યવન દેશ : પ્રાચીન કાળ દરમિયાન યવનો (ગ્રીકો) દ્વારા શાસિત ભારતીય અને તેને અડીને આવેલા પ્રદેશ કે વિસ્તાર માટે પ્રાચીન ભારતીય સાહિત્ય તેમજ ઉત્કીર્ણ લેખોમાં વપરાયેલો શબ્દ. મૌર્ય સમ્રાટ અશોક(ઈ. પૂ. 273–236)ના શિલાલેખમાં તેમજ બૌદ્ધ પાલિગ્રંથ ‘મઝ્ઝીમનીકાય’માં પ્રાકૃતમાં અનુક્રમે ‘યોન દેશ’ અને ‘યોનનો પ્રદેશ’ એમ ઉલ્લેખ મળે છે. આ યોન (Yon) શબ્દ સંસ્કૃત શબ્દ ‘યવન’નું રૂપ છે અને એ શબ્દ જૂની ફારસીના ‘યઉન’ ઉપરથી સીધેસીધો ભારતીય સાહિત્યમાં દાખલ થયો છે. ઈ. પૂ.ની પાંચમી સદીના પાણિનિના ‘અષ્ટાધ્યાયી’માં સૌપ્રથમ ‘યવન’ શબ્દનો ઉલ્લેખ મળે છે. આયોનિયન નામની ગ્રીક જાતિનો માણસ પણ યવન કહેવાતો. યૂનાન (ગ્રીસ) દેશમાં આયોનિયા નામનો પ્રાંત હતો. તેનો સંબંધ પૂર્વના દેશો સાથે હોવાથી ભારતીયો તે દેશના વતનીને યવન કહેતા હતા. પાછળથી પશ્ચિમમાંથી આવનાર પરદેશીઓને યવન કહેવામાં આવતા હતા. આ શબ્દનો પ્રયોગ મ્લેચ્છના અર્થમાં પણ થવા લાગ્યો હતો; પરંતુ મહાભારતકાળમાં યવન અને મ્લેચ્છ એ બંને જુદી જુદી જાતિઓ મનાતી હતી. યવનો (ગ્રીકો) મુખ્યત્વે ઈ. પૂ.ની બીજી સદી દરમિયાન બૅક્ટ્રિયા (બલ્ખ) અને અફઘાનિસ્તાનના પ્રદેશમાં વસેલા હતા. ભારતીય ગ્રંથોમાં યવન દેશનો ઉલ્લેખ મળે છે. તે સિકંદરે ભારત ઉપર કરેલા આક્રમણ(ઈ. પૂ. 327–325)ને અંતે સ્થપાયેલાં ગ્રીક રાજ્યો બૅક્ટ્રિયા અને પાર્થિયા વિશે છે. તેમાં પાર્થિયા વર્તમાન ખુરાસાન અને કાસ્પિયન સરોવરના અગ્નિ વિસ્તારમાં તથા બૅક્ટ્રિયા બલ્ખ આસપાસના વિસ્તારમાં અને હિંદુકુશ પર્વતની આગળના ઉત્તર અફઘાનિસ્તાન વિસ્તારમાં આવેલો હતો. આ પ્રાંતો સિકંદરના મૃત્યુ પછી પશ્ચિમ એશિયા અને ઈરાન પર સેલ્યુકસ નિકેતર દ્વારા સ્થપાયેલા ‘સેલ્યુસીડ વંશ’ના અધિકારક્ષેત્રમાં હતા. મૌર્ય સામ્રાજ્યની સીમા ઉપર્યુક્ત યવન રાજ્યોને મળતી હતી. કારણ કે સેલ્યુકસે ભારતીય પ્રદેશો ઉપર આક્રમણ કર્યું હતું (ઈ. પૂ. 305), ત્યારે નિષ્ફળતા મળતાં સંધિ કરીને હેરાત, કાબુલ અને કંદહાર ઉપર મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તની સત્તા સ્વીકારી લીધી હતી. ત્યારથી માંડીને સેલ્યુસીડ વંશના અંતિમક (એન્ટિઓક)–3એ ભારત ઉપર આક્રમણ કર્યું (ઈ. પૂ. 206) ત્યાં સુધી હિંદનાં યવન રાજ્યો સાથેના સંબંધો સારા રહ્યા હતા.

ઈ. પૂ.ની ત્રીજી સદીમાં બૅક્ટ્રિયા અને પાર્થિયા સેલ્યુસીડ વંશના આધિપત્યમાંથી બળવો કરીને સ્વતંત્ર બન્યાં હતાં. તેમાં ડિયોડોટ્સ–1એ બૅક્ટ્રિયા ઉપર અને આર્સેસિસે પાર્થિયા પર સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. સેલ્યુસીડ વંશના અંતિમક–3(ઈ. પૂ. 323–187)એ બંનેય પ્રાંતોની સ્વતંત્રતા સ્વીકારી લીધી હતી. ત્યારપછી આ બંનેય યવન દેશો ભારતીય શાસકો સાથે સંઘર્ષમાં આવ્યા હતા અને ભારતીય પ્રદેશ ઉપર સત્તાવિસ્તાર કર્યો હતો.

મૌર્યકાળના નબળા શાસકોના શાસન દરમિયાન તેમજ અનુમૌર્યકાળ દરમિયાન ભારતના ઉત્તરાપથ (વાયવ્ય ભારત અને મધ્ય એશિયાને અડીને આવેલો આર્યાવર્તનો પ્રદેશ), અપરાંત (ઉજ્જૈનથી અગ્નિ અને ઉત્તર કોંકણ –સોપારાનો વિસ્તાર) અને મધ્યદેશ (હિમાલય અને વિંધ્ય વચ્ચેનો ઉત્તર ભારતનો મધ્યભાગ  અલ્લાહાબાદ અને પૂર્વ પંજાબ વચ્ચેનો વિસ્તાર) વિસ્તારો પર વિદેશી સત્તા સ્થપાઈ હતી. અને આ વિદેશીઓમાં પ્રથમ ચડાઈ લાવનાર યવનો (ગ્રીકો) હતા. સેલ્યુસીડ વંશના અંતિમક–3એ પૂર્વમાં બૅક્ટ્રિયા ઉપર આક્રમણ કરીને સંધિ કરી (ઈ. પૂ. 206) પછી કાબુલ ખીણ પ્રદેશમાં સત્તા સ્થાપી દીધી. હતી.

યવન દેશના રાજાઓના ભારતીય પ્રદેશો ઉપરના સત્તાવિસ્તારની માહિતી તેમના સિક્કાઓ અને ભારતીય અને રોમન સાહિત્યિક ઉલ્લેખો દ્વારા પ્રાપ્ત થાય છે. બૅક્ટ્રિયાના રાજા એઉથીદીમ(ઈ. પૂ. 212–190)ના ચાંદીના સિક્કા બૅક્ટ્રિયા, બુખારા, હિંદુકુશની ઉત્તરેથી અને કાંસાના સિક્કા કાબુલ, કંદહાર અને સીસ્તાનથી મળ્યા છે. ઇતિહાસકાર સ્ટ્રેબોના મતે બૅક્ટ્રિયાના યવનોની સત્તા એરિયાના પર એટલે પૂર્વ ઈરાનથી માંડીને હિન્દ સુધી સ્થપાયેલી. તેમાં સિંધુ ડેલ્ટા, સારાઓસ્ટોસ (સુરાષ્ટ્ર) અને સીગેરદીસ(સાગરદ્વીપ = કચ્છ)નો સમાવેશ થતો હતો. ભારતીય પ્રદેશ ઉપર લાંબો સમય અને વિસ્તૃત વિજયકૂચ બૅક્ટ્રિયાના એઉથીદીમના પુત્ર દિમિત્રે (ઈ. પૂ. 190–165) કરી હતી. અને તે બૅક્ટ્રિયા ઉપરાંત અફઘાનિસ્તાન અને વાયવ્ય હિંદનો સ્વામી બન્યો હતો.

ઈ. પૂ. બીજી સદીના આરંભકાળે બૅક્ટ્રિયાના યવન રાજા દિમિત્રે ‘સાકેત’ (અયોધ્યા પાસે), પાંચાલ (રોહિલખંડ), મથુરા કુસુમાધ્વજ યા પુષ્પપુર (પાટલીપુત્ર) ઉપર આક્રમણ કર્યાની માહિતી ગાર્ગી સંહિતા અંતર્ગત ‘યુગપુરાણ’ દ્વારા જાણવા મળે છે. પતંજલિના ‘મહાભાષ્ય’માં પણ સાકેત અને માધ્યમિકા (રાજસ્થાનમાં ચિતોડ પાસે નાગરી) ઉપરના યવન આક્રમણની માહિતી મળે છે. દિમિત્રની લાંબી વિજયયાત્રાને લઈને બૅક્ટ્રિયા-પાર્થિયામાં સત્તાસંઘર્ષ ચાલ્યો હતો અને ત્યાં અનુક્રમે એઉક્રદિત (ઈ. પૂ. 171–150) અને મિથ્રેડેટિસની સત્તા સ્થપાઈ હતી. પરિણામે દિમિત્ર પાસે માત્ર ભારતીય પ્રદેશો જ રહ્યા હતા. તેના ચોરસ સિક્કા ઉત્તરાપથ, અપરાંત અને શાકલ(પંજાબનું સિયાલકોટ)માંથી મળ્યા છે. સ્ટ્રેબોના મતે દક્ષિણ સિંધુ વિસ્તાર અને કાઠિયાવાડ પણ તેની સત્તા નીચે હતાં. સિંધુ વિસ્તારમાં તેણે દત્તમિત્રી તથા એરાકોસિયા(કંદહાર)માં ‘ડિમેટ્રિપૉલિસ’ નગરો વસાવ્યાં હતાં.

દિમિત્ર પાસેથી બૅક્ટ્રિયાની સત્તા પડાવી લેનાર એઉક્રદિતનો પુત્ર હેલિયોક્લીઝ પણ બૅક્ટ્રિયા જાળવી શક્યો નહિ અને તેના પિતાએ મેળવેલા ભારતીય પ્રદેશમાં ખસી ગયો હતો. તક્ષશિલા આસપાસના વિસ્તારમાં તેણે શાસન સંભાળ્યું હતું. દિમિત્રના મૃત્યુ પછી (ઈ. પૂ. 165) તેના વારસદારો એગાથોક્લીઝ અને સ્ટ્રેટો–1ના સંયુક્ત સિક્કાઓને હેલિયોક્લીઝે પોતાના નામે ફરી ટંકાવ્યા હતા.

બૅક્ટ્રિયા ગુમાવ્યા પછી તક્ષશિલા અને શાકલના ભારતીય પ્રદેશો ઉપર અને મધ્ય તેમજ દક્ષિણ અફઘાનિસ્તાન ઉપર યવનોની સત્તા બે સદી સુધી ટકી રહી હતી. આ સમય દરમિયાન ત્રીસેક જેટલા ઇન્ડો-ગ્રીક રાજાઓ થઈ ગયા હતા. આ રાજાઓમાં સૌથી નોંધપાત્ર મિલિન્દ (ઈ. પૂ. 115–90) હતો. તેના સિક્કાઓ કાબુલ ખીણ વિસ્તાર, સિંધુ ઘાટી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને કાઠિયાવાડથી મળ્યા છે. તેનું શાસન મધ્ય અફઘાનિસ્તાન, વાયવ્ય હિંદ, પંજાબ, સિંધ, રાજપૂતાના અને કાઠિયાવાડના પ્રદેશો ઉપર હતું અને રાજધાની શાકલમાં હતી. ઈ. પૂ. 165 પછી શક અને યુએચી ટોળીઓ બૅક્ટ્રિયા, પાર્થિયા, અફઘાનિસ્તાન અને ભારતીય પ્રદેશ ઉપર ઊતરી આવી હતી. પરિણામે યવન દેશના સ્વતંત્ર અસ્તિત્વનો ધીરે ધીરે અંત થયો હતો.

મોહન વ. મેઘાણી