યૂસૂફઝાઈ, મલાલા (જ. 12 જુલાઈ 1997, મિંગોરા સ્વાત પ્રદેશ, પાકિસ્તાન) : 2014ની સૌથી નાની વયની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને કન્યાકેળવણીની પ્રખર પુરસ્કર્તા.
પશ્ચિમ પાકિસ્તાનનો સ્વાત ખીણનો પ્રદેશ તેનો પુશ્તૈની વારસાઈ વિસ્તાર છે. તે તેના અનુપમ સૌંદર્ય માટે ખ્યાતનામ છે. તેના પિતા ઝિયાઉદ્દીન યૂસૂફઝાઈ સાધારણ સ્થિતિ ધરાવતા શિક્ષક છે. તેમણે મિંગોરા ખાતે નાની શાળા ઊભી કરી નગરજનોને શિક્ષિત કરવા માટે સક્રિય રસ લીધો. સ્વાભાવિક રીતે જ તેમની પુત્રી મલાલાને તેમણે શિક્ષણમાં રસ લેતી કરી હતી. શિક્ષણ થકી જીવનનો સર્વતોમુખી વિકાસ કરવાની મનીષા સ્વાભાવિકપણે જ મલાલા સેવવા લાગી. શિક્ષણ પ્રત્યેની ઊંડી લગન અને રસ તેને લખવા માટે પ્રેરિત કરતા. આ ગાળા દરમિયાન સમગ્ર સ્વાત પ્રદેશ કટ્ટરવાદી તાલિબાનપંથીઓથી ભારે પ્રભાવિત હતો. તાલિબાન જૂથના સમર્થકો મુસ્લિમ ધર્મનો એક એવો ફાંટો છે કે જેઓ ઇસ્લામનો ઘણો સંકુચિત અર્થ કરી મહિલાઓ સાથે જોર-જુલ્મથી વર્તે છે. તેઓ મહિલાઓને ઊતરતી કક્ષાની ગણી તેમના ભણવા-લખવા પર પ્રતિબંધ ફરમાવે છે. તેમના મતે ઇસ્લામમાં સ્ત્રીશિક્ષણની મંજૂરી નથી. સ્ત્રીઓએ બુરખામાં રહેવાનું. તેમને ઘરગૃહસ્થી ચલાવવા ઉપરાંત બીજાં કાર્યો કરવાની જરૂર નથી. આવા વાતાવરણ અને માન્યતાઓ વચ્ચે મલાલા ઊછરતી હતી. તેણે આઠમા ધોરણના અભ્યાસ દરમિયાન અવાજ ઉઠાવ્યો. વિવિધ કાર્યક્રમોમાં તે એક યા બીજી રીતે શિક્ષણના પ્રસારનું કામ કરતી. તેણે રેડિયો અને ટી.વી. જેવા કાર્યક્રમોમાં તેના વિચારોને વાચા આપી. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન(બી.બી.સી.)ના ઉર્દૂ કાર્યક્રમો માટે તે 2009થી લેખનકાર્ય કરતી. તેનું આ લેખનકાર્ય ‘ગુલમકાઈ’ના ઉપનામ હેઠળ પ્રકાશન પામતું. ‘ગુલમકાઈ’ એટલે કે સૂર્યમુખી. આ ઉપનામથી તે એટલા માટે લખતી કે તેનું સાચુ નામ પ્રકટ ન થાય અને તેનું લેખનકાર્ય કોઈ પણ રુકાવટ વિના ચાલતું રહે. પણ તેનો ડર સાચો પડ્યો. તાલિબાની સ્વાત વિસ્તારમાં તેનું નામ ખુલ્લું પડી ગયું. આથી કટ્ટરપંથી તાલિબાનોએ ફરમાન કર્યું કે કન્યાઓ શિક્ષણ લઈ શકે નહીં. આ ફરમાન છતાં મલાલા અને અન્ય કેટલીક કિશોરીઓએ શિક્ષણ મેળવવા શાળાએ જવાની પ્રવૃત્તિ ચાલુ રાખી. તાબિલાનોને મન આ તેમના આદેશની ભારે નાફરમાની હતી, જે તેઓ સાંખી લેવા કે ચલાવી લેવા તૈયાર નહોતા. આથી 9 ઑક્ટોબર, 2012ના રોજ બસમાં શાળાએ જતી મલાલાને રોકી તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. આથી તે માથામાં ખૂબ વાગ્યું. તેને તાત્કાલિક અને ઝડપી સારવાર અપાતાં તેનો જીવ બચી ગયો. એ માટે સૈન્યના વાહનની મદદથી તેને બર્મિંગહામ, લંડન ખાતે સારવાર આપવામાં આવી. તેના માટે મૂળ વતન પાકિસ્તાનમાં પાછા ફરવામાં ભારે જોખમ હતું. એથી તેને ઇંગ્લૅન્ડમાં રોકાવાની ફરજ પડી. તેના પરિવારને (માતા-પિતા અને બે ભાઈઓને) ત્યાં બોલાવી લેવામાં આવ્યાં. ત્યાં રહીને તેણે કન્યાશિક્ષણનો પ્રસાર કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી. વિદેશમાં રહીને તે પાકિસ્તાન તથા અન્ય મુસ્લિમ દેશોમાં મહિલા શિક્ષણ માટે સતત ઝઝૂમે છે. આ કામમાં અનેક અવરોધો છતાં તે રુકાવટ વિના શિક્ષણની અનિવાર્યતા સૌને સમજાવે છે. જોખમોથી ડર્યા વિના મહિલાઓ શિક્ષણ પામે તે માટે તે પ્રયત્નશીલ છે. તેના પ્રયાસો વિવિધ રીતે આવકાર પામ્યા છે. આ માટે પાકિસ્તાને તેને ‘નૅશનલ યૂથ પીસ પ્રાઇઝ’ એનાયત કર્યું છે. 2011નું ‘ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન પીસ પ્રાઇઝ’, 2013નું ‘ફ્રીડમ ઑવ્ થોટ’નું સખારૉવ પ્રાઇઝ તેને પ્રાપ્ત થયાં છે. વધુમાં યુરોપનો હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ તેમજ અન્ય ઇનામો–પારિતોષિકો તેને આપવામાં આવ્યાં છે. આ બધામાં સૌથી ટોચ પર છે શાંતિ માટેનો 2014નો નોબેલ પુરસ્કાર જે તેને ભારતના કૈલાસ સત્યાર્થી સાથે સરખે હિસ્સે પ્રાપ્ત થયો છે.
જુલાઈ, 2013માં તેણે યુએન સમક્ષ પ્રવચન કર્યું હતું. તેમાં તેણે જણાવેલું કે, ‘એક શિક્ષક, એક પુસ્તક, એક પેન દુનિયાને બદલી શકે છે.’ તેના મતે ‘કટ્ટરવાદીઓ પુસ્તક અને પેનથી ડરે છે. શિક્ષણની શક્તિ એમને ધ્રુજાવે છે. સ્ત્રીઓથી તેઓ ડરે છે – સ્ત્રીઓના અવાજની શક્તિ એમને ધ્રુજાવે છે.’
પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની ખ્વાહિશ ધરાવતી આ મહિલા શિક્ષણને વરેલી છે. નાની વયથી કડવા, મીઠા અને વરવા અનુભવોમાંથી તેને પસાર થવું પડ્યું છે. જીવનની લાંબી મજલ હજુ તેણે કાપવાની બાકી છે, પરંતુ તેના અસાધારણ અનુભવો, સંસ્મરણો તરીકે તેણે લેખિત પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યાં છે : ‘આય એમ મલાલા : ધ ગર્લ હુ સ્ટૂડ અપ ફૉર એજ્યુકેશન ઍન્ડ વૉઝ શોટ બાય ધ તાલિબાન.’
રક્ષા મ. વ્યાસ