યાન-નયન (navigation) : કોઈ યાનને, મુખ્યત્વે સમુદ્રમાંના વહાણને યોગ્ય દિશાનિર્દેશ આપવા માટેનું વિજ્ઞાન. યાન-નયન એ યાનનાં સ્થાન, તેનો ગતિમાર્ગ અને તે દ્વારા કપાયેલા અંતરને ધ્યાનમાં લઈને તેનો માર્ગ સૂચવવાનું જ્ઞાન આપે છે. આ પ્રકારના જ્ઞાન વડે સામાન્ય રીતે દરિયામાં હંકારાતાં વહાણોને માર્ગ બતાવાય છે.

યાન દ્વારા અન્ય યાન (વહાણ) સાથે અથડાયા વિના કેમ આગળ જઈ શકાશે, બળતણનો બચાવ શી રીતે થઈ શકશે અને નિર્ધારિત ધ્યેય કે લક્ષ્યે પહોંચવાનો સમય શી રીતે જાળવી શકાશે, તે બાબતની માહિતી આ જ્ઞાન મારફતે મળે છે. અંગ્રેજીમાં ‘navigation’ શબ્દ, ‘navis’ એટલે ship (વહાણ) અને ‘agere’ એટલે ‘to drive’ (હંકારવું) એ ગ્રીક શબ્દો પરથી બનેલો છે. પ્રણાલિકાગત ર્દષ્ટિએ યાન-નયન એ વહાણો હંકારવાની કલા ગણાય, જેમાં વહાણના સઢ વગેરેની રચનાનો પણ સમાવેશ થાય છે. વ્યાપક અર્થમાં ‘યાન-નયન’ શબ્દ પાણી પર તેમજ હવામાં ચાલતાં યાનો તેમજ અવકાશયાનો માટે પણ વાપરવામાં આવે છે.

માણસ સાહજિકપણે જ સાહસિક રહ્યો છે. તેથીસ્તો સાગરના ખેડાણનું જ્ઞાન ‘નૅવિગેશન’ શબ્દ રચાયા પહેલાંથી જાણીતું છે. માનવ-સંસ્કૃતિનો આરંભ જુદી જુદી નદીઓના કિનારે થયો, પરંતુ એ સંસ્કૃતિઓ વચ્ચે જે આદાન-પ્રદાન થયું તેમાં સાગરખેડુઓએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. યાન-નયન આજના યુગમાં કોઈ પણ યાનના ઉપયોગ માટે માત્ર વિજ્ઞાન અને ટૅકનૉલૉજી જ નહિ, પરંતુ એક કલા બની ગયેલ છે. તેનું મુખ્ય ધ્યેય છે સુરક્ષિતપણે, સમયસર અને કરકસરથી વાહન ચલાવીને ધારેલા સ્થાને પહોંચવું. આ શબ્દ આજકાલ એટલો વ્યાપક બન્યો છે કે જગપ્રસિદ્ધ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની CD–ROM આવૃત્તિમાં જ્ઞાન-વિજ્ઞાનની વિશેષ જાણકારી ભણી દોરી જતો એક ખાસ વિભાગ છે, જેનું નામ છે ‘knowledge navigator’ અર્થાત્ જ્ઞાન તરફ હંકારી જતો વિભાગ !

યાન-નયનનું જ્ઞાન પશુ-પંખીઓ વગેરેને પણ ઓછેવત્તે અંશે સ્વયંસ્ફુરણાથી મળે છે. તે બાબતમાં યાયાવર (migratory) પક્ષીઓનું ઉદાહરણ જાણીતું છે. સંભવ છે કે હજારો કિમી.નું સ્થળાંતર કરતાં આવાં પક્ષીઓને પૃથ્વીનું ચુંબકત્વ અને સૂર્ય તેમજ તારાઓ વગેરેની સ્થિતિ દ્વારા કોઈ રીતે મદદ મળતી હોય; પરંતુ માનવીએ પોતાની બુદ્ધિશક્તિથી જે જ્ઞાન ખીલવ્યું છે તે તો સાચે જ અદભુત છે. પ્રારંભમાં જ્યારે આવાં સાહસો મર્યાદિત હતાં ત્યારે બે વહાણો વચ્ચે અથડામણની શક્યતા ઓછી રહેતી. હવે આ બાબતમાં સલામતીનો પ્રશ્ન પણ મહત્વનો બન્યો છે. વહાણો બંદર પર અથવા વિમાનો હવાઈ મથક પર આવ-જા કરે ત્યારે અકસ્માતો નિવારવા એ બહુ અગત્યનું છે. આ માટે આવનાર અને રવાના થનાર યાન માટે અલગ અલગ માર્ગો નક્કી કરવામાં આવે છે. વિશ્વનાં ભરચક વિમાન-મથકો  દા.ત., લંડનના હીથ્રો (heathrow) મથકમાં આ કામગીરી ખૂબ જ ચોકસાઈ માગી લે તેવી હોય છે.

યાન-નયનનું જ્ઞાન બળતણની કરકસર પણ શીખવે છે. ઓગણીસમી સદીમાં અને અમુક અંશે વીસમી સદીમાં વહાણો (સ્ટીમર) વરાળ-યંત્રથી ચાલતાં હતાં. વહાણમાં જો બળતણ વધુ લાદવામાં આવે તો આદાન-પ્રદાનની સામગ્રી (cargo) તેટલી ઓછી લઈ જઈ શકાય, જે નુકસાનકર્તા બને. વળી, હવાઈ જહાજમાં તો બળતણનો સવાલ વધુ અગત્યનો બને, તો પછી પૃથ્વીની બહાર જતા અવકાશયાન માટે તેનું મહત્વ કેટલું બધું હોય ?! વળી, વાહનોની યાતાયાતમાં સમયની પાબંદી પણ એક જરૂરી બાબત છે. ખાસ કરીને આજના યુગમાં જ્યારે એક તબક્કાની મુસાફરી કોઈ બીજા તબક્કા સાથે સંકળાયેલી હોય છે ત્યારે તો સમયપાલન એ ખૂબ જરૂરી શરત બની રહે છે.

સાગરખેડાણ (marine navigation) : લગભગ સંસ્કૃતિઓના પ્રારંભથી માનવીઓએ સાગર-ખેડાણ અપનાવેલ છે. દરિયાનાં ઊછળતાં મોજાં માણસના દિલમાં સાહસની ભરતી જગવે છે. માણસ સાગરખેડુ ક્યારથી બન્યો તે તો ચોક્કસપણે કહી શકાય નહિ, પરંતુ આશરે ચોથી સદીથી ઈ. પૂ.ના કાળના અવશેષો આ અંગેનો નિર્દેશ આપે છે. આ અવશેષોમાં દરિયાઈ માર્ગો, પ્રવાહો, ટાપુ વગેરેના સંકેતો તથા બંદરો પર પહોંચવાની માહિતી વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. આ એક એવો યુગ હતો કે જ્યારે પૃથ્વી ગોળ હોવાનો ખ્યાલ વિકસ્યો નહોતો, દિશા-નિર્દેશ માટે ચુંબક-સોયની જાણ નહોતી, અક્ષાંશ-રેખાંશના ખ્યાલો પણ નહોતા !

આવા સંજોગોમાં પુરાણ-કાળના ખલાસીઓ વહાણના વેગ કે તેનાથી કપાયેલા અંતરનો અંદાજ શી રીતે બાંધતા હશે ? ઘણુંખરું તો, વહાણ લગભગ એકસરખી ઝડપે વહીને એક દિવસ દરમિયાન કેટલું દૂર જાય છે, તેના આધારે અંતરનો અંદાજ મેળવાતો હશે. ક્રમે ક્રમે ચોક્કસ માપનની રીતો પણ દાખલ કરવામાં આવી હશે. 1637માં અંગ્રેજી નાવિક (navigator) રિચર્ડ નૉરવુડે નૉટ (knot) તથા દરિયાઈ માઈલ(nautical mile)નો ખ્યાલ પ્રચલિત કર્યો. આજે જાણીતું છે કે –

વહાણોને દિશા-નિર્દેશ માટે ચુંબકનો ઉપયોગ ક્યારથી શરૂ થયો તે કહેવું મુશ્કેલ છે. સંભવત: ચીનના લોકો ઈ. 1100ના સમયમાં ચુંબકીય સોય(magnetic compass)નો ઉપયોગ કરવાનું જાણતા હતા. યુરોપની પ્રજાએ અને આરબોએ તે પછી સોએક વર્ષે આ જાણકારી મેળવી. જુદાં જુદાં કારણોસર ચુંબકીય સોય દ્વારા ઉત્તર દિશાની સાચી માહિતી મેળવવામાં મુશ્કેલીઓ રહેલ હતી. સદીઓના અનુભવોને આધારે હવે બનતા આધુનિક ચુંબકીય કંપાસમાં ઘણી ખામીઓ નિવારવામાં આવી છે.

સાગરખેડુના નકશાઓ (marine charts) : મધ્ય યુગમાં દરિયાઈ માર્ગે બંદરો શોધવા માટેનું ભોમિયા સમાન એક દસ્તાવેજી પુસ્તક (manual) પ્રચલિત હતું, જેને ‘portolano’ કહેતા. આ પ્રકારના દસ્તાવેજ ખાસ કરીને યુરોપની પ્રજાને ભૂમધ્ય સમુદ્રમાં મુસાફરી કરવા માટે ઉપયોગી હતા. જ્યારે પૉર્ટુગીઝ સાહસિકો તેમના દેશથી દક્ષિણે એટલે કે આફ્રિકા ખંડના પશ્ચિમ કિનારે જઈ પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે ઉપર્યુક્ત નકશાઓનો વિસ્તાર થઈ શકે તેમ છે. ધીમે ધીમે સાગરખેડુઓની ક્ષિતિજો વિસ્તરવા લાગી અને અક્ષાંશ-રેખાંશના ખ્યાલો વિકાસ પામ્યા. 1569માં પ્રસિદ્ધ થયેલા જગતના નકશામાં આ બંનેનો સંદર્ભ લેવામાં આવ્યો હતો. અક્ષાંશ (latitude) એ પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્તની સમાંતરે કલ્પેલાં વર્તુળો છે. રેખાંશ (longitude) એ પૃથ્વીની સપાટી પર કલ્પેલાં ઊભાં વર્તુળો છે, જે ધ્રુવોમાંથી પસાર થાય છે. આમ, અક્ષાંશ-રેખાંશ એ પૃથ્વી પરનું કોઈ સ્થાન બતાવવા માટે યામો(co-ordinates)ની ગરજ સારે છે. આ બાબત ઘણી ઉપયોગી જણાતાં પૉર્ટુગીઝ અને યુરોપની અન્ય પ્રજાઓએ, અક્ષાંશ તેમજ રેખાંશ માપવાનાં સાધનો બનાવવાનું શરૂ કર્યું. યાન-નયનની જાણકારી, પછી, વૈજ્ઞાનિક તબક્કામાં પ્રવેશી. 1675માં જ્યારે ઇંગ્લૅન્ડમાં ગ્રિનિચ ખાતે રૉયલ ઑબ્ઝર્વેટરી સ્થાપવામાં આવી ત્યારે તેનો મુખ્ય હેતુ ખલાસીઓ માટે ચોકસાઈભર્યાં ખગોળશાસ્ત્રીય અવલોકનો નોંધવાનો હતો. 1761ના અરસામાં અંગ્રેજ સંશોધક હૅરિસને એક સમયમાપક (chronometer) ઘડિયાળ તૈયાર કર્યું, જેના વડે દરિયામાં કોઈ સ્થળે સમયના અવલોકનથી રેખાંશ નિર્ધારિત કરવાનું કામ સરળ બન્યું. સાથોસાથ સૂર્ય તથા ચંદ્ર તેમજ ધ્રુવના તારાની સ્થિતિ પરથી કોઈ સ્થાનના અક્ષાંશ મેળવવામાં પણ ચોકસાઈ આવવા લાગી. દરિયાઈ ખેડાણોમાં કોઈ સ્થળે પાણીની ઊંડાઈ માપવાનું કે અંદાજવાનું પણ જરૂરી હતું. આ સંદર્ભમાં ‘fathom’ (એટલે કે 6 ફૂટ અથવા 1.8 મીટર) એ ઊંડાઈનો એક એકમ સ્વીકારાયો.

સમુદ્રમાં વહાણ-વ્યવહારમાં વધારો થતો ગયો તેમ બે વહાણો અથડાઈ ન પડે તે અંગે કોઈ પૂર્વસંકેત ઘડી કાઢવાની જરૂરિયાત ઊભી થઈ. તેને માટે જુદા જુદા રંગની બત્તીઓનો ઉપયોગ શરૂ થયો. 1862માં બ્રિટનમાં વહાણ-વ્યવહારના નિયમન અંગેના નિયમો અસ્તિત્વમાં આવ્યા. બંદર તેમજ વહાણો પરની દીવાદાંડીઓ હવે યાન-નયન માટે ઉપયોગી બનવા લાગી.

યાનનયન, વીસમી સદીમાં : વીસમી સદીનો પ્રારંભ થતાં વધુ મોટી નૌકાઓ દ્વારા મુસાફરો તેમજ માલ-સામાનની આવ-જા વધવા લાગી. ખ્યાલ રહે કે હજુ વિમાનો પ્રાયોગિક અવસ્થામાં જ હતાં. વ્યાવસાયિક ર્દષ્ટિએ યાન-નયન એ માત્ર દરિયાઈ સહેલગાહ નથી. અહીં ચોક્કસ બે ભૂમિબિંદુઓ વચ્ચે નિર્ધારિત માર્ગે, મધ્યવર્તી સ્થળોએથી પસાર થઈને અમુક સમયમર્યાદામાં પહોંચવાનું ધ્યેય હોય છે. માર્ગમાં ઝડપમાં વધારો કે ઘટાડો પણ કરવાનો રહે છે. વચ્ચે વચ્ચે નિયમિતપણે ખલાસીઓ પોતાનું વહાણ ક્યાં છે તે નક્કી કરતા રહે છે, અને યોગ્ય લાગે તે પ્રમાણે આગળનો માર્ગ કે ચીલો (course) બદલતા પણ રહે છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને તેમાં મૅગ્નેટિક કંપાસ, સેક્સટન્ટ, સ્પીડૉમિટર વગેરેનો ઉપયોગ થતો રહે છે. આ કાર્ય જમીન પરના ધોરી માર્ગે સડસડાટ મોટરકાર હંકારવા જેવું સહેલું નથી. વીસમી શતાબ્દીના આગમન બાદ ચોકસાઈભર્યા નકશાઓ ઉપરાંત મહાસાગરોની માહિતી તેમજ સૂચનાઓનું સાહિત્ય પણ ઉપલબ્ધ થવા માંડ્યું. આને કારણે સાગર-ખેડાણની સરળતા વધી; પરંતુ જેમ અન્ય ક્ષેત્રે તેમ યાન-નયનના ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવનારાં ત્રણ પરિબળો આ મુજબ છે : રેડિયો-સંચાર (radio communication), ઇલેક્ટ્રૉનિક ઉપકરણો અને કમ્પ્યૂટર-પ્રણાલીઓ (computer systems). ભૌતિકવિજ્ઞાન(physics)માં થયેલી પ્રગતિ વડે એક તરફ વિદ્યુતચુંબકીય વર્ણપટ(electroma-gnetic spectrum)ના વિવિધ વિભાગોની વિગતો જાણવા મળી, તો બીજી તરફ ઇલેક્ટ્રૉનિક્સ અને ત્યારબાદ કમ્પ્યૂટરનો વિકાસ થયો. (આ વિશે વધુ માહિતી મેળવવા માટે જુઓ, વિશ્વકોશ ખંડ 14માં વ્યાપ્તિલેખ ‘ભૌતિક વિજ્ઞાન’). બીજા વિશ્વયુદ્ધના સમયથી પ્રચલિત બનેલ રડાર (radar) શબ્દ ‘radio detection and ranging’ પરથી બનેલ છે. રડારનો હેતુ કોઈ યાન કે મથકનું સ્થાન તથા તેનું અંતર અંદાજવાનો છે. આ સાધન લગભગ 3થી 30 GHz (ગીગા-હર્ટ્ઝ = 109 હર્ટ્ઝ) આવૃત્તિનાં માઇક્રો-તરંગોનો ઉપયોગ કરે છે. તેનાથી વધુ આવૃત્તિના તરંગો દૂર-અંતરીય સંચાર માટે કામ લાગતા નથી.

સમુદ્રમાં ગતિ કરતાં વહાણોની ઝડપ માપવા માટે પણ હવે ચોકસાઈયુક્ત સાધનો ઉપલબ્ધ છે. આશરે 200 વર્ષ પૂર્વે આ માટે ફ્રેન્ચ ઇજનેર દ્વારા શોધવામાં આવેલ પીટો નળી(Pitot tube)નો ઉપયોગ શરૂ થયો હતો. પીટો નળી એક સાદા સિદ્ધાંત પર કામ કરે છે : ગતિમાન પ્રવાહીનું દબાણ (dynamic pressure) સ્થિર પ્રવાહીના દબાણ (static pressure) કરતાં વધુ હોય છે અને તેનો આધાર પ્રવાહીના વેગ પર હોય છે. આધુનિક વેગમાપકમાં આવી યાંત્રિક રચના(mechanical system)ને બદલે વિદ્યુત-ધ્વનિકીય પરિવર્તન-કારક (electroacoustic transducer) ગોઠવેલ હોય છે. કોઈ પણ યાનની ઝડપ માપવા માટે ડૉપ્લર ઘટના(Doppler effect)નો ઉપયોગ પણ કરી શકાય છે. ડૉપ્લર ઘટના (કે અસર), તે અવાજની આવૃત્તિ(frequency)માં થતો ફેરફાર છે, જે અવાજના ઊગમ (source) અને શ્રોતા વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે થાય છે. કોઈ જેટ વિમાન હવામાં ગતિ કરતું હોય ત્યારે તેનો હવા(ના પ્રવાહની) સાપેક્ષે વેગ અને હવાના પ્રવાહનો ભૂમિ સાપેક્ષે વેગ કેટલો તેની માહિતી સતત મેળવવી પડે છે. આ માટે ભૌતિકશાસ્ત્રમાં આવતા સદિશો(vectors)ની સંકલ્પનાઓ પ્રયોજવામાં આવે છે. કોઈ ઘડીભર કદાચ એમ માનવા પ્રેરાય કે વિમાનની ઝડપ ખૂબ વધારે હોય તો હવાના પ્રવાહોને અવગણી શકાય; પરંતુ બને છે એવું કે ઝડપી જેટ વિમાનો પૃથ્વીની સપાટીની 6,096 મીટર કરતાં પણ વધુ ઊંચાઈએ ઊડતાં હોય છે. (આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોમાં લગભગ 35થી 10,668 મીટરની ઊંચાઈ શક્ય છે.) આ ઊંચાઈ પર હવાના પ્રવાહો – જેને jet streams કહે છે તે – લગભગ 100થી 200 knotsની ઝડપે જતા હોય છે.

મૂળભૂત રીતે જોતાં, વેગ એટલે પદાર્થના સ્થાનાંતરનો દર અને પ્રવેગ એટલે વેગમાં ફેરફારનો દર. આવા સામાન્ય ખ્યાલોને લક્ષમાં લઈને પ્રવેગમાપક(eccelerometer)ની રચના કરી શકાય. તે સાધનથી કોઈ સમયે અથવા સ્થળે વેગ અને સ્થાનની માહિતી મેળવવાની ગોઠવણી થઈ શકે. પ્રવેગમાપકના એક પ્રકારમાં એક સંદર્ભ-દળ (reference mass) અને સ્પ્રિંગની રચના હોય છે. યાન કે વહાણ અચળ વેગે જતું હોય ત્યારે આ રચના સ્થિર રહે છે. જ્યારે યાન પ્રવેગિત થાય છે ત્યારે જડત્વને લીધે તેમાં સાપેક્ષ સ્થાનાન્તર થાય છે. આ બાબતનો સંકેત મળતાં તેમાંનાં આનુષંગિક સાધનો બળની ગણતરી કરે છે અને ન્યૂટનના ગતિના બીજા નિયમ F = ma પરથી પ્રવેગ ‘a’ ગણવામાં આવે છે. પ્રવેગ મેળવ્યા બાદ સંકલનકારક (integrator) રચના દ્વારા વેગ અને સ્થાનની જાણકારી મળે છે. ઉપર્યુક્ત સમગ્ર પ્રણાલીને જડત્વીય માર્ગદર્શક તંત્ર (inertial guidance system) કહે છે, અને તે વહાણો ઉપરાંત સબમરીન માટે તેમજ અવકાશયાન (space craft) માટે પણ ઉપયોગી છે. આવાં સંયંત્રોને આધારે હવે સબમરીન છેક ઉત્તર ધ્રુવ પરના બરફ હેઠળથી પણ સફળતાપૂર્વક પસાર થઈ શકે છે. સામાન્યપણે આ પ્રણાલી(system)માં સમય જતાં ત્રુટિઓ વધવાનો સંભવ રહે છે, પરંતુ હવે તેમાં પ્રતિસપ્તાહ ફક્ત એક માઈલ જેટલી જ ત્રુટિ રહે તેવી ચોકસાઈ પ્રાપ્ત થઈ શકે છે.

લગભગ વીસમી સદીના મધ્યભાગથી વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં સંગણકો(computers)નો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થવા લાગ્યો છે. તે બાબતનો લાભ યાન-નયનને પણ પ્રાપ્ત થયો છે. આજના જમાનામાં, કોઈ પણ યાન કે જે દરિયામાં જતું વહાણ હોય, હવામાં ઊડતું વિમાન હોય, ઊંચે અવકાશમાં જતું યાન (કે ઉપગ્રહ) હોય, અથવા તો ધોરી માર્ગ પર જઈ રહેલ આધુનિક મોટરકાર હોય – તે તમામને કમ્પ્યૂટરનો ખપ પડે છે. કમ્પ્યૂટરો જથ્થાબંધ માહિતી(data)નો સંગ્રહ કરે છે, તેનું વિશ્લેષણ કરે છે તથા યાનના સ્થાનની પળે પળે દેખરેખ રાખે છે. વધુમાં, આ કમ્પ્યૂટરો તેમાં ભરવામાં આવતા ડેટા(data)ની વિશ્વસનીયતા પણ તુલનાત્મક રીતે નક્કી કરી શકે છે. આ બધું જોતાં લાગે છે કે યાન-નયન હવે એક સંકુલ (complex) વિજ્ઞાન બનેલ છે. ઘણાએ વિમાની પ્રવાસમાં જોયું હશે કે વિમાનમાં એક ટેલિવિઝનના પડદા પર, વિમાન ક્યાં છે અને તેનો ઉડ્ડયનમાર્ગ કેવો છે તેમજ નીચે ભૂમિ પરનાં કયાં સ્થળો પરથી તે પસાર થઈ રહેલ છે, તે અંગે નકશા દ્વારા માહિતી આપવામાં આવે છે.

સામાન્ય પ્રવાસીને મન યાન(વિમાન કે વહાણ)માં યાત્રા કરવી એ મોજમજાનો વિષય છે, પણ યાનના ચાલક-જૂથ (crew) માટે એ એક જવાબદારી છે. યાન-ચાલકો રેડિયો-સંચાર દ્વારા ભૂમિ-મથકોના સંપર્કમાં રહે છે. ખાસ કરીને વિમાન-ચાલકો માટે વિમાની મથક પર ઉતરાણ (landing) એ ઘણો મહત્વપૂર્ણ તબક્કો હોય છે. હવેના યુગમાં આ સંદર્ભે instrument landing system – ILS બહોળા પ્રમાણમાં વપરાય છે. આનાથી માનવક્ષતિ(human error)ને મહદંશે નિવારી શકાય છે. જ્યારે પણ વિમાની (કે અન્ય) અકસ્માતો થાય છે ત્યારે આવાં ઉપકરણો વિશે શંકા જાગે છે; પરંતુ આધુનિક સંકુલ ઉપકરણોએ જે ઉચ્ચ કક્ષાની પૂર્ણતા પ્રાપ્ત કરી છે તેનાં ઉદાહરણો જોવાં હોય તો લંડનનું હીથ્રો (heathrow) હવાઈ મથક અથવા ન્યૂયૉર્કનું જૉન એફ. કૅનેડી મથક જોવાલાયક છે. ત્યાં ચોવીસેય કલાક વિમાનોની આવ-જા રહે છે અને સમગ્ર વ્યવહાર યંત્રવત્, પણ સરળતાથી ચાલતો રહે છે.

યાન-નયનમાં યાંત્રિકીકરણ અને સંગણકીકરણ (mechaniz-ation and computerization) ખૂબ વધ્યું છે. જાણે કે યાનને ચલાવવા માટે ચાલક તરીકે માનવીની કોઈ ખાસ ભૂમિકા રહી નથી, એમ પણ ઘડીભર લાગે ! આ બાબતમાં બે મુદ્દાઓનો ખ્યાલ રાખવાનો રહે છે : પહેલો મુદ્દો તો એ કે, આખરે તે ઉપકરણ તેમજ કમ્પ્યૂટર વગેરેની રચના કરવામાં તેમજ તેમાં સુધારા-વધારા કરવામાં કામગીરી બજાવે છે માણસનું મગજ ! બીજો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે કે કમ્પ્યૂટર જેવાં ઉપકરણો ઘણુંખરું પૂર્વનિર્ધારિત સૂચનાક્રમ (computer program) પ્રમાણે ચાલતાં રહે છે. યાનની ગતિ દરમિયાન કોઈ અણધારી આપત્તિ આવી પડે ત્યારે તર્ક અને બુદ્ધિ લડાવીને યોગ્ય નિર્ણય લેવા માટે માનવ-ચાલક વિના ચાલતું નથી. તે સંદર્ભે બે-એક ઉદાહરણો રસપ્રદ છે. 1970માં ચંદ્ર ભણી જઈ રહેલા અમેરિકન અવકાશયાન એપૉલો–13ની કહાણી માનવજાતના ઇતિહાસમાં યાદગાર બની રહે એવી છે. ત્રણ અવકાશવીરોને લઈ જતું આ યાન ચંદ્ર પર પહોંચે તે પહેલાં જ તેમાંની ઑક્સિજનની ટાંકી ફાટતાં એક મોટી કટોકટી પેદા થઈ. અવકાશયાત્રીઓએ જાણે કે મોત આવતું દીઠું ! પરંતુ આ ભયંકર આપત્તિની સ્થિતિમાં પણ તેમણે હામ કે સમતોલન ગુમાવ્યા વગર પૂરી સૂઝબૂજથી બચાવ-કામગીરીનો આરંભ કર્યો. પૃથ્વી પરના મુખ્ય મથકના નિષ્ણાતોએ પણ સુયોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. જોકે યાન તેનું મૂળ ધ્યેય પાર પાડી શક્યું નહિ, પરંતુ ત્રણે અવકાશવીરો હેમખેમ ધરતી પર પરત જરૂર આવી શક્યા, જે એક મોટી સિદ્ધિ ગણાય. અન્ય એક ઉદાહરણ યંત્રોની સરેઆમ નિષ્ફળતાનું છે. થોડાં વર્ષો પૂર્વે અમેરિકાએ એક આધુનિક માનવ-રહિત અવકાશયાન મંગળના ગ્રહ પર મોકલ્યું હતું. આ યાન આમ તો પૃથ્વી સાથે રેડિયો-સંપર્કમાં હતું, પરંતુ મંગળની ધરતી પર ઉતરાણ કરીને તે અચાનક મૂંગું-મંતર બની ગયું. ત્યારબાદ તેનો સંપર્ક થઈ શક્યો નહિ અને અબજો ડૉલરનો તે કાર્યક્રમ નિષ્ફળ ગયો.

યાન-નયનની વિદ્યા આજે હવે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકેલ છે. તેથી આ ક્ષેત્રમાં કૃત્રિમ ઉપગ્રહોની કામગીરીનો ઉલ્લેખ કરવો અનિવાર્ય ગણાય. જોકે આ દિશામાં વિશ્વવ્યાપી યાન-નયનતંત્ર (worldwide navigation system) રચવાના પ્રયત્નો તો છેલ્લા ચારેક દાયકાઓથી શરૂ થઈ ગયા છે. આ કામગીરીમાં પૃથ્વીની આસપાસ ઘૂમતા ઉપગ્રહો નિયત સમયે નિયત આવૃત્તિના સંકેત (signals) પ્રસારિત કરે છે. ‘global positioning system’ (GPS) નામના એક મહત્ત્વાકાંક્ષી અવકાશ-કાર્યક્રમમાં ક્રમે ક્રમે 24 ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે. આ ઉપગ્રહો સતતપણે આખા જગતને આવરી લેશે. તે ઉપગ્રહો કોઈ પણ વહાણ કે સ્થળના અક્ષાંશ-રેખાંશ ચોકસાઈપૂર્વક માપવામાં મદદ કરે છે. GPS યોજના હેઠળના ઉપગ્રહોને ‘Navstar’ નામ આપવામાં આવ્યું છે. આ પૈકીના કોઈ પણ ત્રણ ઉપગ્રહોના સંકેતો કોઈ એક સ્થળે અને સમયે ઝીલવાથી વિશ્લેષણ બાદ ફક્ત 10 મીટરની ત્રુટિની મર્યાદામાં સ્થાન નિશ્ચિત કરી શકાય છે. ઉપગ્રહોની આ પ્રણાલીનો ઉપયોગ વહાણો તેમજ વિમાનો પણ કરી શકશે, એટલું જ નહિ, પણ સાહસયાત્રાએ નીકળેલા મોટરબાઇક-સવારો કે પદયાત્રીઓ વગેરે પણ તેનો ઉપયોગ કરી શકશે.

યાન-નયનની કામગીરીમાં વપરાતાં જૂના જમાનાનાં સાધનો ચુંબકીય કંપાસ, સેક્સટન્ટ (sextant) વગેરેમાં પણ હવે મોટા ફેરફારો થયા છે. આજે વિઘૂર્ણ કંપાસ(gyro-compass)નો ઉપયોગ પ્રચલિત બન્યો છે. સમગ્રપણે જોતાં આ ક્ષેત્રમાં વ્યવહાર વધ્યો છે, ઝડપમાં ઘણો વધારો થયો છે અને સ્વયંસંચાલન(automation)માં પણ મોટી વૃદ્ધિ થવા પામેલ છે.

યાન-નયનની સમગ્ર ચર્ચામાં જેનો ઉલ્લેખ થયો નથી તે રેલવે યાતાયાતનું પણ આજના યુગમાં આગવું મહત્ત્વ છે. આપણા દેશમાં રેલવેનું તંત્ર તેના પાટાની લંબાઈમાં તેમજ રેલવે-કર્મચારીઓની સંખ્યાની બાબતમાં જગતભરનું એક વિશિષ્ટ સંગઠન (organization) ગણાય. તે રેલવેના અકસ્માતો નિવારવા માટે પૂર્વ-ચેતવણી આપવાની આધુનિક પ્રણાલી લેઝર (laser) કિરણો પર આધારિત હશે એવું લાગે છે.

આમ, યાન-નયન એ કોઈ પણ યાનને યોગ્ય દિશામાં લઈ જઈને સુનિશ્ચિત ધ્યેય પાર પાડવાનું જ્ઞાન છે. હજી આજે પણ આ જ્ઞાનના કેન્દ્રમાં રહેલો છે પેલો નાખુદા કે નાવિક (navigator) કે જે હમેશાં પડકારો સામે ઝૂઝતો રહે છે.

કમલનયન ન. જોશીપુરા