યૉસાનો, અકિકો

January, 2003

યૉસાનો, અકિકો (જ. 7 ડિસેમ્બર 1878, ઓસાકા, જાપાન; અ. 29 મે 1942, ટોકિયો) : ‘હો શો’ના નામથી પ્રખ્યાત જાપાની કવયિત્રી.

તેમની નવી કાવ્યશૈલીએ જાપાનના સાહિત્યરસિકોમાં સનસનાટી પેદા કરી હતી. શાળામાં ભણતાં હતાં ત્યારથી કવિતા રચતાં. સમવયસ્કો સાથે પોતપોતાની લખેલી કાવ્યરચનાઓ પ્રસિદ્ધ કરવા સામયિક શરૂ કરેલું. યૉસાનો ટેક્કન દ્વારા પ્રસ્થાપિત ‘શિનશિશા’ નામના ‘ન્યૂ પોઇટ્રી એસોસિયેશન’ના તેઓ સભ્ય બનેલા. તે સમયે ‘માયૉજો’ સામયિકમાં તેમની કવિતા પ્રસિદ્ધ થતી. પાછળથી પોતાના કુટુંબનો ત્યાગ કરી તેમણે ટેક્કન સાથે લગ્ન કર્યું અને ટોકિયોમાં વસ્યાં. ‘મિદેરગૅમી’ [1901, અંગ્રેજી અનુ. ‘ટૅન્ગલ્ડ હેર’ (1935)] નામના તેમના કવિતાના સંગ્રહે તેમને કીર્તિ બક્ષી. ‘યુમે નો હાના’ (1906; ‘ડ્રીમ ફ્લાવર્સ’)થી તેમની કલા સુપેરે પ્રસરી.

અકિકો યૉસાનો

1912માં તેઓ પોતાના પતિ સાથે ફ્રાન્સ ગયાં. ત્યાંના એક વર્ષના નિવાસ દરમિયાન તેમનો ‘નાત્સુ યોરી અકી ઈ’ (1914; ‘ફ્રૉમ સમર ટૂ ઑટમ’) કાવ્યસંગ્રહ તૈયાર થયો. ત્યારપછી આધુનિક જાપાની ભાષામાં મુરાસાકી શિકિબુ લિખિત ‘ગેન્જી મોનોગેતારી’ નામના અગિયારમી સદીના સુપ્રસિદ્ધ શિષ્ટગ્રંથનો અનુવાદ કર્યો. 1921માં ‘બન્કા ગૅક્વિન સ્કૂલ ફૉર ગર્લ્સ’ની સ્થાપના કરી. પોતે તેમાં વર્ગો પણ લેતાં. પાછળથી તેમણે સાહિત્યનાં વિવેચક તરીકે પણ લેખો લખેલાં. તેમના ‘હેકુઑશુ’ (1942; ‘વ્હાઇટ ચેરી’) મરણોત્તર પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહમાં 1935માં પોતાના પતિના મૃત્યુ બાદ જે સંવેદના પ્રગટેલી તેની અભિવ્યક્તિ છે.

વિ. પ્ર. ત્રિવેદી