યોગદર્શન

ભારતીય તત્વજ્ઞાનનાં 6 આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. જેમને અવિવેક યા મિથ્યાદર્શનથી મુક્ત થવું છે, જેમને રાગાદિ ક્લેશોથી છૂટવું છે, જેમને કર્મના વિપાકોથી મુક્તિ જોઈએ છે, તેમને માટે મહર્ષિ પતંજલિનું યોગદર્શન અત્યંત ઉપયોગી છે.

પતંજલિ ‘યોગ’નો અર્થ ‘ચિત્તવૃત્તિનિરોધ’ કરે છે; પરંતુ સંપ્રજ્ઞાત અવસ્થામાં આલંબન સિવાયના વિષયોની ચિત્તવૃત્તિઓનો નિરોધ અને આલંબન ઉપર ચિત્તની એકાગ્રતા (અર્થાત્ આલંબનવિષયક ચિત્તવૃત્તિઓનો સદૃશ પ્રવાહ) એ બંને અવિનાભાવી હોવાથી ‘યોગ’નો અર્થ ‘ચિત્તવૃત્તિનિરોધ’ ઉપરાંત ‘સમાધિ’ પણ કરવામાં આવે છે. અસંપ્રજ્ઞાત દશામાં બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ જ છે. આ દશામાં એકાગ્રતા યા સમાધિ નથી. સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત બંને દશામાં ચિત્તવૃત્તિનિરોધ છે.

યોગનો સાંખ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ છે. સાંખ્યના સિદ્ધાન્તોનો જીવનમાં પ્રયોગ એ જ યોગ છે. જ્ઞાનોત્પત્તિની સાંખ્યોક્ત પ્રક્રિયા યોગ સ્વીકારે છે. યોગ સાંખ્યનાં પચીસ તત્વોનેય સ્વીકારે છે; પણ તેમાં એક વધુ ઉમેરે છે  ઈશ્વર. તેથી જ યોગને ‘સેશ્વર સાંખ્ય’ કહેવામાં આવે છે. સાંખ્ય મત અનુસાર વિવેકજ્ઞાન જ મુક્તિનું સાધન છે. યોગ આનો સ્વીકાર કરી વધુમાં જણાવે છે કે યોગાભ્યાસ જ વિવેકજ્ઞાનનું સાધન છે. એટલે જ ચિત્ત અને તેની અવસ્થાઓનો વિસ્તૃત વિચાર યોગમાં છે, સાંખ્યમાં નથી. સાંખ્ય એ સિદ્ધાંત છે, યોગ એ સાધના છે. સાંખ્ય અને યોગ બંનેના સમન્વયથી જ તત્વજ્ઞાન, વિવેકજ્ઞાન અને દુ:ખમુક્તિ શક્ય બને છે. એટલે જ ગીતાકાર કહે છે : साङख्ययोगौ पृथग्बाला: प्रवदन्ति न पण्डिता: ।

યોગ યા સાધનાની પરંપરા ખૂબ પ્રાચીન છે અને આર્યોના આગમન પહેલાંના કાળમાં તેનાં મૂળ હોવાનો વિશેષ સંભવ છે. ઋગ્વેદના કેશીસૂક્ત(10.136)માં યોગસાધના કરતા અને યોગ જ સિદ્ધિઓ ધરાવતા મુનિઓના એક નિરાળા વર્ગનો નિર્દેશ મળે છે. આલાર કાલામ અને રુદ્રક રામપુત્ર – આ બે યોગીઓએ બુદ્ધને ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરાવ્યો હતો. આ યોગપરંપરા પતંજલિના યોગદર્શનમાં, જૈનોના આગમોમાં અને બૌદ્ધ પિટકોમાં મળે છે. સાધનાપરંપરા એક હોવા છતાં ભિન્ન ભિન્ન તત્વવ્યવસ્થાઓએ તેને અપનાવી ભિન્ન ભિન્ન ઓપ આપ્યો છે. પતંજલિએ ઈ. પૂ. 200 આસપાસ યોગસંબંધી ધારણાઓને પોતાના ‘યોગસૂત્ર’માં સંગૃહીત કરી છે અને એ ધારણાઓને સાંખ્ય વિચારધારાને અનુકૂળ બનાવી એક વ્યવસ્થિત રૂપ આપ્યું છે. ‘યોગસૂત્ર’ ઉપર વ્યાસે (ત્રીજી શતાબ્દી) પ્રસિદ્ધ ભાષ્ય રચ્યું છે. વિશ્વના દાર્શનિક ગદ્યસાહિત્યના અત્યંત પ્રભાવક ગ્રંથોમાં તેની ગણના થાય છે. આ ભાષ્ય ઉપર વાચસ્પતિ મિશ્રની (નવમી શતાબ્દી) પ્રામાણિક ટીકા ‘તત્વવૈશારદી’ છે. આ જ ભાષ્ય ઉપર વિજ્ઞાનભિક્ષુએ (સોળમી સદી) વાર્તિક લખ્યું છે. વિજ્ઞાનભિક્ષુએ સ્વતંત્ર ગ્રંથ ‘યોગસારસંગ્રહ’ પણ રચ્યો છે. યોગસૂત્ર ઉપર ભોજની વૃત્તિ પણ છે.

પતંજલિનું યોગસૂત્ર ચાર પાદમાં વિભક્ત છે – સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. સમાધિપાદમાં યોગ અને સમાધિનું નિરૂપણ છે. આ નિરૂપણ આ પાદમાં જ સમાપ્ત થતું નથી, પણ બીજા પાદમાંય ચાલુ રહે છે. બીજા પાદનો વિષય છે યોગનાં સાધનો; પરંતુ સાધનોનું વર્ણન આ પાદના 29મા સૂત્રથી શરૂ થાય છે. વળી, આ પાદમાં યોગનાં આઠ સાધનોમાંથી માત્ર પાંચનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીનાં ત્રણ સાધનોનું નિરૂપણ ત્રીજા વિભૂતિપાદમાં છે. ત્રીજા પાદનો વિષય વિભૂતિઓ (સિદ્ધિઓ) છે. વિભૂતિઓ તે તે સાધનની સિદ્ધિને પરિણામે સાધકને પ્રાપ્ત થાય છે. વિભૂતિ એ ઐશ્વર્ય છે. વિભૂતિઓનો વિષય ચોથા કૈવલ્યપાદમાં પણ ચાલુ રહે છે, પરંતુ આ ચોથા પાદનો મુખ્ય વિષય તો કૈવલ્ય છે.

સંસાર દુ:ખરૂપ છે. દુ:ખમુક્તિ સૌ ઝંખે છે. દુ:ખનું કારણ અવિદ્યા છે. દુ:ખમુક્તિ માટે અવિદ્યાનો નાશ કરવો જોઈએ. અવિદ્યાનો નાશ વિવેકજ્ઞાનથી જ થાય અને વિવેકજ્ઞાનનો ઉદય યોગાંગોના અનુષ્ઠાનને પરિણામે ચિત્તની અશુદ્ધિઓ દૂર થતાં થતાં છેવટે થાય છે. આમ દુ:ખમુક્તિ માટે યોગસાધના અત્યંત આવશ્યક છે.

પતંજલિ ‘યોગ’નો અર્થ ‘ચિત્તવૃત્તિનિરોધ’ કરે છે એટલે ચિત્ત, ચિત્તવૃત્તિ અને ચિત્તવૃત્તિનો નિરોધ કરવાના ઉપાયોનો જ યોગદર્શન મુખ્યપણે વિચાર કરે છે. આ દૃષ્ટિએ યોગદર્શન એ વિશિષ્ટ પ્રકારનું ચિત્તશાસ્ત્ર છે.

ચિત્ત સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ દ્રવ્યોનું બનેલું છે; પરંતુ તેમાં સત્વ પ્રધાન કારણ છે. ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી સુખદુ:ખમોહાત્મક છે તેમજ પ્રખ્યા-પ્રવૃત્તિ-સ્થિતિરૂપ છે. પ્રખ્યા એટલે જ્ઞાન યા પ્રકાશ. આ સત્વ, રજસ્ અને તમસ્ દ્રવ્યો પોતાનાંમાંથી એક પ્રધાન અને બાકીનાં બે ગૌણ બની ચિત્તની અનુક્રમે શાંત, ઘોર અને મૂઢ અવસ્થાઓ ઉપજાવે છે.

ચિત્ત સંકોચવિકાસશીલ છે. જેવડા શરીરમાં હોય તેવડું થઈ તે રહે છે. કેટલાક યોગાચાર્યો ચિત્તને વિભુ માની તેની વૃત્તિને સંકોચવિકાસશીલ માને છે. આપણું ચિત્ત બધા જ વિષયોને જાણતું નથી; તે કેટલાકને જાણે છે અને કેટલાકને જાણતું નથી. આનું કારણ એ છે કે ચિત્તને પોતાના વિષયને જાણવા વિષયાકારે પરિણમવું પડે છે. જો વિષયને જાણવા ચિત્તને માત્ર વિષયનું પ્રતિબિંબ જ ઝીલવાનું હોત તો સ્વપ્નમાં ચિત્તને હાથીનું જ્ઞાન ન થાત, કારણ કે બિંબ વિના પ્રતિબિંબ સંભવતું નથી; પરંતુ ચિત્તને સ્વપ્નમાં હાથીનું જ્ઞાન થાય છે. આ બતાવે છે કે ચિત્ત હાથીના આકારે પરિણમી હાથીને જાણે છે. આમ ચિત્ત પરિણમનશીલ છે; પરંતુ ચિત્ત નિરન્વય ક્ષણિક નથી. તેને નિરન્વય ક્ષણિક માનતાં ચિત્તવિક્ષેપ અને ચિત્તની એકાગ્રતા અશક્ય બની જાય. ચિત્ત પોતાને અને પોતાના વિષયને એકસાથે જાણે છે એમ માનવું યોગ્ય નથી. ચિત્ત માત્ર પોતાના વિષયને જ જાણે છે. તે પોતે પોતાને જાણતું જ નથી, કારણ કે તે દૃશ્ય છે. અને જે દૃશ્ય છે તે પુરુષસંવેદ્ય છે, પુરુષના દર્શનનો વિષય છે. પુરુષ ચિત્તનું પ્રતિબિંબ ઝીલી ચિત્તનું દર્શન કરે છે. આ ભિક્ષુમત છે. વાચસ્પતિને મતે પુરુષનું ચિત્તગત પ્રતિબિંબ જ ચિત્તનું દર્શન કરે છે, બિંબરૂપ પુરુષ નહિ. જેમ ચિત્ત ઘટાકારે પરિણમી ઘટને જાણે છે તેમ પુરુષાકારે પરિણમી પુરુષને જાણે છે. જેમ ચિત્તના ઘટાકાર પરિણામનું પ્રતિબિંબ ઝીલી પુરુષ ઘટનું દર્શન કરે છે તેમ ચિત્તના પુરુષાકાર પરિણામનું પ્રતિબિંબ ઝીલી પુરુષ પોતાનું દર્શન કરે છે. પુરુષ સીધેસીધો તો પોતાનું દર્શન કરી શકતો જ નથી. ચિત્તગત પોતાના પ્રતિબિંબ દ્વારા જ તે પોતે પોતાનું દર્શન કરી શકે છે. ચિત્ત બાહ્ય વિષયોના તેમજ પુરુષના આકારે પરિણમી શકતું હોઈ તેને દ્રષ્ટા અને દૃશ્ય એમ બધા જ અર્થોને જાણનારું કહ્યું છે. તમોગુણરૂપ યા ક્લેશરૂપ આવરણ સંપૂર્ણપણે દૂર થતાં ચિત્તમાં અનંતજ્ઞાન આવિર્ભાવ પામે છે. જોકે ચિત્ત સત્વગુણપ્રધાન હોવાથી સ્વભાવથી જ તે સર્વ પદાર્થોને જાણવાના સામર્થ્યવાળું છે, તેમ છતાં સામાન્ય અવસ્થામાં તમોગુણથી ઢંકાયેલું હોવાથી બધા પદાર્થોને જાણી શકતું નથી; પરંતુ ક્રિયાશીલ રજોગુણ વડે પ્રવૃત્તિશીલ બનતાં તમોગુણના આવરણને સહેજ દૂર કરી કોઈ કોઈ વિષયને ગ્રહણ કરે છે. પુરુષ અને ચિત્ત વચ્ચે સ્વસ્વામીભાવસંબંધ છે. ચિત્ત માત્ર સામીપ્યથી જ સ્વગત વિષયાકારોને પુરુષમાં પ્રતિબિંબિત કરી પુરુષ ઉપર ઉપકાર કરે છે. આમ પુરુષ ઉપકાર્ય છે અને ચિત્ત ઉપકારક છે. પુરુષ સ્વામી છે અને ચિત્ત સ્વ છે. ચિત્ત જ્ઞાતા છે, પુરુષ દ્રષ્ટા છે. ચિત્તનું વિષયાકારે પરિણમન એ જ્ઞાન છે અને ચિત્તના આ વિષયાકાર પરિણામનું પ્રતિબિંબ પુરુષે ઝીલવું એ પુરુષનું દર્શન છે. ચિત્તના ધર્મો અર્થાત્ પરિણામો, આકારો બે પ્રકારના છે – પરિષ્ટ અર્થાત્ પ્રત્યક્ષ અને અપરિષ્ટ એટલે પરોક્ષ. પરિષ્ટ ધર્મો પ્રત્યયરૂપ અર્થાત્ જ્ઞાનરૂપ છે, જ્યારે અપરિષ્ટ ધર્મો વસ્તુમાત્રાત્મક છે. ચિત્તના પ્રત્યયરૂપ ધર્મો પ્રમાણ વગેરે વૃત્તિઓ છે; જ્યારે ચિત્તના વસ્તુમાત્રાત્મક ધર્મો નિરોધ, ધર્મ, સંસ્કાર, પરિણામ, જીવન, ચેષ્ટા અને શક્તિ છે. નિરોધ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. ધર્મ એટલે પાપ-પુણ્યરૂપ કર્મ. સંસ્કાર એટલે વાસના. તે અનુભવનું કાર્ય છે અને સ્મૃતિનું કારણ છે. પરિણામ એટલે પ્રતિક્ષણ પરિવર્તન. જીવન એટલે પ્રાણધારણ. ચેષ્ટા એટલે ચિત્તની સંચારરૂપ ક્રિયા. શક્તિ એટલે ચિત્તનાં ઉદભૂત કાર્યોની સૂક્ષ્માવસ્થા. નિરોધ વગેરે સાતેય ધર્મો અનુમેય છે; તેથી તેમને દર્શનવર્જિત કહ્યા છે. દર્શનવર્જિતનો અર્થ એ પણ થઈ શકે કે તે પુરુષમાં પ્રતિબિંબિત થઈ શકતા નથી. જે ધર્મો પરિદૃષ્ટ છે તે જ પુરુષમાં પ્રતિબિંબિત થઈ શકે છે. ચિત્તને શરીરમાંથી કાઢી બીજા શરીરમાં દાખલ કરી શકાય છે. તેના માટે ખાસ પ્રક્રિયા છે.

ચિત્તની અવસ્થાને ચિત્તભૂમિ કહેવામાં આવે છે. તે પાંચ છે – ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. ચિત્તમાં રજોગુણ પ્રબળ બને છે ત્યારે ચિત્ત બહુ જ ચંચળ બની જાય છે, સ્થિર રહી શકતું જ નથી, વિષયોમાં ભટક્યા કરે છે. આ અવસ્થાને ક્ષિપ્ત કહેવામાં આવે છે. તમોગુણ પ્રબળ બને છે ત્યારે ચિત્તની કૃત્યાકૃત્યનો વિચાર કરવાની શક્તિ કુંઠિત બની જાય છે, તે મોહાવિષ્ટ હોય છે, તેને નિદ્રારૂપ વૃત્તિ હોય છે. આ મૂઢ અવસ્થા છે. સત્વગુણના આધિક્યથી તમોગુણનું આવરણ વિક્ષિપ્ત અવસ્થામાં ક્ષીણ થઈ જાય છે અને રજોગુણ પણ ગૌણ બની જાય છે. તેથી ચિત્તને અનેક વિષયોનું જ્ઞાન હોય છે તેમજ તે એક વિષય પર થોડોક વખત સ્થિર રહી શકે છે. ક્ષિપ્ત અવસ્થાથી આ અવસ્થામાં આ જ વિશેષતા છે એટલે આ અવસ્થાને ‘વિક્ષિપ્ત’ નામ આપ્યું છે. આ અવસ્થામાં ચિત્તમાં આંશિક સ્થિરતા હોવા છતાં તેનો યોગમાં સમાવેશ નથી, કારણ કે અહીં સ્થિરતાનો તુરત જ વિક્ષેપથી ભંગ થાય છે. એકાગ્ર ચિત્તભૂમિમાં ચિત્તમાં સત્વગુણની પ્રબળતા ઘણી હોય છે અને તમોગુણનું આવરણ ઘણું ઘટી ગયું હોય છે. આ ભૂમિની ઉત્કૃષ્ટ દશામાં તમોગુણનું આવરણ સંપૂર્ણ દૂર થઈ જાય છે અને પ્રકૃષ્ટ વિવેકજ્ઞાન પ્રગટે છે તેમજ અનન્તજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ભૂમિમાં ચિત્તને અન્ય વિષયોનું જ્ઞાન હોવા છતાં તે જ્ઞાનને ક્લેશનો પાસ મંદ હોય છે યા સમૂળગો હોતો નથી. આ અવસ્થાવાળું ચિત્ત ક્લેશોને દૂર કરે છે, કર્મોનું સામર્થ્ય હણે છે. આ ભૂમિનો યોગમાં સમાવેશ છે અને તેનો યોગ ‘સંપ્રજ્ઞાત યોગ’ કહેવાય છે. નિરુદ્ધ ચિત્તભૂમિમાં વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો પણ નિરોધ થઈ જાય છે. અહીં સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ હોય છે. નિરુદ્ધ અવસ્થાવાળા ચિત્તનો યોગ ‘અસંપ્રજ્ઞાત યોગ’ કહેવાય છે.

નિરુદ્ધ ભૂમિ સિવાય બીજી બધી ભૂમિઓમાં ચિત્ત વિષયાકારે પરિણમે છે. આ વિષયાકાર પરિણામ એ જ ચિત્તવૃત્તિ છે અને ચિત્તવૃત્તિ જ જ્ઞાન છે. સામાન્ય જનોની બાબતમાં જ્ઞાનની સાથે સાથે રાગદ્વેષનો ભાવ અવશ્ય જાગે છે. એથી ઊલટું, સંપ્રજ્ઞાત યોગની પરાકાષ્ઠાએ પહોંચેલા વિવેકજ્ઞાનસંપન્ન યોગીના ચિત્તમાં જ્ઞાનની સાથે રાગ-દ્વેષનો ભાવ ઊઠતો જ નથી, તેનું જ્ઞાન નિર્મળ હોય છે. એટલે જ પતંજલિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચિત્તવૃત્તિઓ કાં તો ક્લેશયુક્ત હોય છે કાં તો ક્લેશરહિત હોય છે. ચિત્તવૃત્તિઓ પાંચ છે – પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. વસ્તુની યથાર્થ નિશ્ચયાત્મક ચિત્તવૃત્તિ પ્રમાણ છે. તેનો વિપર્યય મિથ્યાજ્ઞાન છે. તે વસ્તુના યથાર્થ રૂપને નહિ, પણ તેનાથી ઊલટા રૂપને દર્શાવે છે. વિપર્યયરૂપ જ્ઞાનનો અને તેના આધારે થતા વ્યવહારનો પ્રમાણજ્ઞાનથી બાધ થાય છે. શબ્દ સાંભળ્યા કે વાંચ્યા પછી ઉત્પન્ન થનારું જ્ઞાન, જેનું અસ્તિત્વ જ નથી એવા વિષયના આકારવાળું જ્ઞાન અને જે જ્ઞાનને આધારે થતો વ્યવહાર બાધ પામતો નથી એવું જ્ઞાન તે વિકલ્પ. આમ વિકલ્પરૂપ જ્ઞાન શબ્દજન્ય છે, વસ્તુસંસ્પર્શરહિત છે અને અબાધિત વ્યવહાર છે. ‘ધગધગતો લોઢાનો ગોળો બાળે છે’ આ શબ્દો પોતાના સામર્થ્યથી અગ્નિ અને લોઢાના ગોળા વચ્ચે અભેદ ન હોવા છતાં તેમના અભેદનું જ્ઞાન ચિત્તમાં જન્માવે છે અને આવા શબ્દવ્યવહારનો કોઈ વિરોધ કરતું નથી, તે અબાધિત છે. નિદ્રાદશામાં તમોદ્રવ્યને જાણનારી ચિત્તની વૃત્તિને નિદ્રાવૃત્તિ યા નિદ્રાજ્ઞાન કહેવામાં આવે છે. સુષુપ્તિમાંથી જાગેલાને ‘હું સુખપૂર્વક સૂતો હતો’ એવું જે સ્મરણ થાય છે તે પુરવાર કરે છે કે સુષુપ્તિમાં જ્ઞાન હતું, અનુભવ હતો. જેનો અનુભવ થયો હોય તે વિષયનું કંઈ પણ ઉમેરા વિના યાદ આવવું તે સ્મૃતિ છે.

ચિત્તમાં ચિત્તવૃત્તિઓનું ઊઠ્યા કરવું તે ચિત્તની વ્યુત્થાન-અવસ્થા કહેવાય છે. ચિત્તમાં ચિત્તવૃત્તિઓનું ન ઊઠવું અને પરિણામે ચિત્તનું વૃત્તિશૂન્ય બની જવું તે ચિત્તની નિરોધ-અવસ્થા છે. વ્યુત્થાન-અવસ્થામાં ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થવાથી પુરુષ ચિત્તવૃત્તિના જેવો આકાર ધારણ કરે છે, પરંતુ ચિત્તની નિરોધ-અવસ્થામાં ચિત્તવૃત્તિનો અભાવ હોઈ પુરુષમાં કોઈ પ્રતિબિંબ જ પડતું નથી. વૃત્તિરહિત ચિત્તનું પુરુષમાં પ્રતિબિંબ પડી શકતું નથી. પરિણામે, પુરુષ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે. એટલે સ્વસ્વરૂપસ્થિતિના લાભ માટે સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ.

ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય બંને આવશ્યક છે. અભ્યાસ અને વૈરાગ્ય બંને એકબીજાના ઉપકારક છે. જેટલો વખત ચિત્ત વિષયો પ્રત્યેનો રાગ છોડે છે તેટલો વખત તે અંતર્મુખ બની સ્થિર થાય છે અને જેટલો વખત અંતર્મુખ બની સ્થિર થાય છે તેટલો વખત તે વિષયોથી વિમુખ હોઈ વિષયરાગથી મુક્ત રહે છે. આમ અભ્યાસ અને વૈરાગ્યનું એકસાથે અનુષ્ઠાન જરૂરી છે. अभ्यासवैराग्यभ्यां तन्निरोध: ।

ચિત્તની સ્થિરતા સાધવામાં નડતા અંતરાયો છે – વ્યાધિ, સ્ત્યાન (મૂઢતા, અકર્મણ્યતા), સંશય, પ્રમાદ (બેપરવાઈ, અજાગૃતિ), આળસ (શરીર અને ચિત્તનું ભારેપણું), અવિરતિ (વિષયભોગતૃષ્ણા), ભ્રાંતિ (મિથ્યાજ્ઞાન), અલબ્ધભૂમિકત્વ (પ્રયત્ન છતાં યોગભૂમિનો લાભ ન થવો) અને અનવસ્થિતત્વ (પ્રાપ્ત યોગભૂમિમાં ચિત્તની દૃઢતાનો અભાવ). આ નવ યોગાન્તરાયો સાથે બીજા ચારને પણ ગણાવવામાં આવ્યા છે. તે છે – દુ:ખ, દૌર્મનસ્ય (ક્ષુબ્ધતા, વ્યાકુળતા), અંગમેજય (શરીરનાં અંગોનું ધ્રૂજવું) અને શ્વાસ-પ્રશ્વાસ.

શુદ્ધ યા પ્રસન્ન ચિત્ત જ એકાગ્ર થઈ શકે છે એટલે ચિત્તને શુદ્ધ કરવું જરૂરી છે. ઈર્ષ્યા, પરાપકારવૃત્તિ, અસૂયા અને અમર્ષ – આ ચાર ચિત્તની અશુદ્ધિઓ છે. ચિત્તની આ ચારેય અશુદ્ધિઓ અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવના કેળવવાથી દૂર થાય છે. ચાર ભાવનાઓના અનુષ્ઠાનથી પાપસંબંધથી રહિત કેવળ પુણ્યરૂપ શુક્લ ધર્મ ઉત્પન્ન થાય છે.

અભ્યાસ અને વૈરાગ્ય એ તો ચિત્તવૃત્તિનિરોધના સર્વસાધારણ ઉપાયો છે, અર્થાત્ તેમનું બધા વિશેષ ઉપાયો સાથે હોવું જરૂરી છે. અહીં કેટલાક વિશેષ ઉપાયો દર્શાવ્યા છે : (1) પ્રાણપ્રચ્છદૃનવિધારણ : પ્રાણના પ્રચ્છદૃન (અંદરના વાયુને પ્રયત્નપૂર્વક બહાર કાઢવો તે) અને વિધારણ (વાયુનો જ્યાંનો ત્યાં નિરોધ કરી દેવો તે) દ્વારા ચિત્ત સ્થિર થાય છે. આ જ અનુક્રમે રેચક અને કુંભક પ્રાણાયામ છે. (2) વિષયવતી પ્રવૃત્તિ : ગન્ધાદિ પાંચ વિષયોના બે ભેદ છે – દિવ્ય અને અદિવ્ય. પાંચ તન્માત્રોના કાર્યભૂત સૂક્ષ્મ ભૂતોના ગંધાદિ દિવ્ય વિષયો છે. આ પાંચ દિવ્ય વિષયોનો યોગપ્રતિપાદિત ઉપાય વડે યોગીઓને જે સાક્ષાત્કાર થાય છે તેને વિષયવતી પ્રવૃત્તિ કહી છે. વિષયવતી પ્રવૃત્તિને પરિણામે ચિત્ત સહેલાઈથી બીજા વિષયો ઉપર સ્થિર થઈ શકે છે, અદિવ્ય વિષયોમાંથી ચિત્ત વિરક્ત થાય છે અને યોગમાં અતિશય શ્રદ્ધા જન્મે છે. (3) જ્યોતિષ્મતી પ્રવૃત્તિ : આનો અર્થ છે જ્યોતિર્મય તત્વનો સાક્ષાત્કાર. તે તત્વો બે છે  બુદ્ધિસત્વ અને અસ્મિતા. પેટ અને છાતીની વચ્ચે હૃદયકમળ છે. તે બુદ્ધિસત્વનું સ્થાન છે. તેના ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી બુદ્ધિસત્વનો સાક્ષાત્કાર થાય છે. અસ્મિતા ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી ચિત્ત નિસ્તરંગ મહાસાગર જેવું શાન્ત અને અનંત બને છે. આ બેના સાક્ષાત્કારથી ચિત્ત શોકમુક્ત બનતું હોવાથી તેમની પ્રકૃષ્ટ વૃત્તિને વિશોકા પણ કહી છે. (4) વીતરાગધ્યાનાભ્યાસ : વીતરાગ પુરુષ ઉપર ચિત્તને એકાગ્ર કરવાના અભ્યાસથી એકાગ્રતા અને વૈરાગ્ય બંને કેળવાય છે. (5) સ્વપ્નાલંબનધ્યાનાભ્યાસ : વાચસ્પતિના મતે સ્વપ્નમાં જોયેલા મહેશ્વરની પ્રતિમા ઉપર ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ. ભિક્ષુને મતે જગત સ્વપ્ન જેવું મિથ્યા અને ક્ષણભંગુર છે એવા જ્ઞાન ઉપર ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ. (6) નિદ્રાજ્ઞાનાલંબનધ્યાનાભ્યાસ : વાચસ્પતિને મતે સાત્વિક નિદ્રામાં અનુભવેલા સ્વરૂપ ઉપર ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ. ભિક્ષુને મતે જગતના સર્વ પદાર્થો નિદ્રામાં ભાસતા અભાવ યા શૂન્યરૂપ જ છે એવા જ્ઞાન ઉપર ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ. (7) અભિમતધ્યાન : અભિમત દેવતા ઉપર ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ. (8) ઈશ્વરપ્રણિધાન. (9) ઈશ્વરવાચક પ્રણવનો જાપ.

સાધકે યોગસાધનામાં કેવી રીતે આગળ વધવું ? તેણે યોગનાં આઠ અંગોનું અનુષ્ઠાન કરવું જોઈએ. તે આઠ અંગો છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તેણે યમોનું પાલન કરવું. યમો પાંચ છે  હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહમાંથી વિરમવું. આમ યમો નિવૃત્યાત્મક છે. તે સાર્વભૌમ છે. અમુક કરવું જોઈએ એવો જેને વિશે નિશ્ચય છે તે નિયમ છે. આમ નિયમો વિધ્યાત્મક છે. તે પાંચ છે  શૌચ (શરીર અને ચિત્તની શુદ્ધિ), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. નિયમોનું પાલન કરવું જોઈએ. શરીર નિશ્ચલ રહે અને મનને સુખ થાય એવી રીતે અમુક ચોક્કસ સમય સુધી બેસવું તે આસન. આસનના અનેક પ્રકારો છે; જેમકે, પદ્માસન, વીરાસન, ભદ્રાસન, પર્યંકાસન વગેરે. ચિત્તની સ્થિરતા માટે આસન જરૂરી છે. હવે પ્રાણાયામને સમજીએ. પ્રાણવાયુના ચાંચલ્યને કારણે ચિત્તમાં ચંચળતા આવે છે. ચંચળ ચિત્ત ધારણા, ધ્યાન અને સમાધિને ઉપયોગી નથી. પ્રાણાયામના અભ્યાસથી જ ધીમે ધીમે ચિત્તમાં એકાગ્રતા આવવા લાગે છે. શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક નિરંતર પ્રવહણશીલ ગતિનો વિચ્છેદ થઈ જવો તે પ્રાણાયામ કહેવાય છે. બાહ્ય વાયુનો અંત:પ્રવેશ શ્વાસ છે અને અંદરના વાયુનું બહાર નીકળવું પ્રશ્વાસ છે. એ બંનેની જે નિરંતર સ્વાભાવિક ગતિ છે તેનો વિચ્છેદ એ પ્રાણાયામ શબ્દનો મુખ્ય અર્થ છે. રેચક અને પૂરકમાં ગતિ રહેવા છતાં તે સ્વાભાવિક ગતિનો વિચ્છેદ હોય છે જ. કુંભક અને ચતુર્થમાં શ્વાસ અને પ્રશ્વાસ બંનેની ગતિનો વિચ્છેદ હોય છે. પ્રત્યાહારનો અર્થ છે પાછું વાળી લેવું તે. ઇન્દ્રિયોને પોતાના બાહ્ય વિષયોમાંથી પાછી વાળી અંતર્મુખ કરવી તે પ્રત્યાહાર છે. પ્રત્યાહાર સિદ્ધ થતાં પરમ ઇન્દ્રિયજય થાય છે. અમુક ખાસ દેશમાં યા વિષયમાં ચિત્તનો દૃઢ સંબંધ સ્થાપવો એ ધારણા છે. નાભિચક્ર, નાકનો અગ્રભાગ, દેવપ્રતિમા વગેરે વિષયો છે. ચિત્ત આ વિષયો સાથે દૃઢ સંબંધ પોતાની વૃત્તિ દ્વારા સ્થાપે છે. ધારણા પછી ધ્યાન આવે છે. ધ્યાનનો અર્થ છે પ્રત્યયની એકતાનતા. પ્રત્યય એટલે ચિત્તવૃત્તિ યા જ્ઞાન. ધ્યાનમાં સદૃશ ચિત્તવૃત્તિનો પ્રવાહ ચાલે છે. ભાષ્યકાર વ્યાસ કહે છે કે સદૃશ ચિત્તવૃત્તિનો પ્રવાહ જ્યારે વિસદૃશ ચિત્તવૃત્તિથી અપરામૃષ્ટ યા અસ્પૃષ્ટ બની જાય ત્યારે ધ્યાન થયું કહેવાય. ઓછામાં ઓછું બાર પ્રાણાયામ કરતાં જેટલો વખત લાગે તેટલા વખત સુધી ચિત્ત એક જ વિષયમાં વૃત્તિ દ્વારા બંધાયેલું રહે તો જ એક ધારણા થઈ કહેવાય અને બાર ધારણાને જેટલો વખત લાગે તેટલો વખત એક ધ્યાનનો છે. ધારણા અને ધ્યાનનું આલંબન એક જ હોય છે. જે ધ્યાનનો વિષય સગુણ હોય તે સગુણ ધ્યાન અને જે ધ્યાનનો વિષય નિર્ગુણ બ્રહ્મ હોય તે નિર્ગુણ ધ્યાન. ધ્યાન જ્યારે ધ્યેય અર્થનું જ ભાન સાધકને કરાવે અને પોતે (ધ્યાનરૂપ ચિત્તવૃત્તિ) જાણે સ્વરૂપશૂન્ય હોય એવું બની જાય ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. ધ્યાનકાળે ચિત્ત, ચિત્તવૃત્તિ અને ચિત્તવૃત્તિનો વિષય – ત્રણેયનું ભાન સાધકને હોય છે, જ્યારે સમાધિકાળે તો માત્ર ધ્યેય વિષયનું જ ભાન હોય છે. ધારણા, ધ્યાન અને સમાધિ સમાનવિષયક હોવાથી એ ત્રણ અંગોને એક સમાન સંજ્ઞા ‘સંયમ’ આપવામાં આવી છે.

વિવેકજ્ઞાનયુક્ત ચિત્તની એકાગ્રતા સંપ્રજ્ઞાત યોગ છે. સંપ્રજ્ઞાત યોગની ચાર ભૂમિકાઓ છે – વિતર્કાનુગત, વિચારાનુગત, આનંદાનુગત અને અસ્મિતાનુગત. (1) વિતર્કનો અર્થ છે ચિત્તની સ્થૂળ ભાવના. ભાવના સ્થૂળ છે, કારણ કે વિષય સ્થૂળ છે. આ ભૂમિકામાં સ્થૂળ વિષયના અશેષ વિશેષોનો સાધકને સાક્ષાત્કાર થાય છે. (2) વિચારનો અર્થ છે ચિત્તની સૂક્ષ્મ ભાવના. ભાવના સૂક્ષ્મ છે, કારણ કે તેનો વિષય સૂક્ષ્મ છે. પ્રથમ વિતર્કાનુગત ભૂમિકા સિદ્ધ થયા પછી તે જ સ્થૂળ વિષયમાં કારણ રૂપે રહેલા તથા ઉત્તરોત્તર સૂક્ષ્મ એવા પંચતન્માત્ર, અહંકાર, મહત્ અને પ્રકૃતિ સુધીના પદાર્થોને યોગી ધ્યેય રૂપે ક્રમશ: લે છે. (3) જે ભૂમિકામાં ચિત્ત આનંદની ભાવના કરે છે તેને આનંદાનુગત સંપ્રજ્ઞાત યોગ કહેવામાં આવે છે. (4) જે ભૂમિકામાં ચિત્ત અસ્મિતાની ભાવના કરે છે તેને અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત યોગ કહેવામાં આવે છે. અસ્મિતાનો અર્થ અહીં ‘એકાત્મિકા સંવિત્’ છે, અર્થાત્ આત્માની સાથે એકીભાવને પામેલી બુદ્ધિ છે. ભિક્ષુ અનુસાર ‘એકાત્મિકા સંવિત્’ એટલે કે કેવળ પુરુષ જ જેનો વિષય છે એવો સાક્ષાત્કાર. આમ અહીં ચિત્તની ભાવનાનો વિષય આત્મા છે. આત્મા દ્વિવિધ છે – જીવાત્મા અને પરમાત્મા. આ બેમાં પરમાત્મા સૂક્ષ્મતમ હોવાથી પહેલાં જીવાત્માની ભાવના કરી તેનો સાક્ષાત્કાર કરવામાં આવે છે અને પછી પરમાત્માની ભાવના કરી તેનો સાક્ષાત્કાર કરવામાં આવે છે. આમ પારમેશ્વર યોગ શ્રેષ્ઠ સંપ્રજ્ઞાત યોગ છે. અહીં ધ્યાનમાં રાખવું કે આ ભૂમિકામાં ઉપાધિરહિત જીવાત્મા અને પરમાત્માની ભાવના કરવામાં આવે છે.

સંપ્રજ્ઞાત યોગના બીજી રીતે પણ ભેદ કરવામાં આવે છે. ચિત્ત પોતાના ધ્યેય યા જ્ઞેય વિષયના આકારે પરિણમે છે એવો યોગસિદ્ધાન્ત છે. સંપ્રજ્ઞાત યોગમાં ચિત્તમળો ક્ષીણ થઈ ગયા હોઈ ચિત્તમાં ધ્યેય વિષયનો સ્પષ્ટ આકાર ઊઠે છે. સંપ્રજ્ઞાત યોગમાં ચિત્તનું વિષયના સ્પષ્ટ આકારે પરિણમન – તદંજનતા યા તદાકારતા – સમાપત્તિના નામે ઓળખાય છે. આ સમાપત્તિના વિષયભેદે સામાન્યપણે ત્રણ ભેદ થાય છે – ગ્રાહ્યસમાપત્તિ, ગ્રહણસમાપત્તિ અને ગ્રહીતૃસમાપત્તિ; પરંતુ તેના વિશેષ ભેદો ચાર છે – સવિતર્કા સમાપત્તિ, નિર્વિતર્કા સમાપત્તિ, સવિચારા સમાપત્તિ અને નિર્વિચારા સમાપત્તિ. (1) સવિતર્કા સમાપત્તિ : વિતર્કનો અર્થ અહીં શબ્દાર્થજ્ઞાનવિકલ્પ લેવાનો છે. જે સમાપત્તિ શબ્દાર્થજ્ઞાનવિકલ્પથી યુક્ત છે તેને સવિતર્કા સમાપત્તિ કહેવામાં આવે છે. એકબીજાથી ભિન્ન એવાં શબ્દ, અર્થ અને જ્ઞાનના અભેદની પ્રતીતિને અહીં વિકલ્પ કહ્યો છે. (2) નિર્વિતર્કા સમાપત્તિ : આ સમાપત્તિ વિતર્કરહિત હોય છે. તેમાં સંકેતસ્મરણ હોતું નથી. તેમાં ધ્યેય વિષયના સજાતીય પૂર્વાનુભૂત વિષયોનું સ્મરણ હોતું નથી, તેમજ તે વિષયો સાથે ધ્યેય વિષયનું અનુસંધાન પણ હોતું નથી. તેમાં શબ્દસંસર્ગરહિત કેવળ ધ્યેય વિષય જ ગૃહીત થાય છે. (3) સવિચારા સમાપત્તિ : આ સમાપત્તિમાં પણ શબ્દાર્થજ્ઞાનવિકલ્પ હોતો નથી. પરંતુ અહીં ધ્યેય વિષય પોતાના કેવળ ઉદિત અર્થાત્ વર્તમાન ધર્મ સાથે ગૃહીત થાય છે, પણ તે તેના અતીત અને અનાગત ધર્મો સાથે ગૃહીત થતો નથી. વળી તે ઉદિત અવસ્થાના જ દેશ-કાળ-નિમિત્તના ભાન સાથે ગૃહીત થાય છે. (4) નિર્વિચારા સમાપત્તિ : આ સમાપત્તિમાં પણ શબ્દાર્થજ્ઞાનવિકલ્પ હોતો નથી, પણ અહીં સર્વ ધર્મોના આશ્રયરૂપ અને સર્વ ધર્મોના આત્મારૂપ ધર્મી પદાર્થ તેના અતીત, વર્તમાન અને અનાગત ધર્મોથી અવિશિષ્ટ રૂપે ભાસે છે. વળી, અહીં ધ્યેય વિષય દેશ-કાળ-નિમિત્તાતીત પ્રતીત થાય છે. આ નિર્વિચારા સમાપત્તિમાં આવરણરૂપ ચિત્તમળો દૂર થતાં ચિત્તવૃત્તિઓનો પ્રવાહ સાવ સ્વચ્છ થઈ જાય છે. પરિણામે, પ્રજ્ઞા સર્વ અર્થને યુગપદ્ ગ્રહણ કરે છે, યથાર્થ ગ્રહણ કરે છે અને સ્ફુટ રૂપે ગ્રહણ કરે છે. આ પ્રજ્ઞા જ ઋતંભરા પ્રજ્ઞા છે. તે સત્યને, ઋતને પૂર્ણ રૂપે ધારણ કરે છે. તેમાં વિપર્યય લેશમાત્ર નથી, અપૂર્ણતા લેશમાત્ર નથી.

અસંપ્રજ્ઞાત યોગ – જ્યારે ચિત્તને વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિ પ્રત્યે વિરક્તિ થાય છે ત્યારે ચિત્ત તે વૃત્તિનો પણ નિરોધ કરે છે. આમ પર-વૈરાગ્યને લઈ વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. માત્ર સંસ્કારો જ ચિત્તમાં રહે છે. સર્વ ચિત્તવૃત્તિનો અભાવ થતાં અહીં ચિત્તવૃત્તિના આલંબનની કોઈ અપેક્ષા નથી. અહીં કોઈ પણ જાતની ચિત્તવૃત્તિ અર્થાત્ જ્ઞાન નથી. એટલે જ આ યોગને અસંપ્રજ્ઞાત યોગ કહ્યો છે. તે નિરાલંબન છે, અર્થાત્ નિર્બીજ છે. એથી ઊલટું, સંપ્રજ્ઞાત યોગ સાલંબન છે અર્થાત્ સબીજ છે. અસંપ્રજ્ઞાત યોગના ઉપાયો છે – શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા.

સંપ્રજ્ઞાત યોગમાં વિવેકજ્ઞાન હોય છે. વિવેકજ્ઞાનનું સામર્થ્ય પ્રારબ્ધ કર્મોનો નાશ કરવામાં નથી. તે સિવાયનાં બીજાં બધાં કર્મો વિવેકજ્ઞાનથી નાશ પામે છે. પ્રારબ્ધ કર્મોનો નાશ ભોગ દ્વારા થાય છે. તેમ થતાં દેહ પડે છે. દેહપાત સુધી વિવેકી જીવન્મુક્ત કહેવાય છે; પછી વિદેહમુક્ત. આમ જોતાં અસંપ્રજ્ઞાત યોગ કૈવલ્યલાભ માટે અનિવાર્ય નથી અને એટલે જ વિવેકજ્ઞાનને જ કૈવલ્યનું કારણ ગણવામાં આવ્યું છે; પરંતુ જે વિવેકીને પ્રારબ્ધ કર્મોનો શીઘ્ર નાશ કરવો હોય તે જ અસંપ્રજ્ઞાત યોગનો આશરો લે છે. આમ અસંપ્રજ્ઞાત યોગ પ્રારબ્ધ કર્મોનો શીઘ્ર નાશ કરવાની પ્રક્રિયામાત્ર છે.

ક્લેશો જ ધર્માધર્મરૂપ અદૃષ્ટનું મૂળ છે. ક્લેશસહિત કરાતી પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ છે. ક્લેશરહિત કરાતી પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી. क्लेशमूल: कर्माशय: । આ દર્શાવે છે કે યોગદર્શન પ્રવૃત્તિની નિવૃત્તિ ઉપર ભાર આપવા માગતું નથી, પણ ક્લેશોની નિવૃત્તિ ઉપર ભાર આપવા માગે છે. ક્લેશો પાંચ છે – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. વિવેકજ્ઞાનથી ઊલટું જ્ઞાન તે અવિદ્યા. અવિદ્યા સંસારનું, દુ:ખનું કારણ છે. અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાની બુદ્ધિ, અપવિત્ર વસ્તુઓમાં પવિત્રપણાની બુદ્ધિ, દુ:ખરૂપ વસ્તુઓમાં સુખરૂપતાની બુદ્ધિ અને જડ વસ્તુઓમાં ચેતનપણાની બુદ્ધિ એ સંસારના હેતુરૂપ અવિદ્યા છે. બુદ્ધિ અને પુરુષના અત્યંત અભેદનો ભ્રમ અસ્મિતા છે. તેને લીધે બુદ્ધિના ગુણોનો પુરુષમાં આરોપ થાય છે. સુખ અને સુખનાં સાધનોની તૃષ્ણાને રાગ કહેવામાં આવે છે. લોભનો સમાવેશ રાગમાં જ થાય છે. દુ:ખ અને દુ:ખનાં સાધનો પ્રત્યેની ઘૃણા, ક્રોધ તે દ્વેષ છે. મૃત્યુનો ભય એ અભિનિવેશ છે. પ્રત્યેક ક્લેશની પાંચ અવસ્થાઓ છે – પ્રસુપ્તાવસ્થા, તનુઅવસ્થા, વિચ્છિન્નાવસ્થા, ઉદારાવસ્થા અને દગ્ધબીજાવસ્થા. ક્લેશનું શક્તિ રૂપે (અવ્યક્ત રૂપે) અભિવ્યક્ત થવાના સામર્થ્ય સહિત ચિત્તમાં રહેવું તે તેની પ્રસુપ્તાવસ્થા છે. યોગ્ય વિષય મળતાં તે વ્યક્ત થાય છે. ક્લેશની મંદતા એ તેની તનુઅવસ્થા છે. તે તે ક્લેશના વિરોધીની ભાવના કરવાથી તે તે ક્લેશ પાતળો પડે છે, શિથિલ થાય છે. કોઈ ક્લેશ બીજો ક્લેશ પ્રબળ બનવાથી દબાય અને એ બીજા ક્લેશની પ્રબળતા દૂર થતાં વળી પાછો તે પોતાના મૂળ રૂપે પ્રગટ થાય અને આવી રીતે ધારા તૂટ્યા કરતી હોય તો તે ક્લેશ વિચ્છિન્નાવસ્થાવાળો કહેવાય. ઉદારાવસ્થા એ વ્યક્તાવસ્થા છે. પોતાના વિષયમાં પ્રવૃત્ત ક્લેશ ઉદારાવસ્થાવાળો કહેવાય છે. સૂક્ષ્મ રૂપે, અવ્યક્ત રૂપે યા સંસ્કાર રૂપે રહેલા ક્લેશોનું અભિવ્યક્ત થવાનું સામર્થ્ય જ્યારે હણાઈ જાય છે ત્યારે ક્લેશો દગ્ધબીજાવસ્થાવાળા કહેવાય છે. વિવેકજ્ઞાન દૃઢ થતાં અવિદ્યાના સંસ્કારો દગ્ધબીજ થઈ જાય છે. અવિદ્યાના સંસ્કારો દગ્ધબીજ થતાં બીજા બધા ક્લેશોના સંસ્કાર દગ્ધબીજ બની જાય છે, કારણ કે બીજા ક્લેશોનું મૂળ અવિદ્યા છે. આમ બધા જ ક્લેશોના સંસ્કારો વિવેકજ્ઞાનથી દગ્ધબીજ બને છે એટલે તે સંસ્કારો ક્લેશોને ઉત્પન્ન કરતા નથી.

યોગદર્શને કર્મસિદ્ધાન્તનું વિવરણ કર્યું છે. જીવ જે પ્રવૃત્તિ કરે છે તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. આને કર્મસંસ્કાર, કર્માશય કે માત્ર કર્મ કહેવામાં આવે છે. આ કર્મો પ્રાકૃતિક છે. તે ચાર પ્રકારનાં છે – કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુક્લાકૃષ્ણ. દુર્જનોનાં કર્મો કૃષ્ણ હોય છે, સામાન્ય માણસોનાં કર્મો શુક્લકૃષ્ણ હોય છે. યજ્ઞ-યાગરૂપ બાહ્ય સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો પણ શુક્લકૃષ્ણ હોય છે. તપ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ આંતર સાધનોથી ઊપજતાં કર્મો શુક્લ હોય છે. વિવેકી પુરુષો પરોપકારરૂપ શુભ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમને પ્રવૃત્તિના ફળની કામના ન હોવાથી તેમની તે નિષ્કામ શુભ પ્રવૃત્તિથી ઊપજતાં કર્મો અશુક્લ હોય છે. પરપીડારૂપ અશુભ પ્રવૃત્તિ તો તે કરતા જ નથી. એટલે તેમનાં કર્મો અકૃષ્ણ પણ હોય છે. આમ તેમનાં કર્મો અશુક્લાકૃષ્ણ હોય છે. કર્મોનો બીજી રીતે પણ વિભાગ થાય છે. તે મુજબ કર્મો બે પ્રકારનાં છે – દૃષ્ટજન્મવેદનીય અને અદૃષ્ટજન્મવેદનીય. કેટલાંક કર્મો પોતાનું ફળ વર્તમાન જન્મમાં જ આપી દે છે. આવાં કર્મો દૃષ્ટજન્મવેદનીય કહેવાય છે. આથી ઊલટું, કેટલાંક કર્મો એવાં હોય છે, જે પોતપોતાનું ફળ ભાવિ જન્મોમાં આપે છે. આવાં કર્મો અષ્ટજન્મવેદનીય કહેવાય છે. તીવ્ર સંવેગપૂર્વક કે તીવ્ર ક્લેશપૂર્વક કરાતાં કર્મો એ જ (વર્તમાન) જન્મમાં પોતાનાં ફળ આપે છે. કર્મો ત્રણ જાતનાં ફળો આપે છે – જાતિ (જન્મ), આયુ અને ભોગ (સુખ-દુ:ખવેદન). આમ કર્મોના ત્રણ પ્રકાર થયા – જાતિવિપાકી કર્મ, આયુવિપાકી કર્મ અને ભોગવિપાકી કર્મ. વળી કેટલીક વાર કર્મોના બીજી રીતે ત્રણ વિભાગ કરવામાં આવે છે – સંચિત કર્મો, પ્રારબ્ધ કર્મો અને ક્રિયમાણ કર્મો. અનુભવજન્ય સંસ્કાર વાસના છે અને પ્રવૃત્તિજન્ય કર્મ સંસ્કારકર્મ છે. વાસના સ્મૃતિ જન્માવે છે. કર્મ (ક્લેશયુક્ત હોય તો) જાતિ, આયુ અને ભોગરૂપ વિપાક જન્માવે છે, અને વાસના વિપાકને અનુરૂપ જાગે છે અર્થાત્ વિપાકને અનુરૂપ જ સ્મૃતિ જન્મે છે. ક્લેશયુક્ત પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ છે.

એકાકીભાવ એ જ કૈવલ્ય યા મોક્ષ છે. વિવેકજ્ઞાન દૃઢ થતાં અવિદ્યાનો નાશ થાય છે. અવિદ્યાનો નાશ થતાં પ્રકૃતિ-પુરુષનો સંયોગ છૂટી જાય છે, કારણ કે તે સંયોગનું કારણ અવિદ્યા છે. પ્રકૃતિથી છૂટી સ્વસ્વરૂપમાં રહેવું એ જ કૈવલ્ય છે. કૈવલ્યમાં પ્રકૃતિ અને પુરુષ બંને કેવળ બને છે. એટલે સૂત્રકારે કહ્યું છે કે પુરુષાર્થશૂન્ય ગુણોનો પ્રતિપ્રસવ (પોતાના મૂળ કારણમાં લય –  involution) એ કૈવલ્ય છે અથવા તો સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ કૈવલ્ય છે. કૈવલ્યમાં જ્ઞાન હોતું નથી; તેમજ ત્યાં સુખ કે આનંદ પણ નથી. યોગદર્શન એટલું જ કહેવું યોગ્ય માને છે કે કૈવલ્યાવસ્થા સુખ અને દુ:ખ બંનેથી પર છે. કૈવલ્યમાં ચિત્તનો પ્રકૃતિમાં લય થઈ ગયો હોઈ, ચિત્તવૃત્તિનો અભાવ છે, અને કેવળ ચિત્તવૃત્તિ જ પુરુષના દર્શનનો વિષય હોઈ, કૈવલ્યમાં પુરુષને દર્શન પણ નથી, કેવળ દર્શનશક્તિ છે.

યોગસૂત્રનો એક પાદ વિભૂતિપાદ છે. વિભૂતિ એટલે સિદ્ધિ યા ઐશ્વર્ય. યોગસાધનોનું અનુષ્ઠાન કરતી વખતે આગલી યોગભૂમિને સર કર્યા પછી જ તેના પછીની યોગભૂમિની સાધના કરવામાં આવે છે; પરંતુ અહીં પ્રશ્ન ઊઠે કે અમુક ભૂમિ સર થઈ ગઈ છે એની ખાતરી સાધકને શા ઉપરથી થાય ? આના જવાબમાં યોગદર્શન જણાવે છે કે જ્યારે અમુક ભૂમિ સિદ્ધ થાય ત્યારે તેને અનુરૂપ ઐશ્વર્યરૂપ ચિહ્નો સાધકમાં પ્રગટે છે. આમ ઐશ્વર્ય યા સિદ્ધિ સાધક સાધનામાર્ગ ઉપર બરાબર આગળ વધી રહ્યો છે એનો સંકેત કરે છે. યોગદર્શન ઐશ્વર્યથી લોભાયા વિના કે પ્રસિદ્ધિ કે પ્રતિષ્ઠા ખાતર એના જાહેર પ્રદર્શનમાં પડ્યા વિના સાધકને આગળ વધવાનું કહે છે. યોગદર્શનમાં અનેક સિદ્ધિઓનું નિરૂપણ છે; જેમકે, અંતર્ધાનની સિદ્ધિ, હાથીબળ વગેરેની પ્રાપ્તિની સિદ્ધિ, ભૂખતરસ ન લાગવાની સિદ્ધિ, પરશરીરપ્રવેશની સિદ્ધિ, આકાશગમનની સિદ્ધિ, અણિમાદિ આઠ સિદ્ધિઓ, બહુકાયનિર્માણની સિદ્ધિ, અતીત-અનાગતજ્ઞાનની સિદ્ધિ, ભૂતઋતજ્ઞાનની સિદ્ધિ, પરચિત્તજ્ઞાનની સિદ્ધિ, પૂર્વજન્મજ્ઞાનની સિદ્ધિ, મરણકાળજ્ઞાનની સિદ્ધિ, સૂક્ષ્મવ્યવહિતવિપ્રકૃષ્ટના જ્ઞાનની સિદ્ધિ, તારકજ્ઞાન(સર્વજ્ઞ જ્ઞાન)ની સિદ્ધિ વગેરે. યોગજ સિદ્ધિઓ વિવેકજ્ઞાનરૂપ યા ક્લેશકર્મમુક્તિરૂપ પ્રયોજનથી સુનિયંત્રિત છે. એથી ઊલટું, જન્મજાત, મન્ત્રજન્ય, તપજન્ય અને ઔષધિજન્ય સિદ્ધિઓ તે પ્રયોજનથી નિયંત્રિત ન હોઈ અહિતકર છે. અહીં તપનો અર્થ છે બાલતપ, અર્થાત્ અજ્ઞાનપૂર્વક કરાતું તપ.

નગીનભાઈ જીવણલાલ શાહ