યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ)

January, 2003

યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ) : વિશ્વની સૌથી મોટી સ્વતંત્રપણે કાર્યરત સમાચાર સંસ્થા. 1907માં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશનની એડ્વર્ડ સ્ક્રિપ્સે સ્થાપના કરી. 1930ના ગાળામાં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશને વિશ્વભરમાં સમાચાર બ્યૂરો ખોલ્યા. 1958ની 16મી મેએ યુનાઇટેડ પ્રેસ (યુ.પી) અને ઇન્ટરનૅશનલ ન્યૂઝ સર્વિસ(આઈ.એન.એસ.)ને એકત્ર કરીને યુ.પી.આઈ. સમાચાર સંસ્થાનું સર્જન થયું. રૉઇટર, હવાસ, વૉલ્ફ અને એ. પી. એ ચાર સંસ્થાઓની સંયુક્ત સમાચારસેવાની સામે યુનાઇટેડ પ્રેસ સ્વતંત્રપણે વિશ્વના સમાચારો આપતી સંસ્થા બની. વળી સમાચાર ઉપરાંત સમાચારના એક મહત્વના ભાગ તરીકે ફીચર્સ સ્ટોરીને વિકસાવનારી આ સંસ્થા ટેલિટાઇપસેટરથી કામ કરનારી પ્રથમ સંસ્થા બની. યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલની ટેલિટાઇપસેટર સર્વિસ અત્યારે અમેરિકાના દરેક રાજ્યમાં કાર્યરત છે. 1951ના ઑક્ટોબરમાં મૂવીટોન ન્યૂઝના સહયોગમાં એણે ટેલિવિઝન કેન્દ્રોને રોજેરોજની ન્યૂઝરીલ સેવા આપવા માંડી. 1952ની પહેલી જાન્યુઆરીએ આ સંસ્થાએ વૈશ્વિક ધોરણે સમાચાર-ચિત્ર (ન્યૂઝ પિક્ચર) આપવાનું શરૂ કર્યું. એણે ટેલિવિઝન સ્ટેશન માટે ફેક્સિમિલી (લખાણ, હસ્તાક્ષર, તસવીરની હૂબહૂ નકલ) સર્વિસ શરૂ કરી.

અમેરિકાસ્થિત આ સમાચાર સંસ્થા સમાચારો અને તસવીરો, ટેલિવિઝન ન્યૂઝ, ફિલ્મ, રેડિયો ન્યૂઝ અને કેબલ ટેલિવિઝન જેવાં માધ્યમોને સમાચારના કાર્યક્રમો પૂરા પાડે છે. વિશ્વમાં એ 6,000 ગ્રાહકો ધરાવે છે એના ગ્રાહકોમાં 100 જેટલા દેશોનાં અખબારો, રેડિયો, ટેલિવિઝન કેન્દ્રો, સમાચાર સામયિકો અને કેબલ ટેલિવિઝનના ધારકો છે. એના કુલ 220 બ્યૂરોમાંથી 150 બ્યૂરો અમેરિકામાં આવેલા છે.

1982માં ઈ. ડબ્લ્યૂ. સ્ક્રિપ્સ કંપનીએ મીડિયા ન્યૂઝ કૉર્પોરેશનને એનું વેચાણ કર્યું. આ સંસ્થાના ઇતિહાસમાં એણે માનવીય રસના અને ફીચર સમાચારો પર વિશેષ ઝોક મૂક્યો અને તેને પરિણામે યુનાઇટેડ ફીચર સિન્ડિકેટ નામની સંસ્થા દ્વારા ખાસ ફીચર્સ જુદાં જુદાં માધ્યમોને વેચવા માંડ્યાં. આ સંસ્થામાં 1985માં નાણાકીય કટોકટી ઊભી થતાં એણે અમેરિકાના દેવાળું કાઢવાના કાયદા હેઠળ નવરચના કરવા માટેની અરજી કરી અને 1986માં યુપીઆઈ સમાચાર-સંસ્થાને મેક્સિકોના પ્રકાશક અને અમેરિકાના ઉદ્યોગપતિએ ભેગા મળીને ખરીદી. પરંતુ અંતે આર્થિક કારણોસર આ સમાચાર સંસ્થા બંધ થઈ.

પ્રીતિ શાહ