યૌવનારંભ (puberty) : પુખ્ત વયના લૈંગિક (જાતીય) જીવનનો પ્રારંભ. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થવો શરૂ થાય તેને ઋતુસ્રાવારંભ (menarche) કહે છે. યૌવનારંભ પુરુષ અને સ્ત્રી બંનેને થાય છે.
સામાન્ય રીતે 8 વર્ષની વયથી મગજના નીચલા ભાગમાં આવેલી પીયૂષિકાગ્રંથિ(pituitary gland)માં જનનાંડપોષી અંત:સ્રાવ(gonadotrophic hormone)નું ઉત્પાદન વધવા માંડે છે અને તેથી 11થી 16 વર્ષના ગાળામાં (સરેરાશ 13 વર્ષે) ઋતુસ્રાવ જોવા મળે છે. છોકરા અને છોકરીઓમાંની શિશુકાલીન પીયૂષિકાગ્રંથિ જો યોગ્ય રીતે ઉત્તેજિત કરાય તો તે પુખ્તવયે થતી બધી ક્રિયાઓ કરી શકે છે. પરંતુ હજુ જાણમાં નહિ એવાં કારણોસર કિશોરાવસ્થામાં મગજનો અધશ્ચેતક (hypothalamus) નામનો ભાગ જનનાંડપોષક વિમોચક અંત:સ્રાવ(gonadotrophin releasing hormone, GnRH)ને પૂરતી માત્રામાં વિમુક્ત કરતો નથી. તેથી પીયૂષિકાગ્રંથિમાંથી જનનાંડપોષી અંત:સ્રાવ પણ પૂરતી માત્રામાં વિમુક્ત થતો નથી. અધશ્ચેતક પોતે GnRHનું ઉત્પાદન કરે છે. પરંતુ મગજના અન્ય ભાગમાંથી આવનારા જરૂરી સંદેશા તેને તે સમયે મળતા હોતા નથી.
છોકરાઓમાં યૌવનારંભ પછી પુંકારી અંત:સ્રાવ(testosteron)નું ફરીથી સ્રવણ (secretion) શરૂ થાય છે. તેને કારણે શિશ્ન, વૃષણ (શુક્રપિંડ, testes) તથા વૃષણકોશા (scrotum) મોટાં થાય છે અને પુખ્તવયે તેમના કદનો કુલ વધારો 8 ગણો હોય છે. પુંકારી અંત:સ્રાવને કારણે દ્વૈતીયીક લૈંગિક લાક્ષણિકતાઓ (secondary sex characters) જોવા મળે છે. તેને લીધે નર અને માદા વચ્ચેનો તફાવત સુસ્પષ્ટ થાય છે. આ સમયે ગુપ્તાસ્થિવિસ્તાર (pubic area) પર વાળ ઊગે છે અને પેટના નીચલા ભાગમાં ત્રિકોણાકારે તે ડૂંટી સુધી વાળ ઊગે છે. તેવી રીતે મોઢા પર મૂછ, કાનનો આગળનો ભાગ અને દાઢી પર, છાતી પર તથા અમુક અંશે શરીરના અન્ય ભાગો (દા.ત., પીઠ) પર વાળ ઊગે છે. છોકરાઓનો અવાજ બદલાઈને ઘેરો થાય છે.
તે સમયે તેમની સ્વરપેટી મોટી થાય છે અને તેની દીવાલના અંદરના આવરણરૂપ શ્લેષ્મકલા અતિવૃદ્ધિ પામેલી હોય છે. ચામડી તથા ચામડી નીચે પેશી પણ જાડી થાય છે. મોં પરની ચામડીમાં ત્વક્તેલ(sebum)નું ઉત્પાદન વધે છે તથા મોં પર ખીલ થાય છે. યૌવનારંભ પછી પુંકારી અંત:સ્રાવનું પ્રમાણ વધે છે તેને કારણે શરીરમાં પ્રોટીનનું ઉત્પાદન વધે છે અને સ્નાયુઓનું દળ વધે છે. તેથી તે સ્ત્રીઓ કરતાં લગભગ દોઢું થાય છે. ચામડીમાંના ફેરફારો પણ પ્રોટીનનું પ્રમાણ વધે છે તેને કારણે થતા હોય છે. સ્નાયુઓ મોટા થવા ઉપરાંત તેમનામાં બળ પણ વધે છે. સાથે સાથે હાડકાંમાં કૅલ્શિયમ જમા થાય છે અને તેથી હાડકાં મોટાં અને મજબૂત બને છે. શરીરના કંકાલતંત્રમાં ફેરફાર આવે છે અને તેથી શ્રોણી(pelvis)નું નીચલું દ્વાર સાંકડું થાય છે. શ્રોણીની લંબાઈ વધે છે અને તેની વજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. આ ઉપરાંત ન્યૂનતમ ચયાપચયી દર (basal metabolic rate) તથા રક્તકોષોની સંખ્યા પણ વધે છે.
સ્ત્રીઓમાં ઋતુસ્રાવનો આરંભ થાય તે ઉપરાંત દ્વૈતીયીક લૈંગિક લાક્ષણિકતાઓ પણ વિકસે છે. તેને કારણે સ્ત્રીઓની ચામડી નરમ અને સુંવાળી રહે છે, ગુપ્તાસ્થિવિસ્તારમાં ઊંધા ત્રિકોણાકારે વાળ ઊગે છે તથા તેમની શ્રોણી પહોળી અને મોટા દ્વારવાળી બને છે.
યૌવનારંભ વહેલો થાય તો તેને કાલપૂર્વ યૌવનારંભ (precocius puberty) કહે છે.
પ્રેમલ ઠાકોર
શિલીન નં. શુક્લ