યાંગ શાંગફુન (જ. 1907, તોંગ્નાન, સિચૂન, ચીન; અ. 1989) : ચીનના પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખ. તેમણે મૉસ્કો ખાતે અભ્યાસ કર્યો. 1956માં તેઓ પક્ષના સેક્રેટેરિયટમાં વારાફરતી સભ્યપદ ભોગવતા હતા; પરંતુ 1966 –1969ના ગાળાની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ દરમિયાન, કહેવાતી સુધારણાવાદી નીતિ અપનાવવા બદલ પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. 1978માં તેમને પુનર્નિયુક્ત કરાયા હતા અને 1982માં પૉલિટબ્યુરોમાં પ્રવેશ અપાયો હતો.

1983માં તેઓ સ્ટેટ સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષ નિમાયા અને ત્યારબાદ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેઓ ડેંગ શોપિંગના વિશ્વાસુ સમર્થક મનાતા હતા. સિનિયર લશ્કરી નેતાગણ સાથે તેઓ અતિ નિકટના અંગત સંબંધો ધરાવતા રહ્યા અને જૂન 1989માં તેમને વફાદાર રહેલી સત્તાવીસમી લશ્કરી ટુકડીએ જ લોકશાહીતરફી વિદ્યાર્થીઓની બેજિંગ ખાતેના ટિયેનનમેન સ્ક્વેર ખાતે કતલ કરી હતી.

મહેશ ચોકસી