યુનાન : ચીનના નૈર્ઋત્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 21°થી 29° ઉ. અ. અને 97°થી 106° પૂ. રે. વચ્ચેનો 4,36,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ ચીનનાં રાજ્યોમાં તે ચોથા ક્રમે આવે છે. નૈર્ઋત્યમાં તે પર્વતો અને ઉચ્ચપ્રદેશોથી ઘેરાયેલું છે. તેની વાયવ્યે તિબેટ, ઉત્તરે ઝેચિયાંગ, પૂર્વે કેવિયૉવ રાજ્ય તથા ક્વાંગ ચી ચુંગ અને ક્વાઇચો સ્વાયત્ત રાજ્યો આવેલાં છે. પશ્ચિમ તરફ મ્યાનમાર તથા દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ લાઓસ-વિયેટનામ સાથે તેની સીમાઓ સંકળાયેલી છે. કર્કવૃત્ત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે, જ્યાંથી 160 કિમી. ઉત્તર તરફ તેની રાજધાની કૂન-મિંગ આવેલી છે. આ રાજ્યની સ્થાપના યુઆન વંશના રાજાએ કરી હતી તેથી તેનું નામ ‘યુનાન’ પડ્યું છે. તેમની ભાષામાં આ શબ્દનો અર્થ ‘દક્ષિણનાં વાદળો’ એવો થાય છે.

સદીઓથી અહીં જાતિ, ધર્મ અને રાજકીય અવરોધો આવતા રહ્યા હોવાને કારણે, પરિવહનની અગવડને કારણે તથા ચીનના પાટનગર બેજિંગથી આ પ્રદેશ દૂર આવેલો હોવાને કારણે ઓછો વિકસિત રહ્યો છે; તેમ છતાં આજે તે વિકાસને પંથે છે. બ્રિટિશ અને ફ્રેન્ચ લોકો પણ આ અંતરિયાળ પ્રદેશમાં પહોંચી શકેલા નહિ. જો તે મ્યાનમાર કે ઇન્ડોચીન સાથે હોત તો પરિસ્થિતિ કદાચ જુદી જ હોત.

ભૂપૃષ્ઠ : યુનાનમાં જોવા મળતી ઊંચી પર્વતમાળા તિબેટ તરફથી વિસ્તરેલી છે, તેના ફાંટા અગ્નિભાગમાં પંખાકારે ફેલાયેલા છે, મોટેભાગે તે વાયવ્યથી અગ્નિ તરફ ઊંચી હારમાળાઓ રચે છે. હારમાળાઓ પૈકી કાઓ-લી-કુંગ શાન, નુ-શાન અને યુન-લિંગ મુખ્ય છે. યુન-લિંગમાં પણ ઘણા ફાંટા છે. તેમાં મધ્ય દક્ષિણે વુ-લિઆંગ-શાન અને અઈ-લાઓ-શાન, અગ્નિ તરફ લીઉ-ચાઓ-શાન અને ઈશાન તરફ વુ-મેંગ-શાન ફાંટા આવેલા છે.

ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ આ રાજ્યને બે વિભાગોમાં વહેંચેલું છે. પશ્ચિમ તરફ અઈ-લાઓ-શાનનો કોતરોવાળો પ્રદેશ અને પૂર્વ તરફ ઉચ્ચપ્રદેશ. અઈ-લાઓ-શાનમાં 5,500 મીટર ઊંચાઈનાં શિખરો, જ્યારે દક્ષિણમાં 2,000 મીટરનાં શિખરો આવેલાં છે. આ હારમાળાઓ વચ્ચે ઘણી ‘V’ આકાર ખીણો આવેલી છે, તેમાં નદીઓ પણ વહે છે. કાઓ-લી-કુંગ શાન હારમાળાથી પશ્ચિમે થઈને ઇરાવદીની મુખ્ય સહાયક નદી નામીહકા વહે છે. સાલવીન નદી કાઓ-લી-કુંગ શાન અને નુ-શાન હારમાળાઓની વચ્ચે થઈને; મેંકાંગ નદી નુ-શાન અને યુન-લિંગ હારમાળાઓ વચ્ચેથી અને કાળી નદી (Black River) તથા પૅપિયેન ચિયાંગ નદીઓ વુ-લિયાંગ અને અઈ-લાઓ-શાન હારમાળાઓની વચ્ચેથી પસાર થાય છે. ઉત્તર તરફ પર્વતોની ઊંચાઈ 1,300થી 1,600 મીટર જેટલી છે. આ બધી નદીઓ નૌકાવ્યવહાર કરતાં જળવિદ્યુતના ઉત્પાદન માટે વધુ ઉપયોગી બની રહેલી છે. કોતરોના દક્ષિણ ભાગમાં પર્વતોની ઊંચાઈ ઘટે છે, ખીણો પ્રમાણમાં પહોળી છે, ઉચ્ચપ્રદેશીય મેદાનોના ફળદ્રૂપ ભાગોમાં સિંચાઈ થઈ શકે છે. પૂર્વના ઉચ્ચપ્રદેશમાં સીમારૂપે આવેલી અઈ-લાઓ-શાન અને ક્વાઈ ચાઓ-કવાંગશી પર્વતમાળાઓને કારણે પશ્ચિમે યાંગત્ઝે અને પૂર્વે યુઆન-ચિયાંગ જુદી પડે છે. યુઆન-ચિયાંગ વિયેટનામમાંથી વહીને ટોનકીનના અખાતને મળે છે. મધ્ય અને પૂર્વના જળપરિવાહમાં નાન-પાન-ચિયાંગ નદી ક્વાંગશી પ્રાંતમાંથી વહે છે. ઉત્તર અને ઈશાન દિશાએ આવેલ 1,500થી 2,300 મીટરની ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશની મુખ્ય નદીઓમાં પૂ-ટુ-હો નીયુ લાન ચિયાંગ અને હેંગ ચિયાંગ ઉત્તર તરફ વહીને કાટખૂણે ચીન-શા-ચિયાંગને મળે છે. અહીં આવેલાં કૂંન-મિંગ, યાંગ-લીન, ફુ-મિન અન નિંગ, ચીન-ચિયાંગ અને ચુ-ચિંગ મેદાનો ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. ડાંગર અને ફળોની ખેતી થાય છે; સૂકી ખેતી પણ લેવાય છે.

ફાટખીણો ધરાવતા અહીંના ભૂપૃષ્ઠમાં કૂન મિંગમાં આવેલ તિયેન ચિહ અને ટા-લીમાં આવેલ એર-હાઇ નામનાં સરોવરો મુખ્ય છે.

આબોહવા : યુનાનનો પ્રદેશ કર્કવૃત્તની નજીક આવેલો હોવા છતાં અહીંનું જૂન અને ડિસેમ્બરનું સરેરાશ તાપમાન અનુક્રમે 22° સે. અને 9° સે. જેટલું રહે છે. ગરમીનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી ખેડૂતો દસ માસ સુધી ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા રહે છે. પશ્ચિમ તરફનાં કોતરોમાં વ્યસ્ત તાપમાનનો અનુભવ પણ થાય છે. 2,000થી 4,000 મીટર ઊંચાઈવાળા પર્વતો હિમાચ્છાદિત રહે છે. પ્રશાંત મહાસાગર અને હિંદી મહાસાગર તરફથી વાતા મોસમી પવનોને કારણે વરસાદ અધિક પડે છે. પૂર્વ કરતાં પશ્ચિમનાં કોતરોમાં મેથી ઑક્ટોબર દરમિયાન વધુ વરસાદ પડે છે. કૂન-મિંગમાં 1,245 મિમી., જ્યારે ટેંગ ચુ આંગમાં 1,400 મિમી. જેટલો વરસાદ પડે છે.

ખેતીવનસ્પતિપ્રાણીજીવન : યુનાનના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં જુદા જુદા ભૂસ્તરીય સમયની લાલ માટી જોવા મળે છે. પહાડો, ઉચ્ચપ્રદેશો, ખીણોનાં સીડીદાર ખેતરોમાં મુખ્યત્વે ડાંગર અને ચાની ખેતી થાય છે. પૂ-એરહ ખાતે ઊંચી ગુણવત્તા ધરાવતી ચાની ખેતી થાય છે. આ ઉપરાંત અહીં શકરિયાં, કપાસ, હેમ્પ (શણ), તમાકુ, શેરડી, સોયાબીન અને શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. શિયાળામાં ડાંગરનાં ખેતરોમાં ડાંગર, ઘઉં, જુવાર, શાકભાજી અને અફીણની ખેતી થાય છે. ડુંગરાળ પ્રદેશોમાં લોકો મકાઈ (મુખ્ય), જવ અને ઘઉંની ખેતી કરે છે. આ ઉપરાંત અખરોટ, ચેસ્ટનટ, પીચ અને શેતૂર તેમજ દક્ષિણે આવેલા નીચા ખીણ-વિસ્તારોમાં કેળાં, કૉફી અને નાળિયેરી પણ ઉગાડાય છે.

પશ્ચિમી કોતરોમાં 2,000 મીટરની ઊંચાઈએ પાઇન અને અન્ય શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ચીનનો આ વિસ્તાર દેશનો મહત્વનો લાકડાંનો જથ્થો ધરાવે છે. 2,000થી 4,000 મીટરની ઊંચાઈવાળા પ્રદેશો ઘાસથી છવાયેલા રહે છે. વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવતો યુનાનનો આ વિસ્તાર મહત્વનો વનસ્પતિ-ઉદ્યાન (botanical garden) ગણાય છે. 4,000થી 5,000 મીટરની ઊંચાઈએ ફર, વાંસ અને જુનિપર પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.

પહાડી પ્રદેશમાં ગાય, ઘેટાં, બકરાં, યાક અને ખચ્ચરનું પ્રમાણ વધુ છે. ગાય-ભેંસનો ઉપયોગ વાવણી વખતે કરવામાં આવે છે. દક્ષિણના વિષુવવૃત્તીય જંગલોમાં હિંસક પ્રાણીઓ – રીંછ, વાનરો, હાથી અને શાહુડીનું પ્રમાણ વિશેષ છે. ભુંડ, મરઘાં-બતકાંનો પણ ઉછેર થાય છે.

ઉદ્યોગો : યુનાનમાં પરંપરાગત ચાલી આવતા ઉદ્યોગો જોવા મળે છે. પરંપરાગત એકમોમાં કાગળ, ખાંડ, ચામડું, શણ, સુતરાઉ અને ગરમ કાપડનું ઉત્પાદન મેળવાય છે. છેલ્લા થોડા દાયકાઓમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી બન્યો છે. અહીં સૌથી મોટા ગણાતા કૂન- મિંગ ઔદ્યોગિક પ્રદેશમાં લોખંડ-પોલાદ તથા તાંબાના શુદ્ધીકરણના એકમો આવેલા છે. પરિવહનનાં સાધનો, ખાતર, રસાયણો, ચશ્માં, કાપડ અને ખાદ્યસામગ્રી બનાવવાના એકમો પણ અહીં આવેલા છે.

યુનાનમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીપ્રવૃત્તિને વધુ મહત્વ અપાઈ રહ્યું છે. વિશ્વમાં કલાઈનો સૌથી વધુ અનામત જથ્થો ધરાવતા વિસ્તારોમાં આ પ્રાંતનો સમાવેશ થાય છે. ચીનમાં કલાઈની સૌથી વધુ ફૅક્ટરીઓ અહીં જ આવેલી છે. યુનાન પ્રાંતના અગ્નિભાગમાં આવેલ શિહ-પિંગ અને મેંગ ત્ઝુ પાસે કલાઈની ઘણી ખાણો આવેલી છે. 1980ના અરસામાં કલાઈનાં અગિયાર જેટલાં નવાં ક્ષેત્રો પણ શોધાયાં છે.

યુનાન તાંબાના ઉત્પાદનમાં પણ ફાળો આપે છે. તેનો અનામત જથ્થો હુઈ-ત્સે પ્રદેશમાં રહેલો છે. 1644થી 1911 દરમિયાન હુઈ-ત્સેનો મોટાભાગનો તાંબાનો જથ્થો તાંબાના સિક્કા છાપતી ટંકશાળમાં મોકલાતો હતો. તુંગ શુઆંગ ખાતે તાંબા, જસત અને સીસાનું પણ ઉત્પાદન મેળવાય છે.

યુનાનમાં કોલસા અને લોખંડનાં પણ ક્ષેત્રો આવેલાં છે. કોલસાની મુખ્ય ખાણો તા-લી, આઈ-પિયાંગ-લેંગ, કૂન-લુંગ, યૂન-નાન-આઈ, મી-તુ, કેંગ-મા વગેરે સ્થળોએ આવેલી છે. લોહઅયસ્ક આઈ મેન-ખાતેથી મેળવાય છે. અન્ય ખાણો વુ-ટિંગ, વેઈ-શાન, ચીન-નિંગ વગેરે ખાતે આવેલી છે. ખનિજતેલ અહીં મળતું નથી. કોલસા આધારિત તાપવિદ્યુત-મથકો હસુઆન-વેઈ, કાઈ-યુઆન ખાતે આવેલાં છે. જળવિદ્યુત-ઉત્પાદન ખૂબ જ ઓછું છે.

અન્ય ખનિજોમાં ઍન્ટિમની, ટંગ્સ્ટન, પારો, ફૉસ્ફેટ, ચાંદી, સોનું, મૅંગેનીઝ, ચિરોડી, ગંધક, ફ્લૉરાઇટ અને ઍસ્બેસ્ટૉસનો સમાવેશ થાય છે. બૉક્સાઇટ આધારિત ઍલ્યુમિનિયમના એકમો પણ ઊભા કરાયા છે. તા-લી ખાતે આરસપહાણની ખાણો આવેલી છે. આ સિવાય બાંધકામ-નિર્માણના પથ્થરો પણ મળે છે.

ખનિજ-મીઠાનું ઉત્પાદન યેન હશિંગ-કુઆંગ યુંગ વિસ્તારમાંથી મેળવાય છે; જ્યારે લાગ ટશિંગ, યેન હશિંગ વગેરે જેવાં ક્ષેત્રોમાં મીઠું પકવવામાં આવે છે. તેની જમીનમાર્ગે વિવિધ ક્ષેત્રોમાં નિકાસ થાય છે. ખનિજ-મીઠાનો ઉપયોગ ખાતર, વિસ્ફોટક સામગ્રી તેમજ પરિરક્ષક (preservative) તરીકે થાય છે. આ ખનિજ-મીઠું કૂન મિંગ્સની ખાણમાંથી મેળવાય છે.

પરિવહન : બીજા વિશ્વયુદ્ધ સુધી આ વિસ્તાર ફ્રાંસે નિર્માણ કરેલા રેલમાર્ગ મારફતે દુનિયાના બીજા વિસ્તારો સાથે જોડાયેલો હતો. યુનાનનું પાટનગર કૂન મિંગ મ્યાનમાર સાથે સંકળાયેલું છે, તે ઉત્તર મ્યાનમારના લાશિયો સાથે રેલમાર્ગે જોડાયેલું છે. પાટનગર કૂન મિંગ પાકા માર્ગો દ્વારા ગુઇઝ હોયુ, સિચુયાન સાથે જોડાયેલું છે. તે ચીનનાં મુખ્ય શહેરો સાથે હવાઈ માર્ગે પણ સંકળાયેલું છે. યુનાન રાજ્ય મ્યાનમાર અને હૉંગકૉંગ સાથે પણ જોડાયેલું છે. આ રાજ્યની નદીઓ જળવાહનવ્યવહાર માટે અનુકૂળ નથી. લાંબા સમયથી યુનાનમાં સંદેશાવ્યવહાર પણ વિકસ્યો નથી.

વસ્તીવસાહત : યુનાનમાં વસવાટ કરતી કુલ વસ્તીના 33 % લોકો મૂળ ચીનના નથી. ચૌદમી સદીમાં આ રાજ્યનો કેટલોક ભાગ થાઈ રાજાને હસ્તક હતો. પરિણામે જાતિસમૂહોમાં અનેક ફેરફારો થયા. 28 જાતિસમૂહોને અહીં માન્યતા મળેલી છે. અહીં મૅન્ડેરીન ભાષા વધુ બોલાય છે અને ઇસ્લામધર્મીઓનું પ્રમાણ પણ અધિક છે.

મેદાનો અને ખીણોમાં વસતા, ડાંગરની ખેતી સાથે સંકળાયેલા લોકો પોતાને ‘હાન’ (Han) નામથી ઓળખાતી અહીંની મૂળ પ્રજા તરીકે ઓળખાવે છે. સદીઓ પહેલાં બીજા પ્રદેશમાંથી તરછોડાયેલા લોકો અહીંની મૂળ ચીની પ્રજા ન હોવા છતાં તેઓ ચીની ભાષા બોલતા હોવાથી પોતાને પણ હાન તરીકે ઓળખાવે છે. તેમણે રીતરિવાજો અને સામાજિક માળખાને સ્વીકારેલ છે. તેઓ ઇસ્લામ ધર્મ પાળે છે. વાયવ્ય ચીનમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો ‘હુઈ’ (Hui) કહેવાય છે.

અહીંના તિબેટ-મ્યાનમાર વંશીય મુખ્ય જૂથમાં યી(Yi)માંથી ઊતરી આવેલા લીસુ, હાની અને લાહુ છે, જ્યારે તિબેટિયન મોટેભાગે ભટકતી પ્રજા છે. તેઓ તિબેટિયન ભાષા બોલે છે અને બૌદ્ધ ધર્મ પાળે છે. ઉત્તર મ્યાનમારમાં વસતા લોકો ચિંગપો (Chingpo) કહેવાય છે. તેઓ કચીન્સ ભાષા બોલે છે. હ્સી લાન જૂથમાંથી ઊતરી આવેલી નાસી પ્રજા છે. શાન પ્રજા તાઈ (Tai) તરીકે ઓળખાય છે અને ખેતી તેમની મુખ્ય પ્રવૃત્તિ છે. તિબેટ-મ્યાનમાર જૂથના લોકો મોટેભાગે 25° ઉ. અ.થી ઉત્તરે વસે છે, પરંતુ ત્યાંથી દક્ષિણે તાઈ લોકો રહે છે. તેઓ ચીની લિપિમાં શાન ભાષાનો ઉપયોગ કરે છે અને બૌદ્ધ ધર્મ પાળે છે.

યુનાનમાં શહેરી વસ્તી 10 % જેટલી જ છે. કૂન મિંગ એ આર્થિક અને સાંસ્કૃતિક મથક છે. ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વિશેષ છે. કેટલાક સમયથી અહીં મેટ્રોપોલિટન શહેરો કરતાં નાનાં શહેરોનું આયોજન કરવાનું લોકોને વધુ ઉચિત લાગ્યું છે. આ રાજ્યનું મુખ્ય શહેર કૂન મિંગ છે. આ શહેરમાં લોખંડ-પોલાદ, તાંબું, વીજળીનાં સાધનો, ભારે યંત્રો, પરિવહનનાં સાધનો, ચશ્માં, સિમેન્ટ, રસાયણો, રાસાયણિક ખાતરો અને કાપડના એકમો આવેલા છે. અન્ય શહેરોમાં કો-ચીઉ (કલાઈની રાજધાની), યુનાનને તિબેટ/મ્યાનમાર સાથે જોડતું શહેર તુંગ-ચુઆન (તાંબાના એકમોનું શહેર), હસિયા-કુઆન, મેંગ ત્ઝુ, ચાઓ યુંગ, પાઓ શાન, હસુઆન વેઈ અને કુઆંગ નાનનો સમાવેશ થાય છે.

નાનાં શહેરોમાં ચુ-ચિંગ, ચાન-ઈ, આઈ-વિયાંગ, કૂન-યાંગ, લી-ચિયાંગ, ચી-એન-શૂઈ, ફૂ-હસિંગ-ચેન, ટેંગ-ચુંગ, કાઈ-યુઆન, કો-કો-યુ વગેરેનો સમાવેશ થાય છે. પાટનગર કૂન મિંગથી દક્ષિણ તરફ 160 કિમી. દૂર જેજિઉ (Gejiu) આવેલું છે. મ્યાનમાર અને વિયેટનામની સરહદે અનુક્રમે ટેંગ ચોંગ અને હેકોઉ મહત્વનાં શહેરો છે.

આ રાજ્યમાં 7થી 13 વર્ષનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને નિ:શુલ્ક છે. દરેક વિદ્યાર્થીએ માધ્યમિક શિક્ષણ મેળવવા માટે શ્રમ કરવો પડે છે. જુનિયર-સિનિયર વિદ્યાર્થીએ કુલ છ વર્ષ અભ્યાસ કરવો પડે છે, તે પછીથી પસંદગી મુજબના વિભાગમાં વિદ્યાર્થીને યોગ્યતા મુજબ સ્નાતક પદવી મળે છે. કૂન મિંગમાં યુનાન યુનિવર્સિટી આવેલી છે. તેમાં કૃષિ, દાક્તરી, જંગલ-આધારિત વિષયોના અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.

1997 મુજબ યુનાનની વસ્તી 4,04,20,000 છે.

નીતિન કોઠારી