યાપ ટાપુઓ : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં કૅરોલિન ટાપુઓના એક ભાગરૂપ આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 31´ ઉ. અ. અને 138° 06´ પૂ. રે. તે મધ્ય ફિલિપાઇન્સથી પૂર્વમાં આશરે 1,600 કિમી. અને જાપાનના યોકોહામાથી દક્ષિણમાં આશરે 3,200 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુસમૂહ 4 મોટા અને 10 નાના ટાપુઓથી બનેલો છે. મોટા ટાપુઓમાં યાપ (સૌથી મોટો), ગગિલ-તમિલ, મૅપ અને રૂમુંગનો સમાવેશ થાય છે. આ ટાપુસમૂહનું કુલ ક્ષેત્રફળ આશરે 101 ચોકિમી. જેટલું થાય છે અને તેમની બધાની મળીને કુલ વસ્તી 5,200 જેટલી છે.

(T.T.P.I. = ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ ધ પૅસિફિક આઇલૅન્ડ્સ)

આ ટાપુઓ પ્રાચીન સ્ફટિકમય ખડકોથી બનેલા છે અને તેમનું ભૂપૃષ્ઠ અસમતળ છે. લાંબી, સાંકડી ખાડીઓ ટાપુઓને અલગ પાડે છે. આ ટાપુઓની આજુબાજુ પરવાળાંના ખરાબા આવેલા છે. પરવાળાંના ખરાબાઓ વચ્ચે મોટો જળવિસ્તાર આવેલો હોવાથી ત્યાં કુદરતી બારા જેવું બનેલું છે. તેને કારણે નાનાં જહાજોની અવરજવર થઈ શકે છે.

આ ટાપુઓના લોકો માઇક્રોનેશિયન છે. મોટા ભાગના લોકો તેમનો જીવનનિર્વાહ ખેતી પર ચલાવે છે. ટૅરો (taro), કેળાં, સૂરણ, નાળિયેરી અને અયનવૃત્તીય ફળો અહીંના મુખ્ય પાક છે. માછીમારી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. કેટલાક લોકો સરકારી નોકરીઓમાં પણ રોકાયેલા છે.

આ ટાપુઓ પર સર્વપ્રથમ સ્પૅનિયાર્ડો આવેલા. તેમણે અહીં કબજો જમાવેલો. પરંતુ  1899માં સ્પેને આ ટાપુઓ જર્મનીને વેચી દીધા. 1905માં આ ટાપુઓ યુ.એસ., ઇન્ડોનેશિયા અને જાપાન વચ્ચે કેબલમથક તરીકે આંતરરાષ્ટ્રીય ઉપયોગમાં લેવાતા થયા. 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ યાપ ટાપુઓને લીગ ઑવ્ નેશન્સે ખાસ ફરમાનથી જાપાનની હકૂમત હેઠળ મૂક્યા, પરંતુ યુ.એસ. તરફથી આ માટે વાંધો ઉઠાવવામાં આવ્યો. 1921માં યુ.એસ. અને જાપાન વચ્ચે આ અંગે સંધિ થઈ, જેમાં આ ટાપુઓ જાપાની હકૂમત હેઠળ રહે એવું યુ.એસ.ની સરકારે સ્વીકાર્યું; પરંતુ એની સામે જાપાને કેબલ તેમજ રેડિયો-સેવા ઉપલબ્ધિ માટે બંને દેશોના અધિકારો  સરખા રહેશે એ કબૂલ્યું. વળી યુ.એસ.ના નાગરિકોને માટે ત્યાં મુક્ત પ્રવેશ રહેશે એ પણ જાપાને મંજૂર રાખ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાનીઓએ આ ટાપુસમૂહનો નૌકામથક અને હવાઈ મથક તરીકે ઉપયોગ કરેલો. યુ.એસ. દળોએ યુદ્ધની સમાપ્તિ બાદ આ ટાપુઓનો કબજો મેળવી લીધો. 1947માં રાષ્ટ્રસંઘે યુ.એસ.ને આ ટાપુઓના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યું. 1980માં આ ટાપુઓ તેમજ બીજા કૅરોલિન ટાપુઓ યુ.એસ. સાથે કરાર કરીને માઇક્રોનેશિયાનાં સમવાયતંત્રીય રાજ્યો બન્યાં. 1986માં આ ટાપુઓ યુ.એસ.ના સહયોગમાં સ્વશાસિત રાજકીય એકમ બન્યા છે.

જાહ્વવી ભટ્ટ