યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ

January, 2003

યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ (જ. 21 સપ્ટેમ્બર 1895, નડિયાદ, ગુજરાત; અ. 11 ડિસેમ્બર 1960, મુંબઈ) : નાટ્યકાર, વિવેચક અને સંપાદક. વડનગરા નાગર પરિવારમાં જન્મ. મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નાના ભાઈ. તેમના પિતા તબીબ હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. 1917માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ. અને 1920માં એ જ વિષયમાં એમ.એ.. ત્યારબાદ થોડો સમય કરાંચી તેમજ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપી. પછી ભાવનગરની શામળદાસ કૉલેજમાં અંગ્રેજીના મુખ્ય અધ્યાપક હતા ત્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રણેતા અને સંચાલક બનીને તત્કાલીન રૂઢિચુસ્ત સમાજની કૉલેજિયન કન્યાઓને નાટકમાં ભાગ લેતી કરેલી.

1929–1931 દરમિયાન ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડી લંડન યુનિવર્સિટીમાંથી ‘ઇન્ડિયન થિયેટર’ વિશે શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1940માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના આચાર્ય તરીકે જોડાયા. શેક્સપિયરના ઉત્તમ અભ્યાસી તેમજ વિદ્યાર્થીવત્સલ અધ્યાપક તરીકે તેમની ખ્યાતિ હતી. તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજને સાંસ્કૃતિક અને ખેલકૂદ-પ્રવૃત્તિઓથી ધમધમતી કરીને પ્રથમ નંબરની કૉલેજ બનાવી. વળી ત્યાં વિજ્ઞાન વિભાગ ખોલ્યો અને સંખ્યાબંધ છાત્રાલયોની સ્થાપના કરી, વિશાળ વિદ્યાસંકુલ ઊભું કર્યું. તેને માટે સૌરાષ્ટ્રમાંથી કુનેહપૂર્વક લાખો રૂપિયાનું દાન મેળવતાં તેઓ કાઠિયાવાડના માલવિયાનું બિરુદ પામ્યા. રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વાગત-પ્રમુખ નિમાયા ત્યારે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપવા માટેનો પ્રસ્તાવ પ્રથમ વાર જાહેરમાં મૂક્યો. 1950ના અરસામાં બે વર્ષ સુધી સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ-નિયામક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ નડિયાદ ખાતે જે. ઍન્ડ જે. કૉલેજમાં આચાર્ય નિમાયા. ટૂંક સમયમાં એક ઉમદા કાર્ય માટે નિમંત્રણ મળતાં તેઓ પૂર્વ આફ્રિકા ગયા. પોરબંદરના શેઠ નાનજી કાળીદાસની પ્રેરણાથી નૈરોબી ખાતે તેમણે આફ્રિકાનિવાસી ગુજરાતીઓ પાસેથી 75 લાખ શિલિંગ જેટલું દાન એકત્ર કરીને ‘ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’ નામની સંસ્થાની સ્થાપના કરી. મોટાભાગનો કર્મચારીગણ ઇંગ્લૅન્ડમાંથી પસંદ કર્યો અને તે સંસ્થાનું જોડાણ લંડન યુનિવર્સિટી સાથે કર્યું. ભારતના તત્કાલીન ઉપપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણનના વરદ હસ્તે તે સંસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

તેઓ વર્ષો સુધી મુંબઈ યુનિવર્સિટીમાં ફેલો તરીકે રહ્યા હતા. તેમણે તેમના શોધનિબંધ ‘ઇન્ડિયન થિયેટર’ (અંગ્રેજીમાં, 1933) ઉપરાંત ગજેન્દ્ર બૂચનાં કાવ્યો અને લેખોનો સંગ્રહ ‘ગજેન્દ્ર મૌક્તિકો’ નામથી સંપાદિત કરેલો (1928). તેમના નાટક અને રંગભૂમિને લગતા લેખો ‘નાટક વિશે’ નામે ગ્રંથસ્થ થયા છે. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.

કુ. પો. યાજ્ઞિક