યવતમાળ : મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 30´થી 20° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો લગભગ 13,584 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ નાનો પણ વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં મોટો છે. તેની ઉત્તરે અમરાવતી અને વર્ધા જિલ્લા, પૂર્વમાં ચંદ્રપુર, દક્ષિણમાં આંધ્રપ્રદેશની સીમા અને પરભણી જિલ્લો તથા પશ્ચિમે પરભણી અને અકોલા જિલ્લા આવેલા છે. જિલ્લામથક યવતમાળ જિલ્લાની ઉત્તરમાં આવેલું છે, જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પાડવામાં આવેલું છે. ‘આઇને અકબરી’ મુજબ ‘યોત લોહારા’ (‘યવત’નું અપભ્રંશ ‘યોત’) નામનું નાનું ગામ તેની પશ્ચિમે 5 કિમી. અંતરે આવેલું છે. પછીથી લોહારા ગામ પણ તેમાં ભળી જવાથી આ સ્થળનું સંયુક્ત નામ ‘યવતમાળ’ પડેલું છે. ટૂંકમાં, આ સ્થળના મૂળ નામ ‘યવત’ પરથી ‘યવતમાળ’ થયેલું છે.

યવતમાળ જિલ્લો (મહારાષ્ટ્ર)

ભૂપૃષ્ઠજળપરિવાહ : ભૂપૃષ્ઠની દૃષ્ટિએ આ જિલ્લો બાલાઘાટમાં આવેલો છે, અર્થાત્ વરાડનો દક્ષિણ ઉચ્ચપ્રદેશ રચે છે. તેનો ઉત્તર ભાગ પાયનઘાટ (વરાડ ખીણ) અને યવતમાળ ઉચ્ચપ્રદેશથી બનેલો છે. નૈર્ઋત્ય તરફ પુસદ ટેકરીઓ આવેલી છે. વરાડખીણનો થોડો ભાગ આ જિલ્લામાં આવેલો છે. આ ખીણભાગ 8થી 22 કિમી. પહોળાઈના મેદાનનો એક પટ્ટો રચે છે. પશ્ચિમ તરફની અજન્તા પર્વતમાળાનું વિસ્તરણ અહીં ટેકરીઓરૂપે જોવા મળે છે. જિલ્લાનો મધ્યભાગ ઉગ્ર ઢોળાવવાળો ઉચ્ચપ્રદેશીય છે. તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી આશરે 300થી 600 મીટર વચ્ચેની છે. અજન્તા હારમાળાની અહીંની શાખા પેનગંગા નદીની પહોળી ખીણોથી ખંડિત બનેલી છે. એ જ રીતે જિલ્લાનો કેટલોક દક્ષિણ ભાગ નદીના મેદાની પટ્ટાથી રચાયેલો છે. પેનગંગાની સહાયક નદીઓએ પણ આ પહાડી પ્રદેશમાં નાનામોટા ખીણપ્રદેશો રચ્યા છે.

વર્ધા અને પેનગંગા આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. તે બંને અનુક્રમે જિલ્લાની ઉત્તર અને દક્ષિણ સરહદ રચે છે. પુસ, આદાન-અરુણાવતી, વાઘડી, ખૂણી, વિદર્ભ અને નિર્ગુડા સહાયક નદીઓ છે. આ બધી નદીઓ વર્ષનો મોટો ભાગ વહેતી રહે છે.

ખેતી–પશુપાલન : રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ જ અહીં પણ ખેતીની બે મોસમ છે : ખરીફ અને રવી. ખરીફ પાકો અહીં વધુ પ્રમાણમાં લેવાય છે. ખરીફ પાકોમાં જુવાર, મગફળી, કપાસ અને તુવેર તથા રવી પાકોમાં ઘઉં અને ચણાનો સમાવેશ થાય છે. ડાંગર અને તેલીબિયાં પણ થોડા પ્રમાણમાં થાય છે. અહીંની ખેતી તળાવો અને કૂવાની સિંચાઈથી થાય છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગો : કોલસો અને ચૂનાખડકો અહીં સારા પ્રમાણમાં મળી આવે છે. ચૂનાખડક વિંધ્ય રચનાનો છે તેમજ તે સિમેન્ટ-કક્ષાનો છે. તે સૂક્ષ્મ દાણાદાર, સખત, ઘનિષ્ઠ અને ઘેરા રાખોડી રંગનો છે. તે જ્યારે તાજો તોડવામાં આવે છે ત્યારે ખનિજતેલ જેવી ગંધ આપે છે. અહીંનાં અન્ય સ્થળોએ મળી આવતા બીજા કેટલાક ચૂનાખડકો સિલિકાયુક્ત છે. અહીં વાણી (જૂનું નામ ‘વ્રુણ’) ખાતે મળતા કોલસાના થરોમાં બેરાઇટ હોવાનું જાણવા મળેલું છે, પરંતુ તેનો જથ્થો આર્થિક ર્દષ્ટિએ મહત્વનો નથી.

આ જિલ્લો મહારાષ્ટ્રના ઔદ્યોગિક રીતે પછાત જિલ્લાઓ પૈકીનો એક છે. જિલ્લાના મોટાભાગના ઉદ્યોગો કૃષિપેદાશોના પ્રક્રમણ પર આધારિત છે. વર્તમાન કાર્યરત ઉદ્યોગોમાં કપાસની જિનિંગ-પ્રેસિંગ મિલો, તેલમિલો, વણાટકામ, ઈંટવાડા, લાટીઓ વગેરેનો સમાવેશ થાય છે. ગામડાંના કારીગરો સ્થાનિક માંગને પહોંચી વળવા માટે જિલ્લામાં ઉપલબ્ધ કાચા માલનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે હુન્નરકામ કરે છે. કુટિર-ઉદ્યોગો તેમજ નાના પાયા પરના અન્ય ઉદ્યોગોમાં હાથસાળ, ખાદીકામ, હુન્નરકળા, નેતર અને વાંસકામ, તેલઘાણીઓ, માટીકામ, ચર્મકામ, સુથારીકામ, લુહારીકામ વગેરેનો સમાવેશ થાય છે. યવતમાળ ખાતે આવેલી યવતમાળ તેલમિલ અહીંનો એકમાત્ર મુખ્ય ઉદ્યોગ છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં જુદી જુદી ઔદ્યોગિક સહકારી મંડળીઓ સ્થાપવામાં આવી છે અને તેલ-પ્રેસિંગ મિલો, વણાટકામ વગેરેને આ મંડળીઓ હેઠળ મૂકવામાં આવ્યાં છે. આ જિલ્લામાંથી કપાસ-કપાસિયાં, જુવાર, ચણા, કઠોળ, ટેન્ડુપાન, લાકડાં વગેરેની જિલ્લા બહાર નિકાસ થાય છે.

પરિવહન–પ્રવાસન : જિલ્લામથક અને અન્ય નગરો રેલમાર્ગ તેમજ પાકા રસ્તાઓથી સંકળાયેલાં છે. જિલ્લાનાં 40 % ગામડાંઓમાં પાકા રસ્તાઓની સગવડ છે, 52 % જેટલાં ગામડાં રેલમથકો અને બસમથકોની સુવિધા ધરાવે છે.

જિલ્લો કલા, સ્થાપત્ય અને પુરાતત્વીય બાબતોમાં પાછળ છે; પરંતુ અહીં કેટલાંક સુંદર મંદિરો આવેલાં છે. દરવાહા તાલુકામાં આવેલાં વાણી અને મોહો ખાતેનાં મંદિરોનું મહત્વ વધુ છે. વારતહેવારે અહીં મેળા ભરાય છે અને લોકો તેમાં પોતાની ચીજવસ્તુઓ વેચે છે. ઘંટીબાબાનો મેળો અને શ્રી રંગનાથસ્વામીનો મેળો અહીં ખૂબ જાણીતા બનેલા છે. આ ઉપરાંત માનાજી મહારાજ, રામાનંદ મહારાજ, સંત મારુતિ મહારાજ તેમજ ગોપાલકૃષ્ણ નીલકંઠેશ્વરના મેળા પણ ભરાય છે.

વસ્તી–લોકજીવન : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 24,60,482 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 51 % અને 49 % તથા 85 % અને 15 % જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ, મુસ્લિમો અને બૌદ્ધોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈન અને અન્ય ધર્મીઓનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં મરાઠી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લાની માત્ર 15 % વસ્તી શિક્ષિત છે. તે પૈકી 60 % પુરુષો અને 40 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 76 % અને 24 % જેટલું છે. જિલ્લામાં શિક્ષણસંસ્થાઓની સંખ્યા વસ્તીના પ્રમાણમાં ઓછી છે. જિલ્લામાં યવતમાળ ખાતે 22 જેટલી ઉચ્ચશિક્ષણની કૉલેજો આવેલી છે. એ જ રીતે જિલ્લામાં દવાખાનાઓનું પ્રમાણ પણ ઓછું છે.

જિલ્લાને વહીવટી સરળતા માટે 14 તાલુકાઓ અને 14 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 10 નગરો અને 2,108 (272 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1863 સુધી તો યવતમાળનો વિસ્તાર પૂર્વ વરાડ જિલ્લાનો એક ભાગ હતો. 1864માં યવતમાળ, દરવાહા, કેલાપુર અને વાણી તાલુકાઓને પૂર્વ વરાડ જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યા, તે વખતે તેને અગ્નિ વરાડ જિલ્લો અને પછીથી વાણી જિલ્લો નામ અપાયેલાં. 1905માં તત્કાલીન વાસીમ જિલ્લામાંથી પુસદ તાલુકાને ફેરવીને વાણી જિલ્લામાં મૂકવામાં આવેલો. તે જ વર્ષે વાણી જિલ્લાનું નામ બદલીને યવતમાળ કરવામાં આવ્યું. 1956માં રાજ્ય-પુનર્રચના વખતે યવતમાળ જિલ્લાને મધ્યપ્રદેશમાંથી ફેરવીને મુંબઈ રાજ્યમાં અને 1960માં મહારાષ્ટ્ર રાજ્યમાં મૂકવામાં આવ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા