યૉર્ક, ઍલ્વિન

January, 2003

યૉર્ક, ઍલ્વિન (જ. 13 ડિસેમ્બર 1887, પૉલ મૉલ, ટેનેસી, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 1964) : અમેરિકાના સૈનિક અને લોકપ્રિય વીરપુરુષ. ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં તેમને પાકી આસ્થા હતી. તેથી તેમનું વલણ યુદ્ધવિરોધી હતું, પણ 1917માં તેઓ સેનાદળમાં જોડાયા અને તેમની શંકાઓનું નિવારણ થયું.

ફ્રાન્સમાં યુદ્ધ-કામગીરી બજાવતા હતા ત્યારે તેમણે મશીનગનથી સુસજ્જ રીતે ગોઠવાયેલા જર્મન મોરચા સામે એક નાની લશ્કરી ટુકડીની આગેવાની સંભાળી અને એ પ્રબળ હુમલામાં 25 દુશ્મનોને ઢાળી દીધા અને 132 જર્મનોને શરણે આવવાની ફરજ પાડી. આમ તેઓ પ્રથમ વિશ્વયુદ્ધના વીરપુરુષ બની ગયા અને ‘કૉંગ્રેશનલ મેડલ ઑવ્ ઑનર’થી તેમનું સન્માન કરાયું.

ઍલ્વિન યૉર્ક

સ્વદેશ-આગમન વખતે ધજાપતાકાઓ દ્વારા તેમને ભવ્ય-યાદગાર આવકાર અપાયો હતો. તેમણે અમેરિકન લીજનની સ્થાપના કરી. ‘સાર્જન્ટ યૉર્ક’ નામના ચલચિત્રમાં ગૅરી કૂપર જેવા ખ્યાતનામ અભિનેતાએ તેમનું પાત્ર ભજવ્યું હતું.

મહેશ ચોકસી