યુફર્બિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક પ્રજાતિ. તે ક્ષીરધર (laticiferous) શાકીય, ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે અને તેનું વિતરણ વિશ્વના ઉષ્ણકટિબંધીય અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ સહિત તેની આશરે 68 જેટલી જાતિઓ થાય છે. તેની ઘણી જાતિઓ શુષ્ક પ્રદેશોમાં થાય છે અને તે રસાળ (succulent) હોય છે. તેમને થોર કહે છે. થોર કૅક્ટસ સાથે દેખાવમાં સામ્ય ધરાવે છે. છતાં થોર ક્ષીરની હાજરી દ્વારા ઓળખી શકાય છે. ભારતમાં થતી કેટલીક થોરની જાતિઓ આ પ્રમાણે છે : ત્રિધારો થોર (Euphorbia antiquorum Linn.), થોર (E. nerifolia Linn.), કાંટા થોર (E. nivulia Buch. Ham.), ડંડા થોર (E. royleane Boiss.), ખરસાણી થોર (E. tirucalli Linn.).
યુફર્બિયાની ઘણી જાતિઓનો ક્ષીરરસ કડવો અને ઝેરી હોય છે અને તીવ્ર વમનકારી (emetic) તથા વિરેચક (cathartic) ગુણધર્મો ધરાવે છે. તેની કેટલીક જાતિઓ માછલીના વિષ તરીકે વપરાય છે. કેટલીક જાતિઓ દ્વારા ત્વચાશોથ (dermatitis) થાય છે.
કેટલીક પ્રવેશ કરાવાયેલી જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. તેની અન્ય જાતિઓ વાડ બનાવવામાં ઉપયોગી છે. ઊસર ભૂમિના ઉદ્ધાર (reclamation) માટે ખાતર તરીકે તેની કેટલીક જાતિઓ વપરાય છે.
E. fulgens karw. syn. E. jacquiniaeflora Hook. (સિંદૂરી પીંછું, સ્કારલેટ પ્લૂમ) મેક્સિકોની મૂલનિવાસી, નાનું ક્ષુપ સ્વરૂપ ધરાવતી શોભન જાતિ છે. શિયાળામાં કૂંડામાં ઉગાડાતી વનસ્પતિઓમાં તે સૌથી સુંદર પૈકીની એક જાતિ છે. તેનો કટોરિયા (cyathium) પ્રકારનો પુષ્પવિન્યાસ નિચક્રીય (involueral) ગ્રંથિઓ ધરાવે છે, જેને ચકચકિત સિંદૂરી દલપત્ર જેવાં ઉપાંગો (appendages) હોય છે. તેનું કટકારોપણ દ્વારા પ્રસર્જન થાય છે. વધારે પડતો વરસાદ તેને નુકસાનકારક હોય છે.
કાંટાળો મુગટ (E. milii ch. des Moulins syn. E. splendens Bojer ex. Hook; E. bojeri Hook.) માડાગાસ્કરની મૂલનિવાસી જાતિ છે અને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તે 2.75 મી. સુધીની ઊંચાઈ ધરાવતો કાંટાળો બહુશાખી ક્ષુપ છે. તેનું થડ અને શાખાઓ 2થી 3 સેમી. જાડી હોય છે. તેનાં પર્ણો લંબચોરસ –ચમચાઆકાર (oblong-spathulate) હોય છે અને મુખ્યત્વે શાખાની ટોચ ઉપર હોય છે. પુષ્પનિર્માણની ક્રિયા લગભગ આખું વર્ષ થાય છે. તેનો પુષ્પવિન્યાસ કટોરિયા પ્રકારનો હોય છે. પ્રત્યેક પુષ્પવિન્યાસ બે ચળકતા લાલ રંગનાં પહોળાં અને અંડાકાર નિપત્રો(bracts)ના કક્ષમાંથી ઉદભવે છે અને તેઓ 2–3 સેમી. પહોળાં હોય છે. પુષ્પ સમાન લાગતી આ રચના અનેક પુષ્પોનો સમૂહ છે. તેને પાણી ખૂબ ઓછા પ્રમાણમાં જરૂરી છે અને સારી નિતારવાળી જમીનમાં તે થાય છે. તેને કૂંડામાં પણ સારી રીતે ઉછેરી શકાય છે. કૂંડાં તડકામાં રાખવાથી પુષ્પો સારી રીતે આવે છે.
તેની વંશવૃદ્ધિ કટકારોપણ દ્વારા થાય છે. કટકા રોપ્યા પછી ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. કટકાનો ઘા તેના દૂધથી સુકાઈ જાય ત્યારે એકાદ દિવસ પછી પાણી આપવાનું શરૂ કરવામાં આવે છે.
લાલપત્તી [E. pulcherrima Willd. (પૉઇન્શેટિયા)] મેક્સિકોની મૂલનિવાસી જાતિ છે. તે 3 મી. સુધી ઊંચો વધતો મોટો પર્ણપાતી (deciduous) ક્ષુપ છે અને ઉદ્યાનોમાં શોભન જાતિ તરીકે ઉગાડાય છે. તે શિયાળામાં મોટાં, ઉપવલયી (elliptical), કિરમજી-સિંદૂરી (crimson-scarlet) સફેદ કે પીળાં નિપત્રો (bracts) ધરાવે છે, જે વનસ્પતિને સુંદર દેખાવ આપે છે. આ જાતિનું પણ કટકારોપણ દ્વારા પ્રસર્જન થાય છે. તેનો ક્ષીરરસ ઢોર માટે ઝેરી હોય છે. ક્ષીરરસમાં પાણી અને દ્રાવ્ય પદાર્થો 78.6 % થી 84.8 % અને કૂચુક (caoutchouc) 4.9 % થી 6.9 % જેટલું હોય છે.
દૂધેલી (E. hirta Linn. syn. E. pilulifera auct. non Linn. D.E.P.) એક ટટ્ટાર કે ભૂપ્રસારી રોમિલ અને શાકીય વનસ્પતિ છે. તેનું પ્રકાંડ 15 સેમી.થી 50 સેમી. લાંબું હોય છે અને પર્ણો ઉપવલયી લંબચોરસ કે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. તે ભારતના વધારે ગરમ પ્રદેશોમાં ઊસર ભૂમિ ઉપર સામાન્ય રીતે થાય છે. સૂકી વનસ્પતિને યુફર્બિયા કહે છે. તેનું ઔષધ પ્રવાહી નિષ્કર્ષ સ્વરૂપે કે ટિંક્ચર લોબેલિયા (Lobelia inflata Linn.) કે સેનેગા (Polygala senega Linn.નાં મૂળ) સાથે કફ અને દમની ચિકિત્સામાં આપવામાં આવે છે. તેની હૃદય અને શ્વસન ઉપર અવનમક (depressant) અસર હોય છે અને શ્વસનિકાઓ(bronchioles)ને શિથિલ કરે છે. ટિંક્ચરના સ્વરૂપમાં તે શૂળ (colic) અને મરડામાં ઉપયોગી છે. તે કૃમિહર (vermifuge) તરીકે અને ઉત્સર્જન-જનનમાર્ગના રોગોમાં પણ વપરાય છે. તેનો કોગળા કરવા માટે અને પોટીસ તરીકે ઉપયોગ થાય છે. તેના ઔષધમાં ક્વિર્સેટિન, ટ્રાયેકોટેન, ઈલેજિક ઍસિડ, ફિનોલિક પદાર્થ (C28 H18 O15), યુફોસ્ટેરોલ (C25 H39 OH), એક ફાઇટોસ્ટેરોલ, ફાઇટોસ્ટેરોલિન, ગૅલિક, મેલિઝિક, પામિટિક, ઑલિક અને લિનૉલિક ઍસિડો, lઇનોસિટોલ, એક આલ્કેલૉઇડ, ઝેન્થોર્હેમ્નિન હોય છે.
તેનાં પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. પર્ણોમાં પાણી 78.14 %, પ્રોટીન 4.65 %, ઈથર-નિષ્કર્ષ 1.71 % અને ભસ્મ 3.15 %, પ્રજીવક ‘સી’ 44.32 મિગ્રા./100 ગ્રા. હોય છે. પર્ણોનો ક્ષીરરસ મસા (wart) ઉપર લગાડવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર તે મધુર, વૃષ્ય, રુક્ષ, ગ્રાહક, કડવી, વાતલ, ગર્ભસ્થાપક, તીખી, ધાતુવર્ધક, હૃદ્ય, ઉષ્ણ, પારદબંધક અને મલસ્તંભક છે અને મેહ, કફ, કોઢ અને કૃમિનો નાશ કરે છે. તે મૂળવ્યાધિ, મુબારકી રોગ (બાળકને પેટમાં દૂધની ચીકાશ એકઠી થઈને મળની ગાંઠ બાઝે છે), વિષમજ્વર અને વાછરડાને દૂધિયો રોગ થાય તે ઉપર ઉપયોગી છે. દૂધેલીથી ત્રાસ ન થાય તે માટે ભોજન કર્યા પછી વધારે પાણીમાં મેળવીને થોડી થોડી માત્રામાં આપવામાં આવે છે.
નાની દૂધેલી(E. thymifolia Linn.)માં દૂધેલીની જેમ શ્વાસનળીઓના સંકોચવિકાસપ્રતિબંધક ગુણ નથી. તે રેચક અને ઉત્તેજક છે અને દાદર ઉપર તેનો રસ લગાડવામાં આવે છે. તેનું તેલ વિસર્પ(arysipelas)ની ચિકિત્સામાં અને માખીઓ અને મચ્છરોને ભગાડવા માટે શીકર (spray) તરીકે વપરાય છે.
ગૌણ ઔષધમૂલ્ય ધરાવતી યુફર્બિયાની ભારતમાં થતી કેટલીક જાતિઓ આ પ્રમાણે છે : E. trigona Haw. (તે. કટ્ટીમંડુ); E. dracunculoides Lam. (હિં. બં. છાગુલપુપ્ટી), E. helioscopia Linn., E. hypericifolia Linn. (દૂધેલી), E. atoto Frost. f.,E. longifolia D. Don., E. pilosa Linn. E. rosea Retz.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ