યુક્કા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એગેવેસી કુળની એક સદાહરિત, ક્ષુપીય પ્રજાતિ. તે મેક્સિકો, વેસ્ટ ઇંડિઝ અને યુ.એસ.ના શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી છે અને લગભગ 30 જેટલી જાતિઓની બનેલી છે. તે શોભન વનસ્પતિ તરીકે પણ કેટલીક જગાઓએ ઉગાડવામાં આવે છે. કેટલીક જાતિઓ રેસાઓ માટેનો સ્રોત પણ છે. ભારતમાં તેની 4 જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે પૈકી Yucca gloriosa Linn. (આદમની સોય, સ્પૅનિશ સંગીન, બિયર ગ્રાસ, સોપ વીડ) હિમાલય અને તામિલનાડુ જેવા કેટલાક પ્રદેશોમાં કુદરતી રીતે થાય છે. ગુજરાતમાં તે બધે જ થાય છે.
તે વિશાળ ક્ષુપ-સ્વરૂપની, અસ્તંભી (acaulescent) કે ટૂંકું પ્રકાંડ ધરાવતી, વધારેમાં વધારે 3.4 મી. ઊંચી, શાખિત કે અશાખિત અને અમેરિકાની મૂલનિવાસી જાતિ છે. ભારતમાં તેનો શોભન-જાતિ તરીકે પ્રવેશ કરાવવામાં આવ્યો છે. પર્ણો પ્રકાંડની ટોચ ઉપર મુકુટ (crown) બનાવે છે. તેઓ લગભગ 75 સેમી. લાંબાં અને 5 સેમી. પહોળાં, રેખીય–ભાલાકાર (linear-lanceolate), દૃઢ (stiff) અને લીસાં હોય છે. પર્ણાગ્ર કંટ-સ્વરૂપે જોવા મળે છે; તેથી તેને ‘આદમની સોય’ તરીકે ઓળખાવવામાં આવે છે. 1.0થી 1.8 મી. કે તેથી વધારે ઊંચા, સાંકડા શંકુ-આકારના મધ્યસ્થ પ્રવૃન્ત (scape) ઉપર લીલાશ પડતાં સફેદ અને રાતી કે જાંબલી છાંટવાળાં ખીચોખીચ ગોઠવાયેલાં પુષ્પો સંયુક્ત કલગી(raceme) સ્વરૂપે ઉત્પન્ન થાય છે. પરિદલપત્રો–6, મુક્ત અથવા તલભાગેથી જોડાયેલાં અને પ્યાલાકાર હોય છે. તેની બંને સપાટીઓ મીણ જેવું આવરણ ધરાવે છે. પુંકેસરો–6 અને તલપ્રદેશોથી જોડાયેલાં હોય છે. તે પરિદલપત્રો કરતાં ઘણાં નાનાં હોય છે. પુંકેસરતંતુ જાડો હોય છે અને તેના ઉપર નાનું બાણાકાર પરાગાશય ગોઠવાયેલું હોય છે. તેનું બીજાશય ત્રિયુક્તસ્ત્રીકેસરી અને ઊર્ધ્વસ્થ હોય છે અને ત્રિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુઓ ઉપર ગોઠવાયેલાં ઘણાં અંડકો ધરાવે છે. પરાગવાહિની એક અને જાડી હોય છે, જેની ટોચ ઉપર ત્રિખંડીય પરાગાસન હોય છે. ફળ છ કપાટો(valves)નું બનેલું શુષ્ક પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. તેનાં પર્ણો રામબાણ(agave)ને મળતા આવતા રેસાઓ ઉત્પન્ન કરે છે. તેના રેસા 0.6 મી.થી 1.2 મી. લાંબા, સૂક્ષ્મ, ગોળ, સુરેખ અને મજબૂત હોય છે અને સહેલાઈથી રંગી શકાય છે. તે મધ્યમ-સુનમ્ય (moderately flexible) હોવા છતાં તેનામાં થોડા પ્રમાણમાં રુક્ષતા (harshness) હોય છે. પ્રત્યેક વ્યક્તિગત તંતુ 1.3 મિમી.થી 3.8 મિમી. લાંબો અને 11થી 16 માઇક્રૉન પહોળો હોય છે. તેનો ઉપયોગ શેતરંજી અને સાદડીઓ બનાવવામાં થાય છે.
પર્ણોમાં ટીગોજેનિન, ક્લોરોજેનિન, ગીટોજેનિન, હેકોજેનિન, મૉનોજેનિન, ડાયૉસ્જેનિન અને b–સીટોસ્ટૅરોલ હોય છે. પર્ણોનો 50 % ઇથેનોલીય નિષ્કર્ષ Trichophyton mentagrophytes અને Microsporum canis સામે પ્રતિફૂગ (antifungal) સક્રિયતા દર્શાવે છે.
તેનો ઉપયોગ વા, શોફ (oedema), દાહ, ચાંદાં, મરડો, શ્વસની-શોથ, દમ અને કુષ્ઠ રોગમાં થાય છે. તેનું ફળ રેચક ગણાય છે.
Yucca aloifolia Linn. 7.5 મી. સુધીની ઊંચાઈ ધરાવતો સ્તંભીય (caulescent) ક્ષુપ છે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોના ઉદ્યાનોમાં અતિ સામાન્ય છે. તેનાં પર્ણો કટાર-આકારનાં અત્યંત તીક્ષ્ણ, ભૂખરાં-લીલાં અને 75.0 સેમી. સુધીની લંબાઈ ધરાવે છે. તેનાં પુષ્પો 60 સેમી.થી 90 સેમી. લાંબા પ્રવૃન્ત ઉપર લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં, આછા પીળાશ પડતા રંગનાં અને જાંબલી છાંટવાળાં હોય છે. તેની એક જાત – ‘variegata’નાં પર્ણો બહુવર્ણી (varieagated) હોય છે અને શુષ્ક જિલ્લાઓમાં શૈલોદ્યાન (rockery) બનાવવા માટે યોગ્ય જાત ગણાય છે. તેનું પ્રસર્જન ભૂસ્તરિકા (offset) દ્વારા કરી નીચેનાં પર્ણો કાપી નાખવાથી ઝડપથી પુષ્પનિર્માણ પ્રેરી શકાય છે.
તેની ગાંઠામૂળીનો સાબુની અવેજીમાં ઉપયોગ થાય છે. પુષ્પોને તળીને ખાવામાં આવે છે. માંસલ ફળો પણ ખાદ્ય છે.
પર્ણો મજબૂત રેસાઓનું ઉત્પાદન કરે છે. વ્યક્તિગત રેસો 1 મિમી.થી 5 મિમી. લાંબો અને 7 માઇક્રૉનથી 14 માઇક્રૉન પહોળો હોય છે. રેસાનો ઉપયોગ દોરડાં બનાવવામાં થાય છે.
પર્ણોમાં ટીગોજેનિન, સારસાસેપોજેનિન, ગીટોજેનિન, હેકોજેનિન, સ્માઇલેજેનિન, નિયોટીગોજેનિન અને સૅમોજેનિન હોય છે. પુષ્પમાં રહેલો ઍલોઇફોલીન નામનો પ્રક્રિયક લૂઇસ ફુપ્ફુસ અર્બુદ (Lewis lung tumor) સામે સક્રિય માલૂમ પડ્યો છે. ફળમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે.
Y. filamentosa Linn. અસ્તંભીય ક્ષુપ છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. તેનાં પુષ્પો પીળાશ પડતાં સફેદ હોય છે અને 1.0 મી.થી 3.6 મી. લાંબા પ્રવૃન્ત ઉપર લઘુપુષ્પગુચ્છ-સ્વરૂપે આવેલાં હોય છે. ફળ શુષ્ક પ્રાવર પ્રકારનું હોય છે.
પર્ણોમાંથી પ્રાપ્ત થતો રેસો (7 %–11 %) દોરી અને દોરડાં બનાવવામાં ઉપયોગી છે. પર્ણમાં રહેલાં સ્ટેરૉઇડ સેપોજેનિન આ પ્રમાણે છે : સારસાસેપોજેનિન, ગીટોજેનિન, ટીગોજેનિન, ડાયોસ્જેનિન, કૅમ્મોજેનિન, યુક્કાજેનિન, હેકોજેનિન, મેનોજેનિન, મેક્સોજેનિન, ક્લૉરોજેનિન અને સ્માઇલેજેનિન. ગાંઠામૂળીનો સાબુની અવેજીમાં ઉપયોગ કરી શકાય છે.
કેટલાક લોકો ફળોનો ખાવામાં ઉપયોગ કરે છે. ગાંઠામૂળી અને પર્ણો ગ્રંથિ અને યકૃતના રોગોની ચિકિત્સામાં વપરાય છે. મૂળનું ટિંક્ચર પરમિયો (gonorrhoea) અને વામાં ઉપયોગી છે. મૂળની પોટીસ બનાવી સોજા ઉપર બાંધવામાં આવે છે.
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ