યામાસાકી, મિનોરુ

January, 2003

યામાસાકી, મિનોરુ (જ. 1 ડિસેમ્બર 1912, સિયૅટલ, વૉશિંગ્ટન, અમેરિકા) : અમેરિકાના સ્થપતિ. સિયૅટલની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ ન્યૂયૉર્ક સિટી આવ્યા. ત્યાં તેમણે ડિઝાઇનને લગતી કામગીરી અંગેના સંખ્યાબંધ હોદ્દાઓ સંભાળ્યા. 1943થી 1945 સુધી કોલંબિયા યુનિવર્સિટીમાં સ્થાપત્યલક્ષી ડિઝાઇનના વિષયમાં અધ્યાપન કર્યું.

મિનોરુ યામાસાકી

1945માં સ્થાપત્યની એક મોટી કંપનીમાં મુખ્ય ડિઝાઇનર તરીકે નિમાયા. સ્થાપત્ય-શૈલીના પુનરુજ્જીવન માટે પસંદગીપરક અભિગમ અપનાવીને અમેરિકાના સ્થાપત્યમાં તેમના અનન્ય ભવનનિર્માણ વડે અજોડ ફાળો આપ્યો. પ્રારંભિક ગાળામાં તેમણે હાથ ધરેલી સ્થાપત્ય-પરિયોજનામાં બાંધકામ-કૌશલ્ય તથા ઇમારતની સુંદરતા વિશેનો તેમનો લગાવ છતો થાય છે; દા.ત. સેંટ લુઈ વિમાની મથક (1953–1955) ખાતે કૉંક્રીટના તોતિંગ આવરણની છત વડે તેમણે નાટ્યાત્મક આંતરિક ઉઠાવ ઉપસાવ્યો છે. ન્યૂ જર્સી ખાતે પ્રિન્સ્ટનમાં બાંધેલા વુડ્રો વિલ્સન ભવન(પૂરું થયું, 1965)ના નિર્માણમાં બારીઓ, આકાશી પ્રકાશ તથા પ્રવેશમાર્ગોના આયોજનમાં ગૉથિક કમાનશૈલી પડઘાતી જણાય છે. મકાનના બહારી વિસ્તારમાં, ઉપરના ભાગે, પાતળો આકાર ધારણ કરતા સ્તંભોની હારમાળા પ્રયોજીને પડદી જેવી રચના કરી છે. આ પ્રકારની રીતિબદ્ધતા ક્યારેક અસંગત અતિરેક પણ સર્જે છે. તેનું લાક્ષણિક ઉદાહરણ છે ન્યૂયૉર્ક સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર માટે બાંધેલું 110 માળનું ટાવર-યુગ્મ. તેમાં ઑફિસના ભોંયવિસ્તારને આંતરિક થાંભલાથી અળગો રાખવા માટે ભારવાહી સ્ટીલના ચોકઠાની જે અભિનવ રચના કરાઈ છે તે ઇમારતના બાહ્ય ભાગના છદ્મ-ગૉથિક દેખાવના પરિણામે ઢંકાઈ જાય છે. નિર્માણ-કૌશલની તેમની અભિનવ શૈલીના અભિગમને આવાં સૌંદર્યલક્ષી પ્રયોજન બાધક નીવડે છે. તેમના ઉત્તરકાળમાં બાંધેલી ઇમારતોમાં આ ડિઝાઇન-શૈલીનું વિશેષ પ્રાધાન્ય રહ્યું છે.

મહેશ ચોકસી