યોગેન્દ્ર રસ

January, 2003

યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે.

પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ, અભ્રકભસ્મ, મોતીપિષ્ટિ અને બંગભસ્મ – એ બધાં 10-10 ગ્રામ લેવામાં આવે છે.

નિર્માણવિધિ : બધી ભસ્મો એક ખરલમાં એકત્ર કરી, તેમાં થોડો થોડો કુંવારપાઠાનો રસ નાંખતા જઈ ત્રણ દિવસ સુધી દવા ઘૂંટવામાં આવે છે. પછી તેનો 1 ગોળો બનાવી તેને એરંડાના તાજા પાનમાં લપેટી, કાચા સૂતર-દોરાથી તે પિંડને બાંધી, તેને અનાજની વચ્ચે ત્રણ દિવસ દબાવી રાખવામાં આવે છે. તે પછી દવા બહાર કાઢી, ફરી ખરલ કરી, તેમાં જરૂર પડે તો જરા પાણી ઉમેરી, 11 રતીની (મગ જેવડી) ગોળીઓ વાળી લઈ, છાંયડે સૂકવી, શીશીમાં ભરી લેવામાં આવે છે.

માત્રા : 1થી 2 ગોળી દર્દીના રોગના બળ અને તેની ઉંમર અનુસાર, યોગ્ય અનુપાન સાથે અપાય છે.

અનુપાન : આ ગોળી ત્રિફળાના ઉકાળા અથવા સાકર અને ઘી સાથે, દૂધ સાથે અથવા ચ્યવનપ્રાશ અવલેહ સાથે લેવાની હોય છે. નબળા નાજુક દર્દીએ દવા દૂધ સાથે લેવી હિતાવહ છે. જૂના વાતરોગ, અપસ્માર (વાઈ), ઉન્માદ, હિસ્ટીરિયા વગેરે માનસરોગોમાં આ દવા સારસ્વતારિષ્ટ, બ્રાહ્મી સિરપ કે ધમાસો, બ્રાહ્મી અને જટામાંસીના ક્વાથ સાથે આપવામાં આવે છે.

ઉપયોગ : આ રસૌષધિ ખાસ કરી વાતજ અને પિત્તજ રોગો [જેમ કે, પ્રમેહ, બહુમૂત્ર, મૂત્રાઘાત, અપસ્માર (વાઈ), ભગંદર, ગુદારોગ, ગાંડપણ, મૂર્છા, રાજયક્ષ્મા (ટી. બી.), પક્ષાઘાત (લકવો), ઇંદ્રિયો(હૃદય, મગજ, મન, વાતનાડીઓ)ની નબળાઈ, શૂળ અને અમ્લપિત્ત જેવાં દર્દો]માં એક અકસીર અને સર્વોત્તમ ઔષધિ છે. તેના સેવનથી રોગી તંદુરસ્ત તથા કામદેવ જેવો તેજસ્વી બને છે. આ ઔષધિ ખાસ વાત-પિત્તપ્રધાન કે પિત્ત(ગરમી)પ્રધાન દર્દીઓને, પચનસંસ્થાન તથા મૂત્રસંસ્થાનના કે વાતનાડીના દર્દીઓને ખૂબ લાભ કરે છે. જૂના વાતરોગ, વાઈ, ગાંડપણ, નિદ્રાનાશ, વધુ પડતાં હૃદયનાં સ્પંદનો થવાં, રક્તમાં જંતુવિષ હોવું, વીર્યક્ષયથી ક્ષય (ટી.બી.), મંદ કામોત્તેજના, બ્રેઇન હેમરેજ (મગજની રક્તવાહિની ફાટવી), ખૂબ દાહ, વીર્યનાં અલ્પતા તથા પાતળાપણું, હાથ-પગ તથા કમરની નીચેના અથવા અર્ધા ચહેરાના લકવા જેવા રોગોમાં ખાસ લાભકર્તા છે.

નાજુક કે પિત્તની તાસીરવાળાં સ્ત્રી-બાળકોને આ ઔષધ વધુ માફક આવે છે. યોગેન્દ્ર રસ રક્તવર્ધક, પુષ્ટિકર્તા અને જીવનીય ગુણો ધરાવતી શીતળ અને અદ્વિતીય ઔષધિ છે. જે રોગ બીજી ઔષધિઓ લાંબો સમય લેવા છતાં ન મટતો હોય તે આ રસૌષધિના સેવનથી થોડા દિવસોમાં મટી જાય છે.

બળદેવપ્રસાદ પનારા