યાદવ, આનંદ (જ. 30 ઑક્ટોબર 1935, કાગલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. પુણે યુનિવર્સિટીમાંથી મરાઠી અને સંસ્કૃતમાં એમ.એ., મરાઠીમાં પીએચ.ડી.. અધ્યાપનનો વ્યવસાય. પુણે યુનિવર્સિટીના મરાઠીના ભાષા-વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષપદેથી નિવૃત્ત.

ગ્રામીણ લેખકો માટેની ઝુંબેશ સાથે સક્રિય સહયોગ. જુન્નર ગ્રામીણ સાહિત્ય સંમેલન (1980) તથા પ્રથમ દલિત, આદિવાસી, ગ્રામીણ સાહિત્ય સંમેલન, સક્રી(ધુલે) (1987)ના પ્રમુખ તરીકે કામગીરી. પુણેના ‘વિચારભારતી’ માસિક (1987–89) તથા મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદની ‘મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકા’(1979–82)નું સંપાદન-કાર્ય તેમણે સંભાળ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્યનાં ઇનામો ઉપરાંત કોલકાતાની રાષ્ટ્રીય હિંદી અકાદમીનો ઍવૉર્ડ (1994) અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ (1996) તેમને મળ્યા છે.

તેમનાં 25 જેટલાં પ્રકાશનોમાં ટૂંકી વાર્તાઓમાં ‘ખલાલ’ (1967), ‘મલબારચી મૈના’ (1976) અને ‘ઘરજમાઈ’ (1974); નવલકથાઓમાં ‘ગોટાવલા’ (1971), ‘નટરંગ’ (1980) તથા ‘મૌલી’ (1985); આત્મકથાત્મક નવલકથા રૂપે ‘ઝોન્બી’ તથા વિવેચનાત્મક કૃતિઓમાં ‘ગ્રામીણ સાહિત્ય : સ્વરૂપ આણી સમસ્યા’ (1979) અને ‘ગ્રામીણતા : સાહિત્ય આણી બસ્તાબ’ (1981) મુખ્ય છે.

તેમણે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, હોલૅન્ડ વગેરે દેશોનો પ્રવાસ પણ કર્યો છે.

મહેશ ચોકસી