યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા. તે અનાથાશ્રમમાં રહીને શાળાનું શિક્ષણ પૂરું કર્યું. સત્તર વર્ષની વયે મૅટ્રિક પાસ થઈને વિલ્સન કૉલેજમાં દાખલ થયા. પણ પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થતાં અભ્યાસ મૂકી દીધો.

યોગેશ્વર

નાનપણથી તેમનું મન ઈશ્વરમાં મગ્ન રહેતું. તેમનું ધ્યેય પરમાત્મપ્રાપ્તિનું હતું. યોગાસનથી શરૂ કરીને સુદીર્ઘ યોગસાધના સુધી તેમનો અધ્યાત્મપ્રવાસ હતો. મુંબઈનિવાસ દરમિયાન કેટલાક સાધુસંતોનો સંપર્ક સાધેલો, પણ તેનાથી સંતોષ ન થતાં શ્રી અરવિંદને પત્ર લખીને તેમના આશ્રમમાં પ્રવેશની મંજૂરી માગી. પરંતુ તે મળી નહિ. એટલે હિમાલય જવાનો નિશ્ચય કર્યો. આને માટે ભિક્ષુ અખંડાનંદે તેમને મદદ અને પ્રોત્સાહન આપેલાં. 1941ના જાન્યુઆરીમાં તેઓ હૃષીકેશમાં શિવાનંદ આશ્રમમાં રહ્યા. ત્યાં તેમને પોતે ‘નિત્ય, સિદ્ધ, બુદ્ધ, મુક્ત’ હોવાની પ્રતીતિ થઈ. 1942-43 દરમિયાન વડોદરાની લોહાણા બૉર્ડિંગમાં ગૃહપતિ તરીકે અને હૃષીકેશની એક ધર્મશાળાના મૅનેજર તરીકે કામગીરી બજાવ્યા બાદ માતાની અનુજ્ઞા લઈને હિમાલય ભણી પ્રસ્થાન કર્યું.

તેઓ દેવપ્રયાગમાં દશરથાચલ પર્વત પર ગયા ને ‘શાન્તાશ્રમ’માં રહ્યા. અહીં વીસ વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા કરીને નિદ્રાત્યાગી મૌનવ્રતી થયા અને પ્રાર્થના-ધ્યાન-જપ દ્વારા આત્મસાધના કરીને મહાત્મા યોગેશ્વર તરીકે પ્રસિદ્ધ થયા.

તેઓ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. સ્ત્રીમાત્રમાં તેમને મા જગદંબાનું દર્શન થતું અને ઈશ્વરને પણ ‘મા’ના રૂપે જ તે જોતા અને ભજતા. જીવનવ્યવહારમાં શીલ-સદાચાર, સંયમ, સાદાઈ અને સૌ પ્રત્યેની શુભભાવનાનું દર્શન થતું. તેમણે ગાંધીજીનો પ્રભાવ ઝીલીને ખાદી ધારણ કરેલી, સ્વદેશીવ્રત લીધેલું અને દેશના સ્વાતંત્ર્યયજ્ઞમાં બલિ થવાની ભાવના સેવી હતી.

આત્મશ્રેયાર્થે ચાલતી યોગસાધનાને સમાંતર માનવજાતના શ્રેય અર્થે કર્મયોગ પણ ચાલતો હતો. અધ્યાત્મસાધનાની સાથે સાથે સાહિત્યસાધના પણ ચાલતી હતી. અંત:પ્રેરણાથી યોગેશ્વર ઉપનામ ધારણ કરીને સાહિત્યસર્જન શરૂ કર્યું. 1943થી 1984 સુધી અવિરત ચાલેલી કલમયાત્રા દરમિયાન તેમણે 154 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમાં 4 મહાકાવ્યો, 25 ઊર્મિકાવ્યો, 14 ગદ્યકાવ્યો, 15 નવલકથાઓ, 1 નાટક, 1 નવલિકાસંગ્રહ, 3 જીવનચરિત્રો, 5 આત્મચરિત્રાત્મક કૃતિઓ, 6 પ્રવાસગ્રંથો, 3 રેખાચિત્રો, 2 પત્રસંગ્રહો, 3 પ્રસંગચિત્રો, 7 યોગદર્શનવિષયક ગ્રંથો, 7 ઉપનિષદવિષયક ગ્રંથો, 26 ધર્મવિચારના ગ્રંથો, 3 ગદ્યાનુવાદો, અને 6 પદ્યાનુવાદોનો સમાવેશ થાય છે. આમાંથી પચાસેક કૃતિઓ અપ્રગટ છે. તેમનું આત્મવૃત્તાંત ‘પ્રકાશના પંથે’ આધ્યાત્મિક આત્મકથાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેમણે કરેલા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ અને ‘વિષ્ણુસહસ્રનામ’ના સમશ્લોકી અનુવાદ બહુ લોકપ્રિય થયા છે. ‘રમણ મહર્ષિ : જીવન અને કાર્ય’ તેમનો ઉત્તમ ચરિત્રગ્રંથ છે. 1953માં પ્રકાશિત ‘સરળ ગીતા’ની 27 આવૃત્તિઓ થઈ છે અને તેની એક લાખથી વધુ નકલો વેચાઈ છે. પૉલ બ્રન્ટનના જાણીતા પુસ્તક ‘ઇન સર્ચ ઑવ્ સીક્રેટ ઇન્ડિયા’નું ‘ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં’ એ શીર્ષકથી તેમણે ભાષાંતર કરેલું છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને અંગ્રેજીમાં પણ કેટલુંક સાહિત્ય સર્જ્યું છે. ઉપનિષદ, ગીતા, શ્રીમદભાગવત, રામાયણ અને યોગદર્શન વિશેના અભ્યાસગ્રંથો તેમના અધ્યાત્મ-અનુભવના તેજથી પ્રકાશિત હોઈ પ્રકાશપંથીઓ માટે માર્ગદર્શક બન્યા છે. તેમણે રામાયણ પરથી ‘સમર્પણ’ નવલકથા અને ‘રામાયણદર્શન’ કાવ્ય રચ્યાં છે. તુલસીકૃત ‘રામચરિતમાનસ’ ગુજરાતી  પદ્યમાં ઉતાર્યું છે. ‘ઉત્તરરામચરિત’ની યાદ આપતું  ‘રામનું હૃદય’ નાટક લખ્યું છે. ‘ઉત્તરપથ’ એ મહાભારતનું નવલકથાસ્વરૂપ છે; ‘શ્રીમદભાગવત’ના તત્વવિચાર ઉપરાંત ‘કૃષ્ણ-રુક્મિણી’ કાવ્ય તથા ‘રસેશ્વરી’ ને ‘પરીક્ષિત’ નવલકથા રચીને શ્રીમદભાગવતને પણ તેમણે આત્મસાત કર્યું હતું. ભારતીય ધર્મતત્વની જંગમ વિદ્યાપીઠ જેવા તે હતા. વૈદિક સાહિત્ય, વેદાન્તદર્શન, બ્રહ્મસૂત્રો, ઉપનિષદો, ભક્તિસૂત્ર, યોગદર્શન, શ્રીમદભાગવદગીતા અને શંકરાચાર્યના પ્રસ્થાનત્રયી વિશેના ભાષ્યગ્રંથોના તે સમર્થ વિવરણકાર હતા. તત્વચિંતનનું તેમણે આપેલું વિપુલ સાહિત્ય ગુજરાતના ધર્મતત્ત્વવિચારમાં અનોખી છાપ પાડે છે. સમકાલીનોએ તેમને ગુજરાતના શંકરાચાર્યનું બિરુદ આપેલું. રામકૃષ્ણ પરમહંસની માફક તેમને ખેડૂત અને મજૂરમાં ભગવાનનાં દર્શન થતાં હતાં. તેઓ આગલી પેઢીના શ્રીમન્નથુરામ શર્મા તથા શ્રીમન્નૃસિંહાચાર્ય જેવા ઉચ્ચ કોટિના અધ્યાત્મપુરુષ હોવા સાથે वसुधैव कुटुम्बकमમાં માનનાર માનવતાવાદી સંત હતા. તેઓ પૂ. મોટાની માફક ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉન્નતિના પ્રેરક, ઉપદેશક હતા.

પોતાને અનેક વાર ગૂઢ અધ્યાત્મ-અનુભવો થયાનું અને નારદમુનિ, સંત જ્ઞાનેશ્વર, રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ, સાંઈબાબા અને રમણ મહર્ષિ જેવા સંત મહાત્માઓની સ્વપ્નમાં મુલાકાત થયાનું તેમણે આત્મકથામાં નોંધ્યું છે. સાથે સાથે જનજાગૃતિની પ્રવૃત્તિ પણ ચાલતી. 1962–64 દરમિયાન ‘ફૂલછાબ’ પત્રમાં ‘આતમનાં અજવાળાં’ અને ‘જન્મભૂમિ’માં 1963 દરમિયાન ‘પ્રકાશ અને પ્રેરણા’ કૉલમ ચલાવેલી. સમાજના ઉત્થાન માટે તેમણે 1963થી પ્રવચન-પ્રવ્રજ્યા મસૂરીથી શરૂ કરેલી તે 1984 સુધી ચાલી. ભારતના વિવિધ પ્રદેશોમાં તેમણે પ્રવચનો આપ્યા પછી 1977થી 1984 દરમિયાન ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોની મુલાકાત લીધી હતી અને સંખ્યાબંધ ધ્યાનકેન્દ્રો, શિબિરો, પરિસંવાદો તેમજ સત્સંગ કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા આત્મકલ્યાણલક્ષી અધ્યાત્મનો પ્રસાર કર્યો હતો. તા. 18 માર્ચ 1984ના રોજ મુંબઈના લક્ષ્મીનારાયણ મંદિરમાં શ્રીમદભાગવત પર છેલ્લું પ્રવચન આપતાં ‘જીવ શિવમાં ભળી જાય છે’ એ ઉદગારો સાથે તેઓ ઢળી પડ્યા હતા.

યોગદર્શનના આરૂઢ વિદ્વાન યોગેશ્વરનો યોગ એ પ્રેમયોગ હતો તેની પ્રતીતિ તેમણે ચલાવેલી જનકલ્યાણની પ્રવૃત્તિ છે. 1978માં તેઓશ્રીએ સર્વમંગલ  ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. 1979માં તેમણે ‘અધ્યાત્મ’ માસિક શરૂ કરેલું તે આજે પણ ભાવનગરથી પ્રકાશિત થાય છે. તે અરસામાં પૂ. મા સર્વેશ્વરી તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાયાં હતાં. 1983ના ઑગસ્ટ માસમાં આ પરિવ્રાજક સાધુપુરુષે અમદાવાદમાં નાનકડું નિવાસસ્થાન ‘સત્યપથ’ બાંધેલું, તેમાં દર રવિવારે સત્સંગ થાય છે. તેમાં તેમનાં પૂ. માતુશ્રી જ્યોતિર્મયીનો સ્મૃતિખંડ છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પૂ. મા સર્વેશ્વરી જ્યોતિર્મયી વિશ્રામગૃહ બાંધીને ‘સ્વર્ગારોહણ’ નામની સંસ્થા દ્વારા મહાત્મા યોગેશ્વરનું સત્સંગપ્રધાન જનકલ્યાણલક્ષી જીવનકાર્ય આગળ ધપાવી રહ્યાં છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર તેમનો વિશાળ અનુયાયી વર્ગ છે.

અરુણા ઠાકર