યેકિમૉવ, વ્યાચેસ્લાવ

January, 2003

યેકિમૉવ, વ્યાચેસ્લાવ (જ. 4 ફેબ્રુઆરી 1966, વાઈબૉર્ગ, રશિયા) : રશિયા(અગાઉના યુ. એસ. એસ. આર.)ના સાઇક્લિંગના નામી ખેલાડી. 1980માં તેમણે સાઇક્લિંગની પ્રવૃત્તિ અપનાવી. વિક્રમજનક 3 વિજયપદક (1985–86 અને 1989) તથા એક ઍમેટર (1987 – બીજા ક્રમે) વિજયપદક જીતીને તેઓ સહસા વ્યાપક ખ્યાતિ પામ્યા. વળી 1990માં તેઓ પ્રોફેશનલ વિજયપદક પણ જીત્યા. 1984માં પૉઇન્ટની દૃષ્ટિએ તથા ટીમસભ્ય તરીકે તેઓ વિશ્વના જુનિયર ચૅમ્પિયન બની રહ્યા, જ્યારે વ્યક્તિગત ધોરણે તેઓ રનર-અપ બની રહ્યા. 1988માં સોલ (Seoul) ખાતે તેઓ ટીમ-સ્પર્ધામાં ઓલિમ્પિક સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1989ના ઉત્તરાર્ધમાં તેમને વ્યવસાયી (professional) સ્પર્ધક બનવાની છૂટ અપાઈ હતી ત્યારે તેમણે ઇતિહાસ સર્જ્યો હતો. 1990થી ‘પૅનેસૉનિક’ની સવારી કરીને તેમણે ટૂંકમાં જ એક સૌથી ઝડપી સાઇકલસવાર તરીકે ખ્યાતિ મેળવી. આ ઉપરાંત 1991માં ‘પૉઇન્ટ’ સ્પર્ધામાં તેઓ એક વિશેષ વિજયપદકના વિજેતા બન્યા હતા.

મહેશ ચોકસી