યુનિયન-શૉપ : કામદાર પેઢીમાં જોડાયા પછી નક્કી કરેલી મુદતમાં માન્ય કામદાર સંઘના સભ્ય થઈ જવું પડે એવી પ્રથા.

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇંગ્લૅન્ડ જેવા વિકસિત દેશોમાં ઔદ્યોગિક પેઢી અને મજૂરસંઘ વચ્ચે સામૂહિક સોદાના કરાર થાય છે. તેમાં કેટલીક વાર યુનિયન-શૉપ અંગેની કલમનો સમાવેશ થતો હોય છે. તદનુસાર પેઢી ઠીક લાગે તેની નવા કામદાર તરીકે ભરતી કરવા માટે સ્વતંત્ર હોય છે; પરંતુ ત્યારબાદ નિશ્ચિત કરારમાં મુકરર કરેલી સમયમર્યાદામાં  સામાન્ય રીતે 30થી 60 દિવસમાં તે કામદારે ચોક્કસ મજૂરસંઘના સભ્ય બનવું પડે છે ને નોકરીમાં ચાલુ રહેવું હોય ત્યાં સુધી આ સભ્યપદ જાળવી રાખવું પડે છે. તેણે મજૂરસંઘની સભ્ય-ફી અને નક્કી કરાયેલ અન્ય રકમો નિયમિત રીતે ચૂકવવાની રહે છે. મજૂરસંઘના લાભ કામદાર ભોગવે છે એટલે સંગઠનને ટકાવી રાખવાની જવાબદારી પણ તેણે ઉઠાવવી રહી – આ તર્કનું સમર્થન યુનિયન-શૉપ ગોઠવણ પાછળ રહેલું છે.

‘સંઘ-બંધી’ (closed shop) તરીકે ઓળખાતી બીજી એક સામૂહિક સોદાના કરાર અંગેની કલમ સ્વીકારાઈ હોય ત્યાં પેઢીએ નિશ્ચિત મજૂર-સંગઠનનો સભ્ય હોય તેવા કામદારને જ નવી ભરતી વખતે લેવો પડે છે. અન્ય કોઈને રોકવાની સ્વતંત્રતા તેને હોતી નથી. યુનિયન-શૉપની ગોઠવણ, સંઘ-બંધીની જોગવાઈ કરતાં, આ બાબતમાં જુદી પડે છે. 1947ના યુ.એસ.ના ટેફર-હાર્ટલી ઍક્ટ અનુસાર સંઘ-બંધીની કલમ ત્યાં ગેરકાનૂની પણ છે.

જે દેશોમાં કારખાનાના તમામ કામદારો વતી વાટાઘાટો કરવાનો એકાધિકાર એક મજૂરસંઘ મેળવી શકતો નથી અથવા ભાગ્યે જ મેળવી શકે છે તેવા દેશોમાં યુનિયન-શૉપ પ્રકારના કરાર સામાન્ય રીતે જોવા મળતા નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મજૂરસંઘને કારખાનાના તમામ કામદારોનું પ્રતિનિધિત્વ કરવા બહુમતીથી પસંદ કરી શકાય છે. એટલે ત્યાં યુનિયન-શૉપની જોગવાઈઓવાળા કરાર મોટાભાગનાં રાજ્યોમાં કાયદામાન્ય છે ને સામાન્ય રીતે તે જોવા મળે છે.

જાપાનમાં પ્રણાલિકાગત રીતે એક જ મજૂરસંઘ કારખાનાના કે ઔદ્યોગિક સાહસના તમામ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં પણ આ પ્રકારની યુનિયન-શૉપની જોગવાઈઓ ધરાવતા કરારો થાય છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ ત્રીજા ભાગનાં રાજ્યોમાં રોજગારી મેળવવાની શરત તરીકે ચોક્કસ યુનિયનના સભ્ય થવાની ફરજ પાડતી સામૂહિક સોદાની જોગવાઈઓ પર પ્રતિબંધ છે. આથી ત્યાં યુનિયન- શૉપ કે સંઘ-બંધી બંને નિષિદ્ધ છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ