યુનાની વૈદક : અરબ અને યુનાન દેશોમાં પ્રચલિત વૈદક. ઇતિહાસ : ગ્રીક સમ્રાટ સિકંદર ભારતમાં આવ્યા બાદ જ્યારે ઈ. પૂ. 327માં ગ્રીસ પાછો ફર્યો, ત્યારે તે પોતાની સાથે કેટલાક આયુર્વેદના પ્રખર વૈદ્યોને લઈ ગયો હતો. સિકંદર આયુર્વેદના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત હોઈ, તેણે ઍલેક્ઝાન્ડ્રિયામાં પોતાના દેશના ચિકિત્સકો અને ભારતીય વૈદ્યોને એકત્ર કરી, બંનેના જ્ઞાનનો સમન્વય કરી ઔષધવિજ્ઞાનનું એક અતિ મૂલ્યવાન પુસ્તક ‘યુનાની ફાર્માકોપિયા’ તૈયાર કરાવ્યું.
યુનાન એ યુરોપના ગ્રીસ દેશના એક પ્રદેશનું નામ છે. અહીં ઈ. પૂ. 460ની સાલમાં હિપૉક્રેટીસ કે જેનું અરબી નામ બુકરાત છે, તેણે યુનાની ઉપચાર-પદ્ધતિનો પાયો નાંખી, તેનો ખાસ ગ્રંથ બનાવ્યો. યુનાન દેશમાં જન્મેલી એ નવી ચિકિત્સાપદ્ધતિ યુનાની કહેવાઈ. આ ચિકિત્સાશાસ્ત્ર મુજબ સારવાર કરનારને હકીમ કહે છે. તેથી યુનાનીને હકીમી નામથી પણ ઓળખવામાં આવે છે. યુનાનીને ‘હિકમત’ અર્થાત્ ચિકિત્સાશાસ્ત્રનું સ્વરૂપ આપવામાં હિપૉક્રેટીસ (બુકરાત) ઉપરાંત ગ્રીક વિદ્વાન ગેલેન(જાલીમુસ)નો પણ ફાળો હતો. એ એક ઐતિહાસિક તથ્ય છે કે આજની આધુનિક ચિકિત્સાપદ્ધતિ એલૉપથીનો જન્મ યુનાની પદ્ધતિમાંથી થયો છે. ઍલૉપથી-વિજ્ઞાન આજે પણ પોતાના આદિ પ્રારંભક તરીકે હિપૉક્રેટીસનું નામ આપે છે. એલૉપથીના ડૉક્ટર બનવા માટે જે પવિત્ર સોગંદ સ્નાતક પદવીના સમારંભમાં લેવાય છે, તે આજે પણ ‘હિપોક્રૅટિક ઓથ’ તરીકે ઓળખાય છે.
યુનાનીનો જન્મ ગ્રીસમાં થયો; પરંતુ તેનો ખરો વિકાસ ઈરાન-ઇજિપ્ત જેવા પ્રદેશોમાં થયો. યુનાનીના વર્તમાન વિકાસમાં આરબો-મુસ્લિમોનો ફાળો સૌથી મહત્વનો રહ્યો છે. મધ્યયુગની શરૂઆતમાં આરબોએ યુનાની ચિકિત્સાનો એટલો બધો પ્રચાર કરેલો કે યુરોપની મેડિકલ સ્કૂલોમાં 700 વર્ષ સુધી હકીમ અબુ અલી ઇબ્નસીનાએ લખેલ ‘અલ કાનૂન’ (‘કૅનન ઑવ્ મેડિસિન’) જ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું. આ ઉપરાંત અરબી હકીમ લુકમાન, શુકરાત, દીસ કૂરીદૂસ વગેરેનો પણ યુનાની ચિકિત્સાક્ષેત્રે મોટો ફાળો છે.
યુનાની વૈદકના વર્તમાન સ્વરૂપ માટે ચાર મહાસ્તંભોરૂપ પ્રખર ચિકિત્સકોનાં નામો આ મુજબ છે :
(1) હિપૉક્રેટીસ (Hippocrates) કે બુકરાત : તેમણે યુનાનીનો પાયો નાંખ્યો. (2) ગેલેન (Galen) કે જાલીનૂસ (ગ્રીક તત્વચિંતક તથા ચિકિત્સક) : તેમણે મૃતપ્રાય કે અપૂર્ણ યુનાની વૈદકને પરિષ્કૃત કરી નવું જીવન આપ્યું. (3) ઇબ્ન જકરિયા રાજી : તેમણે વિકીર્ણ કે છૂટાછવાયા યુનાની વૈદકનું સુંદર સંકલન કર્યું. (4) શૈખુર્રઇસ બૂઅલી સીના : તેમણે અપૂર્ણ રહેલ યુનાની વૈદકને સર્વાંગપૂર્ણ ચિકિત્સાશાસ્ત્ર(હિકમત)નું રૂપ આપ્યું.
યુરોપમાં બારમી સદી સુધીમાં અરબી-યુનાની વૈદકીય ગ્રંથો પહોંચેલા; પરંતુ તે પછી અરબ દેશોમાં યુનાનીમાં જે નવો વિકાસ થયેલો, તેના જ્ઞાનથી યુરોપિયનો વંચિત રહેલા. ઇતિહાસવેત્તાઓ જાણે છે કે યુનાન(ગ્રીસ)માં વૈદકીય જ્ઞાનનો પ્રસાર મિસર (ઇજિપ્ત) અને ફિનિશિયા જેવા આરબ દેશોના માધ્યમથી થયેલો. એ સાથે એ પણ ઐતિહાસિક તથ્ય છે કે મિસર (ઇજિપ્ત) અને આરબ દેશોમાં ઘણું જ વૈદકીય જ્ઞાન સીધું ભારત દેશમાંથી ખાસ કરી બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા અથવા પરંપરાગત રીતે ભારતથી સીરિયા અને બૅબિલોનિયા થઈને મિસર (ઇજિપ્ત) પહોંચેલું. મિસરથી તે તબીબી જ્ઞાન યુનાન (ગ્રીસ) પહોંચેલું અને ત્યાંથી યુનાની રૂપે આરબ અને યુરોપીય દેશોમાં પહોંચેલું. તેથી એ વાત સાબિત થાય છે કે યુનાનીનો જન્મ ભારતીય આયુર્વેદના મૂળ (કેટલાક) સિદ્ધાંતો તથા જ્ઞાનમાંથી થયેલો. વર્તમાન ઍલૉપથીનો જન્મ યુનાનીમાંથી થયેલો. આમ આયુર્વેદ જ યુનાની અને ઍલૉપથીના જન્મમાં મૂલાધાર છે.
બગદાદના બાદશાહ હારૂન અલ રશીદના સમયમાં યુનાનીના ગ્રંથ ‘અબ્બાસી કામ’નો વિશ્વની તમામ અગ્રગણ્ય ભાષાઓમાં અનુવાદ થયેલો. હારૂન અલ રશીદે અવંધન (બહલ), મણિકા (મંક) અને માલય (બાજીગર : વિજયકર) નામના 3 ભારતીય વૈદ્યોને બગદાદ બોલાવી, તેમની પાસે ચરક અને સુશ્રુતના ગ્રંથોનો તેમજ અષ્ટાંગહૃદય જેવા આયુર્વેદના મૂળ ગ્રંથોનો અરબીમાં અનુવાદ કરાવેલો. તેથી યુનાની વૈદકમાં આયુર્વેદની ઘણી (બધી નહિ) બાબતોનો સમાવેશ થયેલો. હિજરી સન 255માં બગદાદમાં ત્રણ ભારતીય વૈદ્યોની મદદથી આયુર્વેદના જે ત્રણ મૂળ ગ્રંથોનો અનુવાદ થયો તેમાં ‘અરબ સરસદ’ (સુશ્રુતના ગ્રંથનો અનુવાદ અરબીમાં), ‘ચરક’નો અનુવાદ ફારસી ભાષામાં ‘શરક’ તથા ‘અસ્તાગાર’(વાગ્ભટ્ટના ‘અષ્ટાંગહૃદય’નો અનુવાદ)નો સમાવેશ થાય છે. આ ગ્રંથોના અનુવાદો ઇરાકમાં અબ્બાસીઓના શાસનકાળમાં ખાસ પ્રચાર અને પ્રસાર પામેલા.
ગ્રીક-રોમન સંસ્કૃતિના પતન પછી, તેમના યુનાની વૈદકના જ્ઞાનની સંપત્તિ ઇસ્લામીઓના હાથમાં આવી પડી. ઇસ્લામીઓએ યુનાની જ્ઞાનનો બલ્ખ, બોખારા, તુર્કસ્તાન, ચીન, હિંદુસ્તાન અને અન્દલૂસ (સ્પેન) સુધીના દેશોમાં ફેલાવો કરેલો. યુનાની વૈદકના પ્રારંભિક દોઢ સૈકા સુધી યુનાની વિદ્યાની જાણકાર ઈસાઈ, યહૂદી, તારાપૂજક, ઈરાની, કુલ્દાની, મિસરી (ઇજિપ્તની) અને સુરયાની નામની જાતિઓ હતી; એ યુનાની વિદ્યાના ગ્રંથો છેવટે અરબી, પછી ફારસી અને છેવટે ઉર્દૂ ભાષામાં અનૂદિત થયા, ત્યારથી યુનાની વૈદક મુસલમાનોના હાથમાં પડી, ફૂલી-ફાલી, પ્રચાર પામ્યું. વર્તમાન સમયમાં યુનાની વૈદકના મૂળ ગ્રંથોની ભાષા પ્રાય: ઉર્દૂ જ રહી છે.
યુનાની વૈદકની આયુર્વેદ સાથેની તુલના : વર્તમાન સમયે સને 2002માં ભારતમાં આયુર્વેદ તથા યુનાની વૈદક બંને ચિકિત્સાશાસ્ત્રોના ઊંડા અભ્યાસી, બંને વિષયોનાં અનેક વૈદકીય પુસ્તકોના લેખક અને હકીમ તરીકે સૌથી વધુ પ્રસિદ્ધ અને આદરણીય હકીમ ઠા. દલજિતસિંહના મતે ‘આયુર્વેદ અને યુનાનીના મૂળ સિદ્ધાંતોમાં કોઈ ખાસ અંતર (તફાવત) નથી. આ બંને પદ્ધતિઓનો સ્વતંત્ર અને ઊંડો અભ્યાસ કર્યા પછી વિજ્ઞાનના પ્રકાશમાં એનો તુલનાત્મક વિચાર કર્યા બાદ હું એવા નિર્ણય પર પહોંચ્યો છું કે બંને(ચિકિત્સાવિજ્ઞાન)ના મૂળ સિદ્ધાંતોમાં દેશકાલાનુસાર ર્દષ્ટિકોણ, ભાષા અને વર્ણનશૈલીની ભિન્નતા સિવાય કોઈ ખાસ અંતર નથી.’ આયુર્વેદ પંચમહાભૂત, પ્રકૃતિ અને ત્રિદોષવિજ્ઞાનનો સ્વીકાર કરી ચાલે છે. તેમ યુનાની પણ પંચમહાભૂત, પ્રકૃતિ અને ત્રિદોષને બદલે ચાર દોષને સ્વીકારી ચાલે છે. યુનાની વૈદક આયુર્વેદની જેમ કફ (બલગમ), પિત્ત (સફરા), અને વાયુના સ્થાને કાળું પિત્ત કે સૌદા અને વાયુને સ્વીકારે છે. યુનાની વૈદક આ ત્રણ ઉપરાંત લોહી(ખૂન)ને ચોથું રોગકારક તત્ત્વ ગણે છે. બાકીની અનેક બાબતો આયુર્વેદ જેવી છે. ઔષધનિર્માણમાં આયુર્વેદ યુનાની બંને વનસ્પતિ, ખનિજો તથા પ્રાણિજ પદાર્થોનો ઉપયોગ કરે છે; પરંતુ યુનાની એક કદમ આગળ વધી, તેમાં પશુ-પક્ષીઓનાં માંસ-લોહી તથા અન્ય અંગોનો પણ ઉપયોગ કરે છે, જે આયુર્વેદમાં નથી.
ભારતમાં યુનાની વૈદક : ભારતમાં મુઘલ શહેનશાહ અકબરના સમયમાં યુનાની પદ્ધતિનો ઝડપી ફેલાવો થયો અને તેને રાજ્યાશ્રય મળ્યો. અકબર પછીના તમામ મુઘલ શહેનશાહોએ હકીમીને રાજ્યાશ્રય તથા પ્રોત્સાહન ચાલુ રાખતાં, ભારતમાં આ વિદ્યાનો સારો ફેલાવો થયેલો. હકીમો ચિકિત્સામાં ખૂબ જ સફળ ગણાતા; પણ અંગ્રેજોનું શાસન શરૂ થતાં ભારતમાં આયુર્વેદની સાથે હકીમી (યુનાની) વિદ્યા પણ ધણી-ધોરી વિનાની સહાયરહિત થઈ ગઈ અને મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ભારત આઝાદ થયા પછી આધુનિક યુગમાં ભારતમાં યુનાની વૈદકનાં પ્રગતિ-પ્રસાર માટે યુનાની ચિકિત્સાપદ્ધતિનું શિક્ષણ આપતી કૉલેજ દિલ્હી તથા લખનઉમાં શરૂ કરવાનું શ્રેય હકીમ અજમલખાનને ફાળે જાય છે. આજે સને 2002માં ભારતમાં યુનાની ચિકિત્સાવિદ્યા શીખવતી 18 કૉલેજો ચાલે છે. વળી ભારતમાં અનેક સ્થળે હકીમી સારવાર આપતાં કેન્દ્રો અને હૉસ્પિટલો પણ ચાલે છે, જેમાં ઉર્દૂ ભાષા જાણનારા ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. તેમાં સાડા છ વર્ષનો સ્નાતક-કક્ષાનો અભ્યાસક્રમ હોય છે. ભારતમાં યુનાની દવાઓ બનાવવાની સૌથી મોટી ફાર્મસી દિલ્હીની ‘હમદર્દ’ નામે છે. એ સિવાય મુંબઈમાં અલીમ ફાર્મસી તથા હૈદરાબાદમાં અન્ય ફાર્મસી છે. બૅંગલોરની એક કૉલેજમાં યુનાની ચિકિત્સાવિદ્યા કન્નડ ભાષામાં શીખવાય છે.
ભારતમાં યુનાનીના અલ્પ પ્રભાવનું કારણ : યુનાની વિદ્યા શીખનારે અરબી-ઉર્દૂ ભાષા જાણવી ખાસ જરૂરી બને છે; કારણ, આ વૈદકના તમામ ગ્રંથો ઉર્દૂમાં છે. તેના હિન્દી, અંગ્રેજી કે અન્ય ભાષામાં અનુવાદો ઉપલબ્ધ નથી. તેથી યુનાની વૈદક ઉર્દૂ જાણનાર મુસ્લિમ પ્રજાનો એક આગવો ઇજારો બની ગયું છે. શિક્ષણ ઉર્દૂ ભાષામાં જ અપાતું હોઈ, અને ઔષધિનિર્માણમાં પશુ-પક્ષીનાં અંગોનો ઉપયોગ થતો હોઈ ભારતમાં યુનાની વૈદક બહુ પ્રચલિત થઈ શક્યું નથી.
બળદેવપ્રસાદ પનારા