યાજ્ઞિક, હસુ (જ. 12 ફેબ્રુઆરી 1938, રાજકોટ; અ. 10 ડિસેમ્બર 2020, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને સંશોધક. આખું નામ : હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1960માં બી.એ., 1962માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ., 1972માં મધ્યકાલીન ગુજરાતી કામકથા પર પીએચ.ડી. થયા.
1963–82 દરમિયાન સુરેન્દ્રનગર, વીસનગર, અમદાવાદ અને જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. 1982થી 1996 સુધી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના મહામાત્ર. શ્રી મેઘાણી લોકવિદ્યા સંશોધન ભવન, અમદાવાદમાં મૅનેજિંગ ટ્રસ્ટી હતા. તેમણે ‘ઉપમન્યુ’, ‘પુષ્પધન્વા’, ‘બી. કાશ્યપ’, ‘વ્રજનંદન જાની’ અને ‘શ્રીધર’ ઉપનામોથી પણ સાહિત્યસર્જન કર્યું હતું. તેમણે નવલકથાઓ, વાર્તાસંગ્રહો, જેલકથાઓ, મધ્યકાલીન કથાઓ, મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના વિવેચનો, લોકસાહિત્ય સંપાદનો અને બાલકથાઓ આપ્યાં છે.
રંજકતાને સ્પર્શતી એમની ઘણી નવલકથાઓ પૈકી ‘દગ્ધા’ (1968), ‘હાઇવે પર એક રાત’ (1981), ‘બીજી સવારનો સૂરજ’ (1982), ‘સોળ પછી’ (1986) અને ‘નીરા કૌસાની’ (1987) ઉલ્લેખનીય છે. તેમાંનું કથાવસ્તુ સરળ અને સુવાચ્ય શૈલીમાં આલેખાયું છે. ‘દીવાલ પાછળની દુનિયા’ (1984) સાચા કિસ્સાઓનું કલ્પના-મિશ્રિત હૂબહૂ વર્ણન છે.
‘મનડાની માયા’ (1985), ‘એક જુબાનીમાંથી’ (1985) અને ‘પછીતના પથ્થરો’ (1985) એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા’ (1974), ‘મધ્યકાલીન કથાસાહિત્ય’ (1988), ‘શામળ’ (1978) અને ‘સંસ્કૃત કથાસાહિત્ય’ (1997) તેમના અભ્યાસગ્રંથો છે.
‘કામકથા’(1987)માં સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રી-ચરિત્રનાં કથાનકો અને ‘કામકથા સૂડાબહોતેરી’(1987)માં પણ સ્ત્રીચરિત્રને વાચા આપતાં કથાનકો આપ્યાં છે. ‘ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ’ (1972) નામક કાવ્યસંગ્રહ તેમનું સહસંપાદન છે. ‘ગુજરાતી લોકકથાઓ’ (1996), ‘સૌરભ વ્રતકથાઓ’ (1999), ‘સૌરભ નવરાત ગરબા’ (1999), ‘સૌરભ લગ્નગીત’, ‘સૌરભ પદભજનાવલી’ (1999) અને ‘લગ્નોલ્લાસ’ (2001) તેમનાં લોકસાહિત્યનાં સંપાદનો છે. તેમનાં થોડાંક લોકસાહિત્ય-વિવેચનો ઉલ્લેખનીય છે. ‘હરિ વેણ વાય છે રે હો વનમાં’(1988)માં ડૉ. હરિવલ્લભ ભાયાણી-સંપાદિત પારંપરિક ભક્તિગીતોનું એમણે સ્વરાંકન આપ્યું હતું. ‘ગોકુળમાં ટહુક્યા મોર’ (1989) અને ‘ઝરમર મેહ ઝબૂકે વીજ’(1989)નું પણ એમણે સ્વરાંકન કર્યું હતું.
તેમની સંગીતને લગતી કૃતિઓ જેવી કે, ‘વાયોલિન-વાદન (1992), ‘રાગદર્શન’ (1993), ‘હાર્મોનિયમવાદન’ (1997), ‘બંસરી-વાદન’ (1998) પ્રશંસનીય છે. તેમણે કેટલાંક સંશોધન-પત્રો અંગ્રેજીમાં પ્રકાશિત કર્યાં હતા. તેમની ‘કૃષ્ણચરિત’ અને ‘રામકથા’ કૃતિઓ મરાઠી, ઊડિયા અને હિંદી ભાષાઓમાં અનૂદિત કરાઈ છે.
તેમને ટૂંકી વાર્તાઓ માટે રૌપ્યચંદ્રક (1954); ‘દીવાલ પાછળની દુનિયા’ને સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક; સ્કાયલાર્ક, લંડનનો ઍવૉર્ડ (1994); ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડન તરફથી ફેલોશિપ (1997) તથા ‘ગુજરાતની લોકવિદ્યા’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં.
‘આત્મગોષ્ઠી’ 2019માં પ્રકાશિત થયેલું પુસ્તક છે.
યાજ્ઞિકને 1954માં તેમની ટૂંકી વાર્તાઓ માટે ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી સિલ્વર મેડલ મળ્યો હતો. તેમની ‘દિવાલ પાછળની દુનિયા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર મળ્યો હતો . તેમને સ્કાયલાર્ક, લંડન (1994) તરફથી એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડન (1997) તરફથી ફેલોશિપ પણ મળી હતી. તેઓને 2011 માં કવિ કાગ પુરસ્કાર મળ્યો હતો તેમને તેમના કાર્ય ગુજરાતની લોકવિદ્યા માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પુરસ્કાર પણ મળ્યો હતો. 2013માં મેઘાણી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
બળદેવભાઈ કનીજિયા