યાનામ : કેન્દ્રશાસિત પૉંડિચેરી(પુદુચેરી)નો એક ભાગ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વકાંઠે બંગાળના ઉપસાગર પર આવેલો નાનકડો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 43´ ઉ.અ. અને 80° 05´ પૂ. રે. પરનો માત્ર 30 ચોકિમી. જેટલો પ્રદેશ ધરાવે છે. ગોદાવરી નદી અને કારિંગા નદી જ્યાંથી અલગ પડે છે તે સ્થાન પર યાનામ આવેલું છે. ભૌગોલિક ર્દષ્ટિએ તે આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવે, બધી બાજુએથી તે આ જિલ્લાના ભાગોથી ઘેરાયેલું છે; પરંતુ રાજકીય રીતે તે પૉંડિચેરીનો જ એક ભાગ છે.

ભૂપૃષ્ઠ : ગોદાવરી નદીના ત્રિકોણપ્રદેશમાં આવેલો યાનામ જિલ્લો લગભગ સમતળ સપાટ ભૂમિ ધરાવે છે. આ પ્રદેશમાં કોઈ ટેકરીઓ કે જંગલો આવેલાં નથી. પૉંડિચેરી કે કરાઈકલ જિલ્લાઓની તુલનામાં અહીં સિંચાઈની સુવિધાઓ ઘણી ઓછી છે, તેમ છતાં જરૂરી જળપુરવઠો ગૌતમી-ગોદાવરી નદીમાંથી નહેરો દ્વારા મેળવવામાં આવે છે. નદીઓને કારણે અહીંની જમીનો કાંપથી બનેલી છે. યાનામ નગરમાં થઈને ગૌતમી-ગોદાવરીની શાખાનદી કોરિંગા વહે છે.

ખેતીસિંચાઈપશુઓમત્સ્યપ્રવૃત્તિ : આ જિલ્લો સંપૂર્ણપણે શહેરી હોવાથી, ખેડાણયોગ્ય જમીન માત્ર 1,060 હેક્ટર (સૂકી 450 હેક્ટર અને ભેજવાળી 610 હેક્ટર) જેટલી છે. જમીન ફળદ્રૂપ છે, પરંતુ સિંચાઈની સગવડ નથી. કાંપની જમીન ડાંગર, તમાકુ અને મરચાંના પાકને અનુકૂળ પડે છે. મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, નાળિયેરી, જુવાર, રાગી, મગફળી, કઠોળ, કોથમીર અને મેથીનો સમાવેશ થાય છે. ગૌતમી-ગોદાવરી નદીઓમાંથી નહેરો મારફતે પાણી અપાય છે. પાકનું ઉત્પાદન વધે એ હેતુથી સરકાર તરફથી રાહતના દરે ખેતીનાં ઓજારો, બિયારણ, ખાતરો પૂરાં પાડવામાં આવે છે. પૉંડિચેરી અને કરાઈકલ જિલ્લાઓની સરખામણીએ અહીં ઢોરોનું પ્રમાણ ઘણું ઓછું છે, તેમ છતાં જેટલાં ઢોર છે તેમને માટે જરૂરી ચિકિત્સાનું આયોજન કરવામાં આવેલું છે.

યાનામ ગોદાવરી-કોરિંગાના સંગમસ્થળે દરિયાકિનારાથી આશરે દસ કિમી. અંતરે આવેલું છે. અહીં આઠ જેટલાં સ્થળોએ મત્સ્ય-એકમો વિકસાવાયા છે. અહીં ગોદાવરીની શાખા ગૌતમી યાનામની દક્ષિણે થઈને વહે છે. આ નદીએ ભારતનો સૌથી મોટો નદીનાળ-પ્રદેશ રચેલો છે. તેની લંબાઈ 15 કિમી. જેટલી છે. બધી જ મત્સ્યપ્રવૃત્તિ આ નદીનાળ-પ્રદેશમાં થાય છે. માછીમારોને સરકાર તરફથી રાહતના દરે જાળ, તરાપા, દોરડાં વગેરે આપવામાં આવે છે.

ઉદ્યોગવેપાર : જિલ્લાનો સમગ્ર વિસ્તાર ગોદાવરી નદીના ત્રિકોણપ્રદેશમાં આવેલો હોવાથી તેની બધી જ ભૂમિ અર્વાચીન કાંપરચનાથી છવાયેલી છે. અહીં કોઈ આર્થિક મૂલ્ય ધરાવતાં ખનિજો મળતાં નથી તેમજ કોઈ ઉદ્યોગ વિકસેલો નથી. અહીં માત્ર સિમેન્ટના પાઇપોનું ઉત્પાદન લેવાય છે અને તે માટે બહારથી સિમેન્ટની આયાત કરવામાં આવે છે. અહીંની નિકાસી ચીજો ચોખા અને માછલી છે. વળી અહીં બજારની સગવડ પણ નથી, તેથી યાનામના નિવાસીઓને તેમની જીવન-જરૂરિયાતની વસ્તુઓ માટે નજીકનાં કાકીનાડા અને રાજમુંદ્રી નગરો પર આધાર રાખવો પડે છે, જોકે યાનામને વાણિજ્ય બૅંકોની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં માર્ગ-બાંધકામ અને તેની જાળવણીની જવાબદારી જાહેર બાંધકામ ખાતું તથા નગરપાલિકાને હસ્તક છે. અહીં કોઈ રેલમાર્ગ પણ નથી. યાનામ માટે નજીકનું રેલમથક કાકીનાડા છે. યાનામ નગર ગણાતું હોવા છતાં તેનું વાતાવરણ ગ્રામીણ અસરવાળું છે. વિષ્ણુમંદિર તથા પિલ્લારયાનું મંદિર અહીંનાં જોવાલાયક સ્થળો છે. વિષ્ણુતીર્થમ્, સ્વામિકલ્યાણમ્ અને વિનાયક ચતુર્થીના ઉત્સવો અહીં ધામધૂમથી ઊજવાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 31,362 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સરખી છે. અહીં કોઈ ગ્રામીણ વિસ્તાર નથી. વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ 677 વ્યક્તિની છે. મોટાભાગના નિવાસીઓ બહારના શહેરી વિસ્તારોમાંથી આવીને વસેલા છે. 20 % વસ્તી અનુસૂચિત જાતિ અને જનજાતિની છે. ધર્મવિતરણ મુજબ અહીં 95 % વસ્તી હિન્દુઓની છે, જ્યારે બાકીના 5 %માં મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખ, બૌદ્ધ, જૈન વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લામાં તમિળ, તેલુગુ અને મલયાળમ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 65 % જેટલું છે. યાનામ ખાતે એક સરકારી વિનયન કૉલેજ આવેલી છે. આ જિલ્લો માહે જિલ્લા કરતાં ક્ષેત્રફળમાં મોટો હોવા છતાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. જાહેર જનતા માટે એક જનરલ હૉસ્પિટલ પણ છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને એક તાલુકા અને એક સમાજવિકાસ-ઘટકમાં વહેંચેલો છે.

ઇતિહાસ : જૂના વખતમાં આ પ્રદેશ કોલા સામ્રાજ્યનો એક ભાગ હતો. સોળમી સદી દરમિયાન તે મુસ્લિમ કબજા હેઠળ આવેલો. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન તે મુસ્લિમ, બ્રિટિશ અને ફ્રેન્ચ લશ્કરી દળો વચ્ચેની લડાઈઓનું સ્થળ રહેલો. યાનામમાં સર્વપ્રથમ વસાહત 1731માં સ્થપાયેલી, તેમણે અહીં એક થાણું સ્થાપેલું. 1765માં અહીંનો ઘણોખરો ભાગ મદ્રાસ પ્રેસિડન્સીમાં ભેળવાયો ત્યારે યાનામે ફ્રેન્ચ પ્રદેશ તરીકે રહેવાનું પસંદ કરેલું. આ પ્રદેશનું સાર્વભૌમત્વ 1861માં પૅરિસ સંધિ હેઠળ નિઝામ રાજ્યે ફ્રેન્ચોને હસ્તાંતરિત કરી આપેલું. 1948માં અહીંના મહાજન પક્ષે ભારત સાથે જોડાવા સંમતિ આપેલી, જોકે સમાજવાદી પક્ષે તેનો વિરોધ કરેલો. વાસ્તવમાં 1–11–1954ના રોજ આ પ્રદેશ ભારત સાથે જોડાયો અને 16–8–1962ના રોજ તેને એ જોડાણ અંગેની કાયદેસર માન્યતા પ્રાપ્ત થઈ.

ગિરીશભાઈ પંડ્યા