યુનિસેફ (UNICEF) : રાષ્ટ્ર સંઘની અનૌપચારિક સંસ્થા, જે વિશ્વભરનાં પીડિત બાળકોની સહાય માટે કાર્યરત છે. બીજા વિશ્વયુદ્ધ- (1939–1945)ને અંતે યુદ્ધનો ભોગ બનેલાં, ઘવાયેલાં અને નિ:સહાય બાળકોની સમસ્યા રાષ્ટ્ર સંઘ સમક્ષ હતી. આથી આવાં બાળકોની મદદ માટે ડિસેમ્બર 1946માં સામાન્ય સભા દ્વારા યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ(UNICEF)ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા હેઠળ નિ:સહાય બાળકોને ખોરાક, કપડાં અને તબીબી સહાય પૂરી પાડવાની પ્રવૃત્તિ સુપેરે વિકસી અને 1950 સુધી વિશ્વસનીયતાપૂર્વક ચાલતી રહી. કાર્યક્ષમ રીતે ચાલેલી આ પ્રવૃત્તિ અત્યંત લોકપ્રિય નીવડતાં તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. આથી સામાન્ય સભાએ આ સંસ્થાને 1953થી કાયમી બનાવી તેનું નામ ટૂંકાવીને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ રાખવામાં આવ્યું. અને તેને બાળવિકાસમાં મદદરૂપ બનવા પ્રવૃત્ત કરી.
1953થી તેની પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે બાળસંભાળ, શિક્ષણ, કાર્ય-તાલીમ (job-training) અને કુટુંબ-નિયોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશ્વભરમાં પૂર, ધરતીકંપ, અકસ્માતો જેવી યુદ્ધ સિવાયની વિવિધ પ્રકારની કટોકટીઓમાં તે બાળસહાયનાં કાર્યો કરે છે. બાળકો માટેની આ વિશેષ કામગીરી બદલ તેને 1965નું નોબેલ પીસ પ્રાઇઝ પણ એનાયત થયું હતું.
આ પ્રવૃત્તિઓ માટે થતો નાણાકીય ખર્ચ ઘણો મોટો હોય છે. કુલ ખર્ચનો ત્રણ-ચતુર્થાંશ ખર્ચ વિવિધ સરકારો દ્વારા તેને દાન પેટે મળે છે. શેષ એક-ચતુર્થાંશ ખર્ચનાં નાણાં અન્ય સ્રોતો દ્વારા આ સંસ્થા પોતે જ ઊભાં કરે છે, જેમાં મુખ્યત્વે અભિનંદનપત્રોના વેચાણની પ્રવૃત્તિ તથા દાન દ્વારા મળતાં નાણાંનો સમાવેશ થાય છે. બાળકો ઉપરાંત હાલમાં આ સંસ્થાએ સ્વાસ્થ્ય, ભૂખ અને શિક્ષણની સમસ્યાઓમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને 100થી વધુ દેશોને તે મદદ કરી રહી છે. વધુમાં તે રોગનિયમન કાર્યક્રમોમાં પણ સહાય પૂરી પાડે છે, અને સંભાળ-કેન્દ્રો, સ્વાસ્થ્ય-કેન્દ્રો અને શાળાનાં બાળકો માટેનાં અન્ન-કેન્દ્રોનું સંચાલન કરે છે. નર્સિંગ અને શિક્ષણ જેવાં કાર્યો માટે તાલીમ પામેલા કર્મચારીઓને તે મદદ કરે છે. બાળકોની જરૂરિયાતોનું ધોરણ અને બાળકલ્યાણ-પ્રવૃત્તિઓ જ મુખ્ય માપદંડ હોઈ વિકસતા દેશોનાં બાળકોને સવિશેષ મદદરૂપ થવા માટે તે સતત સક્રિય છે.
બાળકો અને તેમની કથળતી પરિસ્થિતિના સંદર્ભમાં યુનોની સામાન્ય સભાએ ‘રાઇટ્સ ઑવ્ ધ ચાઇલ્ડ’ નામનું એક ખતપત્ર 1989માં સ્વીકાર્યું અને 1990માં બાળકો માટેની વિશ્વ શિખર પરિષદ યોજી, જેમાં 150 દેશોએ ઉપર્યુક્ત ખતપત્ર મંજૂર કર્યું. તદનુસાર બાળકોની પ્રાથમિક જરૂરિયાતોને કાનૂની અધિકારોમાં પરિવર્તિત કરવાની બાંયધરી ભાગ લેનાર રાજ્યોએ આપી હતી. આ ખતપત્ર અન્વયે યુનિસેફ પ્રાથમિક જીવનધોરણ ટકાવી રાખવા માટે નિ:સહાય કુટુંબોને મદદ કરવાની બાબત પર ભાર મૂકે છે. આ સંદર્ભમાં યુનિસેફે 2000ના વર્ષ માટેનાં પોતાનાં ચોક્કસ ધ્યેયો સ્પષ્ટ કર્યાં. આ ધ્યેયોમાં 1. વિશ્વવ્યાપી ધોરણે બાળકોને ચેપીરોગોથી મુક્તિ, 2. બાળકોને માતાના દૂધની પ્રાપ્તિ, 3. બાળકો માટે મૌખિક પુનર્જલયોજન (rehydration) સારવાર, 4. તેમના પોષણ માટેની કાળજી સાથે તેમાં રહેતી ઊણપોની નાબૂદી, 5. બાળશ્રમની નાબૂદી, 6. બાળકોના માટે સ્વાસ્થ્ય અને 7. શિક્ષણની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યુનિસેફની વહીવટી કામગીરી માટે એક બૉર્ડની રચના કરવામાં આવી છે અને યુનોના સભ્ય દેશોના પ્રતિનિધિઓની બનેલી આર્થિક-સામાજિક સમિતિ દ્વારા વિવિધ દેશોમાંથી 30 સભ્યો નીમવામાં આવે છે. આ બૉર્ડ અને યુનિસેફના વડા તરીકે ‘એક્ઝિક્યુટિવ ડિરેક્ટર’ની નિમણૂક કરવામાં આવે છે. આ સંસ્થાનું વડું મથક ન્યૂયૉર્ક ખાતે છે અને અમેરિકાનાં શ્રીમતી કારોલ બેલાન્સી તેનાં ‘એક્ઝિક્યુટિવ ડિરેક્ટર’ છે.
રક્ષા મ. વ્યાસ