યામુનાચાર્ય (જ. 918, દક્ષિણ ભારત; અ. 1038) : વૈષ્ણવ ભક્તિસંપ્રદાયના વિદ્વાન લેખક, આચાર્ય. તેમનું બીજું નામ હતું આલ વન્દાર. યમુનાતીરે વાસ કરતા દાદા નાથમુનિની ઇચ્છાથી, પિતા ઈશ્વરમુનિએ તેમનું નામ ‘યામુન’ પાડ્યું હતું. નાથમુનિ પછી, શિષ્ય-પરંપરા પ્રમાણે ક્રમશ: પુણ્ડરીક અને રામ મિશ્ર આચાર્યપદ પર આવ્યા હતા. ઈ. સ. 973માં એ પદ પર યામુનમુનિ વિરાજિત થયા.
વૈષ્ણવ સંપ્રદાયનો ઇતિહાસ યામુનાચાર્યથી આરંભાય છે. રામાનુજાચાર્યના તેઓ ગુરુ હતા. મહાભટ્ટ નામના ગુરુને ત્યાં રહી યામુને વેદ-વેદાંગનો અભ્યાસ કુશળતાપૂર્વક કર્યો હતો. યામુનાચાર્ય વિશે એક રસપ્રદ વાત પ્રચલિત છે : એ પ્રદેશના રાજાએ, તેના પુરોહિતને બ્રાહ્મણો પાસેથી કર ઉઘરાવવાનો અધિકાર આપ્યો હતો. પુરોહિતના માણસે એ કરના આદેશનો પત્ર યામુનમુનિના હાથમાં આપ્યો. તેમણે એ આદેશપત્ર વાંચીને ફાડી નાખ્યો અને ઉત્તર રૂપે એક શ્લોક મોકલ્યો, જેનો ભાવાર્થ હતો – અમે કાવ્ય, તંત્રશાસ્ત્ર વગેરેમાં પારંગત છીએ; એટલું જ નહિ, પરંતુ પંડિત હોવાનો ડોળ કરનારના દંભનો પડદો ચીરી નાખવામાં પણ અમે કુશળ છીએ. આનાથી રોષે ભરાયેલા પુરોહિતે રાજા દ્વારા વાદવિવાદનું આયોજન કરાવ્યું. રાજા-રાણી વચ્ચે એવી શરત થઈ કે યામુનાચાર્ય જીતે તો રાજા તેમને અર્ધું રાજ આપે; અને પુરોહિત જીતે તો રાણી, દાસી બનીને રાજાની સેવા કરે. યામુનમુનિનો વાદવિવાદમાં વિજય થયો. રાજાએ તેમને અર્ધું રાજ આપ્યું. રાજવૈભવ ભોગવતા યામુનમુનિને 4 પુત્રો થયા.
દાદા નાથમુનિએ દેહત્યાગ કરતી વખતે, પોતાના શિષ્ય પુણ્ડરીકને આદેશ આપ્યો હતો કે પોતે શીખવેલી વિદ્યા, તેમના પુત્ર યામુનમુનિને આપવી; પરંતુ, પુણ્ડરીકને એ અવસર ન મળતાં, પોતાના શિષ્ય રામ મિશ્રને એ કર્તવ્યની જવાબદારી સોંપી. રામ મિશ્ર યામુનમુનિને શાસ્ત્રજ્ઞાન આપવા તેમના રાજ્યમાં આવ્યા; પરંતુ, તેઓ રાજા હોવાથી તેમને મળી શકાતું ન હતું. રામ મિશ્રે યુક્તિ કરીને યામુનાચાર્યને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત કર્યો અને તેમને ગીતામાંથી પ્રપત્તિ(શરણાગતિ)માર્ગનો બોધ આપ્યો. યામુનાચાર્યના પૂર્વસંસ્કારો જાગ્રત થયા અને ગુરુ રામ મિશ્રની સાથે, રાજપદનો ત્યાગ કરીને શ્રીરંગનાથની પાસે આવ્યા અને ત્યાં શ્રીરંગનાથના કિંકર તરીકે શેષ જીવન ગાળ્યું. 976માં તેઓ શ્રીરંગમની પીઠ પર આચાર્ય તરીકે પ્રતિષ્ઠિત થયા હતા.
યામુનાચાર્યના મુખ્ય 20 શિષ્યો હતા. તેમાંથી એક પણ શિષ્ય એવો ન હતો કે જે પોતાની સર્વ વિદ્યાઓનું ગ્રહણ કરી શકે. તેથી તેમણે મહાપૂર્ણ વગેરે 5 શિષ્યોને જુદી જુદી વિદ્યાઓ શીખવી. યામુનાચાર્યની 6 કૃતિઓ છે : (1) ‘સ્તોત્રરત્નમ્’ – આ કૃતિમાં કૃષ્ણની સુંદરતા અને વિભુતાનું નિરૂપણ છે. આ કૃતિ વાંચીને રામાનુજાચાર્ય યામુનાચાર્ય પ્રત્યે આકર્ષાયા હતા. (2) ‘ચતુ:શ્લોકી’ – આ કૃતિમાં લક્ષ્મીજીની સ્તુતિના 4 શ્લોક છે. (3) ‘આગમપ્રામાણ્ય’ – યામુનાચાર્યે આ કૃતિમાં વેદપ્રામાણ્યની સમકક્ષ, પંચરાત્ર-શાસ્ત્રનાં ભક્તિસૂત્રોનું પ્રામાણ્ય પ્રતિપાદિત કર્યું છે. (4) ‘સિદ્ધિત્રય’ નામના ગ્રંથમાં, આત્મસિદ્ધિ નામના પ્રકરણમાં સ્વયંસંવેદ્ય આત્માનું સ્વરૂપ નિશ્ચિત કરી બતાવ્યું છે. ઈશ્વરસિદ્ધિ પ્રકરણમાં, ચાર્વાક, બૌદ્ધ, સાંખ્ય, મીમાંસા વગેરેની સામે, ઈશ્વરના અસ્તિત્વને ન્યાયશાસ્ત્રની પદ્ધતિથી પ્રતિપાદિત કર્યું છે. સંવિત્સિદ્ધિ પ્રકરણમાં અનુભૂતિના સ્વરૂપ વિશેના શાંકર મતનું ખંડન કર્યું છે તેમજ અદ્વિતીય-ત્ર-શ્રુતિનો અર્થ, જગતની સત્યતા, અવિદ્યાનું ખંડન વગેરે વિષયોનું નિરૂપણ આ પ્રકરણમાં છે. (5) ‘ગીતાર્થસંગ્રહ’ – આ કૃતિમાં સિદ્ધ કર્યું છે કે ગીતાનો મુખ્ય યોગ ભક્તિયોગ છે અને ભક્તિયોગથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. (6) ‘મહાપુરુષ-નિર્ણય’ – યામુનાચાર્યે આ કૃતિમાં શાસ્ત્રના પરમતત્વ પુરુષોત્તમ રૂપે વિષ્ણુ છે એમ સિદ્ધ કર્યું છે. આ ઉપરાંત ‘કાશ્મીરાગમ-પ્રામાણ્ય’ નામની કૃતિ પણ યામુનાચાર્યની છે. જોકે હાલ તે પ્રાપ્ય નથી; પરંતુ, ‘આગમપ્રામાણ્ય’ કૃતિમાં આ અપ્રાપ્ય કૃતિના ઉદ્ધરણને આધારે, એ કૃતિમાં, હાલ લુપ્ત થયેલી ભક્તિપ્રધાન એકાયન નામની વેદશાખાનું પ્રામાણ્ય સિદ્ધ કર્યું હશે, એમ માનવામાં આવે છે. આ શાખાનો ઉલ્લેખ છાન્દોગ્ય 7-1-2માં અને મહાભારતમાં શાંતિપર્વના અંતમાં જોવા મળે છે. યામુનાચાર્યના ગ્રંથોથી પ્રભાવિત થયેલા રામાનુજાચાર્યે બ્રહ્મસૂત્રના સિદ્ધાંતરૂપે પ્રપત્તિમાર્ગને પ્રતિપાદિત કર્યો. આમ કાવ્ય અને શાસ્ત્ર બંને ક્ષેત્રે યામુનાચાર્યનો ફાળો છે. ઉપરાંત 70 શ્લોકોમાં આત્મસમર્પણની વાત કરતું ‘આલવંદારસ્તોત્ર’ પણ રચ્યું છે.
લક્ષ્મેશ વ. જોશી