યુ મિથુન તારક (U Geminorium) : મિથુન રાશિ(Gemini)માં આવેલ તારો. આ તારો વિસ્ફોટક પ્રકારનો તેજવિકાર દર્શાવે છે; અને આ પ્રકારનો તેજવિકાર દર્શાવતા તારાઓને આ તારાના નામ પરથી યુ જેમિનોરિયમ (U Geminorium) વર્ગના તારા તરીકે ઓળખાવાય છે. આ વર્ગને વામન નોવા (dwarf nova) તરીકે પણ ઓળખાવાય છે. સામાન્ય રીતે આ પ્રકારના તારાઓ અત્યંત ઝાંખા હોય છે, પરંતુ આશરે સો જેવા દિવસોના ગાળે અચાનક થોડા દિવસો માટે તેમની તેજસ્વિતા આશરે સોગણી થઈ જાય છે. યુ મિથુન તારો ઝાંખો હોય ત્યારે તો માત્ર મોટા દૂરબીનમાં જ જોઈ શકાય, પરંતુ વિસ્ફોટક રીતે જ્યારે તે તેજસ્વી બન્યો હોય ત્યારે સામાન્ય બાઇનૉક્યુલરથી જોઈ શકાય તેવો તેજસ્વી બને છે.

આ પ્રકારની ઘટના યુગ્મતારાઓમાં સર્જાતી ઘટના છે; અને યુગ્મનો એક તારો શ્વેત વામન સ્વરૂપનો હોય છે, જ્યારે બીજો તારો સૂર્યના જેવું દળ ધરાવતો પરંતુ રાક્ષસી રૂપ તરફ આગળ વધી રહેલો તારો હોય છે, જેના પરથી શ્વેત વામન પર દળનો પ્રપાત થતો રહે છે. યુ મિથુન યુગ્મમાં યુગ્મના બે તારાઓ અત્યંત નજીક રહીને સાડા ચાર કલાકના ગાળે પરસ્પર ભ્રમણ કરી રહ્યા છે. આ યુગ્મના તારાઓ ભ્રમણ દરમિયાન પરસ્પર ‘ગ્રહણ’ પણ કરે છે (જોકે આ વર્ગનાં બધાં યુગ્મો માટે ગ્રહણ સર્જાવું આવશ્યક નથી). યુ મિથુન યુગ્મનો એક તારો  શ્વેત વામન, સૂર્ય કરતાં 1.39ગણું વધુ દળ ધરાવે છે, જ્યારે ઉત્ક્રાંતિમાં આગળ વધેલો તારો સૂર્યના 64 % જેટલા જ દળવાળો છે. આમ આ તારાએ સારું એવું દ્રવ્ય ગુમાવેલું જણાય છે.

પરસ્પર ઝડપી ભ્રમણને કારણે રાક્ષસી તારા પરથી પ્રપાત થતું દ્રવ્ય શ્વેત વામન ફરતું વાયુનું એક વલય રચે છે, અને વિસ્ફોટક પ્રકારના તેજવિકાર માટે આ વલયની અસ્થિરતા જવાબદાર મનાય છે. એક મંતવ્ય અનુસાર આવી અસ્થિરતાને કારણે પ્રસંગોપાત્ત વલયના દ્રવ્યનો અચાનક જ શ્વેત વામન પર પ્રપાત થતાં ઉત્સર્જાતી ગુરુત્વાકર્ષણશક્તિને કારણે વિસ્ફોટક રીતે તેની તેજસ્વિતા વધી જાય છે. જોકે એક અન્ય મંતવ્ય અનુસાર આ અસ્થિરતા શ્વેત વામન પર નહિ, પરંતુ તેના જોડીદાર પર સર્જાય છે; અને તેનો આંતરિક વિસ્તાર અનાવૃત થતાં તે તેજસ્વી બનેલો જણાય છે.

આપણી આકાશગંગામાં આ પ્રકારની સોએક જેવી સંખ્યામાં ‘વામન નોવા’ જણાઈ છે, જેમાં S. S. Cygના નામે ઓળખાતી હંસમંડળની નોવા ઘણી જાણીતી છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ