યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક શિક્ષણ ડી. એ. વી. સ્કૂલ, લાહોરમાં લીધું હતું. 1919માં ફીરોઝપુરની સરકારી માધ્યમિક શાળામાં દાખલ થયા, જ્યાં પંજાબ કેસરી લાલા લજપતરાય સાથે પરિચય થયો. મિડલ સ્કૂલની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થયા. મૅટ્રિકની પરીક્ષામાં પણ પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. શિષ્યવૃત્તિ સાથે લાહોરની કૉલેજમાં દાખલ થયા, પરંતુ આઝાદીની લડતમાં ભાગ લેવાના હેતુથી ઉચ્ચ શિક્ષણનો ત્યાગ કર્યો. ચૌરીચૌરાનો સત્યાગ્રહ પાછો ખેંચી લેવાતાં નિરાશ થયેલા યશપાલ ફરી કૉલેજમાં દાખલ થયા અને બી. એ.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ અધ્યાપકની નોકરીમાં જોડાયા. લાહોરની કૉલેજ-કારકિર્દી દરમિયાન ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, બટુકેશ્વર દત્ત, સુખદેવ જેવા ક્રાંતિકારો સાથે ઘનિષ્ઠ પરિચય થતાં તેમના મનમાં પણ ક્રાંતિની સ્ફુરણા થઈ અને 1929માં દિલ્હીમાં તેમણે ભગવતીચરણ વોરા સાથે વાઇસરૉયની ગાડી નીચે બૉમ્બ મૂકીને વાઇસરૉયનું ખૂન કરવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ નીવડ્યો. 1929–32ના ગાળામાં ભૂગર્ભમાં રહ્યા, પરંતુ 1932માં પોલીસના હાથે પકડાઈ ગયા. વિદેશી શાસનની વિરુદ્ધમાં કાવતરાં કરવાના આરોપસર ચૌદ વર્ષના કઠોર કારાગારની સજા થઈ, પરંતુ 1938માં ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર સત્તા પર આવતાં અન્ય રાજકીય બંદીઓ સાથે યશપાલને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ભૂગર્ભમાં હતા તે દરમિયાન 1930માં પંજાબના ક્રાંતિકારી સંગઠન ‘હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી’ના તે પ્રમુખ ચૂંટાયેલા અને 1931માં ચંદ્રશેખર આઝાદના અવસાન બાદ તે ઉપરોક્ત સંસ્થાના સરસેનાપતિ નિમાયા હતા.
યશપાલ બહુભાષાવિદ હતા. તેઓ હિંદી, અંગ્રેજી, બંગાળી, ફ્રેંચ, રશિયન અને ઇટાલિયન ભાષાઓના જાણકાર હતા.
જીવનના શરૂઆતના ગાળામાં તેમના પર તેમની માતાના જે સંસ્કાર પડ્યા હતા તેને કારણે યશપાલ આર્યસમાજ તરફ આકર્ષાયા હતા, પરંતુ ક્રાંતિકારીઓના પરિચયમાં આવતાં તેઓ દેશભક્ત, ધર્મનિરપેક્ષ અને ક્રાંતિકારી બન્યા, જેની અસર તેમનાં ત્યારપછીનાં લખાણોમાં સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે. તેમણે બૉમ્બ તૈયાર કરવાનું કારખાનું પણ શરૂ કર્યું હતું. 1940માં ફરી વાર તેમની ધરપકડ કરવામાં આવી.
દેશને આઝાદી મળ્યા બાદ તેમણે રાજકીય પ્રવૃત્તિઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને જીવનનાં બાકીનાં ત્રીસ વર્ષ (1947–76) સાહિત્ય-સર્જનમાં પસાર કર્યાં.
યશપાલે 1952માં સોવિયેત સંઘ, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. 1952માં પ્રકાશિત ‘લોહે કી દીવાર કી દોનોં ઓર’ તેમનો પ્રવાસ-વર્ણન પર આધારિત પ્રથમ ગ્રંથ છે. 1953માં ‘રાહબીતી’ શીર્ષક હેઠળ તેમનો પ્રવાસ-વર્ણન પર આધારિત બીજો ગ્રંથ પ્રકાશિત થયો હતો. 1955, ’56, ’58 અને ’64 આ ચાર વર્ષો દરમિયાન પણ તેમણે વિદેશપ્રવાસ ખેડ્યો હતો. ‘નશે નશે કી બાત’ (1952) એ તેમણે લખેલું એકમાત્ર નાટક છે. પરંતુ વાર્તાઓ, નિબંધો અને નવલકથાઓમાં તેમની ઊંચી સાહિત્યિક ગુણવત્તા પ્રતીત થાય છે.
યશપાલે જેમ વિપુલ સાહિત્યસર્જન કર્યું છે, તેમ જ તેમણે વૈવિધ્યપૂર્ણ વિષયો પર ચિંતનાત્મક લખાણો પણ કર્યાં છે. દેશવિદેશની સમકાલીન રાજકીય ઘટનાઓ, ગાંધીવાદી અને સામ્યવાદી વિચારસરણીઓનું પૃથક્કરણ, ભારતીય સમાજમાં વ્યાપક રીતે જોવા મળતી રૂઢિઓ અને અંધશ્રદ્ધાઓને કારણે સામાજિક જીવન પર પડતી તેની વિપરીત અસરો, સ્ત્રીજાતિનો સમાજના વિકાસમાં મહત્વનો ફાળો, સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો, વર્ગ-સંઘર્ષ વગેરે અનેક વિષયો પર તેમણે પ્રગતિશીલ ર્દષ્ટિકોણથી વિચારપ્રેરક વિવેચનો કર્યાં છે.
તેમની બાર નવલકથાઓમાં ‘ઝૂટ-સચ’ (1960) (બે ભાગમાં), ‘દિવ્યા’ (1954), ‘અમિતા’ (1956), ‘અપ્સરા કા શાપ’ (1965), ‘મેરી તેરી ઉસ કી બાત’ (1974), ‘દાદા કૉમરેડ’ (1941), ‘દેશદ્રોહી’ (1943), ‘પાર્ટી કૉમરેડ’ (1947), ‘મનુષ્ય કે રૂપ’ (1949), ‘વતન ઔર દેશ’, ‘દેશ કા ભવિષ્ય’, ‘બારહ ઘંટે’ (1963) નોંધપાત્ર છે. તેમની અનૂદિત નવલકથાઓ ચાર છે : ‘પક્કા કદમ’, ‘જુલેખા’, ‘જનાની ક્ડયોઢી’ અને ‘ચલની મેં અમૃત’.
નિબંધસાહિત્યના ક્ષેત્રમાં તેમના દસ ગ્રંથો છે : ‘ન્યાય કા સંઘર્ષ’ (1940). ‘માર્કસવાદ’ (1941); ‘ગાંધીવાદ કી શવપરીક્ષા’; ‘ચક્કર ક્લબ’; ‘બાત બાત મેં બાત’; ‘રામરાજ્ય કી કથા’; ‘દેખા, સોચા, સમઝા’; ‘જગ કા મુજરા’; ‘બીવીજી કહતી હૈં મેરા ચેહરા રોબીલા હૈ’ અને ‘ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી’.
યશપાલે તેમના સાહિત્યિક જીવનકાળ દરમિયાન (1939–65) આશરે 235 જેટલી વાર્તાઓ લખી હતી, જે ચૌદ ઉપરાંત વાર્તાસંગ્રહોમાં ગ્રંથસ્થ કરવામાં આવી છે. નવલકથાઓની જેમ તેમની વાર્તાઓમાં પણ તેમની પ્રગતિશીલ વિચારસરણી ર્દષ્ટિગોચર થાય છે.
યશપાલે પોતાનું આત્મચરિત્ર ‘સિંહાવલોકન’ શીર્ષક હેઠળ ત્રણ ભાગમાં (1951, ’52 અને ’55) પ્રકાશિત કર્યું છે, જેમાં સ્વજીવનવિવરણ ઉપરાંત સમકાલીન સાહિત્ય, રાજકીય પરિસ્થિતિ અને તત્કાલીન સામાજિક માળખાની સમાલોચના કરી છે અને તેને કારણે સર્વસામાન્ય રીતે લખાતાં આત્મચરિત્રો કરતાં તે જુદું તરી આવે છે.
સુધા શ્રીવાસ્તવ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે