યાત્રા : એક ધાર્મિક રિવાજ. પોતાના કાર્ય માટે કે વગર કાર્યે એક સ્થાનથી બીજા સ્થળે જવું એને પ્રવાસ કહેવાય. તે  લાંબા અંતરનો કે ટૂંકા અંતરનો હોઈ શકે છે. જ્યારે યાત્રા પુણ્ય મેળવવા માટે ધાર્મિક, પવિત્ર તીર્થોમાં જવાની પ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા યાત્રિકને હોય છે. નદી, પર્વત, મંદિર વગેરે પવિત્ર સ્થાનોમાં જઈને પવિત્ર અને પુણ્યશાળી બનવાની ભાવના યાત્રામાં હોય છે. પોતાના ધર્મની ર્દષ્ટિએ જે તીર્થ હોય તેનાં દર્શન કરવાની પ્રથા હિંદુ, જૈન અને બૌદ્ધ એ ભારતમાં પ્રચલિત ધર્મોમાં જ નહિ, પરંતુ યુરોપ અને એશિયામાં પ્રચલિત ખ્રિસ્તી, મુસલમાન, જરથોસ્તી, તાઓ, કોન્ફ્યૂશિયસ, શિન્ટો વગેરે ધર્મોમાં પણ ઈસવીસન પૂર્વેથી ચાલી આવેલી છે. મુસલમાનો મક્કાની હજ કરવા જાય છે તે પણ એક જાતની યાત્રા છે. ખ્રિસ્તીઓ બેથલેહેમ, જેરીકો અને જેરૂસલેમ દર્શન કરવા જાય છે તે પણ આવી જ યાત્રા છે.

ખાસ કરીને ભારતમાં તો જૈન અને બૌદ્ધ એ બે ધર્મો ઉપરાંત હિંદુ ધર્મના અનેક સંપ્રદાયો અને પેટાસંપ્રદાયોનો ઉદભવ અહીં જ થયો હોવાથી ભારતમાં ઠેર ઠેર તીર્થધામો છે અને એની યાત્રાએ જનારા અનેકાનેક ભારતવાસીઓ છે. પોતાના કુટુંબની જવાબદારીમાંથી પરવારીને મનુષ્યો પગપાળા તીર્થદર્શને જઈ પવિત્ર બની પુણ્ય મેળવીને પાછા ફરતા. એ પછી હિંદુધર્મીઓ ગંગાપૂજન પણ કરતા.

વિશાળ ભારતમાં ગામે ગામે એકાદ મંદિર કે જળાશય હોય છે જ. પરંતુ જ્યાં કુદરતી રીતે જ નદી, સમુદ્ર, પર્વત વગેરેની સુંદર રચના થઈ હોય ત્યાં કોઈકે સુંદર મંદિર બંધાવ્યું હોય છે. તે શાંત અને પવિત્ર સ્થળને તીર્થધામ કહે છે. ગુજરાતનાં આવાં તીર્થધામોમાં દ્વારકા, અંબાજી, ડાકોર, પ્રભાસ પાટણ, ચોટીલા, ગિરનાર, ચાણોદ, કરનાળી વગેરે અત્યંત જાણીતાં છે અને ત્યાં અનેક લોકો પગપાળા યાત્રા કરવા જાય છે. એ જ રીતે આબુ, શેત્રુંજો વગેરે જૈન ધર્મના અનુયાયીઓની યાત્રાનાં પ્રમુખ તીર્થો છે. જૈનોમાં ચોક્કસ સ્થળની યાત્રા માટે સંઘ કાઢવાનો રિવાજ છે. શ્રીમંત જૈન લોકો પોતાની આસપાસના અને અન્ય લોકોને તીર્થયાત્રાએ લઈ જાય છે. એ રીતે સંઘ કાઢનારને સંઘવી કહે છે. જૈનો ઉપરાંત નાગરોમાં પણ આ અટક જોવા મળે છે. વળી નર્મદા નદીમાં કિનારે-કિનારે તેના મૂળથી મુખ સુધીની પરિકમ્માની યાત્રા પણ ગુજરાતમાં એક જુદી જાતની યાત્રા છે.

મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ યાત્રા કરવાના ઉલ્લેખો મળે છે. બળરામની યાત્રા, અર્જુનની એક વર્ષની યાત્રા, વિદુરની યાત્રા અને છેલ્લે, યુધિષ્ઠિર વગેરે પાંડવોની હિમાળો ગળવાની જીવનની અંતિમ યાત્રા વગેરે યાત્રાનાં ઉદાહરણો છે. આ યાત્રાઓમાં તેઓ કયાં કયાં તીર્થોમાં ગયેલાં તેના નિર્દેશો વેદવ્યાસે આપ્યા છે, જે તે સમયનાં પ્રચલિત તીર્થધામો છે.

કે. કા. શાસ્ત્રી

પ્ર. ઉ. શાસ્ત્રી