યુગોસ્લાવ ચલચિત્ર : યુગોસ્લાવિયન ચલચિત્રનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે, પણ આ બાલ્કન પ્રદેશમાં ચલચિત્રોનું નિર્માણ હંમેશાં ઓછું રહ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1918માં સર્બ, ક્રોએટ અને સ્લોવન પ્રજાઓનું રાજ્ય રચાયું. એ પહેલાં એટલે કે છેક 1886માં યુગોસ્લાવિયામાં બેલગ્રેડ ખાતે લુમિયર બંધુઓનાં ચિત્રોનું પ્રદર્શન થઈ ચૂક્યું હતું, પણ ચલચિત્ર-ઉદ્યોગનો પાયો તો છેક બીજા વિશ્વયુદ્ધ પછી નંખાયો હતો. યુગોસ્લાવિયાના ચિત્રસર્જકોમાં સૌપ્રથમ જેમને ખ્યાતિ મળી તે હતા મિલ્ટન મનાકી (1880–1964). તેમણે 1905માં દસ્તાવેજી પ્રકારનાં ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું, પણ પ્રથમ કથાચિત્ર ‘કરાજ્યૉર્જ’ (1910) ફ્રાન્સની પાથે કંપની સાથેનું સહનિર્માણ હતું. તેમાં એક સર્બિયન નરબંકાની કહાણી રજૂ કરાઈ હતી. તેનું દિગ્દર્શન ફ્રાન્સના જુલ્સ બેરીએ કર્યું હતું. 1910ના દાયકામાં શરૂ થયેલી આ ચિત્રનિર્માણપ્રવૃત્તિ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે અટકી પડી હતી, જે તે પછી 1920ના દાયકામાં ફરી નાના પાયે શરૂ થઈ. પણ બીજા વિશ્વયુદ્ધ સુધી ખાસ વેગ પકડી શકી નહિ. આ ગાળામાં અગ્રણી ચલચિત્ર-સર્જક હતા મિહાઇલોમાઇકા પોપોવિક. તેમણે બનાવેલું ‘વિથ ફેઇથ ઇન ગૉડ’ (1934) બીજા વિશ્વયુદ્ધ પહેલાં નિર્માણ પામેલું નોંધપાત્ર ચિત્ર ગણાય છે. બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં ચિત્રનિર્માણ સાવ થંભી ગયું. પણ 1942માં ગેરીલા યુદ્ધમાં પ્રવૃત્ત એક જૂથે જર્મનો પાસેથી કબજે કરેલાં એક કૅમેરા અને ઉપકરણો વડે ‘ઇનોસન્સ અનપ્રોટેક્ટેડ’ નામનું એક દેશભક્તિનું ચિત્ર બનાવ્યું હતું.
1944ના ઑક્ટોબરમાં બેલગ્રેડની મુક્તિ થયાના થોડા સમય બાદ જ કામચલાઉ ક્રાંતિકારી સરકારે એક ફિલ્મવિભાગ શરૂ કર્યો હતો, જે સમય જતાં સરકાર દ્વારા નિયંત્રિત ચલચિત્ર-ઉદ્યોગ માટે પાયો બની રહ્યો હતો. 1945માં યુદ્ધ પૂરું થતાં જ સ્ટેટ ફિલ્મ એન્ટરપ્રાઇઝની સ્થાપના કરાઈ અને તમામ છ પ્રજાસત્તાકોમાં તમામ સાધનો અને સુવિધાઓ ધરાવતા ફિલ્મ સ્ટુડિયો ઊભા કરવામાં આવ્યા. જોકે એ વખતે આ ક્ષેત્રે અનુભવીઓ અને જાણકારોના અભાવે ચિત્રનિર્માણ ગતિ પકડી શક્યું નહિ અને 1950ના દાયકામાં માત્ર દસ ચિત્રોનું જ નિર્માણ થઈ શક્યું હતું. તેમાં પ્રથમ હતું ‘સ્લેવિકા’ (1947), જેનું સર્જન જેકોસ્લાવ આફ્રિકે કર્યું હતું. પ્રારંભનાં મોટાભાગનાં ચિત્રોમાં યુદ્ધના અનુભવો અને ખાસ કરીને રાષ્ટ્રીય વિરલાઓનાં પરાક્રમોનું ચિત્રણ કરાયું હતું. છેક 1950ના દાયકાના અંતભાગે સમકાલીન કથાનકો ચિત્રોમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
યુગોસ્લાવિયામાં ગુણવત્તા ધરાવતાં કથાચિત્રોનો વિકાસ ઘણો ધીમો થયો, પણ તેની સામે ઍનિમેટેડ ચિત્રોએ સારું એવું કાઠું કાઢ્યું હતું. યુગોસ્લાવ કથાચિત્રો વિદેશોમાં નામના મેળવે તેના ઘણા સમય પહેલાં ‘ઝાગરેબ સ્કૂલ’ શૈલીનાં ઍનિમેટેડ ચિત્રો આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવોમાં દુનિયાભરનું ધ્યાન ખેંચવા માંડ્યાં હતાં. આ ઝુંબેશના સ્થાપક હતા દુસાન વુકોટિક (Dusan Vukotic). તેમણે બનાવેલા ‘હાઉ કિકો વૉઝ બૉર્ને’ (1951) પહેલેથી જ પારંપરિક ‘ડિઝની શૈલી’થી જુદા પડવાનો સંકેત આપી દીધો હતો. તેમની આગવી શૈલીએ યુગોસ્લાવ કાર્ટૂનોને ખ્યાતિ અપાવી છે. ‘ધ સબસ્ટિટ્યૂટ’(1961)ને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. આ ક્ષેત્રે બીજા જાણીતા સર્જકો છે નેદેલ્જકો ડ્રૅગિક (Nedelijko Dragic), વ્લાદિમિર જુત્રિસા (Vladimir Jutrisa), વ્લાદિમિર ક્રિસ્ટલ (Vladimir Kristl), વેત્રોસ્લાવ મિમિકા (Vatroslav Mimika). વેત્રોસ્લાવ મિમિકાએ કેટલાંક કથાચિત્રો પણ બનાવ્યાં હતાં.
યુગોસ્લાવિયામાં ઍનિમેટેડ ચિત્રોની જેમ જ દસ્તાવેજી ચિત્રો પણ ઝડપથી વિકાસ પામ્યાં હતાં. આન્તે બાબાજા (Ante Babaja), પુરિસા જૉર્જેવિક (Purisa Djordjevic), ઍલેક્ઝાન્ડર પેત્રોવિક, ક્રસ્તો સ્કાનાતા (Krsto Skanata), સ્ટિપન ઝાનિનોવિક, ઝેલિમિર ઝેલનિક વગેરેએ આ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે.
કથાચિત્રોના ક્ષેત્રે સંખ્યા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ 1960ના દાયકાના પ્રારંભથી નોંધપાત્ર કામ થવા માંડ્યું હતું. એ પછી યુગોસ્લાવ ચિત્રોની નોંધ આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવોમાં લેવાવા માંડી હતી. જોર્જેવિકની યુદ્ધત્રયી ‘ધ ગર્લ, ધ ડ્રીમ ઍૅન્ડ મૉર્નિંગ’ (1965–67), ‘નૂન’ (1968) અને ‘ક્રૉસકન્ટ્રી રનર’ (1969) સહિતનાં અનેક ચિત્રોએ 1960ના દાયકામાં દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. તેમાં દિગ્દર્શક દુસાન માકાવેજેવને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી. યુગોસ્લાવિયામાં તેમનાં ચિત્રો વિવાદ સર્જતા રહ્યાં હતાં. 1960ના દાયકાનાં તેમનાં નોંધપાત્ર સર્જનોમાં ‘અ મૅન ઇઝ નૉટ અ બર્ડ’ (1966), ‘ધ સ્વિચબૉર્ડ ઑપરેટર’ (1967) અને ‘ઇનોસન્સ અનપ્રોટેક્ટેડ’(1968)નો સમાવેશ થતો હતો. 1971માં તેમણે બનાવેલી ‘ડબ્લ્યૂઆર-મિસ્ટરિઝ ઑવ્ ધી ઑર્ગેનિઝમ’ને યુગોસ્લાવ ચિત્રોના ‘પુલા મહોત્સવ’માં દર્શાવવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. આ ચિત્રને જોકે વિદેશોમાં ખૂબ સારો આવકાર મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આવા જ બીજા દિગ્દર્શક છે વેલ્કો બુલાજિક. તેમણે ‘ધ બૅટલ ઑવ્ નેરેત્વા’ (1969) અને બીજાં અતિખર્ચાળ ચિત્રોનું દિગ્દર્શન કર્યું હતું.
1970ના દાયકામાં યુગોસ્લાવ ચિત્રઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય સહનિર્માણ મહત્વનું વ્યાવસાયિક પરિબળ બની ગયું હતું. તેને કારણે ચિત્રોની સંખ્યામાં વધારો થયો, પણ 1960ના દાયકામાં યુગોસ્લાવ ચિત્રોએ જે કલાત્મકતા હાંસલ કરી હતી તેનું 1970ના દાયકામાં પતન થતું ગયું. માકાવેજેવ, પેત્રોવિક અને ઝેલનિક જેવા અગ્રણી સર્જકો મોટાભાગે વિદેશોમાં કામ કરતા હતા અને જેઓ દેશમાં જ રહ્યા હતા તેઓ જો સરકારે સૂચવેલાં કથાનકો અને શૈલી અપનાવીને તેમની સર્જનાત્મકતા અને કલાનાં મૂલ્યો સાથે બાંધછોડ કરવા તૈયાર ન થાય તો તેમને કામ મળવાનાં ફાંફાં થઈ ગયાં હતાં. 1970ના દાયકાના અંતભાગે અને 1980ના દાયકાના પ્રારંભે કંઈક અંશે હળવા બનેલા રાજકીય માહોલમાં યુગોસ્લાવ ચિત્રો ફરી જીવંત થવા માંડ્યાં. વિદેશોમાં જઈને વસેલા સર્જકો પરત આવવા માંડ્યાં અને દિગ્દર્શકો, પટકથાલેખકો તથા છબિકારોની એક નવી જ પેઢી ચિત્રસર્જન અંગે ગંભીરતાથી કામ કરવા માંડી. આ નવી પેઢીએ ચેકોસ્લોવાકિયામાં તાલીમ લીધી હોઈ તેમનું જૂથ ‘પ્રાગ સ્કૂલ’ તરીકે જાણીતું બન્યું હતું. તેમણે ટેલિવિઝન માટે પણ કામ કરવા માંડ્યું અને હૉલિવુડનાં સફળ ચિત્રો જેવાં વિવિધ પ્રકારનાં ચિત્રો બનાવવા તરફ પણ ધ્યાન આપવા માંડ્યું. એ પછી અનેક યુગોસ્લાવ ચિત્રો ઘરઆંગણે અને વિદેશોમાં વ્યાવસાયિક સફળતા મેળવવા માંડ્યાં.
‘પ્રાગ સ્કૂલ’માં સમાવિષ્ટ સર્જકોનાં નોંધપાત્ર સર્જનો છે દિ. રાજકો ગ્રલિકનાં ‘બ્રેવો માસ્ટરો’ (1978), ‘ધ મેલડી હૉન્ટ્સ માય મેમરી’ (1981); સ્રજન (Srajan) કારાનૉવિકનાં ‘સોશ્યલ ગેઇમ’ (1972), ‘ધ ફ્રૅગરન્સ ઑવ્ વાઇલ્ડ ફ્લાવર્સ’ (1977), ‘પેટ્રિયાસ રૅથ’ (1980), ‘સમથિંગ ઇનબિટવીન’ (1983); ગોરાન માર્કોવિકનાં ‘સ્પેશિયલ એજ્યુકેશન’ (1977), ‘નૅશનલ ક્લાસ’ (1979), ‘ટીટો ઍન્ડ મી’ (1981); ગોરાન પાસ્કલ-જેવિકનાં ‘ધ બીચ ગાર્ડ ઇન વિન્ટર’ (1976), ‘ધ ડૉગ હૂ લવ્ડ ટ્રેઇન્સ’ (1977), ‘ટૅન્ગો આર્જેન્ટીના’ (1992). બીજા એક ખ્યાતિપ્રાપ્ત સર્જક છે ઇમિર કુસ્તુરિકા (Emir Kusturica). તેમનું એક ચિત્ર ‘ડુ યૂ રિમેમ્બર ડૉલી બૅલ ?’ (1981) વેનિસ મહોત્સવમાં દર્શાવાયું હતું અને તેમના બીજા એક ચિત્ર ‘વ્હેન ફાધર વૉઝ અવે ઑન બિઝનેસ’(1985)ને કેન્સ મહોત્સવમાં પામ દ’ ઓર મળ્યો હતો અને શ્રેષ્ઠ વિદેશી ચિત્ર માટે ઑસ્કરમાં નામાંકન મળ્યું હતું.
1991ના પ્રારંભે યુગોસ્લાવ પ્રજાસત્તાકો છૂટાં પડવાને કારણે યુગોસ્લાવ ચલચિત્ર-ઉદ્યોગને મોટો ફટકો પડ્યો. સર્બ અને મુસ્લિમો વચ્ચેનો સંઘર્ષ, બૉસ્નિયન સર્બ બળવાખોરોને ટેકો આપવા બદલ યુગોસ્લાવિયા સામે સંયુક્ત રાષ્ટ્રોનો આર્થિક પ્રતિબંધ વગેરે પરિબળોએ ચલચિત્ર-ઉદ્યોગને લગભગ તાળાં મારી દેવા જેવી સ્થિતિ પેદા કરી દીધી. જોકે તેમ છતાં પણ કેટલાક સમર્પિત ચિત્રસર્જકોએ પોતાનું કામ વિપરીત સ્થિતિમાં પણ જારી રાખ્યું છે. 2001માં બૉસ્નિયા-હર્ઝેગોવિનામાં નિર્માણ પામેલા ‘નો મૅન્સ લૅન્ડ’ (દિ. ડેનિસ ટેનોવિચ) ચિત્રને શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કર મળ્યો હતો. ‘નો મૅન્સ લૅન્ડ’ બૉસ્નિયાના યુદ્ધની પશ્ચાદભૂમાં બની છે. ‘ગોલ્ડન ગ્લોબ’ એવૉર્ડવિજેતા આ યુદ્ધવિરોધી ફિલ્મમાં એક રોચક સ્થિતિનું ચિત્રણ કરાયું છે. બૉસ્નિયન અને સર્બ લોકોના યુદ્ધ વચ્ચે એક એવી ખાણ હોવાની જાણ થાય છે, જેના પર કોઈનો કબજો નથી. તેમાં કેટલાક સૈનિકો ફસાયેલા છે. મુખ્ય પાત્રો એક બૉસ્નિયન અને એક સર્બ સૈનિક છે. પોતપોતાના પક્ષને સાચો ઠરાવવા તેમની વચ્ચે જોરદાર દલીલો અને ગાળાગાળી થતી રહે છે. પણ ખાણમાં હાલત એવી કફોડી છે કે ત્યાં એક જીવિત સૈનિક એક સુરંગ પર પડેલો છે. જો એને ત્યાંથી જરા પણ આઘોપાછો કરવામાં આવે તો સુરંગ ફૂટે અને ત્યાં મોજૂદ તમામનાં મોત થાય તેમ છે. એ સૈનિકને ત્યાં છોડીને પણ જઈ શકાય તેમ નથી. દુનિયામાં આતંક અને હિંસાના વર્તમાન માહોલમાં આ ચિત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બન્યું હતું.
હરસુખ થાનકી