યુતિમાસ (synodic month) : બે ક્રમિક યુતિ વચ્ચેનો સમયગાળો. ચંદ્રની ગતિ આધારિત મહિનાની ગણતરી. સૂર્ય ક્રાંતિવૃત્ત (ecliptic) ઉપર રોજ લગભગ 1° લેખે પશ્ચિમથી પૂર્વ તરફ સરકતો જણાય છે, જ્યારે ચંદ્ર સરેરાશ દિવસના 13.2° લેખે તે જ દિશામાં આગળ વધે છે. આમ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું ક્રાંતિવૃત્ત ઉપર કોણીય અંતર સરેરાશ રોજ 12° જેવું વધતું જણાય.

સૂર્ય અને ચંદ્રની યુતિ, એ અમાવાસ્યા ગણાય, અર્થાત્ એ સમયે ક્રાંતિવૃત્ત ઉપર સૂર્ય અને ચંદ્ર એક જ રેખાંશ પર જણાય છે. આવી અમાવાસ્યાથી અમાવાસ્યા વચ્ચેનો આ સમયગાળો હોવાથી એ તિથિમાસ પણ કહેવાય છે. ચંદ્રની કક્ષા નોંધપાત્ર પ્રમાણમાં લંબગોળાકાર છે (eccentricity = 0.055). આ કારણથી ચંદ્રની ગતિ સારા એવા પ્રમાણમાં અનિયમિતતા દર્શાવે છે અને આ યુતિમાસનો સમયગાળો, જે સરેરાશ 29.5 દિવસ જેટલો છે, તે 293 અને 29H  દિવસ જેટલી માત્રામાં બદલાતો રહે છે. આ જ કારણથી ત્રીસ તિથિના આપણા માસમાં સરેરાશ બે મહિને એક તિથિનો ક્ષય જણાય. ઉપરાંત આપણી તિથિ બદલાવાની ગણતરી સૂર્યોદય સમયે સૂર્ય અને ચંદ્રના રેખાંશ તફાવત અનુસાર છે, અને ચંદ્રની ગતિની અનિયમિતતાને કારણે વધારાનાં તિથિવૃદ્ધિ અને તિથિક્ષય પણ જણાય. ઉપરાંત સૂર્ય ફરતી પૃથ્વીની કક્ષા પણ સહેજ લંબગોળાકાર છે અને પૃથ્વી જૂન માસમાં સૂર્યથી વધુમાં વધુ અંતરે હોવાથી, એ સમયે ક્રાંતિવૃત્ત ઉપર સૂર્ય સહેજ ધીમો પડતો જણાય છે અને તેના સંદર્ભમાં ચંદ્ર વધુ ઝડપી જણાય છે. આ કારણથી તિથિમાસ જૂન માસ નજીક સહેજ ટૂંકો બને છે.

ચંદ્રનું તારાગણ સંદર્ભે ભ્રમણ ગણીએ તો જે સમયચક્ર આવે તે નક્ષત્ર માસ અથવા નાક્ષત્ર માસ (sidereal month) કહેવાય છે અને તેની સરેરાશ લંબાઈ 27.3 દિવસ જેટલી છે. આ ઉપરાંત એક અન્ય મહિનો ‘રાહુમાસ’ એ ચંદ્ર અને રાહુબિંદુની ક્રમિક યુતિ વચ્ચેનો સમયગાળો છે, જેની લંબાઈ 27.2 દિવસ જેટલી છે તેને પાતિક માસ (draconic month) કહેવાય છે. Dragon એટલે રાહુ ! 0.1 દિવસનો આ તફાવત ચંદ્રની કક્ષા પર રાહુબિંદુના ~18 વર્ષના સમયચક્ર સાથે ચલનને કારણે સર્જાય છે.

બાર તિથિમાસની લંબાઈ સરેરાશ 354.5 દિવસ જેવી થાય જ્યારે ઋતુવર્ષ (ક્રમિક વસંતસંપાત વચ્ચેનો સમયગાળો) 365.2 દિવસનું છે. આ વર્ષે અગિયાર દિવસના તફાવતને કારણે, આશરે ત્રણ વર્ષે, એક અધિક માસ ઉમેરવો જરૂરી બને છે, જેથી કરીને ઋતુવર્ષ સાથે મેળ બેસી જાય.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ