યુધિષ્ઠિર : મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાકાવ્ય ‘મહાભારત’નું મુખ્ય પાત્ર. સોમવંશી પુરુકુળના રાજા અજમીઢના વંશના કુરુરાજાના પુત્ર જહનુ રાજાના પુત્ર પાંડુની પત્ની કુંતીને ધર્મદેવ કે યમદેવના મંત્ર વડે જન્મેલો પુત્ર તે યુધિષ્ઠિર. તેમને ધર્મરાજા કહેવામાં આવ્યા છે. બાળપણથી જ તે પાપભીરુ, દયાળુ અને તમામની સાથે મિત્રભાવે વર્તનાર હતા. એ પછી કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યામાં અને રથ હાંકવામાં નિપુણતા મેળવેલી. યુવાન વયે માતા અને ભાઈઓ સાથે કાકા ધૃતરાષ્ટ્રની આજ્ઞા મુજબ વારણાવત નગરમાં જતાં રસ્તામાં લાક્ષાગૃહમાં બળતા બચ્યા. ત્યાંથી હિંડિબવન પસાર કરી, એકચક્રા નગરીમાં થઈ, પાંચાલના રાજા દ્રુપદને ત્યાં મત્સ્યવેધ કરી નાના ભાઈ અર્જુને મેળવેલી દ્રૌપદી માતા કુંતીની આજ્ઞાથી તેમને પણ પત્ની તરીકે મળી. ધૃતરાષ્ટ્રે રાજ્યનો ભાગ આપતાં રાજધાની ઇન્દ્રપ્રસ્થ નવી બનાવી સુંદર રાજ્યશાસન કર્યું. એ પછી રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરનું ઐશ્વર્ય જોઈને ઈર્ષ્યાળુ દુર્યોધને દ્યૂત માટે આહવાન આપતાં કપટદ્યૂતમાં હારીને યુધિષ્ઠિરે રાજ્ય ગુમાવ્યું. એ પછી ધૃતરાષ્ટ્રે ફરી રાજ્ય પાછું આપતાં અનુદ્યૂત રમીને હારીને યુધિષ્ઠિર શરત મુજબ બાર વર્ષ વનવાસ માટે ગયા. કામ્યક અને દ્વૈતવનમાં રહી અનેક મહર્ષિઓ પાસેથી અનેક આખ્યાનો અને ઉપાખ્યાનો સાંભળ્યાં. દ્વૈતવનમાં પિતા ધર્મે યક્ષ રૂપે આવીને પરીક્ષા કરી, તેમાં પોતાના જ્ઞાન અને ન્યાયી વર્તનથી પિતાને ખુશ કર્યા. એ પછી કંક નામ ધારણ કરી વિરાટ રાજાને ત્યાં 13મું વર્ષ શરત મુજબ પ્રચ્છન્ન રીતે રહ્યા. યુધિષ્ઠિર તરીકે પ્રગટ થઈને કૃષ્ણને વિષ્ટિ કરવા દુર્યોધન પાસે મોકલ્યા. દુર્યોધને રાજ્ય આપવાની ના પાડવાથી અંતે મહાભારતનું વિનાશક યુદ્ધ થયું. યુધિષ્ઠિરે ‘અશ્વત્થામા હણાયો’ એમ મોટેથી બોલી ‘હાથી’ એમ ધીમેથી કહ્યું તે અર્ધસત્ય કૃષ્ણના કહેવાથી બોલ્યા એ એમના સત્યવ્રતમાં મહાન દોષ છે.
(अश्वत्थामा हत इति पृथासूनुना स्पष्टमुक्त्वा
स्वैरं शेषे गज इति किल व्याहतं सत्यवाचा ।)
એ યુદ્ધમાં યુધિષ્ઠિરે શલ્યરાજાને ખતમ કરેલા. યુદ્ધના અંતે કૌરવોની ઉત્તરક્રિયા કરી અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. પોતાના મનના સમાધાન માટે તેમણે કૃષ્ણ અને પિતામહ ભીષ્મનો ઉપદેશ સાંભળ્યો. ભીષ્મના મૃત્યુ પછી તેમણે ફરી રાજસૂય યજ્ઞ કર્યો. 35 વર્ષ સુધી સુંદર રીતે રાજ્ય કર્યું. કૃષ્ણના મૃત્યુ પછી યુધિષ્ઠિરે અર્જુનના પૌત્ર પરીક્ષિતને રાજ્ય સોંપી ભાઈઓ અને દ્રૌપદી સાથે હિમાલય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં એક પછી એક મૃત્યુ પામ્યાં, પરંતુ યુધિષ્ઠિર શ્વાન રૂપે સાથે આવેલા તેમના પિતા સાથે સદેહે સ્વર્ગમાં ગયા. ત્યાં પણ પિતા ધર્મે પરીક્ષા કરી અને તેમના વર્તનથી ખુશ થયા. મનુષ્યદેહે સ્વર્ગમાં જનાર એકમાત્ર યુધિષ્ઠિર જ છે.
માહેન્દ્ર ધનુષ્ય, અનંતવિજય શંખ, નક્ષત્રયુક્ત સુવર્ણધ્વજ, યંત્રથી વાગતાં નંદ અને ઉપનંદ નામનાં મૃદંગ તથા રથને જોડેલા કાળી પૂંછડીવાળા અશ્વો યુધિષ્ઠિરનાં પરિચાયક હતાં.
યુધિષ્ઠિર શરીરે સોનેરી ગૌર વર્ણના, ઊંચા પાતળા અને વિશાળ છાતી અને નેત્રોવાળા હતા. સ્વભાવે સજ્જન હોવાની સાથે ધર્મ, નીતિ અને ન્યાયથી ચાલનારા હતા. એકમાત્ર દ્યૂત રમવાના વ્યસનને કારણે હેરાન થયા અને અશ્વત્થામાના મૃત્યુની બાબતમાં એ અર્ધસત્ય બોલ્યા એ બે જ તેમની બાબતમાં દારૂણ ઘટનાઓ છે, જેને કારણે તેમને અને તેમના ભાઈઓ અને પત્નીને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. તેઓ રામાયણના રાજા જનકની જેમ તત્વજ્ઞાની રાજવીના પ્લેટોના આદર્શને પૂરો પાડે છે. યુધિષ્ઠિર ક્ષમાશીલ અને સાત્વિક પ્રકૃતિના છે. આથી તે ક્ષત્રિયવીર હોવા છતાં બ્રાહ્મણ જેવા ગુણો ધરાવે છે. દુર્યોધન વગેરે પિતરાઈ ભાઈઓ દુષ્ટ હોવાથી તેમની સાથે યુધિષ્ઠિરને અનિચ્છાએ સંઘર્ષ કરવો પડ્યો. જ્યારે દુષ્ટોની સામે લડી લેવું એવી માન્યતા દ્રૌપદી અને નાના ભાઈઓ ધરાવતાં હોવાથી તેમની સાથે પણ તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો. છતાં તેમની આજ્ઞા નાના ભાઈઓ માથે ચડાવતા હતા. અનીતિ અને અધર્મ સામે તેઓ એકલપંડે જ જીવ્યા અને અંતે સ્વર્ગ પણ એકલા જ પહોંચ્યા. યુદ્ધ પછી રાજા ન બનવા માટે તેમણે તત્વજ્ઞાનભરી દલીલો કરી છે, જે આ જ્ઞાની માણસનું અગાધ જ્ઞાન બતાવે છે.
અર્જુને કરેલો કર્ણવધ, અશ્વત્થામાએ કરેલો સૌપ્તિકવધ, દુર્યોધનનો ઊરુભંગ, અશ્વત્થામાના મણિનું હરણ વગેરે અનેક અન્યાયી ઘટનાઓ વખતે યુધિષ્ઠિરની વેદના જોવા મળે છે, જે તેમની ન્યાયપ્રિયતા બતાવે છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા