યુરેલાઇટીભવન (uralitization) : વિકૃતિજન્ય પરિવર્તનપ્રક્રિયા. આ પરિવર્તનપ્રક્રિયા બેઝિક અગ્નિકૃત ખડકોમાં નિમ્ન કક્ષાની વિકૃતિ દરમિયાન અથવા ક્યારેક ઉષ્ણજળજન્ય પરિવર્તનથી અંતિમ કક્ષાએ થતી હોય છે. અગ્નિકૃત ખડકોમાંના પાયરૉક્સિનનું મોટેભાગે રેસાદાર જથ્થાવાળા ઍમ્ફિબૉલ(જેને પહેલાં જુદા જ ખનિજ ‘યુરેલાઇટ’ તરીકે ઘટાવવામાં આવેલું, તેથી આ નામ પડેલું છે.)માં પરિવર્તન થતું હોય છે. આ ઉપરાંત ઍપિડોટ કે ઝૉઇસાઇટ અને ક્વૉટર્ઝ પણ આડપેદાશ તરીકે વિકસી શકે છે. આ પ્રક્રિયાને અંતિમ મૅગ્માજન્ય પ્રક્રિયા તરીકે પણ ઘટાવવામાં આવે છે. સૉસ્યુરાઇટીભવન, પ્રૉપિલાઇટીકરણ, ક્લોરાઇટીકરણ, ઍપિડોટીકરણ પણ આ પ્રકારની જ પ્રક્રિયાઓ ગણાય છે. યુરેલાઇટ એ પરિવર્તન પામતા ખડકોમાં જોવા મળતા હૉર્નબ્લેન્ડનો રેસાદાર કે સોયાકાર ખનિજ-પ્રકાર છે, જે પાયરૉક્સિનનું પરરૂપખનિજ (pseudomorph) છે.

સૉસ્યુરાઇટીકરણમાં અગ્નિકૃત ખડકમાં રહેલા મૂળભૂત બેઝિક પ્લેજિયોક્લેઝ તેમજ ઍપિડોટનું સોડા પ્લેજિયોક્લેઝના સૂક્ષ્મદાણાદાર સમૂહમાં પરિવર્તન થાય છે. પરિવર્તન પામતાં ખનિજોમાં કૅલ્સાઇટ, અબરખ તેમજ પડગુંથિત ખનિજો અને ઍપિડોટની જગાએ હૉર્નબ્લેન્ડ પણ ઉદભવતાં હોય છે. આ રીતે ઉદભવતા ખનિજ-મિશ્રણને સૉસ્યુરાઇટ ખનિજ તરીકે ઓળખાવવામાં આવેલું હોવાથી આ પ્રક્રિયાને સૉસ્યુરાઇટીકરણ નામ અપાયેલું છે.

પ્રૉપિલાઇટીકરણમાં વિશેષ કરીને ઍન્ડેસાઇટ જેવા સૂક્ષ્મદાણાદાર અગ્નિકૃત ખડકનું ઉષ્ણજળજન્ય પ્રક્રિયા દ્વારા ક્લૉરાઇટ, એપિડોટ, ક્વૉર્ટ્ઝ, કાર્બોનેટ અને સેરિસાઇટ (ઉપઅબરખ) જેવાં ખનિજોમાં પરિવર્તન થાય છે.

ગિરીશભાઈ પંડ્યા