યુતિ : આકાશી ગોલક પર તારાઓનાં સ્થાન પરસ્પરના સંદર્ભે સ્થિર દેખાવાની ઘટના. અલબત્ત હજારો વર્ષ જેવા લાંબા સમયગાળે તેમાં ફેરફાર થતા જણાય, પરંતુ સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તેમની કક્ષામાં ઘૂમતા હોવાથી, તારાગણ સંદર્ભે તેમનાં સ્થાન સતત બદલાતાં રહે છે. સૌરમંડળના આ પિંડોના કક્ષામાર્ગ લગભગ એક જ સમતલમાં આવે છે; જે ક્રાંતિવૃત્ત છે. ક્રાંતિવૃત્ત (ecliptic) એટલે સૂર્ય ફરતી પૃથ્વીની કક્ષાનું સમતલ. પૃથ્વી પરથી જોતાં સૂર્ય હમેશાં ક્રાંતિવૃત્ત ઉપર જ જણાય. સૂર્ય, ચંદ્ર અને ગ્રહોનાં સ્થાન, આ ક્રાંતિવૃત્ત ઉપરના તેમના સ્થાન ‘રેખાંશ’ (longitude) અને ક્રાંતિવૃત્તથી તેમના ઉત્તર યા દક્ષિણ તરફના કોણીય અંતર ‘શર’ દ્વારા દર્શાવાય છે. (રેખાંશને ‘રાશિ’ અનુસાર એક રાશિ બરાબર ત્રીસ ડિગ્રી પ્રમાણે પણ દર્શાવાય છે.) જ્યારે કોઈ પણ અવકાશી પિંડો ક્રાંતિવૃત્ત ઉપર એક જ રેખાંશ પર આવે ત્યારે તેમની ‘યુતિ’ થયેલી ગણાય. અલબત્ત, આ સમયે તે ક્રાંતિવૃત્તથી જુદા જુદા કોણીય અંતરે ઉત્તર યા દક્ષિણ તરફ હોઈ શકે, અર્થાત્ તેમના ‘શર’ જુદા હોય; એટલે તે એક જ સ્થાને ના જણાય. પરંતુ અગાઉ જણાવ્યા અનુસાર આ બધા પિંડોના કક્ષામાર્ગ ક્રાંતિવૃત્તને લગભગ સમાંતર જેવા હોવાથી યુતિ સમયે ઘણા નજીક નજીક આવેલા જણાય છે. આમાં ‘પ્લૂટો’ જેની કક્ષાનું સમતલ ક્રાંતિવૃત્ત સાથે 17° જેવો ખૂણો બનાવે છે, તે અપવાદરૂપ ગણાય. ચંદ્રની કક્ષાનું સમતલ ક્રાંતિવૃત્તને 5°ના ખૂણે છે.

પૃથ્વીની કક્ષાની અંદર આવેલ ગ્રહો (આંતરિક ગ્રહો – બુધ અને શુક્ર) તેમની સૂર્ય સંદર્ભે યુતિ સમયે કાં તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય, અથવા પૃથ્વી પરથી જોતાં સૂર્યની બીજી બાજુ પર હોય. પ્રથમ પરિસ્થિતિને નિમ્નયુતિ (inferior conjunction) કહેવાય, જ્યારે બીજી પરિસ્થિતિને ઉચ્ચ યુતિ (superior conjunction) કહેવાય. પૃથ્વીની કક્ષાની બહારના મંગળ, ગુરુ જેવા ગ્રહો માટે સૂર્ય સંદર્ભે ફક્ત ઉચ્ચ યુતિ જેવી યુતિ જ સર્જાય. નિમ્ન યુતિ જેવી પરિસ્થિતિ સમયે તે સૂર્યથી વિરુદ્ધ દિશાએ જણાય જેને પ્રતિયુતિ (opposition) કહેવાય છે. આંતરિક ગ્રહો તેમની નિમ્નયુતિ સમયે ક્વચિત્ સૂર્યના બિંબ પરથી, ઝીણા કાળા ટપકાની જેમ પસાર થતા જણાઈ શકે. આ પ્રકારની ઘટના ‘યામ્યોત્તર ગમન’ (transit) કહેવાય છે. બુધની કક્ષાનું સ્વરૂપ એવું છે કે જો તેની નિમ્નયુતિ મે 7 કે નવેમ્બર 9 નજીક હોય તો આવી યામ્યોત્તર ગમન ઘટના સર્જાય. શુક્ર માટે આ તારીખો જૂન 7 અને ડિસેમ્બર 8 છે. શુક્રનાં યામ્યોત્તર ગમન આઠ વર્ષના સમયાંતરના જોડકામાં 105½ અને 121½ વર્ષે વારાફરતી સર્જાય છે. હવે પછીનાં યામ્યોત્તર ગમન, જૂન 2004 અને જૂન 2012માં સર્જાશે; અને ત્યારબાદ ડિસેમ્બર 2117 અને ડિસેમ્બર 2125માં. બુધના યામ્યોત્તર ગમનની ઘટના પ્રમાણમાં ઓછાં વર્ષોને સમયગાળે સર્જાતી રહે છે.

ગ્રહોની પરસ્પર યુતિ સમયે તે એકબીજાને ઢાંકી દઈ શકે તેવી ઘટના  શક્ય છે, પરંતુ જવલ્લે જ બની શકે તેવી છે. ચંદ્રનું બિંબ તો ત્રીસ આર્ક મિનિટ જેવું વિસ્તૃત હોવાથી, અવારનવાર યુતિ સમયે ગ્રહને ઢાંકી દઈ શકે. આ પ્રકારની ઘટનાને ચંદ્ર દ્વારા ગ્રહનું ‘પિધાન’(occultation) કહેવાય છે. ઉપરાંત જે તારાઓ ક્રાંતિવૃત્તની 5° કે તેથી ઓછા અંતરે હોય તેમની ચંદ્ર સાથે યુતિ દરમિયાન પણ તેમનાં ‘પિધાન’ અવારનવાર સર્જાતાં રહે છે. આમાં ‘રોહિણી’નું પિધાન સારું એવું જાણીતું છે; જે કારણે ‘રોહિણી’ પ્રત્યે ચંદ્રના પક્ષપાતની કથા ઉદભવી જણાય છે.

અમાવાસ્યા એટલે સૂર્ય-ચન્દ્રની યુતિ. આ યુતિ સમયે ચંદ્ર દ્વારા જો સૂર્યના પિધાન જેવી ઘટના સર્જાય તો આપણે ‘સૂર્યગ્રહણ’ થયું માનીએ છીએ.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ