યુકોન (નદી) : ઉત્તર અમેરિકાના વાયવ્ય ભાગમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે કૅનેડાના ભૂમિભાગમાંથી નીકળે છે અને યુકોન તથા અલાસ્કામાં થઈને વહે છે. આ નદીનો લગભગ B ભાગ અલાસ્કામાં આવેલો છે. બ્રિટિશ કોલંબિયામાં આવેલા તેના ઉપરવાસથી બેરિંગ સમુદ્રકિનારે આવેલા તેના મુખભાગ સુધીની તેની કુલ લંબાઈ 3,185 કિમી. જેટલી છે. આ નદી તેની આખીય લંબાઈમાં જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે.

બીજા વિશ્વયુદ્ધ પહેલાં કાષ્ઠ-કોલસો બનાવનારા નાવિકો ચક્રથી ચલાવાતાં વહાણો દ્વારા લાકડાં ભરીને તેના મુખથી ડાઉસન સુધી સફર કરતા. અલાસ્કાના શરૂઆતના ખાણઉદ્યોગના સમયમાં તેમજ ક્લોન્ડાઇટ સુવર્ણ ધસારા દરમિયાન જળમાર્ગ તરીકે આ નદી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાયેલી. તે પછી આ ખાણઉદ્યોગ મંદ પડતો ગયો, હવાઈ સેવા ઉપલબ્ધ થતી ગઈ, તેથી આ જળમાર્ગવ્યવહાર નફાકારક રહ્યો નહિ. જોકે તે પછીથી તેમજ હજી આજે પણ અહીંના નદીકાંઠાના ગ્રામવાસીઓ નાનીમોટી ચીજવસ્તુઓની હેરફેર માટે તેમજ અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે જળમાર્ગ તરીકે તેનો ઉપયોગ કરતા રહ્યા છે. આ નદી ઉત્તર ધ્રુવવૃત્તીય પ્રદેશમાં આવેલી હોવાથી વર્ષના લગભગ સાત મહિના માટે તો થીજેલી રહે છે. તેની સહાયક નદીઓના પટમાંથી સુવર્ણ-ધારક ઉપલો અને કંકરો મળી આવે છે. તેના પૂર્વ તરફના ભાગમાં ગરમ પાણીના ઝરા આવેલા છે.

કૅનેડામાં વહેતી યુકોન નદી

આ નદી બ્રિટિશ કોલંબિયાના વાયવ્ય ભાગમાં આવેલાં શ્રેણીબદ્ધ નાનાંનાનાં સરોવરોમાંથી નીકળે છે. ત્યાંથી વાયવ્ય તરફ વહીને ફૉર્ટ–સેલકર્ક ખાતે પેલી (Pelly) નદીને મળે છે. તે પછીથી તે ડોવસન નજીકથી પસાર થાય છે અને અલાસ્કામાં ઈગલ નજીક આવેલી યુ.એસ.કૅનેડા સરહદને વીંધીને આગળ વધે છે. ત્યાંથી તે વાયવ્યમાં ફૉર્ટ યુકોન તરફ જાય છે, જ્યાં પહેલાં નૈર્ઋત્યનો અને પછીથી વાયવ્યનો વળાંક લઈ છેવટે બેરિંગ સમુદ્રને મળે છે. તેની સમગ્ર લંબાઈમાં તે આ રીતે ઉપલી યુકોન અને નીચલી યુકોન જેવા બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચાઈ જાય છે. આ નદી તેના મુખ પર આશરે 23,000 ચોકિમી.ના વિશાળ વિસ્તારને આવરી લેતો ત્રિકોણ પ્રદેશ રચે છે, જ્યાં 180 મીટરની પહોળાઈવાળા 20 જેટલા ફાંટાઓમાં તે વહેંચાઈ જાય છે. આ પૈકીના ઘણાખરા ફાંટા છીછરા અને રેતીની આડશોની પૂરણીવાળા બની રહેલા છે; તેમ છતાં અહીં ઓછામાં ઓછા 1.2 મીટર ઊંડા રહેલા જળમાર્ગમાં ઍફૂનના માર્ગે થઈને સ્ટીમરો આવી શકે છે.

જાહ્વવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા