ધક સમૂહ તરીકે હોય છે.

મોવ (mauve or mauveine) આ વર્ગનો મુખ્ય સભ્ય છે. ટૅનિનની હાજરીમાં સુતરાઉ કાપડ રંગી શકાય છે :

(ક) થાયાઝીન (thiazine) રંગકો : વર્ણમૂલક (chromophore) તરીકે ફિનાઝાથાયોનિયમ કેન્દ્રક (phenazathionium nucleus) હોય છે અને 3 તથા 7 સ્થાનમાં વર્ણવર્ધક સમૂહ તરીકે એમીનો સમૂહ હોય છે.

ટૅનિન(મૉર્ડન્ટ)ની હાજરીમાં સૂતરના રેસા રંગી શકાય છે તથા ઊન અને રેશમ તેમજ પેપરના રંગકામમાં વપરાય છે. મિથિલીન બ્લૂ તેનું પ્રચલિત ઉદાહરણ છે. તે કાપડ રંગવા ઉપરાંત ઔષધમાં તથા સૂચક તરીકે વપરાય છે. મિથિલીન બ્લૂ આનું ઉદાહરણ છે.

(ખ) ઑક્સાઝિન રંગકો (oxazine dyes) : મેલ્ડોલાઝ બ્લૂ અથવા નૅપ્થૉલ બ્લૂ આ વર્ગનો મુખ્ય પ્રતિનિધિ છે, જે ટૅનિનની હાજરીમાં સૂતરના રેસા રંગવા માટે તથા ચામડાંના રંગકામ માટે વપરાય છે.

(xvi) વૅટ (vat) રંગકો : આ વર્ગના રંગકો રંગવાની રીતમાં બીજા વર્ગના રંગકોથી અલગ પડે છે. તેમનામાં એક અથવા વધુ કાર્બોનિલ સમૂહો વર્ણમૂલક સમૂહ તરીકે હોય છે. આ રંગકો પાણીમાં અદ્રાવ્ય છે, તેમનું આલ્કલી અને સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ વડે અપચયન કરતાં રંગવિહીન (લ્યુકો) સ્વરૂપમાં ફેરવાય છે, જે પાણીમાં દ્રાવ્ય છે. રેસાઓને આ દ્રાવણમાં બોળીને તેનું હવાના ઑક્સિજન વડે ઉપચયન થવા દેતાં અદ્રાવ્ય રંગ રેસાઓ ઉપર અવક્ષિપ્ત થાય છે. ધોવાની ક્રિયા, પ્રકાશ વગેરે સામે આ રંગ ટકી રહેતા હોઈ ઘણા પાકા રંગ ગણાય છે. સુતરાઉ કાપડ તથા ઊન, નાયલૉન, ઍક્રિલિક રેસા સેલ્યુલોઝ એસિટેટના રંગકામમાં વપરાય છે.

(ક) ઇન્ડિગૉઇડ રંગકો : ગળી (indigo, indigotin), થાયોઇન્ડિગો વગેરે આ વર્ગના જાણીતા વૅટ રંગકો છે.

(ખ) એન્થ્રાક્વિનૉન વૅટ રંગકો : આ રંગકોનો વપરાશ મહત્તમ છે. કેટલાક જાણીતા રંગકોનાં બંધારણીય સૂત્રો નીચે આપેલાં છે :

ઍન્થ્રાક્વિનૉન સમૂહના બીજા રંગકો :

(ક) ઍન્થ્રાક્વિનૉન ઍસિડ રંગકો : ઊન વગેરે રંગવા માટે ઍન્થ્રાક્વિનૉન બેઇઝ રંગકોને દ્રાવ્ય સ્વરૂપમાં લાવવા, તેમાં સલ્ફૉનિક સમૂહ (SO3H) દાખલ કરવામાં આવે છે. આવા કેટલાક રંગકોનાં બંધારણીય સૂત્રો નીચે આપ્યાં છે :

(ખ) ઍન્થ્રાક્વિનૉન મૉર્ડન્ટ રંગકો : આ રંગકો વર્ણકની હાજરીમાં રેસા ઉપર ચઢાવી શકાય છે.

ઍલિઝરીન (alizarin) : અગાઉ મજીઠના મૂળમાંથી આ રંગ મેળવવામાં આવતો હતો. હાલ સંશ્ર્લેષિત રીતે બનાવવામાં આવે છે. તેનું બંધારણીય સૂત્ર નીચે મુજબ છે :

તે વિવિધ વર્ણબંધકો સાથે જુદા જુદા રંગો આપે છે; દા.ત.,

Al+++ સાથે લાલ રંગ

Cr+++ સાથે તપખીરિયો-લાલ અથવા બદામી-જાંબલી

Fe+++ સાથે જાંબલી-કાળો

Fe++ સાથે જાંબલી લેક (lake) મળે છે. ઍલ્યુમિનિયમ અને આયર્ન સાથેનાં લેક સંયોજનો સુતરાઉ કાપડ રંગવા માટે તથા છાપકામ (printing) માટે વપરાય છે. લાકડાના રંગકામ માટે ઍલ્યુમિનિયમ તથા ક્રોમ લેક વપરાય છે.

તે સુતરાઉ કાપડ ઉપર બૉર્ડેર્દો આભા (Bordeaux shades) આપે છે અને ઊન સાથે જાંબલી-ભૂરા રંગની (violet blue) આભા આપે છે.

(ગ) ઍન્થ્રાક્વિનૉન પરિક્ષિપ્ત રંગકો : સંશ્ર્લેષિત રેસાઓ જેવા કે નાયલૉન, ઍક્રિલિક, પૉલિએેસ્ટર રેસા વગેરેના રંગકામ માટે વપરાય છે.

(xvii) સલ્ફર રંગકો (sulphur dyes) : આ વર્ગના રંગકો પાણીમાં અદ્રાવ્ય છે. જલીય Na2S વડે તેમનું અપચયન કરતાં પાણીમાં દ્રાવ્ય નિર્વર્ણબેઇઝ (લ્યુકો સંયોજન) બને છે, જે કાપડ ઉપર ચોંટે છે અને કાપડને હવામાં રાખતાં ઉપચયન ક્રિયા થતાં મૂળ રંગ રેસા ઉપર જોવા મળે છે. આ રંગકોમાં વર્ણમૂલક તરીકે −S− સમૂહ હોય છે. આ રંગકો મોટાભાગે સુતરાઉ કાપડના રંગકામ માટે વપરાય છે. નારંગી, લાલ, ભૂરા, લીલા, કથ્થાઈ, કાળા એવા વિવિધ પ્રકારના રંગો આ વર્ગમાં મળે છે.

આ રંગકો સસ્તા છે અને પાકા રંગ આપે છે. તેમનું બંધારણ બહુ અટપટું છે.

સલ્ફર બ્લૅક, હાઇડ્રોન બ્લૂ (hydron blue), ઇમિડિયલ ઑરેન્જ C (immedial orange C) વગેરે આ વર્ગનાં જાણીતાં ઉદાહરણો છે.

પ્રહલાદ બે. પટેલ