યૅગર, ચક (જ. 1923, માઇરા, વેસ્ટ વર્જિનિયા) : ધ્વનિમર્યાદા(sound barrier)ને પાર કરી જનારા પ્રથમ અમેરિકન વિમાની. તેમણે ફાઇટર પાઇલટ તરીકે તાલીમ લીધી અને યુરોપમાં અનેક મિશનો પાર પાડ્યાં. તે દરમિયાન તેમનું વિમાન ફ્રાન્સ ઉપર તોડી પડાયું હતું, પણ તે ઊગરી ગયા. 14 ઑક્ટોબર 1947ના રોજ તેમણે બેલ-X-1 નામક રૉકેટ રિસર્ચના વિમાનમાં ઉડ્ડયન કર્યું અને કલાકના 670 માઇલ (mph) ઉપરાંતની લેવલગતિ હાંસલ કરી – એટલે કે તેમણે ધ્વનિ-મર્યાદાનો અવરોધ પાર કરી બતાવ્યો. 1953માં બેલ-X-1A વિમાનમાં ઉડ્ડયન કરીને તેમણે અવાજની ગતિ કરતાં અઢીગણી ગતિથી ઉડ્ડયન કરવાની સિદ્ધિ હાંસલ કરી. પછી તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ એરોસ્પેસ રિસર્ચ એરફૉર્સ (USAF) પાઇલટ સ્કૂલનું સંચાલન સંભાળ્યું તથા ચોથી ફાઇટર બૉમ્બર વિંગનું પણ સુકાન સંભાળ્યું હતું.
મહેશ ચોકસી