યેલત્સિન, બૉરિસ નિકોલયેવિચ

January, 2003

યેલત્સિન, બૉરિસ નિકોલયેવિચ (જ. 1931, સ્વેરદ્લોવ્સ્ક) : સોવિયેત રાજકારણી, 1990થી રશિયન સોવિયેત ફેડરેટિવ સોશિયાલિસ્ટ રિપબ્લિક(R.S.F.S.R.)ના પ્રમુખ. 1955માં તેઓ અર્લ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા અને 1961માં સ્થાનિક સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1976માં સ્થાનિક પક્ષીય સંગઠનના વડા બન્યા. 1985માં મૉસ્કો-સ્થિત સામ્યવાદી પક્ષીય સંગઠનના વડા તેમજ શાસક પૉલિટબ્યુરોના સભ્ય બન્યા. તેમની ઉદ્દામવાદી નીતિઓને કારણે 1987માં તેમને આ પદ પરથી હઠાવવામાં આવ્યા. ગૉર્બાચેવની સહાયથી સોવિયેત રાષ્ટ્રીય સંસદમાં તેઓ ચૂંટાઈ આવ્યા. 1989ની આ સંસદીય ચૂંટણીમાં તેમણે 83 ટકા મત મેળવ્યા, જે મતપ્રાપ્તિના ક્ષેત્રે વિશ્વનો એક કીર્તિમાન છે. 1990માં તેમણે સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું.

ઑગસ્ટ 1991માં રૂઢિચુસ્ત સોવિયેત સામ્યવાદી અધિકારીઓએ પ્રમુખ ગૉર્બાચેવ વિરુદ્ધ બળવો કર્યો ત્યારે તેમણે આ બળવામાં પ્રજાકીય વિરોધને નેતૃત્વ પૂરું પાડ્યું. બળવો બે દિવસ બાદ નિષ્ફળ નીવડ્યો, પણ એથી દેશવિદેશમાં તેમની શક્તિ અને પ્રભાવ બંને વધ્યાં. ડિસેમ્બર 1991માં રશિયાનું વિઘટન થયું, રાજ્યો સ્વતંત્ર બન્યાં અને કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ(CIS)ની સ્થાપના કરવામાં આવી, જેના પ્રમુખ અને વડાપ્રધાન યેલત્સિન હતા.

બૉરિસ નિકોલયેવિચ યેલત્સિન

માર્ચ 1993માં કૉંગ્રેસ ઑવ્ ડેપ્યુટિઝ(નીચલું ગૃહ)માં તેમના પર મહા-અભિયોગ(impeachment)નો આરોપ મૂકવામાં આવ્યો, જે તેઓ સાવ થોડા મતથી જીત્યા. નવેમ્બર 1996માં હૃદયની સફળ શસ્ત્રક્રિયા કરાવ્યા બાદ રશિયાના રાજકારણમાં તેઓ સક્રિય બન્યા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમણે હોદ્દાઓનો ત્યાગ કર્યો.

રક્ષા મ. વ્યાસ