યુરિપિડીઝ (જ. ઈ. પૂ. 480 ? સલેમિસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, મૅસિડોનિયા, ગ્રીસ) : પ્રાચીન ગ્રીસના ઇસ્કાયલસ અને સૉફોક્લીઝ પછીના ટ્રૅજડી સ્વરૂપના પ્રયોજક, ઍથેન્સના મહાન નાટ્યકાર. રોમના નાટ્યસાહિત્ય અને આધુનિક અંગ્રેજી અને જર્મન નાટક પર – ખાસ કરીને ફ્રેન્ચ નાટ્યકાર  પિયર કૉર્નેલ અને ઝાં બૅપ્ટિસ્ટ રેસિન પર – તેમની સ્પષ્ટ અસર છે.

‘આ વિશ્વ અગમ્ય છે અને એકંદરે ભયજનક છે’, એવો ઇશારો તેમનાં નાટકો કરે છે. પિતા મેસાર્ચસ કે મેમાર્ચિડ્ઝ અને માતા ક્લીટોની પ્રેરણાથી તેમણે પૂર્ણ શિક્ષણ મેળવ્યું. હાઈમેટ્ટસની પૂર્વમાં ફ્લીઆ તેમનું વતન. દરિયાકિનારે સલેમિસમાં ઉછેર. શૈશવકાળમાં દરિયા સામે એકીટસે જોઈ રહેતા. તેમનું કુટુંબ ધનાઢ્ય હશે તેવી નોંધ ઍરિસ્ટૉટલે કરી છે. ગ્રીસ અને ઈરાન વચ્ચે થયેલ યુદ્ધના દિવસે જન્મેલા આ યુવાન કવિ સાઇરેક્યુઝમાં વીરગતિ પામતા યોદ્ધાઓ માટેના સમાધિલેખ લખી આપતા. એ જ શહેરમાં તેઓ એલચી તરીકે નિમાયા હતા. ઉત્તમ નાટક લખવા બદલ ડાયોનિસસના મહોત્સવ વખતે લગભગ 43 વર્ષની વયે તેમણે પારિતોષિક મેળવેલું. ઓલિમ્પિક રથદોડના સ્પર્ધક આસિબિયેર્ઝના વિજયની યાદમાં તેમણે ‘ઓડ’ પ્રકારનું કાવ્ય લખ્યું હતું. વૃદ્ધાવસ્થામાં નિરાશામાં ઍથેન્સ છોડીને મૅસિડોનિયાના કલારસિક રાજા આર્કીલૉસના દરબારમાં રહ્યા. તેમનાં લખેલાં 92 નાટકોમાંથી 67 નાટકોનાં નામ ઉપલબ્ધ થયાં. તે પૈકી 18ની હસ્તપ્રત મળેલ છે. આ હસ્તપ્રતો અગિયારમી સદીની છે. આ સંખ્યામાં ‘રીસસ’ને ઉમેરીએ તો તેમનાં કુલ 19 નાટકો ઉપલબ્ધ ગણાય છે. ફિલોકૉરસે છેક ઈ. પૂ. ત્રીજી સદીમાં તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તે જમાનામાં ત્રણ નાટકો અને ‘સેટર’મો સમુચ્ચય ટેટ્રૅલોજી કહેવાતો. ચોથા નાટકમાં તેનો ઉપસંહાર થતો તે ‘સેટર’ (satyr) કહેવાતું, જે કરુણની ઘેરી અસરને હળવી કરતું. ટેટ્રૅલોજીની લંબાઈ 6,000 પંક્તિઓની રહેતી. ‘સાયક્લોપ્સ’ સેટર પ્લે છે. ‘આલ્સેસ્ટિસ’ (ઈ. પૂ. 431), ‘હિપ્પોલિટસ’ (ઈ. પૂ. 428), ‘ટ્રોજન વિમેન’ (ઈ. પૂ. 415), ‘હેલન’ (ઈ. પૂ. 412), ‘ઑરેસ્ટીઝ’ (ઈ. પૂ. 408), ‘ઇફિજીનિયા ઇન એલિસ’ (ઈ. પૂ. 405), ‘બૅકી’ (ઈ. પૂ. 405) તેમનાં નોંધપાત્ર નાટકો છે. જે નાટકોની તવારીખ નિશ્ચિત થઈ નથી તેમાં ‘ઍન્ડ્રોમેક’, ‘ચિલ્ડ્રન ઑવ્ હીરેક્લસ’, ‘હીકુબા’, ‘સપ્લાયન્ટ્સ’, ‘ઇલેક્ટ્રા’, ‘મૅડનેસ ઑવ્ હીરેક્લસ’, ‘ઇફિજીનિયા ઇન ટૉરિસ’, ‘ઇયોન’ અને ‘ફૉનિસ્સે’ છે.

યુરિપિડીઝ

યુરિપિડીઝ પર પ્રોટેગૉરસ, એનેકઝેગૉરસ અને સોક્રેટીસ જેવા તત્ત્વજ્ઞાનીઓની અસર છે. નાટકની ચીલાચાલુ રીતરસમોને બદલે તેમણે ટ્રૅજડીની રચના પોતાની આગવી રીતે કરી છે. તેમનાં નાટકોના નાયકો અને રાજકુમારો રોજબરોજની લોકોની ભાષા બોલે છે. લેખક પરંપરાગત માન્યતાઓ અને નૈતિક મૂલ્યોથી જુદા પડતાં અચકાયા નથી. તેમનાં નાટકોમાં નીતિવિષયક અને સામાજિક રૂઢિઓ પ્રત્યે અભિવ્યક્ત થયેલ વિચારો કરુણ રસમાં ઘૂંટાયેલા જોવા મળે છે.

યુરિપિડીઝનું મૃત્યુ કૂતરાઓના ફાડી ખાવાથી અથવા તો અનેક સ્ત્રીઓના પ્રહાર દ્વારા થયું હોવાની માન્યતા છે. તેઓ સ્ત્રીઓને ધિક્કારતા હતા. તેમના એક નાટક ‘પીલિયાઝ’(‘ધ ડૉટર્સ ઑવ્ પીલિયાઝ’)માં ક્રૂર સ્ત્રી મિડિયાના કામણથી પીલિયાઝની પુત્રીઓએ પોતાના વૃદ્ધ પિતાના શરીરને ટુકડેટુકડા કરીને ઊકળતા ચરુમાં બાફી નાખ્યું હતું ! પુત્રીઓની માન્યતા મુજબ આમ કરવાથી તે પુન: યુવાનીને  પામવાનો હતો. જોકે ક્રૂર સ્ત્રીપાત્રોની સાથે તેમણે હીકુબા અને ઇફિજીનિયા જેવાં ઉમદા સ્ત્રીપાત્રો પણ સરજ્યાં છે.

મિડિયા કરુણાંતિકા છે. ક્રૂર જાદુગરણી મિડિયા તેના પતિ જેસનનું ખૂન કરે છે અને સાથે સાથે તેના તમામ મળતિયાઓને પણ મારી નાંખતાં અચકાતી નથી. નાટકના અંતે તે ઉઘાડેછોગ છાપરા ઉપર તેનાં પોતાનાં બાળકોને મારી નાંખતી દેખાય છે. એથી તો ઍરિસ્ટૉટલે ટ્રૅજડીની વિભાવના કરતી વખતે કહેલું કે ‘લેટ નૉટ મિડિયા કિલ હર સન્સ ઑન ધ સ્ટેજ’  મિડિયા ટ્રૅજડીમાં પોતાનાં બાળકોને રંગભૂમિ પર પ્રેક્ષકોની પ્રત્યક્ષ મારે તેવું બતાવવું ન જોઈએ.

યુરિપિડીઝ વિધિના પ્રબળ પ્રભાવમાં માને છે. વિશ્વમાં ચોતરફ અવ્યવસ્થા છે. માનવપુરુષાર્થ કે તર્કની કોઈ હેસિયત નથી. જે બનવાનું છે તે ચોક્કસ બની જ રહે છે. થિયોઈ-વિધિ હંમેશાં મનુષ્યની વિરુદ્ધ રહે છે. તેમનાં નાટકો રીતસર રંગભૂમિનાં જ નાટકો છે. તેમના યુગમાં ઇસ્કાયલસ અને સૉફોક્લીઝનાં નાટકો કરતાં તે વધુ લોકભોગ્ય બન્યાં હતાં. આથી તો પછીનાં લખાણોમાં આગલા બે નાટકકારોનાં અવતરણો ભેગાં કરીએ તેના કરતાં એકલા યુરિપિડીઝનાં અવતરણો વધારે મળે. અન્યના મૃત્યુલેખ લખનાર યુરિપિડીઝની પ્રશસ્તિ કરતા મૃત્યુલેખ (epitaphs) વર્ષો પછી ઇતિહાસકાર યુસિડાઇડ્ઝ અને કવિ ટેમોથિયસે લખેલ છે.

વિ. પ્ર. ત્રિવેદી