યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી)

January, 2003

યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી) : મેહમૂદ ગામી(1765–1855)એ રચેલ 8 કાશ્મીરી મસ્નવીઓ પૈકીની એક ઉત્તમ મસ્નવી. યાકૂબ(જેકોબ)ના પુત્ર યૂસુફ (જોસેફ)ની વાર્તા જેનેસિસ(બાઇબલનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ)માં  આપેલી છે; પરંતુ મેહમૂદનું કથાવસ્તુ મૌલાના જામીની ફારસી મસ્નવી પર આધારિત હોઈ ઓલ્ડ ટેસ્ટામેન્ટથી અનેક બાબતોમાં જુદી પડે છે.

મા વિનાના યૂસુફ પર યાકૂબનો પ્રેમ વિશેષ હતો. ઈર્ષાના માર્યા યૂસુફના ઓરમાન ભાઈઓએ તેને ખાડામાં ધકેલી દીધો અને તેમના પિતાને કહ્યું કે તેને વરુએ ફાડી ખાધો. ઇજિપ્ત જતા વેપારીઓના કાફલાને માર્ગમાં યૂસુફ મળી આવતાં ગુલામ તરીકે તેને સાથે લીધો.

રાજા તૈમસની પુત્રી ઝુલેખાએ યૂસુફને સ્વપ્નમાં જોયો હતો ત્યારથી તેણે તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે તેણે યૂસુફને નજરોનજર જોયો ત્યારે તેને ખાતરી થઈ કે તેના સ્વપ્નનો યુવાન તે જ આ યૂસુફ. તેણે યૂસુફને ખરીદી લીધો, પરંતુ યૂસુફે પોતે ગુલામ છે એમ કહી તેની ઇચ્છા નકારી કાઢી. તેથી ઝુલેખાને ખૂબ આઘાત લાગ્યો અને પછી તેને કેદમાં પૂર્યો.

એક વખત ઇજિપ્તના રાજાને ભયંકર સ્વપ્ન આવ્યું અને યૂસુફને તેનું અર્થઘટન કરવાનું કહેવામાં આવ્યું. યૂસુફે જણાવ્યું કે ઇજિપ્તમાં 7 વર્ષ સારી ફસલ થશે, ત્યારપછીનાં 7 વર્ષ ભયંકર દુષ્કાળ પડશે. રાજાને સાચી વાત સાંભળી સંતોષ તો થયો, પરંતુ તેને આઘાત લાગતાં તે મૃત્યુ પામ્યો અને યૂસુફને ગાદી મળી. સારી ફસલનાં વર્ષો દરમિયાન યૂસુફે ઘણા અન્નભંડારો ભર્યા અને આવનારા દુષ્કાળ દરમિયાન બચવા જરૂરતમંદોને અનાજની વહેંચણી કરી. દુષ્કાળ દરમિયાન અન્ય પ્રદેશોમાંથી ઇજિપ્તમાં સ્થળાંતર કરનાર લોકોમાં યૂસુફના ઓરમાન ભાઈઓ પણ હતા. પરિણામે યૂસુફનો તેના પિતા યાકૂબ સાથે મેળાપ થયો અને ત્યારે યૂસુફ માત્ર એક યુવાન નહોતો, પણ અત્યંત મોહક દેખાવવાળો લોકપ્રિય અને કાર્યક્ષમ રાજકર્તા પણ હતો.

ખૂબ શિસ્તબદ્ધ અને લોકસેવામાં પ્રવૃત્ત યૂસુફ ઝુલેખાને ભૂલી ગયો હતો, જ્યારે તે સ્ત્રી તો તેના પ્રેમ માટે ઝૂરતી હતી. તે યૂસુફનું પૂતળું બનાવી તેની રોજ પૂજા કરતી હતી અને પ્રભુની દયા પર જીવતી હતી. ઝુલેખા એ રીતે યૂસુફ પાછળ ઝૂરતાં શરીરે અત્યંત કૃશ થઈ ગઈ. જ્યારે તે યૂસુફને મળી ત્યારે યૂસુફે પહેલાં તો તેને તેની યુવાની પાછી આપી. તે પછી ગેબ્રિયલના કહેવા અનુસાર યૂસુફ અને તેનાં લગ્ન પણ થયાં. આ રીતે ઝુલેખાની મન:કામના પૂરી થઈ અને બંનેએ ઘણાં વર્ષ સુખ ભોગવ્યું. યાકૂબના મરણના નબળા વર્ષે યૂસુફનું પણ અવસાન થયું. તેથી ઝુલેખા 3 દિવસ સુધી બેભાન રહી, તેમાંથી જાગ્યા બાદ ખૂબ વિલાપ કર્યો. તેણે પોતાની આંગળીઓ વડે પોતાની આંખો ખેંચી કાઢી અને યૂસુફની કબર પાસે મરણ પામી.

આમ મેહમૂદ ગામી કાશ્મીરી મસ્નવી કાવ્ય સ્વરૂપના નવપ્રવર્તક ગણાય છે. તેમની કૃતિ ‘યૂસુફ ઝુલેખા’ એક સિદ્ધિ લેખાય છે. આ કૃતિનું મુખ્ય કથાવસ્તુ અલૌકિક તત્વવાળું અને મુખ્યત્વે સ્વપ્નો પર આધારિત છે. ઝુલેખાએ યૌવન પાછું મેળવ્યું ને સૌંદર્ય પ્રાપ્ત કર્યું તે વાર્તાનું બીજું ચમત્કારિક તત્વ છે. મેહમૂદે ઇજિપ્તને બદલે કાશ્મીરની નૈસર્ગિક સુંદરતાનો અને ત્યાંની રહેણીકરણીનો પરિવેશ એમાં રજૂ કર્યો છે. એમાંનું કવિનું પ્રાસકૌશલ્ય કાશ્મીરી કાવ્યપ્રકારને મોહકતા અને માધુર્ય બક્ષે છે.

બળદેવભાઈ કનીજિયા